બાળનાટકો/3 બાળારાજા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|3 બાળારાજા|}} {{Poem2Open)) <big>'''દૃશ્ય પહેલું'''</big> સ્થળ : ઉદેપુરનો રાજમ...") |
(No difference)
|
Revision as of 10:00, 14 August 2021
{{Poem2Open)) દૃશ્ય પહેલું
સ્થળ : ઉદેપુરનો રાજમહેલ કાળ : મધરાત
(શયનખંડમાં રત્નજડિત પલંગ ઉપર નવ વરસનો રાજકુમાર અંજન સૂતો છે. પૂર્વ તરફની દીવાલમાં માત્ર એક જ બારી ઉઘાડી છે. બારી ઉપર મોતીનાં તોરણો ટાંગ્યાં છે. પશ્ચિમની દીવાલમાં બારણું છે. તેનાંય દ્વાર ખુલ્લાં છે. આખો ઓરડો મખમલના ગાલીચાથી પથરાયેલો છે. ઓરડાના ખૂણામાં હાથીદાંતની ઘોડીઓ ઉપર મારેલા મોરને મસાલો ભરી મૂકવામાં આવ્યા છે. રાજકુમાર અંજન સ્વપ્નું સેવે છે.) અંજન : સૂરજપ્રભુ ધરતીને હાથનો ટેકો દઈ ઊભા થયા ત્યારથી અહીં આવી બેઠો છે. હવે તો ત્રણ વાંસડાવા સૂરપ્રભુ ઊંચા ચડી ગયા તોય કોઈ ન આવ્યું. બધા ભાઈબંધ મારાથી રિસાયા છે. સૌએ અબોલા લીધા લાગે છે. પહેલાં તો ભળભાંખડું થાય ન થાય ત્યાં તો બધા આવી પહોંચતા, અને રમતગમતની ત્રમઝૂટ બોલાતી અને હવે? સાતસાત દિવસનાં વહાણા વાયાં પણ કોઈ ડોકાતુંય નથી! (નિસાસો મૂકે છે.) એક ઉપાય સૂઝ્્યો! ચાલ, આજ તો ડેલીએ-ડેલીએ જઈને સૌને સાદ પાડું. ઉંબરે-ઉંબરે જઈને ઊભો રહીશ, અને અબોલાનું કારણ પૂછીશ. (સહેજ પડખું ફરે છે.)
- પાઠ ‘સોનાપરી અને...’ 1950 (વોરા એન્ડ કં.) પ્રમાણે
આ આવ્યું અજિતનું ઘર, બળ કરીને બૂમ પાડું તે સૂતો હોય તોય બેઠો થઈ જાય! (બૂમ પાડે છે.) અજિત! ઓ અજિતભાઈ! જરા બહાર આવને? (પૂર્વ તરફની બારીમાંથી કૂદી આઠ વરસનો અજિત અંદર આવે છે. અંજનના પલંગની પાંગત પાસે જઈને ઊભો રહે છે. એણે સુરવાળ અને અંગરખું પહેર્યાં છે.) અજિત : અંજન! કેમ બહુ બૂમ પાડે છે? મારા બાપુ ઊંઘી ગયા છે. તે જાગી જશે તો મને ને તને બેઉને બાવડે ઝાલીને બહાર કાઢશે! અંજન : પણ હું શું કરું, અજિત? તારી રાહ જોઈજોઈને થાક્યો તે તારે ઘેર આવ્યો! આજ સાતસાત દિવસથી ગામને પાદર નદીને કાંઠે આવીને તમારી રાહ જોતો બેસું છું; સૂરજ માથે આવે ત્યાં સુધી એકલોએકલો નદીના ખળખળ વહેતાં પાણી ઉ52 આંખોને તરવા દઉં છું; પણ તમારામાંથી એક ચરકલડુંય ફરકતું નથી! પહેલાં તો કેવા આપણે ગેડીદડો રમતા? ક્યારેક-ક્યારેક તારા બાપની ઘોડી લઈ કેવા કુદાવતા? અજિત : હા; તે હવે હું શાનો આવું? તું તો અમને મૂકીને ચાલ્યો ગયો અને રાજા થયો! અમને સૂવાને એકે ઓરડો નથી ત્યારે તું રત્નજડિત પલંગમાં પોઢે છે. અરે જા, તારા જેવા નગુણાની તો ભાઈબંધી હોય? હું આ ચાલ્યો! (ચાલવા લાગે છે.) અંજન : અરે