બાળનાટકો/‘વડલો’ની પ્રસ્તાવના— કાકા કાલેલકર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{SetTitle}} {{Heading|‘વડલો’ની પ્રસ્તાવના— કાકા કાલેલકર| — કાકા કાલેલકર}} {{Poem2Open}} ક...") |
(No difference)
|
Revision as of 09:05, 14 August 2021
{SetTitle}}
— કાકા કાલેલકર
કલાકૃતિને પ્રસ્તાવના લખવાની પ્રથા કલાકાર બર્નાર્ડ શોએ ભલે પાડી હોય; પણ એમાં કલાનું ગૌરવ સચવાતું નથી એટલું તો કહેવું જ જોઈએ. કલાકૃતિનું આકર્ષણ સ્વયંભૂ હોય, સ્વાભાવિક હોય, સ્વત:સિદ્ધ હોય. કસ્તુરીમાં ગંધ છે એ સિદ્ધ કરવા માટે કોઈ સોગન નથી ખાતું. છતાં એ પ્રથા ચારેકોર ફેલાયેલી છે કે પ્રસ્તાવના વગર કોઈ પણ કૃતિ સમાજ આગળ રજૂ કરાય જ નહિ. જૂના નાટકકારો સૂત્રધારના મોઢામાં પોતાને જોઈતી પ્રસ્તાવના પોતે જ બેસાડી દેતા અને નાટક ભજવતી વખતે સૂત્રધાર પ્રેક્ષકોને નાટકનાં રમ્ય સ્થળો કયાં કયાં એ સ્પષ્ટ શબ્દોમાં કહેતો. ‘આ હસવાનું સ્થાન,’ ‘અહીં રોવું જોઈએ,’ ‘અહીં તાળી પાડવી જોઈ એ,’ એમ સમાજમાં ભજવાતાં નાટકોનો સૂત્રધાર પ્રેક્ષકોને સૂચના આપ્યા કરે. એ જ પ્રથાએ હવે પ્રવેશક કે પ્રસ્તાવનાનું રૂપ ધારણ કર્યું છે. પ્રજામાં પૂરતી રસિકતા નથી, વિવેચકશક્તિ નથી, એમ માનીને જ આ ઉપાયો યોજવામાં આવે છે. પ્રસ્તાવનાની જરૂર એક બીજા કારણસર પણ હોય છે. કવિ જો ગૂઢ ભાષામાં લખે, જો એમાં સૂક્ષ્મ રીતે ધ્યેયવાદનું સૂચન રાખે, જો કોઈ રૂપક એની પાછળ રહેલું હોય, તો તે બધું ઉઘાડું કરવા માટે પ્રસ્તાવનાની જરૂર અવશ્ય હોય છે. એ રીતે પ્રસ્તાવના એ રસિકતાની કેળવણી છે. આ ‘વડલો’નો સંભવ કારાવાસમાં થયો છે. ત્યાં જ એ ફૂલ્યોફાલ્યો અને બહાર આવીને તેણે પોતાની વડવાઈઓ વધારી. જેલના દિવસોમાં કેટલાય મિત્રોને એણે આનંદ આપ્યો હશે; બહાર આવ્યા પછી કેટલાયને એ આનંદ આપતો રહેશે. આનંદ આપવાની એની એ શક્તિ શામાં રહેલી છે? મનુષ્યજીવનમાં મોટામાં મોટી વસ્તુ સમભાવ છે. વાતો કરવામાં આપણને જે આનંદ આવે છે તે સમભાવનો જ હોય છે. જે જાતની લાગણી પોતાને થઈ તે જ પોતાની વાત સાંભળનારને 5ણ થવાની એ જાતના વિશ્વાસથી જ આપણે બોલવાને પ્રવૃત્ત થઈએ છીએ. એ અપેક્ષા તૃપ્ત થયેલી જોઈ આપણને એક નવી જ જાતનો આનંદ થાય છે. એ આનંદ ઇંદ્રિયજન્ય