કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૪૬. પ્રભુ, દેજો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૬. પ્રભુ, દેજો| સુન્દરમ્}} <poem> પ્રભુ, મારી અંધારી રાત્યુંને...")
(No difference)

Revision as of 11:51, 2 August 2021

૪૬. પ્રભુ, દેજો

સુન્દરમ્

પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલા જી,
મારી અંજવાળી રાતડીને ચાંદ,
કે ઊજળા દિનોને દેજો ભાણ જી. — પ્રભુ મારીo

પ્રભુ, મારી ફોરમને દેજો એનાં ફૂલડાં જી,
મારા વગડાને દેજો એનાં ઝાડ,
કે ધરતીને દેજો એનાં આભ જી. — પ્રભુ મારીo

પ્રભુ, મારી ચણને દેજો રે ચણનાર જી,
મારાં પાણીડાંને દેજો એના તીર,
કે સમદરને દેજો એના લોઢ જી. — પ્રભુ મારીo

પ્રભુ, મારા આંગણાંને દેજો એનાં બાળુડાં જી,
મારા ગોંદરાને દેજો રે તળાવ,
કે ગાવડીને દેજો એનાં દૂધ જી. — પ્રભુ મારીo

પ્રભુ, મારા મનડાને દેજો એનાં માનવી જી.
મારા દિલડાને દેજો એનું દિલ,
કે આતમાને દેજો એના રામ જી. — પ્રભુ મારીo

૨૮ જાન્યુઆરી, ૧૯૫૬

(મુદિતા, ૧૯૯૧, પૃ. ૨૨)