એકાંકી નાટકો/ઝબક જ્યોત: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|{{Color|Pink|ઝબક જ્યોત}}|}} {{Poem2Open}} (17મી મે, 1930, અંધારી રાતના આઠ. ગામદેવીન...") |
(No difference)
|
Revision as of 07:23, 21 August 2021
(17મી મે, 1930, અંધારી રાતના આઠ. ગામદેવીના રસ્તા ઉપર આવેલા સર અમલ દેરાસરીના બંગલાના ત્રીજા માળનું દીવાનખાનું. કાચનાં ઝુમ્મરો વચ્ચે વીજળીના દીવાઓ બળે છે. ઉત્તર અને દક્ષિણની દીવાલોમાં બાજુના ઓરડાઓમાં જવાનાં સામસામાં બારણાંઓ પડે છે. પૂર્વ તરફ અગાશીમાં જવાની ચાલ છે, અને પછી બાગમાં ઊતરવાની સીડી છે. પશ્ચિમનો ઝરૂખો રસ્તા પર પડે છે. ઓરડાની લાદી ઉપર કાશ્મીરી ગાલીચો છે. ખૂણાઓની ઘોડીઓ ઉપર ગ્રીક પૂતળાંઓ ગોઠવ્યાં છે. ભીંતને અઢેલીને લાલ મખમલના સોફાઓ મૂક્યા છે. વચ્ચે એક મોટું ટેબલ છે, અને એની ઉપર પિત્તળના ફૂલદાનમાં ગલગોટા અને જાસુદનાં સહેજ કરમાયેલાં ફૂલો ગોઠવ્યાં છે. બગીચામાંથી આવતો પવન ધૂપસળીઓની સૌરભ લઈને પશ્ચિમના ઝરૂખામાંથી મંદ ગતિએ પસાર થઈ જાય છે. દીવાલો ઉપર ગવર્નરો અને વાઇસરોયોની છબીઓ છે. પશ્ચિમની દીવાલમાં ઊંચે મહારાણી વિક્ટોરિયાનો ઝભ્ભો ઉપાડીને ચાલતાં રાજાઓનું મોટું તૈલ-ચિત્ર છે. એનેથી ઘણે નીચે સોનાની ફ્રેઇમમાં મઢેલો નાઇટહુડનો ઇલકાબખત વીજળીના પ્રકાશમાં ચળકે છે. પશ્ચિમના ઝરૂખા પાસે એક પલંગમાં આઠ વર્ષનો દીપક તાવથી ધગધગે છે. એના માથા ઉપર અડધા કપાળને ઢાંકી દેતો સફેદ પાટો બાંધ્યો છે. પાટામાં લોહીના ડાઘ છે. વચલા ઉઘાડા ભાગમાંથી અને કાનની આસપાસથી એના લાંબા સોનેરી વાળની લટો ડોકિયાં કરે છે. દીપકની માતા મેના દીપકના ઓશીકા પાસે દીપકનાં બિડાયેલાં પોપચાં સામે તાકતી નીચી દૃષ્ટિએ અને મ્લાન વદને બેઠી છે. દીપકની નવ વર્ષની બહેન ઊર્મિ ઓશીકાની બીજી બાજુએ લપાઈને ઊભી છે અને ભાઈના મોઢા તરફ એકટસે જોઈ રહી છે. આસપાસ ખુરશીઓ ઉપર દીપકના પિતા અમલ દેરાસરી, ડોક્ટર, પોલીસ ઉપરી નંદરાય અને અન્ય લોકો વ્યાકુળ ચિત્તે બેઠા છે. થોડી વારે હસ્તઘડી સામે જોઈ ડોક્ટર ઊભા થાય છે અને દીપકના ઓશીકા તરફ જાય છે.) ડોક્ટર : મેનાબહેન, થર્મોમિટર લઈ લો તો! (મેના દીપકની બગલમાંથી થર્મોમિટર લઈ ડોક્ટરને આપે છે અને પછી ફિક્કે ચહેરે ડોક્ટર સામે જોઈ રહે છે. સૌની આંખો ડોક્ટર સામે મંડાણી છે.) તાવ તો વધતો જ જાય છે! (ડોક્ટરના મોં ઉપર ઉચાટ દેખાય છે.) સર અમલ : (સૂકા અવાજે) કેટલી? ડોક્ટર : ચાર સૌ : (ચમકી) ચાર! ડોક્ટર : હા! બરફ મૂકવાની જરૂર છે. પણ માથાનો