નથી; ઇંદ્રિયગમ્ય પણ નથી. એ તો હૃદયજન્ય, બુદ્ધિગ્રાહ્ય અને સ્વસંવેદ્ય હોય છે. અને માટે જ એનું સુખ આત્યંતિક હોય છે. પ્રાચીન કાળથી મનુષ્ય એ આનંદ વિવિધ રીતે મેળવતો આવ્યો છે. કાવ્યસૃષ્ટિની શરૂઆતમાં બધી જ કૃતિમાં મુગ્ધતા સહેજે આવતી. પણ જતે દહાડે મુગ્ધતાનું સ્થાન પ્રૌઢતાએ લીધું. એમાંથી શણગાર પેદા થયો. અલંકારોની દમકઝમક વધી. વેષભૂષા તળે નૈસર્ગિક સૌંદર્ય દબાઈ ગયું, અને બધે કુત્રિમતા ફેલાઈ. અકળાયેલી સદ્અભિરુચિએ કાવ્યાનંદને બચાવવાનો ફરી પ્રયત્ન કર્યો; અને સાદાઈની ઉપાસના શરૂ કરી. આ સાદાઈ એકાએક ન આવી શકી. કાવ્યનો રસ શામાં રહેલો છે. આનંદનું સ્થાન કયું, એનો મન સાથે નિર્ણય ન થયેલો હોવાથી સંસ્કારી કવિઓએ બીતાંબીતાં એકએક શણગાર ઉતારવા માંડ્યો. અંતે ખાતરી થઈ કે કાવ્યનો આનંદ કેવળ સહૃદયતા, ઔચિત્ય અને પ્રમાણબદ્ધતામાં જ રહેલો છે. આના અનુભવ પછી રચાયેલાં કાવ્યો સાદાઈની કમાલ કરે છે; અને છતાં આહ્લાદ આપે છે. એટલું જ નહિ પણ જીવનની દૃષ્ટિ જ બદલાવી નાખે છે. આ નવી સાદાઈ એ અસલી મુગ્ધતા તો નહિ જ, એ ધ્યાનમાં રાખવું જોઈએ. મુગ્ધતા એક વાર ગઈ તે પાછી આવવાની નથી. મુગ્ધતા અનેક રીતે ખડબચડી પણ હોય છે. મુગ્ધતામાં આત્મવિશ્વાસ કેળવેલો નથી હોતો. મુગ્ધતામાં સ્વાભાવિક જુસ્સો અથવા વીર્ય વધારે હોય છે. મુગ્ધતા અથડામણની અપેક્ષા નથી રાખતી. પણ અથડામણ પ્રાપ્ત થાય તો તેને માટે એની તૈયારી સ્વાભાવિક હોય છે. સંસ્કારજન્ય સાદાઈ આથી જુદી જ હોય છે. ચારે ધામની યાત્રા કરી ઘેર આવી બેઠેલા ચતુર પુરુષની પેઠે આ સાદાઈમાં અનુભવનું ગૌરવ હોય છે. ન કહેવાનું ભૂલથીયે કહ્યું નથી એટલો આત્મવિશ્વાસ એમાં હોય છે. સારાસારના વિવેકી અનાવશ્યક વસ્તુને દૂર કરવાની શિષ્ટતા એમાં હોય છે. અને જે કહ્યું છે એની અસર થવાની જ છે એનો પૂરેપૂરો વિશ્વાસ રહે છે. આટલો લાભ મેળવતાં જુસ્સાનો કાંઈક ભોગ આપવો પડે છે; પણ તે અપરિહાર્ય છે. વનશ્રીના ઘરેણા રૂપ સરોવર કોઈ કાળે વર્ષાસમેની રેલનો ઓઘ બતાવી શકે ખરું? મુગ્ધતાને ઠેકાણે સ્વાભાવિકતા આવ્યા પછી પણ અમુક કથાવસ્તુ અને અમુક ગૂઢ આધ્યાત્મિક બોધ જો કલાકૃતિમાં ન હોય તો એ આકર્ષક નહિ થાય એ બીક તો કવિઓમાં ઘણી વાર હોય જ છે. કથાવસ્તુ જો ટાળવું જ હોય તો કવિઓ કોઈ લોકવિશ્રુત ઐતિહાસિક કે પૌરાણિક પ્રસંગ સૂચનનો આધાર લઈ તેની ધરતી પર પોતાનું ચિત્રણ કરે છે; જેથી કથાવસ્તુનો વિસ્તાર કરવાની આવશ્યકતા ન રહે અને છતાં એનું વાતાવરણ તો મળે જ. મધ્યકાલીન કવિઓએ હમેશ આ જ માર્ગ આક્રમ્યો છે. પણ સંપૂર્ણ સ્વાભાવિકતાને આ બંધન પણ ન હોવું જોઈએ. વારુ ત્યારે; આ બંધન પણ છોડી દીધું. પણ કાવ્યમાં જીવનગૌરવ લાવવા માટે ગૂઢ આધ્યાત્મિક બોધ તો આવશ્યક છે જ ને? કહેવું પડે છે ‘હા અને ના.’ જીવનને અંગે જે કાંઈ ચિત્રણ હોય તેમાં સ્વભાવત: જ અધ્યાત્મ બોધ રહેલો હોય છે. પણ તે પ્રયત્નપૂર્વક દેખાડવાની જરૂર હોય જ છે એમ નહિ. આરોગ્ય સાથે લાવણ્ય જેમ એની મેળે આવી જાય છે તેમ જીવનના યથાર્થ દર્શન સાથે અધ્યાત્મદર્શન હોય જ છે. એને સ્પષ્ટ રૂપમાં પ્રગટ કરવાની જરૂર નથી હોતી. ઘણી વાર પ્રગટ કરવાના પ્રયત્નમાં એ એકાંગી અને સંકુચિત થઈ જવાનો ભય રહે છે. અધ્યાત્મ એ અંતે જીવનનું રહસ્ય છે. શ્રદ્વા કે અનુભવથી જ એ કળી શકાય છે. એના પ્રત્યય વગર સ્પષ્ટ કે અસ્પષ્ટ એવું એનું સૂચન કરવું એ ગમે તેટલું રસિક હોય તોયે એમાં સચ્ચાઈ તો નથી જ. અધ્યાત્મ એ હિંદુસ્તાનના હાડમાં રહેલું છે. આપણી દૃષ્ટિ, આપણી સમજણ અને આપણી મનોવૃત્તિ એ જૂના વારસાને લીધે અધ્યાત્મથી તરબોળ રહેતી આવી છે. તેથી આપણાં લખાણોમાં અધ્યાત્મ અનાયાસે સ્ફુરતું આવ્યું છે. પણ આજે એ સ્થિતિમાં કાંઈક ફરક થયો છે. આજે કાવ્યની શોભા ખાતર સંધ્યાના પ્રકાશ સમું અસ્પષ્ટ અધ્યાત્મ ઠેકાણેઠેકાણે વેરવાનો રિવાજ થઈ ગયો છે. મહર્ષિનો પુત્ર કવિસમ્રાટ એમ કરે તો તેથી સંસાર પંડિત થવાનો, ભાષા મંડિત થવાની. પણ એ એક ફક્ત રિવાજ થઈ બેસે તો એ મોટી હાનિ જ કહેવાય. કવિઓએ સૌથી પ્રથમ સાચવવાની વસ્તુ આત્મનિષ્ઠા છે. પોતાનો અનુભવ, પોતાની દૃષ્ટિ, પોતાની શ્રદ્ધા જેવી હોય તેવી એ રજૂ કરે. જીવનમાં અધ્યાત્મ હશે તો કાવ્યમાં એ આવી બેસશે. યોગ્ય સમય ન હોય તો પ્રગટ ન પણ થાય. બીજને અંકુરિત કરવા ખાતર ચણાના ખારાનાં પુટ ચડાવવાથી જાદુગરનો ખેલ થાય; પણ કવિતાદેવીનો પ્રાદુર્ભાવ નહિ થાય. કથાવસ્તુય નથી અને અધ્યાત્મસૂચને નથી. તો પછી આ કૃતિમાં છે શું, એમ કોઈ જરૂર પૂછે. શું છે એ બતાવવાપણું હોય નહિ. કાવ્ય એ આસ્વાદ ખાતર છે. એમાંથી આપણી બધી