શાલભંજિકા/તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 278: Line 278:
આ તે કેવું નિર્માણ પ્રભુ? રવિ ઠાકુરને વધારે સમજું છું. આવા એક નહિ પણ ઉપરાઉપરી ત્રણત્રણ મૃત્યુના આઘાતમાંથી જન્મ્યું હતું એમનું આ ગાનઃ{{Poem2Close}}
આ તે કેવું નિર્માણ પ્રભુ? રવિ ઠાકુરને વધારે સમજું છું. આવા એક નહિ પણ ઉપરાઉપરી ત્રણત્રણ મૃત્યુના આઘાતમાંથી જન્મ્યું હતું એમનું આ ગાનઃ{{Poem2Close}}
<poem>
<poem>
'''તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ, કરુણામય સ્વામી'''
:'''તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ, કરુણામય સ્વામી'''
'''તોમારિ પ્રેમ સ્મરણે રાખિ, ચરણે રાખિ આશા'''
'''તોમારિ પ્રેમ સ્મરણે રાખિ, ચરણે રાખિ આશા'''
'''દાઓ દુઃખ, દાઓ તાપ, સકલિ સહિબ આમિ.'''
'''દાઓ દુઃખ, દાઓ તાપ, સકલિ સહિબ આમિ.'''
Line 293: Line 293:


નિરન્ધ્ર અંધકારમાં વરસાદ પડી રહ્યો છે.{{Poem2Close}}
નિરન્ધ્ર અંધકારમાં વરસાદ પડી રહ્યો છે.{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[શાલભંજિકા/પાષાણસુંદરી|પાષાણસુંદરી]]
|next = [[શાલભંજિકા/ચેત: સમુત્કંઠતે|ચેત: સમુત્કંઠતે]]
}}

Latest revision as of 10:38, 11 September 2021

તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ...

શાંતિનિકેતન.

૧૮ જુલાઈ ૧૯૮૩.

અષાઢ સુદિ નોમ, અને હજી શાંતિનિકેતનમાં કહી શકાય એવો વરસાદ નથી. બંગાળી, અંગ્રેજી બધાં છાપાં અને સામયિકોમાં તો પશ્ચિમ બંગ સરકારના ટૂરિસ્ટ વિભાગ તરફથી વરસાદની ઋતુમાં શાંતિનિકેતન પહોંચી જવાની લોભામણી જાહેરાત છપાય છે; વૃષ્ટિ–વરસાદ અને વરસાદમાં ભીંજાતા શાંતિનિકેતનના લૅન્ડસ્કેપ સાથેઃ

યખન વૃષ્ટિ નામલ

ચલુન

શાંતિનિકેતન

મહર્ષિ દેવેન્દ્રનાથ એવં કવિગુરુ રવીન્દ્રનાથેર પુણ્યસ્મૃતિ વિજડિત એઈ શાંતિનિકેતન, મહર્ષિ ઍખાનેઈ પેતેછિલેન તોર ધ્યાનેર આસન. રવીન્દ્રનાથ તોર સ્વપ્નેર વિદ્યાલય એવં વિશ્વવિદ્યાલય ગડે તુલેછિલેન ઍખાનેઈ.

વર્ષા યખન તાર મેઘમય વેણી એલાય, તખન શાંતિનિકેતન અપરૂપ. ખોવાઈ જુડે વૃષ્ટિર માતન. કોપાઈ નદીતે ભરા જોયાર. શાલવીથિતે ઝડેર દોલા એવં આમ્રકુંજે માધવી વિતાને શુધુ રવીન્દ્રનાથેર ગાન આર ગાન. એઈ સમય શાંતિનિકેતન મોહમયી, કેયાર ગન્ધે મદિર; વર્ષા ઉપભોગ કરતે હલે એઈ સમયઈ યેતે હય શાંતિનિકેતન—

પણ વર્ષા ક્યાં?