ઘા બહુ ઊંડો છે એટલે મુકાય પણ કેમ? (સર અમલ નિસાસો મૂકે છે. ડોક્ટર નીચા નમી દીપકનો હાથ પોતાન હાથમાં લે છે.) દીપક, હવે તને કેમ લાગે છે? માથું દુ:ખે છે? મેના : (દીપકના કાન સુધી નમી) બેટા, ડોક્ટરકાકા પૂછે છે કે હવે તને કેમ છે? માથું દુ:ખતું મટી ગયું? દીપક : (ધીરેધીરે આંખો ખોલે છે.) બા, માથું તો ખૂબ દુ:ખે છે, પણ મને ઠીક છે. (ફરી આંખો મીંચી દે છે. ક્ષણવારે ફરી ઉઘાડી) બા, ઊર્મિને બોલાવને, મેના : ઊર્મિ તો અહીં જ છે, બેટા તારી પડખે જ ઊભી છે. (ઊર્મિનો હાથ પકડી પોતાની તરફ ભાવથી ખેંચી ખોળામાં બેસાડી માથું પંપાળવા લાગે છે.) તું પડી ગયો ત્યારથી એણે આંસુ સૂકવ્યાં જ નથી. (ઊર્મિ ફરી રડવા લાગે છે અને મેનાની છાતીમાં મોઢું ઢાંકી દે છે.) દીપક : ઊર્મિ, રોવાનું નહિ, હોં. રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાસીએ ચડ્યો. બાપુ દેખી જશે એ બીકે ઉતાવળ કરવા ગયો અને પડી ગયો એમાં તારો વાંક નથી. સર અમલ : રાષ્ટ્રધ્વજને વીસરી ઘડી જંપી જા, દીપક, નંદરાય : રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે. હજારોનાં માથાં ફૂટ્યાં તોય લોકોનો ચડસ ખૂટતો નથી. નેતાઓ તો બધા જેલમાં બેસી બગાસાં ખાય છે, અને આવા હૈયાફૂટાઓ હોમાય છે. દીપક : એવું ન બોલો, નંદકાકા. તમે બોલો છો ત્યારે મને એમ થાય છે કે જાણે મારા માથાનો પાટો છૂટી ગયો અને સવારની જેમ દડદડ લોહી દડવા માંડ્યું. (સહેજ ફરી) પણ બા, હું પડી ગયો ત્યારે રડ્યો નો’તો, નહિ? મારાથી રડાય જ કેમ? હું તો રાષ્ટ્રધ્વજ ચડાવતાં પડ્યો. સર અમલ : દીપક, હવે રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહિ? તેં પાપ કર્યું અને પ્રભુએ તને તેની સજા પણ કરી. તું કેમ કાંઈ સમજતો નથી? દીપક : રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું, બાપુ? આંખો બંધ કરું છું, ત્યારે જાણે આખું આકાશ સફેદ, લીલા અને કેસરી પટ્ટામાં વહેંચાઈ જાય છે. અને અંદર તારલાઓનો રેંટિયો પુરાય છે. આંખો ઉઘાડું છું. તોય દીવાલે-દીવાલે એ જ ત્રણ રંગો! સર અમલ: (કડકાઈથી) દીપક.... ... ડોક્ટર : સાહેબ, આપ અત્યારે સંભાળી જાવ. આપ ધારો છો તેથી કેસ વધારે ગંભીર છે. આપની વાતોથી દીપક વધારે ઉશ્કેરાશે. અત્યારે તો પ્રભુ ઉપર... ... મેના : (આંખોનાં આંસુ લૂછતી) બેટા, બે ઘડી સૂઈ જા ને! દીપક : બા, મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવાં હજારો બાળકોએ, વાવટા માટે પ્રાણ આપ્યા હતા. એમના પિતાઓ એમને યાદ કરી ગૌરવ લેતા; તોયે