શુભ ભાવનાઓ જો તૃપ્ત થાય તો કાવ્ય કૃતાર્થ થયું. એ તૃપ્તિને અંગે શું-શું જડ્યું, શું-શું મળ્યું એ પાછળથી જોવાનું હોય. કાવ્યમય વાતાવરણમાં આપણે જઈ આવ્યા એટલો આનંદ શું બસ નથી? વ્યવહારની દુનિયાને ભૂલી જઈ આદર્શ વ્યવહાર, કોમળતા અને સાત્ત્વિકતા આપણે અનુભવી શક્યા એટલું શું બસ નથી? કાવ્ય અને એની શૈલી જો એકરૂપ હોય તો સૌંદર્યનિષ્પત્તિ વિશેષ થાય છે. ‘વડલા’ની શૈલી ધીરોદાત્ત વટવૃક્ષ જેવી જ હોવી જોઈ એ. એકાદ સાર્વભૌમ કલ્પનાની આસપાસ પાંદડાં, ટેટા અને પક્ષીની માફક આછીઆછી નાની ઘણી કલ્પનાઓ ડોલતી હોય, ચળકતી હોય અને કલ્લોલ કરતી હોય તો કાવ્ય સાંભળતાં-સાંભળતાં કાવ્યનું વટવૃક્ષ થઈ જાય છે. આ ‘વડલા’ના કાવ્યમાં આકાશ અને પૃથ્વીનાં બધાં જ કાવ્યમય બાળકો આવી ગયાં છે. ઉચ્ચ આકાશના ગ્રહ અને નક્ષત્રો આવ્યાં છે; મધ્ય આકાશના સમીર, ઝંઝાવાત અને મેઘ આવ્યા છે. પક્ષીઓ અને એમના માળાઓ છે; બાળકો અને એમના ખેલ છે. ફૂલો અને ફળો છે; તળાવ છે અને ઝરણાં છે. પણ એ બધાં એક સાથે આવતાં નથી. હિંદુ શહેરોમાં જેમ દરેક ન્યાતનો મહોલ્લો અલગ, તેમ અહીં દરેક જાતનો પ્રવેશ અલગ. આ બધી વસ્તુઓ એકબીજામાં ઓતપ્રોત થઈ જવી જોઈએ તે નથી થઈ. છતાં એ બધી વસ્તુઓ વચ્ચે સુલેહસંપ અને સહકાર છે એટલે કશું ખૂંચતું નથી. હા; કંઈક ખૂંચે છે. પેલા માસ્તરશત્રુ બાળકો ! તે આપણને ગમે છે, પણ કથાના વાતાવરણમાં એ પૂરોપૂરા ભળતા નથી. અને પશુઓને તો કવિ ભૂલી જ ગયો છે. ‘મોટા વડલા તળે બપોરને સમયે ગાયોનું મોટું ધણ ધામો નાખીને પડ્યું છે; કેટલીએક ગાયો નવરાશે વાગોળે છે; કાગડા આવીને એમનાં શીંગડાં વચ્ચે માથા પર બેઠા છે, અને ચાંચવતી એ પશુઓના આંખના ખૂણા સાફ કરે છે.’ એવું કાવ્યમય ચિત્ર એની નજરમાં જો ઠર્યું હોત તો એ ભૂલ થવા પામત નહિ. અમાનુષી અથવા અતિમાનુષી સૃષ્ટિમાં સ્વભાવચિત્રણ આલેખાયેલું હોવું જોઈએ કે નહિ એ એક સવાલ છે. કુદરતમાં જેવી સ્થિતિ દેખાય છે તેવી જ વર્ણવવી એ એક માર્ગ છે. એમાં કુદરતને સ્વભાવ અર્પેલો નથી હોતો. આબેહૂબ વર્ણનથી જ કવિ સંતોષ માને છે. એથી આગળ વધીને જ્યારે કવિ વર્ણન સાથે માનવભાવોની સરખામણી કરે છે ત્યારે મન પર છાપ જુદી જ પડે છે. કુદરતી વર્ણન પરથી પશુ, પક્ષી, ગ્રહ, તારા વગેરે વસ્તુઓને