મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મામેરું કડવું ૧૩: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૩|રમણ સોની}} <poem> રાગ મારુ ભક્ત નરસૈયાનું દુખ જાણી રે,...") |
(No difference)
|
Revision as of 11:27, 12 August 2021
રમણ સોની
રાગ મારુ
ભક્ત નરસૈયાનું દુખ જાણી રે, ઊઠી ધાયા પુરુષ પુરાણી રે;
થયા શેઠ તે સારંગપાણિ રે, સાથે લક્ષ્મીજી શેઠાણી રે. ૧
નંદ-સુનંદ સેવક સાથે રે, વસ્રગાંઠડી તેહને માથે રે;
રથ ઉપર બેઠા શ્રીગોપાળ રે, ધોરીને ઘમકે ઘૂઘરમાળ રે. ૨
લોકે ઓળખ્યા નહિ જગદીશ રે, સાથે વાણોતર છે દસવીસ રે;
સર્વે જોઈ જોઈ વિસ્મે થાય રે, પ્રભુ આવ્યા મંડપ માંહ્ય રે. ૩
છડીદારો વાટ મુકાવી રે, નાગરીનાત જોવાને આવી રે:
‘આ વહેવારિયો કોણ આવ્યો રે? સાથે ગાંઠડી શાની લાવ્યો રે?’ ૪
કો ન જાણે ત્રિભુવનભૂપ રે, વિઠ્ઠલે લીધું વાણિયાનું રૂપ રે;
રથ ઉપરથી ઊતરિયા રે, હરિ સભા માંહે સાંચરિયા રે. ૫
ખટ દર્શને ખોળ્યો ન લાધે રે, જેને ઉમિયાપતિ આરાધે રે;
ન જડે ધ્યાને, દાને બહુ યાગે રે, તે હરિહીંડે અણવાણે પાગે રે. ૬
જે ચૌદ લોકના મહારાજ રે, મહેતા માટે થયા બજાજ રે;
શોભે વાઘો કેસરી છાંટે રે, બાંધી પાઘડી અવળે આટે રે. ૭
કાને કુંડળ હીરે જડિયાં રે, નેત્ર પ્રલંબ શ્રવણે અડિયાં રે;
એક લેખણ કાને ખોસી રે, ધર્યું નામ દામોદર દોશી રે. ૮
ઝીણા જામા પટકા ભારે રે, હરિ હળવે હળવે પધારે રે;
ઝીણી પછેડી ઓઢી નાથે રે, બેઉ છેડા ઝાલ્યા છે હાથે રે. ૯
વીંટી-વેલિયાં કર-આંગળિયે રે, સાદાં મોજાં પહેર્યાં શામળિયો રે;
ઘણા વાણોતર છે સાથે રે, કોણે ઝોળો ગ્રહ્યો છે હાથે રે. ૧૦
ઘણા સેવક સેવામાં સજ રે, છે ઉદ્ધવના કરમાં ગજ રે;
પ્રભુ પૂંઠે કમળા રાણી રે, સભા મોહી જોઈ શેઠાણી રે. ૧૧
ઊતર્યાં નાગરીઓનાં અભિમાન રે, જાણે ઊગ્યા શશિયર-ભાણ રે;
ભાલે ભમર ભાવે વિરાજે રે, શીશફૂલ રાખડી છાજે રે. ૧૨
વિશાળ લોચન ચંચળ ચાલે રે, કેશું ખંજન પડિયાં ગાલે રે;
છે અધર બિંબ-પરવાળી રે, ઉપર ઢળકે વેસરવાળી રે. ૧૩
બાજુબંધ ગળુબંધ માળ રે, નવસર હાર ઝાકઝમાળ રે;
કટિ ઘમકે ક્ષુદ્રઘંટાળી રે, પહેરણ પચરંગી ફાળી રે. ૧૪
ઝમકે ઝાંઝર ઉજ્જવળ પાગે રે, વીંછિયા-અણવટ છંદે વાગે રે;
પહેરી પચરંગી પટોળી રે, જુએ મર્મે નયણાં ઘોળી રે. ૧૫
જડાવ ચૂડો કર ખળકાવે રે, માયા મહેતીરૂપે આવે રે;
મોહી સભા અંબાને નીરખી રે, દેવી દીસે વાણિયણ સરખી રે. ૧૬
લલિતા વિશાખા બે ખાસી રે, છે ભક્તિ મુક્તિ ચાર દાસી રે;
સંગે આવે દેવાધિદેવ રે, મહેતે ઓળખ્યા હરિ તત્ખેવ રે: ૧૭
‘ભલે આવ્યા શેઠ શામળિયા રે,’ મહેતો માધવજી-શું મળિયા રે:
ભેટી બોલ્યા સુંદરશ્યામ રે: ‘મારું પ્રગટ ન લેશો નામ રે. ૧૮
રખે વાત અમારી ચર્ચો રે, તમારે જે જોઈએ તે ખર્ચા રે;
કુંવરબાઈના પૂરો કોડ રે, એમ કહી બેઠા રણછોડ રે. ૧૯
પછે સભા સરવ સાંભળતાં રે, હરિ વચન બોલે છે વળતાં રે:
‘જાઓ, શેઠાણી! દુખ કાપો રે, કુંવરબાઈને રુદિયાશું ચાંપો રે.’ ૨૦
એવું સાંભળી કમળા હીંડ્યાં રે, કુંવરબાઈને રુદિયાશું ભીડ્યાં રે:
‘મારી મીઠી! ન ભરિયે આંસુ રે, તેડો ક્યાં છે તમારી સાસુ રે.’ ૨૧
મળી નાગરીઓ કરે વિચાર રે, જોઈ રૂપ મૂક્યો અહંકાર રે;
વેવાણ કમળાને એમ પૂછે રે: ‘મહેતા સાથે સગપણ શું છે રે?’ ૨૨
કોકિલા-સ્વર સુધારસ-વાણી રે, તવ હસી બોલ્યાં શેઠાણી રે:
વેવાણ! નથી તમે જાણિયાં રે? તમો બ્રાહ્મણ ને અમો વાણિયા રે. ૨૩
વેપાર દોશીનો, ઘેર કોઠી રે, અમારે ઓથ નરસૈયાની મોટી રે;
ધન મહેતાજીનું અમો લીજે રે, વેપાર કાપડનો કીજે રે. ૨૪
અમો આવ્યા મોસાળું કરવા રે, ઠાલી છાબ તે વસ્રે ભરવા રે;
મહેતે જે જે વસ્ર મંગાવ્યાં રે, અમો લખ્યા પ્રમાણે લાવ્યાં રે.’ ૨૫
એમ કહી બેઠાં શેઠાણી રે, સરવ નાગરી સાંસે ભરાણી રે;
તેડ્યા શ્રીરંગ મહેતો વહેવાઈ રે, ભાવે ભેટ્યા શ્રીજદુરાઈ રે. ૨૬
ત્યારે વિસ્મે થયા સહુ નાગર રે, ભરી છાબ તે કરુણાસાગર રે;
મહેતાને કહે વનમાળી રે: ‘કરો પહેરામણી સંભાળી રે. ૨૭
વલણ
સંભાળી કરો પહેરામણી,’ એમ કહે સુંદરશ્યામ રે:
‘વળી ઘટે તે સોંપજો અમો વાણોતર સરખું કામ રે.’ ૨૮