બાપુ કેમ મારી ઉપર ચિડાય છે? મેના : (પાટા ઉપર હળવો હાથ ફેરવતી) બેટા, સૂઈ જા ને! દીપક : (વાચાળ થતો જાય છે. આંખ વધારે ગહન બનતી જાય છે.) ઊર્મિ, બપોરે બા જરા સૂઈ ગઈ ત્યારે તું આવીને મને કહી ગઈ ને, કે બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે? એને છોડ્યો કે નહિ? (ઊર્મિનો હાથ પકડે છે) કેમ બોલતી નથી? ઊમિર્ : (ધીમે સાદે, બીકથી) બાપુએ હજી એને છોડ્યો નથી. વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાને અહીંથી રજા આપવી પડશે. એ સાંભળ્યું છે ત્યારથી સુંદરની મા અને રામો રડ્યા જ કરે છે. દીપક : (અસ્વસ્થ થઈ આંખ મીંચી દે છે. એનાં બિડેલાં પોપચાંમાંથી આંસુ દડે છે.) બાપુ, એવું શા માટે કરો છો? મને એ નથી ગમતું. એમાં સુંદરની વાંક હતો જ નહિ. એ તો વાવટો લેવા નો’તો જતો. મેં એની સાથે અબોલા લેવાની વાત કરી એટલે ડરતો-ડરતો ગયો. ત્યાર પછી પણ એણે તો કેટલીયવાર મને ના પાડી. એમાં એનો વાંક નથી. બાપુ, એને છોડી દો. રામાને રાખી લો! નહિ તો હુંય... હુંય... (હીબકાં ભરી રડવા લાગે છે.) સર અમલ : (ગળગળા થઈ દીપકના ઓશીકા પાસે જાય છે અને માથે હાથ મૂકે છે.) બેટા, તું કહીશ એમ કરીશ, પણ હમણાં હું સૂઈ જા, દીપક. દીપક : બાપુ, તમે મારી પાસે જ બેસો ને! અને તુંય ઊર્મિ! અને બા, તને ઊંઘ આવે તોય ઊઠીશ નહિ, હો! આજે તમે સૌ મારી પાસે જ રહેજો. પાસે જ, હો! મેના : અમે સૌ અહીં જ છીએ, બેટા! તું નિરાંતે સૂઈ જા. દીપક : બા, મને ઊંઘ આવતી નથી. જરાક મટકું મારું છું ત્યાં સ્વપ્નું આવે છે કે બાપુ વાવટો ઉતારી લેવા આવ્યા. અને ઝબકીને જાગું છું. પછી બાપુને અહીં જ ભાળી શાંત થાઉં છું. ઊર્મિ, જા તો જોઈ આવ ને વાવટો બરાબર છે કે નહિ? સર અમલ : બેટા, એ બરાબર છે. તે હવે છાનો રહે જિંદગીભર સેવેલી મારી વિચારસરણીઓ જાણે કડડભૂસ કરીને તૂટી પડે છે. હવે બંધ કર. બેટા, બધું બરાબર છે. દીપક : શું બોલી ગયા, બાપુ? આપણો બંગલો તૂટી પડે છે? એનું કારણ કહું? જુઓ તમે આપણા બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવતા નથી ને તેથી. જો તમે ધ્વજા ચડાવો ને તો એ અડગ ઊભો રહે! મેના : હવે સૂઈ જા બેટા, તારું માથું ચડશે! (દીપક આંખો મીંચી જાય છે. થોડી વારે શાંતિ પથરાય છે. સૌ એકમેકની સામે ચિંતાતુર નયને જોવે છે. થોડી વારે દીપક આંખો ઉઘાડે છે.) દીપક : ઊર્મિ, જો નવ વાગે, બરાબર નવને ટકોરે હું અહીંથી ફરવા જવાનો છું. તું મારી સાથે આવવાની હો તો તૈયાર થઈ રહેજે. સુંદરને પણ તૈયાર થઈ રહેવા