સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દિનકર જોષી/ઝીણા અને ધર્મ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ઝીણાને અને ધર્મને શો સંબંધ હતો એ જાણવા માટે એમના જીવનની થ...")
 
(No difference)

Latest revision as of 12:50, 1 June 2021

          ઝીણાને અને ધર્મને શો સંબંધ હતો એ જાણવા માટે એમના જીવનની થોડીક ઘટનાઓ જોઈ લઈએ: ૧. ઝીણા આગાખાની સંપ્રદાયના ઇસ્માઇલી ખોજા હતા. ૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપના આગાખાનના વડપણ હેઠળ થઈ. આગાખાને ઝીણાને આ લીગમાં જોડાઈ જવા આગ્રહ અને એક રીતે કહીએ તો દબાણ કર્યું. ઝીણાએ કહ્યું, પોતે સહુપ્રથમ ભારતીય છે અને પછી મુસલમાન છે. મઝહબી વડા આગાખાનના વધુ દબાણથી બચવા માટે ઝીણાએ ઇસ્માઇલી સંપ્રદાય ત્યજી દીધો અને અસ્ના અશરી ખોજા સંપ્રદાયમાં ભળી ગયા. ૨. દેશના મુસલમાનો જ્યારે નિષ્પ્રાણ થયેલી ખિલાફતમાં પ્રાણ ફૂંકવા તમામ તાકાતથી ચારેય બાજુથી હવા ફૂંકી રહ્યા હતા ત્યારે ગાંધીજી અને કોંગ્રેસે, દુનિયાભરના પ્રવાહોથી વિરુદ્ધ જઈને ખલીફાનું સમર્થન કર્યું. પણ ઝીણાએ એનો વિરોધ કર્યો અને કહ્યું, “ખલીફાને અને આપણા દેશના સ્વાતંત્ર્યને શું સંબંધ છે? આપણે તો સ્વાતંત્ર્ય માટે લડવાનું છે, ખલીફા માટે નહિ.” ૩. મુસ્લિમ ધર્મના કોઈ નીતિનિયમો ઝીણા પાળતા નહોતા. એની કોઈ માહિતી સુધ્ધાં ઝીણાને નહોતી. એમણે ‘કુરાન’ વાંચ્યું નહોતું. ક્યારેય મસ્જિદમાં ગયા નહોતા. ૪. હૈદરાબાદની એક અદાલતમાં છેક ૧૯૪૧માં એક ખટલામાં ઝીણા અને તેજબહાદુર સપ્રુ સામસામા વકીલ હતા. ઝીણાના એક સાક્ષીએ પોતાની વાતના સમર્થનમાં ‘કુરાન’ની બે આયાતો ટાંકી. અંગ્રેજ ન્યાયાધીશે ઝીણાને આ ઉર્દૂ આયાતોનું ભાષાંતર કરવા સૂચવ્યું. ઝીણાને એ મુદ્દલ આવડતું નહોતું. એમણે વકીલી વાક્છટાથી કહ્યું, “એ કામ મારું નથી, અદાલતનું છે.” સપ્રુ ઝીણાનું અજ્ઞાન જાણતા હતા એટલે એમણે અદાલતનો સમય બચાવવા વચ્ચે પડીને કહ્યું, “જો અદાલતને વાંધો ન હોય તો આ અનુવાદ હું કરી આપું.” જજે સંમતિ આપી અને સપ્રુએ અનુવાદ કરી આપ્યો. બીજે દિવસે હૈદરાબાદનાં અખબારોએ લખ્યું: “કુરાનની આયાતો મૌલાના તેજબહાદુર સપ્રુ સમજાવે છે, પંડિત ઝીણા નહિ.” ૫. પુત્રી દીનાએ જ્યારે પારસી યુવક સાથે લગ્ન કરવાનો નિર્ધાર પ્રગટ કર્યો ત્યારે ઝીણાએ એને ઘરમાંથી હાંકી કાઢી હતી. જો એ મુસ્લિમ યુવકને પરણે તો જ એનો સ્વીકાર કરશે એમ કહ્યું. ખુદ પોતે પારસી કન્યાને પરણ્યા હતા, પણ પુત્રીને પારસી યુવક સાથે પરણાવવા તૈયાર નહોતા. આનું કારણ એ કે હવે એ મુસ્લિમ લીગના પ્રમુખ બન્યા હતા. [‘દિવ્ય ભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]