સ્વભાવ હોય છે, લાગણીઓ હોય છે એવી કલ્પના કરવી અને તે પ્રમાણે એમનો વ્યવહાર બતાવવો એ એથીયે આગળ વધેલો પ્રકાર છે. અને કુદરત સાથે વફાદાર રહેવાનો જરા સરખો પણ પ્રયત્ન કર્યા વગર જોહુકમીથી ગમે તેનો ગમે તેવો સ્વભાવ નક્કી કરી દેવો એ વળી સાવ જુદો જ પ્રકાર છે. મુગ્ધ કાવ્યોમાં આ છેલ્લો પ્રકાર વિશેષ જોવામાં આવે છે. ‘હિતોપદેશ,’ ‘પંચતંત્ર’, અથવા ‘ઇસપ નીતિકથાઓ’ તપાસતાં આ છેલ્લો પ્રકાર જોવામાં આવશે. વૈદિક કાવ્યમાં વચલો પ્રકાર કાવ્યસૃષ્ટિની સંસ્કારી મુગ્ધતા બતાવે છે. વૈદિક દેવોનાં વર્ણનો ઘડીકમાં પ્રાકૃતિક વર્ણનો થઈ જાય છે, તો ઘડીકમાં રાગદ્વેષાદિ ભાવોથી પ્રેરાયેલા ચેતનવંતા મનુષ્યસદૃશ દેવો બની જાય છે. ‘વડલા’માં આવેલાં પાત્રો પ્રાકૃતિક ઘટનાના સ્વભાવ નથી સૂચવતાં પણ પ્રાકૃતિક થયેલાં છે. આ પદ્ધતિ ગમે તેટલી સુંદર હોય તોયે એ મુગ્ધ પણ ન કહેવાય અને સ્વાભાવિક પણ ન કહેવાય. આમાં આવેલા ગ્રહો અને તારાઓ સ્વતંત્ર વ્યક્તિઓ નથી બની શક્યા. એ આકાશદર્શનની સ્થિતિમાં રહી ગયા છે. કવિની પ્રતિભાની આ અપરિપક્વતા છે એમ કોઈ માને તો તે ભૂલ છે. કવિએ પૌરાણિક નક્ષત્ર-કાવ્યો વાંચ્યાં નથી, અને આજકાલ લખાતાં આકાશદર્શનનાં વર્ણનો ધરાઈને વાંચ્યાં છે, એની એ અસર છે. નહિ તો આકાશદર્શનનું સૂચન કરવાને બદલે એણે આમાં સ્વભાવવર્ણન જ રેડ્યું હોત. આ નાટકમાં કયો બોધ સૂચિત છે? કયું આધ્યાત્મિક રૂપક એમાં ગોઠવેલું છે? મનુષ્યસૃષ્ટિનાં કેવાંકેવાં પાત્રો મનુષ્યેતર રૂપ ધારણ કરી આ નાટકમાં પોતાનો ભાગ ભજવે છે? આનો જવાબ તો કવિ પોતે જ આપી શકે. પણ નાટક તપાસતાં એમાં કશુંયે રૂપક વણાયેલું નથી એમ જ કહેવું પડશે. અને એ જ એની સવિશેષ સુંદરતા છે. આજકાલની અભિરુચિ હંમેશ માગે છે કે કાંઈક કાંઈક સૂક્ષ્મ ગૂઢવાદ અથવા આધ્યાત્મિક સિદ્ધાંત કાવ્યમાં વણેલો હોવો જોઈએ. એ જેટલો સૂક્ષ્મ અને ઓછી રીતે વ્યક્ત થયેલો હોય તેટલો વધારે સુંદર સંધ્યાના અસ્પષ્ટ પ્રકાશની પેઠે ગૂઢ અધ્યાત્મનું ઠેકાણે- ઠેકાણે સૂચન હોય અને છતાં કશું પકડાય નહિ એ સ્થિતિમાં ચિત્રમાં જે મીઠો ખેદ રહી જાય છે તેના પર આધુનિક અભિરુચિ વારી જાય છે. પણ એ ભૂમિકા કાયમ ટકે એવી નથી. સંસ્કારી સાદાઈ એથીયે આગળ થઈને કેવળ યથાર્થતા જ માગે. વાતાવરણનું