કાલે સાંજે અવશ્ય મેઘમેદૂર અંબર હતું. હઠાત્ જયદેવના ‘ગીત ગોવિન્દ’નો પહેલો શ્લોક આકાશમાં સ્નિગ્ધ સુંવાળાં જલભાર નમ્ર વાદળો તરફ જોઈ બોલાઈ ગયો – ‘મેઘૈર્મેદૂરિતમમ્બરં વનભુવઃ શ્યામાસ્તમાલૈર્ધને… જયદેવ આ જ વિસ્તારના, અહીંથી થોડે દૂર અજય નદીને કાંઠે વસેલા કેન્દુલીના. આ મેઘ, એમણે અવશ્ય આવું આકાશ અને આવી વનભૂમિ જોઈ હશે…

પછી ઠંડો પવન શરૂ થયો. હું પંચવટીના વિશાળ પ્રાંગણમાં ફરતો હતો. કોયલ અને પપીહાના દીર્ઘ સ્વર સંભળાતા હતા. પરંતુ ધીરે ધીરે એ વાદળ વીખરાઈ ગયાં. ચંદ્ર દેખાવા લાગ્યો હતો. રાત્રે આકાશ સ્વચ્છ હતું. વૃશ્ચિક નક્ષત્ર હીરાની જેમ ઝગારા મારતું હતું, સાન ફ્રાન્સિસ્કોથી આવેલા રમ્ય કાર્ડમાં અદ.એ લખ્યું છે:

‘ગઈ કાલે Muir Lodgeમાં રહ્યાં. તે રસ્તાની એક ધારે — થોડું isolated છે. અજંટા પાસેના પેલા ફર્દાપુરનું આકાશ અને તારાઓ બહુ યાદ આવ્યાં—’

હજારો હજારો માઈલ દૂરથી પણ તારા જોવાની વાત! પણ અત્યારે તે આકાશમાં તારા જોવાનું ગમતું નથી. અત્યારે ઇચ્છા થાય છે કે આકાશ એકદમ મેઘથી છવાયેલું હોય, પછી એકદમ વીજ-કડાકા અને ઘોર ગર્જના સાથે તૂટી પડે.

હમણાં કેટલાય દિવસથી પ્રચંડ તાપ પડે છે. સવારના સાડા-છ વાગ્યે પણ સૂર્ય અકારો થઈ જાય છે. જોકે આજે આખો દિવસ તડકા-છાંયડાની સંતાકૂકડી ચાલી છે. રવિ ઠાકુરનું ગીત ગણગણાઈ જાય :

આજ ધાનેર ખેતે રૌદ્ર છાયાર લુકોચુરિ ખેલા—

વળી સાંજે ચાર વાગ્યે તો આકાશ ફરી કાલની જેમ મેઘમેદૂર.

રવીન્દ્રભવનની ગૅલેરીમાં જોયું, શાન્તિનિકેતનનાં સૌ વૃક્ષો વર્ષાને વધાવવા માથું ધુણાવી રહ્યાં હતાં. પવન પણ શીતલ વહેવા લાગ્યો હતો, અને અમે જ્યારે નીચે ઊતરી વચ્ચેના ખંડમાં રવીન્દ્રનાથનાં પેઈન્ટિંગ્ઝ જોતાં હતાં ત્યારે એકદમ ખરેખર વૃષ્ટિ. રવીન્દ્રનાથની રંગરેખાની સૃષ્ટિમાંથી છટકી બહાર નીકળી આવી વરસાદમાં ભીંજાઈ જવાનું મન થઈ આવ્યું, પણ—

વૃષ્ટિ થંભી ગઈ, રસ્તાઓને ભીના મૂકી. સાંજે આકાશ ખાલી થઈ ગયું. શરદનાં હોય ના જાણે, એમ થોડાં વાદળ લાલ રંગ ધરી રહ્યાં હતાં. રમ્ય લાગતાં હતાં, પણ અત્યારે તો ભીષણ કાળા ડિબાંગ વાદળો જોઈએ છે.

