કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૪૦. શ્રી અરવિંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૦. શ્રી અરવિંદ| સુન્દરમ્}} <poem> '''(૧)''' અહો, તું ઇહ ભૂતલે સહુ તલો...")
(No difference)

Revision as of 11:39, 2 August 2021

૪૦. શ્રી અરવિંદ

સુન્દરમ્

(૧)
અહો, તું ઇહ ભૂતલે સહુ તલો મનુષ્યો તણાં
વટાવી, તુજ એક પાદ થકી સપ્ત પાતાલને
અધોજગતનાં કરી વશ, અને પદે અન્યથી
સમસ્ત તલ ઊર્ધ્વમાં સ્થિર વિરાટ આત્મા વસે.

મનુષ્ય મન પ્રાણ ને તન જ્યહીંથી પાછાં પડે
પરાસ્ત થઈ, ત્યાં જમાવી નિજ સ્થાન, આ ભૂમિ-પે
ચહે વિચરવા પરાત્પરની દિવ્ય હર્મ્યાવલિ,
જ્યહીં વિલસશે પ્રફુલ્લ પરમાત્મચૈતન્ય તે.

જગત્ વિઘટતી અરોધ્યગતિ શક્તિના પુંજને
કરે ગુલછડી-સમો ધરી, પ્રગાઢ જ્ઞાનાબ્ધિઓ
ધરી કરપુટે, અખૂટ કરુણાભરી મૈત્રીથી
ઝમે તું હિમટૂંક-શો જલ જગે ના ચાખ્યાં કદી.

અહો, જ્વલત દીપ્તિ ભવ્ય મુદપૂર્ણ માંગલ્યની,
ક્યાં હવિ થકી તૃપાય તવ અર્ચિ આનન્ત્યની?

મે, ૧૯૪૪
(૨)
‘ક્યાં હવિ થકી?’ સ્ફુરે સ્મિત ઉદાર એ ચક્ષુમાં,
અને જગત ભક્ષતી અનલજ્યોત ત્યાંથી ઝગે,
અમારી સઘળી અહંની તૃણપૂંજીઓ દાહતી,
ક્ષણાર્ધ મહીં ભસ્મ એક ચપટી શી તેની રચે.

નસેનસ વિષે બળ્યો અણુ-સમો શું અવશિષ્ટ કો
અસહ્ય કણ આત્મનો ભસમમાંથી તે ઉદ્ધરી,
ધરી કર વિષે તું કો અમૃત વર્ષતી શીતળી
મુદ્દા બૃહત સીંચી ત્યાં નવલ દિવ્યતાને ખચે.

અને ઘડીક ઓષ્ઠ પ્રાન્ત સ્ફુરી સ્પષ્ટ વાચા સ્ફુરે,
ક્ષુરા નિશિત શીઃ ‘અરે, મનુજતાનું બંધાણ આ
અપંગ અરધાંધ દીન, જગનાં બળોનાં જલે
અનાથ અથડાતું એ પ્રકૃતિહસ્તમાં પૂતળું.

ચહે તું યદિ દિવ્યતા, મનુજતાની પૂંજી બધી
અહીં અરપી, જા લઈ પ્રભુ તણી સુધા ભાસ્વતી.’

મે, ૧૯૪૪

(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૦૭)