સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ડોનોવાન પેડેલ્ટી/રક્તપિત્તથીય વધુ ભયાનક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} રેલગાડીની પાટલી પર કોઈ રક્તપિત્તિયું માનવી બેઠું હોય, તો...")
 
(No difference)

Latest revision as of 11:58, 1 June 2021

          રેલગાડીની પાટલી પર કોઈ રક્તપિત્તિયું માનવી બેઠું હોય, તો તેની પડખે જઈને તમે સુખેથી બેસશો? એની સાથે હાથ મિલાવશો? નહીં? તો એ માટે તમને કોઈ દોષ નહીં દે — સિવાય કે પેલાં ગણ્યાંગાંઠયાં લોકો, જે રક્તપિત્ત વિશેનું સત્ય જાણે છે. સાચી વાત એ છે કે ફક્ત બાળકો સિવાયના બીજા બધા મનુષ્યો માટે રક્તપિત્ત ચેપી રોગ છે નહીં અને કદી હતો પણ નહીં. જો કોઈ માણસને નાનપણમાં જ પતિયાંનો સંસર્ગ ન થયો હોય, તો પછી બાકીની આખી જિંદગીમાં એ ચાહે તે કરે તો પણ તેને રક્તપિત્ત લાગુ નહીં જ પડે એવી ૯૯.૯ ટકા ખાતરી વિજ્ઞાન આપે છે. વળી નાનપણમાં પણ બાળક વારંવાર પતિયાંના સંપર્કમાં આવે તો જ એને રક્તપિત્તનો ચેપ લાગે. ફરી ફરીને એ રીતનો સંસર્ગ થાય ત્યારે જ ચેપને બાળકના શરીરમાં પ્રવેશ મળે છે. અને પછી એકથી વીસ વરસ સુધી શાંત પડયો રહીને પણ એ ચેપ પોતાનો પરચો બતાવે છે. માતા કે પિતા રક્તપિત્તનાં રોગી હોય તો તેમના બાળકને એ રોગ વારસામાં મળે છે, તેની પણ કોઈ સાબિતી નથી. પતિયાં માબાપનું બાળક પણ જન્મે છે ત્યારે બિલકુલ તંદુરસ્ત હોય છે. પરંતુ રોગિષ્ટ માતા કે પિતા સાથે બાળક તરીકેના એના સતત સંપર્કને લીધે જ પાછળથી એ બાળકને રક્તપિત્તનો ચેપ લાગુ પડે છે. એટલે કે તેમાં બે શરતો મહત્ત્વની છે : બાળપણ તેમજ સતત સંસર્ગ. બાળપણમાં એકાદ વાર સંસર્ગ થયો હોય, તો તેનો ભય નથી. અને મોટપણમાં વારંવાર સંસર્ગ થાય તો પણ તેનાથી ચેપ લાગતો નથી. રક્તપિત્તનાં જંતુઓ ક્ષયનાં જંતુને ઘણાં મળતાં આવે છે. પરંતુ ક્ષયના કરતાં રક્તપિત્ત એકસોગણો ઓછો ચેપી છે. રક્તપિત્ત એ કોઈ અસાધ્ય રોગ નથી. કોઈને તે એક વાર લાગુ પડયો, એટલે તેનું આવી જ બન્યું, એવું નથી. એ રોગને ડાંભી શકાય છે, માનવદેહમાંથી તેને સમૂળગો કાઢી પણ શકાય છે. હવે જેનો ઇલાજ કરવાનો બાકી રહ્યો છે તે તત્ત્વ પતિયાંમાં નથી (એ તો થોડા વખતમાં જ ‘ભૂતપૂર્વ પતિયાં’ બની જશે), પણ આપણામાં છે. રક્તપિત્ત કરતાં પણ વધુ ભયાનક રોગ તો છે રક્તપિત્તના ફફડાટનો. [‘યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ’ માસિક]