લાલિત્ય, ચિત્રનો સમભાવ અને વૃત્તિની તલ્લીનતા એટલું જ હોય તોયે બસ છે. આ નાટકમાં એ જાતનું વાતાવરણ કવિ ઉત્પન્ન કરી શક્યો છે કે નહિ એટલું જ આપણે જોવાનું. આમાં અધ્યાત્મનું બીજ ભલે હોય, પણ કવિએ એને અંકુર સરખો ફૂટવા નથી દીધો. પરોપકારી પ્રપિતામહ જેવા ધીરોદાત્ત વડલાને ઉખેડી નાખવામાં ઝંઝાવાતે અથવા એના માલેક કાળે શું મેળવ્યું? શું સાધ્યું? કેવળ પોતાની શક્તિનો પરિચય? કુદરતના દેવો સુખદુ:ખ, લાભહાનિ, સગવડઅગવડ, પાપપુણ્ય વગેરે વિશે સાવ બેદરકાર હોય છે; સદાચાર કે ઔચિત્યનો એમને ખ્યાલ જ નથી હોતો. એમનો ક્ષોભ અને એમની ક્ષાંતિ એમને મન સરખાં જ હોય છે. બન્ને સ્થિતિમાં એમની મસ્તી સરખી જ તરી આવે છે. એ તો કેવળ શક્તિના પ્રતિનિધિ. રાજા સાથે દોસ્તી ન હોય એમ જૂના અનુભવીઓ કહેતા. તેમ જ કુદરત સાથે પણ દોસ્તી ન હોય એમ આજે આપણે કહી શકીએ. શાંત સમુદ્ર ઉપર મોહિત થઈને વહાણ હંકારીએ તો આપણી ભક્તિ અને અનુરક્તિની કદર કરી દરિયો તોફાની નહિ જ થાય એમ કોણ કહી શકે? કુદરતના દેવો દુષ્ટે થતા નથી અને રુષ્ટે થતા નથી. એ પોતાની મસ્તીમાં જ રહે છે. તૃપ્તિનાં ભૂખ્યાં માણસોએ જ સુખદુ:ખનું શાસ્ત્ર વિસ્તાર્યું છે અને વિષયાસક્ત પરિણામભીરુ માણસે જ પાપપુણ્યનો ભેદ ઉત્પન્ન કર્યો છે. જેની પાસે વિષય નથી તેની પાપ તરફ પ્રવૃત્તિ જ નહિ થાય. તેને પુણ્યનો લોભ પણ ન હોય. કુદરતના દેવો એ ગીતાધર્મનું પાલન કરે છે. હત્વાડપિ સ ઇમાન્ લોકાન્ ન હન્તિ ન નિબધ્યતે | એ જેમની સ્થિતિ, તેમને હાથે (જો એમને હાથ હોય તો!) એકાદ વડલાનું ઉન્મૂલન થયું તોય શું? એ તો અલિપ્ત ને અલિપ્ત જ રહેવાના; અને આપણી ભક્તિના અધિકારી ઠરવાના. એમના તરંગી પરાક્રમ આગળ ઔચિત્ય અને સદાચાર ક્ષણેક્ષણે હણાય તોયે આપણને એની ચીડ ચડતી નથી. કેમ કે એમનામાં નથી વિલાસિતા, નથી અહંકાર કે નથી આસક્તિ. એકલી શક્તિની શોભા સ્વયંસિદ્ધ હોય છે; અને એમાં પક્ષપાત કે હેતુ ન હોવાને કારણે સહેજે પવિત્રતા આવી જાય છે. એટલે જ એ કુદરતની શક્તિઓ દેવત્વ પામી શકી. મનુષ્યધર્મ એમને માટે ન હોય. મનુષ્યેતર સૃષ્ટિનાં કાવ્યો જે યુગમાં રચાયાં તે યુગમાં નૈતિક ઉપયુક્તતાવાદ બહુ પ્રબળ હશે! તેથી એવા કાવ્યમાં સ્વાભાવિકતા અને સુંદરતાનો આગ્રહ ઓછો કરીને નીતિબોધને