કહેજે, હોં. (ફરી આંખો મીંચી જાય છે. ડોક્ટર ‘હરિ, હરિ! કરતા અસ્વસ્થ થઈ ઓરડામાં આમથી તેમ ટહેલવા લાગે છે. સર અમલ અસહ્ય થવાથી બારીમાં જઈ આંખો લૂછે છે. મેનાની આંખમાં શ્રાવણ ને ભાદરવો છે. દીપક થોડી વારે ફરી આંખો ઉધાડે છે.) બા, તુંય આવીશ ને? બાપુનું કામ નથી. આપણે જંગલમાં જઈને વાવટો ખોડીશું. ત્યાં કોઈ આવશે તો તકરાર કરશું, હોં! (ફરી આંખો મીંચી જાય છે. એનો શ્વાસ ચડતો જાય છે.) નંદરાય : સાહેબ, હું જઈશ કાંઈ કામ પડે તો ટેલિફોન કરજો. આપને ત્યાં વાવટો ચડ્યો તેની કોઈને જાણ પણ નહિ થવા દઉં. એટલે બેફિકર રહેજો. બાકી તો મને આવાં કુમળાં મગજોને બહેકાવી મૂકનાર બેજવાબદાર... સર અમલ : (એકદમ ફરીને) ઠીક, ઠીક, નંદરાય, પધારજો. તમારો ખૂબ ઉપકાર થયો. (નંદરાય જાય છે. થોડી વાર કોઈ જ બોલતું નથી. ઊર્મિ બાઘાની માફક ઘડીક બહાર જોતા સર અમલ તરફ, તો ઘડીક મેના તરફ જોયા કરે છે. રસ્તા ઉપર દૂરથી સરઘસનાં પગલાંના અવાજ સાથે ધીરેધીરે સ્પષ્ટ થતા ગીતનો ધ્વનિ આવે છે.) ત્રીશ કોટિ શીશ પ્રણમે તને, ભારતની ઓ ધર્મધજા! નવલખ તારા આશિષ ઝપે, ભારતની આ કર્મ-ધજા! દીપક : (ઝબકીને જાગે છે.) બા, સાયંફેરી નીકળી લાગે છે. મને બારીએ લઈ જાવ! અરે જલદી કરો, મારે સૌને જોવા છે! મેના : બેટા, તને કષ્ટ પડશે. અહીં જ સૂઈ રહે ને! આવતીકાલે જોજે. એઓ તો આવતી કાલેય નીકળશે! દીપક : બા, તું આજે મને કશાયની ના નહિ કહેતી! આજે નહિ! હું તને કેમ સમજાવું? મને બારીએ લઈ જા! ડોક્ટર : એ જે કહે તેમ કરો! એને ઉશ્કેરો નહિ! (સૌ ખાટલાને ઉપાડી ઝરૂખામાં લઈ જાય છે. મેનાની છાતીમાં ટેકવાઈ-ગોઠવાઈ દીપક બેઠોે થાય છે. નીચેથી આવતા મશાલોના પ્રકાશમાં ગીતથી ઉત્તેજિત થયેલું એનું મોઢું ચળકી રહે છે. આગળ વાનર અને માંજર સેનાની મેળ વિનાની પગલીઓ પડે છે. પાછળનાં નરનારીઓ બુલંદ અવાજે ગાતાં હોય છે.) વ્યોમ તણી ફરકત પતાકા, હિમડુંગરનો દંડ. સંસ્કૃતિના જગ ચોક મહીં, ધ્વજ ફરકતો પડછંદ, દીપક : (મેનાની આંખોમાં જોવા દૃષ્ટિ ઊંચી કરી) બા, કેવું સરસ ગીત છે! તને નથી આવડતું? ગા ને, આવડતું હોય તો! (ઊછળીને એક ચૂમી ચોડે છે. નીચેથી આવતા લોકોના અવાજ સાથે મેના પણ જોડાય છે.) જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો, જે ઝંડાને ભગત, જતિને રુધિર રંગે રંગી દીધો! લીલા શાંતિ તણા નેજા! ભારતની ઓ ધર્મ-ધજા! (નીચેથી વાનર સેનામાં ‘દીપકની જય!’ ગર્જી ઊઠે છે અને સૌ પસાર થઈ જાય છે.) દીપક : બા, એ કોની જય પુકારતા ગયા? મેના : દીપકની. દીપક : દીપક કોણ? મેના : તું બેટા! તેં આજે ધજા ચડાવતાં માથું વધેર્યું એટલે સૌએ તારો જયજયકાર કીધો! દીપક : તે બા, ધજા ચડાવે તેની જય બોલાવે એમ? તો તુંય ચડાવ ને? હું, ઊર્મિ અને સુંદર, ત્રણેય તારી જય બોલાવશું. (મેના દીપકને એક ચૂમી લે છે. દીપક ઘડીવાર આકાશમાં જોઈ રહે છે.) બા, જો તો, તારાઓ આંખો પટપટાવે છે. મારે આજે નવ વાગ્યે ફરવા જવાનું છે એની મને તેઓ યાદ આપે છે! તુંય આવીશ ને? મેના : હા બેટા. (ફરી થોડી વાર દીપક આકાશની આંખોમાં આંખો પરોવે છે.) દીપક : બા, આકાશમાં તારા ઊગે અને ઓરડામાં કેમ નહિ ઊગતા હોય? બા, બંગલા ઉપર વાવટો ચડાવીએ તો ઓરડામાંય તારા ઊગે હોં! (મેનાની આંખમાંથી બે આંસુઓ સરી દીપકનાં જુલફાંઓમાં અટવાઈ જાય છે.) બા, મને ઊંઘ આવે છે. હું સૂઈ જાઉં પણ તું ઊંઘ આવે તોયે ઊઠતી નહિ. બરાબર નવને ટકોરે મને ઉઠાડજે, હો! અને તમે— તું ઊર્મિ અને સુંદર તૈયાર રહેજો. (મેના દીપકને સુવાડી દે છે. સર અમલ પાસે આવી એનું માથું પંપાળવા લાગે છે. એમની આંખમાં આંસુ સમાતાં નથી. દીપક ફરી જાગે છે.) બા, બપોરે ઊર્મિ કહેતી હતી કે પાટાથી મારું મોઢું સરસ લાગે છે. અરીસો લાવ ને, જોઉં તો ખરો! (સર અમલ અરીસો લાવી દીપકના મોઢા સામે ધરે છે. દીપક અરીસામાં જોઈ રહે છે. એની આંખો ચમકવા લાગે છે.) બા, પાટોયે જાણે રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે! મારા લોહીનો લાલ રંગ, કાપડનો સફેદ રંગ, અને લીલા રંગને બદલે મારા વાળા! અને રેંટિયો તો કેટલીય વાર કહ્યું તોય બાપુ ક્યાં લાવી દે છે! (રોષ કરતો) જાવ, લઈ જાવ, તમારો અરીસો! અમારે તમારા અરીસામાં નથી જોવું! (સર અમલ અરીસો લઈ જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. દીપક ફરી આંખો ઉઘાડે છે.) બા, હું ફરવા જાઉં પછી તું ગાંધીજીને જેલમાં કાગળ લખીશ ને કે દીપક ફરવા ગયો છે! પણ એવું લખજે કે દીપક જ્યાં જશે ત્યાં વાવટો ફરકતો રાખશે! મેના : (એક બચી ભરી) હા બેટા, જરૂર લખીશ, પણ હવે તું સૂઈ જા. દીપક : હા, હવે હું સૂઈ જાઉં. બરાબર નવને ટકોરે હોં! (દીપક આંખો મીંચી જાય છે. શૂનકાર છવાય છે. દીપકની છાતીની ધમણ ઊપડતી જાય છે.) સર અમલ : (પાસે જઈ) ઊંઘી ગયો લાગે છે! મેના : હા.....