પણ સાંભળ તો ખરો..... (અજિત પશ્ચિમના બારણામાંથી બહાર નીકળી જાય છે. અંજન સહેજ પડખું ફરે છે.) મેં તો ઘણી આનાકાની કરી તોય તે દિવસે સૌ સાથે ગેદીદડો રમતો હતો ત્યાંથી તેઓ મને ઉપાડી રાજમહેલમાં લઈ ગયા. તેનું આ સૌને ખોટું લાગ્યું લાગે છે! પણ હું શું કરું ? તેઓ કહે છે કે હું રાજકુમાર છું! કાકા કિરપાણસિંહના ભયે મને રબારીને ત્યાં મૂકી ગયેલા; કાકાનું ખૂન કરી પાછો તેડી ગયા. મેં તો જવાની ઘણીય ના પાડી, પણ તેઓ માન્યા નહિ. અને હવે આ સૌને મનાવવા મુશ્કેલ છે. (નિસાસો મૂકે છે.) અજિત તો એવો નીકળ્યો. ચાલ આ પેમલાને પૂછી જોઉં. એ સામેનું ઘર એ જ પેમલાનું ઘર. (બૂમ પાડે છે) પેમલા! અરે પેમલાભાઈ! જરા આમ તો આવ! (પૂર્વની બારીમાંથી કૂદી બાર વરસનો પેમલો અંદર આવે છે. એણે માથા ઉપર ફેંટિયું વીંટ્યું છે. અને કેડ ઉપર ઢીલું ધોતિયું પહેર્યું છે. અંજનના ઓશીકા પાસે જઈને પેમલો ઊભો રહે છે.) પેમલો : તે રાજા થયો એટલે આમ ગોકીરો કરવાનો, એમ? બાપુએ કહ્યું કે હળ જોડવા જવાનું છે. જરા ચાલ્યો ત્યાં તો ‘પેમલાભાઈ! પેમલાભાઈ! જરા આમ આવો ને?’ લે આ આવ્યો. બોલ, શું કામ છે? અંજન : એમ આંખો ન ફાડ, ભાઈ! હું તો તને રમવા બોલાવવા આવ્યો છું. આજ સાતસાત દિવસથી આપણે મળ્યા નથી. પહેલાં તો તું મને તારે ખેતરે લઈ જતો. આપણે બન્ને કિચુડકિચુડ કોસ ચલાવતા અને ઢેલડીને ઘેરીને મોરલાઓ કૂંડાળે પડતા તે જોતા. અને હવે? હવે તો સાત જનમેય જાણે મળ્યા ન હોઈએ તેમ... પેમલો : (વચમાં) તે હવે હું શાનો આવું? તું તો રાજા થયો. રાજા સાથે મને રમતો ભાળે તો-તો મારા બાપુ મને જ ખેડી નાખે ને! અને તને તો બેસવા માટે હાથી ઉપર સોનાની પાલખી; અને મારા બાપુની એક ઘોડી હતી તેય મરી ગઈ! નવી ખરીદવા પાસે પૈસા નથી. પણ જવા દે એ વાત. બીજાના બંગલા ભાળીને તે કાંઈ પોતાનાં ઝૂંપડાં બાળી નખાય? તારી સાથે વાતમાં મારી ખેડ રહી જશે! હું તો આ ઊપડ્યો. (જવા લાગે છે.) અંજન : (હાથ લંબાવી) અરે ભાઈ! ઘડી તો ઊભો રહે? એક ઘડીમાં શું ખાટુંમોળું.... (પશ્ચિમના બારસાખમાંથી પેમલો બહાર નીકળી જાય છે. અંજન કરવટ બદલે છે.) ચાલ, ભીમજીને ત્યાં જાઉં. એ મારો ખરો દોસ્ત છે બીજા બધા મને અળગો કરી ચાલ્યા જશે, પણ ભીમજીનો તો જરૂર મારી સાથે આવશે. ભીમજીભાઈ ઘરે છે કે? જો હોય તો કહોને કે અંજન આવ્યો છે તે વાંસલો મૂકી ઘડી બારીએ ડોકાય? (પૂર્વની બારીમાંથી ભીમજી કૂદી પડે છે. અને અંદર આવી અંજનના પલંગની પાછળ ઊભો રહે છે. એની ઉંમર દસ વર્ષની છે. માથાને ધારીના આકારમાં બોડાવ્યું છે ને વચમાં ચોટલી ફગફગે છે.) ભીમજી : કેમ અંજનભાઈ! આવે કટાણે