મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /હૂંડી કડવું ૭: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૭| રમણ સોની}} <poem> રાગ ધન્યાશ્રી :::: લેખણ લીધી શ્રીલક્ષ્...") |
(No difference)
|
Revision as of 05:32, 13 August 2021
રમણ સોની
રાગ ધન્યાશ્રી
લેખણ લીધી શ્રીલક્ષ્મીવરે,
મહેતાજીને કૃષ્ણ વીનતી કરે. ૧
કાગળ ભીંજે ને આંસુડાં ખરે,
ઓધવ આવી આડો કર ધરે ૨
ઢાળ
ધરે હાથ ન આંસુ ગ્રહે, અમર અંતરિક્ષ જોય રે;
ભૂતળ માંહે ભાગ્ય મોટું: નરસૈયા સમો નહિ કોય રે. ૩
‘સ્વસ્તિ શ્રીજૂનાગઢ સ્થાને, મહેતોજી નરસહીં રે!
હૂંડી સ્વીકારી આવતાં, જાણજો તમો સહી રે. ૪
શ્રીદ્વારિકાથી લિખિતંગ શામળશા વાણોતર રે;
આપણ બંન્યો એક છું, રખે જાણતા પર રે; ૫
તમારી વતી અમો સેવું છું દ્વારિકા ગામ રે;
અજર-આળસ નહિ કરું આવાં કોટિક લખજો કામ રે. ૬
આડત તમારી પહોંચશે, પત્રની જોઉં છું વાટ રે;
શુભ કામ કાસદ લાવશે, વિશ્વાસ માહારું હાટ રે ૭
વળી વારું છું વિશ્વાસ મૂકી, રખે વહાતો તાળ રે;
એક પલક દાસ દમાય ત્યારે અમો ઓઢી ચાળ રે. ૮
ઠગ લોક આ સંસારના નહિ જાચે શું-શુંય રે?
ના ન કહેશો કોઈ વાતની, છું આપનારો હુંય રે. ૯
તીરથવાસીને પત્ર આપ્યું, ભક્તનું ભગવાન રે;
જાત્રાળુ તો જોઈ રહ્યા: હરિ હવા અંતર્ધાન રે. ૧૦
તીરથવાસી કર ઘસે અને ધૂણે વળી શીશ રે:
‘આપણે રૂપૈયા દીઠા, પણ નવ દીઠા જગદીશ રે. ૧૧
છે નરસૈયો વહેવારિયો, આપ્યા રૂપૈયા રોક રે;
શામળશા તે આંહાં વસે, શું જાણે જૂઠા લોક રે?’ ૧૨
એક માસ દ્વારિકા રહ્યા, ને પૂજ્યા જાદવરાય રે;
તીરથવાસી પછે ફરીને આવ્યા જૂનાગઢ માંહ્ય રે. ૧૩
આવી નરસૈયાને પાય પડિયા: ‘સાચો તાહારો શેઠ રે;
ભાઈ! વણોતર તે તું ખરો, બાકી સરવ દૈવની વેઠ રે. ૧૪
મહેતાજીએ પત્ર વાંચ્યું જે લખ્યું શ્રીમહારાજ રે;
‘ધન્ય ધન્ય માહારા નાથજી! કોણ તમ વિણ રાખે લાજ રે?’ ૧૫
છે વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ રે;
બહરાનપુર પરદેશ કીધો ઉદર ભરવા કામ રે. ૧૬
સંવત સત્તર તેત્રીસા વરષે ઉત્તમ માસ વૈશાખ રે,
વદિ પ્રતિપદાએ પદબંધ કીધો અંતરને અભિલાખ(ષ)રે. ૧૭
ચતુર્વિશી નાત બ્રાહ્મણ, કૃષ્ણસુત પ્રેમાનંદ રે;
હરિકૃપાએ હુંડી કથી તે અંતર-શું આનંદ રે. ૧૮
પદબંધ આ હૂંડી તણો થયો તે હસનાપુરી માંહ્ય રે;
શ્રોતાજન ‘શ્રીકૃષ્ણ’ બોલો: વૈકુંઠપ્રાપ્તિ થાય રે. ૧૯