પણ..... (આંખોમાંથી આંસુની ધારાઓ વહે છે.) ડોક્ટર : મેના બહેન, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. જેણે એને સરજાવ્યો છે એ જ એનું સંરક્ષણ કરશે. મેના : ડોક્ટર, તમારે દીકરો છે? ડોક્ટર : ના, મેનાબહેન મેના : તો બસ કરો. (ડોક્ટર આંટા મારવા લાગે છે. સર અમલ ઓશીકાની બીજી બાજુએ નીચે વદને બેસી રહે છે.) આ બધા તમારા પ્રતાપ! સર અમલ : મેના, તને એમ કહેવાનો અધિકાર છે. પણ જો તું મારા મનની સ્થિતિ જાણતી હોત.... મેના : (આંસુ લૂછતી) મારે તો હવે મન જેવું જ કશું રહ્યું નથી. સર અમલ : સંભવ છે. મેના મેના : (રડતી પડતી) વાહ રે પિતા! શી તટસ્થતા! સર અમલ : (મનની લાગણીઓ દબાવી) હું પુરુષ છું. મેના મેના : અને હું માતા છું, અમલ! દીપક વિના મને... (ઘડિયાળમાં નવના ટકોરા થાય છે. દીપક ઝબકીને જાગી જાય છે. સૌ ચમકી રહે છે.) દીપક : બા, નવના ટકોરા થયા નહિ? ચાલો, ચાલો ત્યારે હું ફરવા ઊપડું. પછી બા, મેં વિચાર ફેરવી નાખ્યો. મેં એકલા જ જવાનું નક્કી કર્યું! એ રસ્તે એકલા જ સારું! બાપુ, ઊર્મિ, જાઉં છું, હોં, અને બા, મોડે રાત સુધી પાછો ન ફરું તોયે મારી રાહ નહિ જોતી, હો! (થોડી વારે) અને બા. ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહિ ચૂકતી. (દીપક આંખો મીંચી દે છે.) મેના : (બેબાકળી) બેટા, બેટા!... ... (એનો અવાજ ફાટી જાય છે. દીપકના શરીર ઉપર એ ઢગલો થઈ જાય છે. ઊર્મિ રડવા લાગે છે.) ડોક્ટર : (પાસે જઈ નાડી તપાસી) દીપક હોલવાઈ ગયો! સર અમલ : અને આખું જગત અંધારું! અંધારું! ઓહ! ઓહ! નથી ખમાતું! (બે હાથમાં જોરથી માથું દાબી ઝરૂખામાં આંટા મારવા લાગે છે. મેનાનું કલ્પાંત આખા ઓરડાને ધ્રુજાવી મૂકે છે. પવનની લહેરકી દીપકની લટો ને એના હસતા ચહેરા ઉપર રમાડી જાય છે.) સર અમલ : (ટેલિફોન પાસે જઈ) યસ, વન, ફોર, નોટ, સેવન. (થોળી પળે) હાં! કોંગ્રેસ હાઉસ! હાં ! કોણ છો તમે? (સાંભળે છે. પછી) સ્વયંસેવક? હા, જરી શિશિરકુમારને બોલાવો તો! (સાંભળીને) સંગ્રામ-સમિતિની મિટિંગ ચાલે છે તે નહિ આવી શકે એમ? અરે ન કેમ આવે? કહ્યું કે સર અમલ દેરાસરી અગત્યના કામસર બે મિનિટ બોલાવે છે. વારુ. (ટેલિફોન નીચે મૂકી ટહેલવા લાગે છે. ખિતાબખત પાસે જઈ એક મુક્કાથી એના ચૂરા કરી નાખે છે. હાથમાંથી લોહી વહેવા લાગે છે. ભૂત ભરાયું હોય તેમ દીપકના પલંગ પાસે જઈ એ લોહિયાળા હાથે દીપકના પગને અડકે છે. પછી એ બે પગ ઉપર માથું મૂકી ડૂસકાં ભરવા લાગે છે.) બેટા, તેં તારા બાપુને આજે નવો જન્મ આપ્યો! (ફરી ટેલિફોન પાસે જઈ, એક હાથે રૂમાલથી આંસુ લૂછતાં બીજે હાથે ટેલોિન ઉઠાવે છે. હાં ! આપ કોણ? (સાંભળીને) શિશિરકુમાર? વારુ, શહેરમાં જાહેર કરો કે આવતી કાલની વડાલા રેઈડ સર અમલ દેરાસરી લીડ કરશે, સમજ્યા? ઉપકાર!
(ટેલિફોન જોરથી પછાડી દોડતા બીજા રૂમમાં ચાલ્યા જાય છે.)