મારું તે શું કામ પડ્યું? મારા બાપા સામે બેસી રંધો ખેંચાવતો હતો ત્યાં તારી બૂમ સાંભળી. શું કામ છે? જલદી બોલી નાખ, પાછું મારે કામ છે. અંજન : એમ ઉતાવળો થા મા, ભાઈ! હું તો તને રમવા તેડી જવા આવ્યો છું. પહેલાં તો તું મને કેવો તારે ત્યાં લઈ જતો અને વાંસલાથી મોઈ ઘડી આપતો? શિયાળામાં ભમરડા પણ ઉતારી આપતો. બધું ભૂલી ગયો, ભાઈ? હું ગામના મુખીનો અંજન જો તો મારા મોઢા સામું, કાંઈ અણસાર આવે છે? ભીમજી : ગામના મુખીનો અંજન મટીને હવે તો તું ઉદેપુરનો રાણો અંજનસિંહ થયો! હવે તમારે ને અમારે શું? રાજા સાથે દોસ્તી ન હોય. જા, ભાઈ! જા; મને મારું કામ કરવા દે. (ચાલવા લાગે છે.) અંજન : (બંને હાથ પહોળા કરે છે.) અરે ભાઈ! વાત તો સાંભળ! ભીમજી : હવે વાત ને બાત! (પશ્ચિમના દ્વારમાંથી બહાર ચાલી જાય છે. અંજન પડખાભર થઈ નિસાસો નાખે છે.) હવે શું કરવું? કોઈ જ આવતું નથી. જાણે સૌ મારાથી દાઝતા ન હોય! એમ દૂર ભાગે છે. ધના ઢેઢનાં છોકરાંને જેમ અમે ‘ખસ, ખસ!’ કરી દૂર કાઢતાં તેમ હવે સૌ મને અળગો કરે છે! આવું રાજ મને..... (શયનખંડ નીચે ડેલી ઉપર નોબત ગગડે છે. શરણાઈઓના સૂર ગાજી રહે છે. અંજન ચમકીને બેઠોે થઈ જાય છે. બેબાકળાની જેમ આંખો ચોળતો આમતેમ જોવા લાગે છે.)
કારભારી રાજાને ખભે બેસાડીને નાચવા માંડ્યો.
આ શું? આ તો રાજમહેલનો શયનખંડ! આ રત્નજડિત પલંગ! આ ખોટા મોરલા અને આ મખમલનો ગાલીચો! હીરામોતીનાં તોરણતોરા અને મીનાકારી ફૂલદાન! હું અહીં ક્યાંથી? ક્યાં ગઈ પેલી માલણ નદી અને ગાંભુ ગામ? ક્યાં ગયો અજિત? અને ક્યાં ગયા પેમલો અને ભીમજી? (થોડી વારે) સ્વપ્નું, સ્વપ્ન એ તો! (પશ્ચિમના બારણામાંથી કારભારી પ્રવેશ કરે છે. એ આધેડ છે અને મૂછના વાળ ધોળા થઈ ગયા છે.) કારભારી : મહારાજાને ઘણી ખમ્મા! નામદાર! હવે ઉતાવળ કરી નિત્યકર્મમાંથી પરવારી લો! સવારના પહોરમાં દરબાર ભરાવાનો છે, અને આપણા ગુરુદેવ આપને રાજ્યતિલક કરવાના છે. ઊઠો, પધારો! અંજન : મારે નથી આવવું. કારભારી : કેમ, વળી શું થયું? અંજન : ઉદેપુરનું રાજ્ય નથી જોઈતું મારે! મને મોકલી દ્યો પાછો મારે ગામ! ગાંભા વિના મને ગમતું નથી. કારભારી : (પાસે જઈ) અરે, એમ તે કાંઈ થાય, નામદાર! ચાલો, હું આપને ઉપાડી લઉં. આપને ચાલવાની તસ્દી મટી. (અંજનને ઉપાડી ખભે બેસાડી નાચવા લાગે છે.) જાગો જાગોને બાળારાજા! ખવરાવું ઘી, ખાંડ, ખાજાં! હો જાગો, જાગોને બાળારાજા! સોનલા સિંહાસને રૂપાની ઘૂઘરી! કસબી કિનખાબ માંહી ઝાઝી જરી ભરી! હાં રે ખૂબ વગડાવશું વાજાં! જાગો જાગોને બાળારાજા! (ગાતો નાચતો બાળા રાજાને તેડી જાય છે.) {{Poem2Close))