મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૬.અખઈદાસ/અખૈયો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૬.અખઈદાસ/અખૈયો|}} <poem> અખૈયો/અખઈદાસ (૧૮મી સદી પૂ.) આ જ્ઞાનમાર...") |
(No difference)
|
Revision as of 05:30, 16 August 2021
અખૈયો/અખઈદાસ (૧૮મી સદી પૂ.)
આ જ્ઞાનમાર્ગી કવિ ભૂતનાથ-શિષ્ય હતા. સંતવાણીની પરંપરાનાં પદો એમણે લખ્યાં છે.
૩ પદો
૧
કાં નિંદરમાં
કાં નીદરમાં સુવો? અરે, તમે જરા વિચારી જુઓ
અજ્ઞાની લોકો રે, તમે કાં નિંદરમાં સુવો?
–અજ્ઞાની લોકો રે, તમે કાં નિંદરમાં સુવો?...
માત પિતાની સેવા રે કરતાં શ્રવણ સરગે ગિયો
સંસારીનું કલંક ન લાગ્યું સદા અવીચળ રિયો...
–અજ્ઞાની લોકો રે, તમે કાં નિંદરમાં સુવો?...
ઓસડ વેસડ નામ નારાયણ ઘોળી ઘોળીને પીઓ
જડી બુટી કાંઈ જામ નૈં આવે, વૈદ જ પોતે મુઓ...
–અજ્ઞાની લોકો રે, તમે કાં નિંદરમાં સુવો?...
પીળા પિતાંબર પહેરતો ઈ માણેકીયો પણ મુઓ
ભુતનાથ ચરણે ભણે અખૈયો, જૂનાં ખાતાં ખોલીને જુઓ...
–અજ્ઞાની લોકો રે, તમે કાં નિંદરમાં સુવો?...
૨
જિયાં રે જાઉં ત્યાં નર જીવતા...
જિયાં રે જોઉ ત્યાં નર જીવતા, મરેલા ન મળે કોઈ;
મરેલાને જો મરલા મળે, તો એને આવાગમન નો હોય...
–જિયાં રે જોઉ ત્યાં નર જીવતા...
મડદું પડ્યું મેદાનમાં જીવો રે હાં...
ઈ તો કોઈના કળ્યામાં નો આવે રે હાં...
કામ ક્રોધ ને ઈરખા, હે જી ઈ તો ત્રણેને ખાઈ જાવે રે...
–જિયાં રે જોઉ ત્યાં નર જીવતા...
મડદાનો ખેલ મેદાનમાં જીવો રે હાં...
એને કોઈ રતીભાર ચાખે રે હાં...
એક રે અક્ષરનો અનુભવ કરી, એને રૂદિયામાં રાખે...
–જિયાં રે જોઉ ત્યાં નર જીવતા...
જીવતા માણસને જોખો ઘણો જીવો રે હાં...
મરેલાને કોણ મારે રે હાં...
જોખમ મટી જાય જેને જીવનું, ઈ તો જમડાં પાછા વાળે...
–જિયાં રે જોઉ ત્યાં નર જીવતા...
મને રે મારીને મેંદો કરે જીવો રે હાં...
ગાળીને કરે એનો ગોળો રે હાં...
ભૂતનાથ ચરણે અખૈયો ભણે, જેણે લીધો સંતનો ઓળો...
–જિયાં રે જોઉ ત્યાં નર જીવતા...
૩
હરિ મંદિરમાં હોય થાળી...
હરિ મંદિરમાં હોય થાળી, મારા પ્રભુ મંદિરમાં હોય થાળી
તમે જમોનેમારા વનમાળી... હરિ મંદિરમાં હોય થાળી.....૦
લોટો ભર્યો છે જળ જમના નીર વાલા! લોટો ભર્યો છે જળ જમના નીર;
આચમન કરો ને વ્હાલા બળભદ્રના વીર... હરિ મંદિરમાં હોય થાળી.....૦
ઉનાં ઉનાં ભોજન ટાઢાં થાય, વ્હાલા! ઉનાં ઉનાં ભોજન ટાઢાં થાય;
પાપડ પુરી માંહે વડીનો વઘાર... હરિ મંદિરમાં હોય થાળી.....૦
લવીંગ સોપારી, જાય ફળ જોડ, વ્હાલા! લવીંગ સોપારી, જાયફળ જોડ;
મુખવાસ કરોને મારા રાય રણછોડ... હરિ મંદિરમાં હોય થાળી.....૦
શેરીએ શેરીએ પડાવું સાદ, વ્હાલા! શેરીએ શેરીએ પડાવું સાદ;
નો લીધો હોય તેને આપો પ્રસાદ... હરિ મંદિરમાં હોય થાળી...૦
આ થાળી અમરા પુરામાં જાય, વ્હાલા! આ થાળી અમરાપુર જાય;
ભુતનાથ ચરણે અખૈયો ગુણ ગાય... હરિ મંદિરમાં હોય થાળી.....૦