આગળ કરેલો હોય છે. અને એ બોધની સુગમતા ખાતર કથાવસ્તુને મારી મચરડીને અમુક રૂપ આપેલું હોય છે. એ જમાનો હવે ગયો. આ વાર્તા સાંભળો અને એમાંથી આટલો બોધ ગ્રહણ કરો,’ એમ હવે કોઈ કહેતું નથી. વચમાં એવો કાળ ગયો કે જ્યારે નીતિબોધનું વલોણું કરવાનું લોકોએ છોડી દીધું. દહીંમાં જેમ માખણ હોય છે પણ જુદું પડતું નથી તેમ વાર્તામાં બોધ હોય છતાં એ અલગ કાઢેલો નથી હોતો. એ જમાનો ગયો. અને સ્વાભાવિક વર્ણન અથવા કાવ્યમાં પ્રસંગ એવી રીતે વર્ણવાવા લાગ્યા કે નીતિબોધનું સ્પષ્ટ તો શું પણ અસ્પષ્ટ સૂચન પણ કરવાનું કવિઓએ છોડી દીધું. વાતાવરણની કોમલતાને લીધે અથવા ભાવનાની ઉત્કટતાને લીધે જે કાંઈ ચારિત્ર્યશીલતા ઉત્પન્ન થાય તેટલાથી સંતોષ માનવો એ રસિકતાની ઉચ્ચ કોટિ ગણાવા લાગી. અને હવે તો જેવું છે એવું જ વર્ણન આપી છૂટવાથી પણ હૈયું કેમ પીગળી જાય છે એનો અનુભવ થવાથી એના ઉપર જ પૂરો વિશ્વાસ રાખી એને સંપૂર્ણ કાવ્ય તરીકે ઓળખવા લાગ્યા છીએ. આ પદ્ધતિમાં કવિને પોતાની કૃતિ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. સૃષ્ટિ ચૈતન્યમય છે, પોતાના વિવિધ ભાવોથી સૃષ્ટિ આપણી સાથે સમભાવ સાધે છે, અને બુદ્ધિના સાધનનો ઉપયોગ કર્યા વગર પોતાનો મૂક બોધ આપે છે એટલો જો આપણો વિશ્વાસ હોય તો સૃષ્ટિને પોતાનું કાર્ય પોતાની મેળે જ કરવા દઈશું. પછી સૃષ્ટિ ઉપર મનુષ્યભાવોનું આરોપણ કરવાનું કામ નહિ રહે. આવી સ્થિતિમાં કાવ્ય કાવ્ય મટી સાક્ષાત્મકારનું રૂપ પકડે છે. દરેક કવિને અસ્પષ્ટ રીતે અમુક ધન્ય ક્ષણે એ વસ્તુનો સાક્ષાત્કાર થાય છે. કવિ કરતાં કાવ્ય ઘણી વાર શ્રેષ્ઠ હોય છે એમ જે લોકો કહે છે તેનું રહસ્ય આ જ છે. કવિની કૃતિ અપૌરુષેય હોય છે એમ કહી કઠોર ધર્મકારોએ કાવ્યને મુક્ત કર્યું છે, અને કવિઓને એમના સ્વાભાવિક સ્થાને રહી જવાનું સૂચવ્યું છે.
જો કવિમાં ઉન્નત જીવનની ધગશ હોય તો પોતાના કાવ્ય સાથે હરીફાઈ કરી અથવા પોતાની કૃતિ ને જ ગુરુસ્થાને કલ્પી ચડી શકે છે. એ ઈશ્વરની પ્રાર્થના કરશે કે ‘હૈ આદિ કવિ! કાવ્યસૃષ્ટિમાં લઈ જઈ કોઈક કોઈક ક્ષણે મને જે પોતાનો સાક્ષાત્કાર તું કરાવે છે, એ સાક્ષાત્કારને લાયક હું બન્યું એવું પરિવર્તન મારા હૃદયમાં અને જીવનમાં અખંડ થયા કરે એટલું જ હું માગું છું.’