સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નગીનદાસ પારેખ/“—તે પુસ્તકમાં જ શોધજો!”: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} શરદબાબુનો જન્મ તા. ૧૫ સપ્ટેમ્બર, ૧૮૭૬. હાઈસ્કૂલ પૂરી કરી હ...")
 
(No difference)

Latest revision as of 07:35, 2 June 2021

          શરદબાબુનો જન્મ તા. ૧૫ સપ્ટેમ્બર, ૧૮૭૬. હાઈસ્કૂલ પૂરી કરી હુગલી જિલ્લા(બંગાળ)ના દેવાનંદપુર ગામે. ૧૮ વરસની ઉંમરે મૅટ્રિકની પરીક્ષા આપી, તે અરસામાં જ પોતાની પહેલીવહેલી નવલકથા ‘બાસા’ લખવા માંડી; પણ તે ગમી નહિ એટલે ફાડી નાખી. એ રીતે પોતે લખેલી ઘણી વારતાઓ ફાડી નાખેલી. એ તરુણ વયમાં એક જ ધૂન લાગેલી કે રવીન્દ્રનાથ ઠાકુરના જેવું લખતાં શીખવું—અને જ્યાં સુધી એવું ન લખાય ત્યાં સુધી પોતે લખેલું કશું પ્રગટ ન કરવું! એ પ્રતિજ્ઞા મુજબ, પાંત્રીસ વરસની ઉંમર સુધી એક પણ લખાણ એમણે પ્રગટ કરેલું નહિ. મિત્રોએ શરૂ કરેલા માસિક ‘યમુના’ માટે, અત્યંત આગ્રહ પછી, ૧૯૧૩માં એક ટૂંકી વાર્તા લખી. તે છપાતાંની સાથે જ શરદબાબુ પ્રખ્યાત થઈ ગયા. તે અગાઉ પંદરથી પચીસ વરસની ઉંમર દરમિયાન સાહિત્ય-સંસ્થાઓનાં હસ્તલિખિત માસિકો માટે લખી આપેલી ઘણી રચનાઓ હવે ‘યમુના’ તથા ‘સાહિત્ય’ માસિકોમાં છપાઈને બંગાળના વાચકોને મુગ્ધ કરવા લાગી. એમની બધી કૃતિઓમાં પુસ્તકરૂપે પહેલવહેલી બહાર પડી તે ‘બડીદીદી’ નવલકથા. અનેક બંગાળી સામયિકોમાં એમની વાર્તાઓ ને ચાલુ નવલકથાઓ છપાઈ. ‘પથેરદાબી’ નામની એમની વિખ્યાત નવલકથા ‘બંગવાણી’ સામયિકમાં બે વરસ લગી પ્રગટ થતી રહી અને પછી પુસ્તકરૂપે બહાર પડી ત્યારે પહેલે જ દિવસે તેની એક હજાર નકલ ખપી ગઈ; ૩,૦૦૦ નકલની પહેલી આવૃત્તિ એક મહિનામાં ખલાસ થઈ ગઈ. બીજી આવૃત્તિની પાંચેય હજાર નકલો (૩ રૂ.ની કિંમતે) બીજા ત્રણ માસમાં ખલાસ. દરમિયાન અંગ્રેજ સરકારે તેને જપ્ત કરી, એટલે તો પછી એની નકલો છૂપી રીતે દસથી ત્રીસ રૂ.ની કિંમત આપી આપીને પણ લોકો ખરીદવા લાગ્યા. શરદબાબુની ૫૩મી વરસગાંઠની ઉજવણી કલકત્તાની પ્રેસિડન્સી કોલેજ તરફથી થઈ ત્યારે વિદ્યાર્થીઓ સમક્ષ બોલતાં એમણે કહેલું: “ભાષણ કરવું પડશે, એવું સાંભળતાં જ મારા પેટમાં ધ્રાસકો પડે છે. હું કાંઈ બોલી શકતો નથી. લખી શકું છું, થોડું લખ્યું પણ છે. જો તેથી તમને આનંદ થતો હોય તો હું સુખ માનીશ. મોઢેથી હું ઉપદેશ આપું, કોઈ પુસ્તકની સમાલોચના કરું અથવા કાંઈ નવો અર્થ બતાવું, એવી મારામાં શકિત નથી. જે કાંઈ છે તે પુસ્તકમાં જ છે; ત્યાં શોધજો.” ભારતના એક મહાન લેખક શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ૧૯૩૮ની તા. ૧૬ જાન્યુઆરીએ કૅન્સરને લીધે અવસાન થયું. [‘શરદ ગ્રંથાવલી’ (ગ્રંથ બીજો) પુસ્તક]