અમદાવાદથી હું આવ્યો એની આગલી રાતે એટલે કે ચોથી જુલાઈએ એક સારો વરસાદ થઈ ગયો છે. એટલે શાંતિનિકેતનનાં મેદાનોમાં લીલાં તૃણ દેખાવા લાગ્યાં છે, વૃક્ષો ઘન ગ્રીન. હજી ગિરિ મલ્લિકાને ફૂલ બેસે છે. કાલિદાસનો વિરહી યક્ષ જે કુટજ ફૂલોથી મેઘને પ્રસન્ન કરવા અર્ઘ્ય આપે છે, એ જ આ શ્વેત ગિરિમલ્લિકા. પછી વર્ષારંભે એ હોય જ ને! પણ અત્યારે મનહરણ કરે છે જારુલનાં પેલાં જાંબલી ફૂલો. ચંપાનાં ફૂલો કરતાં એનાં પાંદડાંએ ચંપાને જાણે ઢાંકી રાખ્યો છે.

વરસાદની રાહ જોઉં છું. વિડંબના એ છે કે વરસાદને બદલે આકાશવાણી પરથી વર્ષાનાં ગીતો આવી રહ્યાં છે. વર્ષાનાં ગીતો અને વિરહીઓની વ્યથા. હા, પણ ભલે આ વીરભૂમમાં વરસાદ નથી; ઉત્તર બંગાળમાં એટલે કે દાર્જિલિંગના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ છે. મહાનંદા અને તિસ્તામાં વન્યા-રેલ આવી છે.

આ લખું છું ત્યાં આકાશવાણી પર ગીત આવે છેઃ

જાઓ મેઘદૂત

દિયો પ્રિયાર હાતે આમાર વિરહ ગીતિ –

સાંભળું છું. બીજું ગીત આવે છે:

આજિ બાદલ ઝરે મોર એકલા ઘરે

હાય બાદલ ઝરે

મન કૅમન કરે —

ત્રીજું :

એસો હે સજલ શ્યામઘન—

ગીતોની વર્ષા છે. આકાશમાંથી વર્ષા ક્યાં? સજલ શ્યામઘન ક્યાં?

૧૯ જુલાઈ,

રાત પડી છે. ગગન ગોરંભાયું છે, પણ હજી વરસાદ નથી.

આજ સવારના ઊઠીને રોજની જેમ તરત રસ્તા પર નીકળી પડ્યો હતો; પરંતુ ૫-૧૫ વાગ્યે પણ સૂર્ય ઊગી ગયો હતો. ફરીને આવ્યા પછી અંદર વરંડામાં ચંપાની પાસે બેઠો. સુવર્ણની ઝાંયવાળાં સફેદ ફૂલોથી ચંપો શોભી ઊઠ્યો છે. એની જોડેની જામફળી જમીનને અડકી ગઈ છે, એને બાઝેલાં જામફળોના ભારથી. રોજ તાજાં પાકાં જામફળ તોડીને એકલો એકલો ખાઉં છું. ક્યારેક સુનીલ સોબત આપવા આવી જાય છે, એ પણ મારી જેમ જામફળનો શોખીન છે.

સુનીલ સાથે અસમિયા કવિતા વાંચું છું. એની પાસે કવિતાની ઇન્દ્રિય છે. ફૂલ, પંખી બરાબર ઓળખે અને સ્પૉર્ટ્સમાં પણ ભારે રસ. તળ અસમિયા સંસ્કૃતિનો અભ્યાસી છે.

હમણાંથી વળી ઓડિયા શીખવાનો એટલે કે ફરીથી તાજી કરવાનો પ્રયત્ન ચાલે છે. એક રિસર્ચ કરતો ઓડિયા વિદ્યાર્થી મનોહર વાંચવા આવે છે. કેટલે પહોંચાશે એની ખબર નથી.

રવીન્દ્રભવનમાં હમણાં એક બંગાળી કવયિત્રી અને કથાલેખિકા કેતકી કુશારિ ડાયસન આવ્યાં છે — ઑક્સફર્ડથી. મૂળે કલકત્તાનાં છે, પછી ઑક્સફર્ડ જઈ પીએચ.ડી. થયાં છે, અંગ્રેજી વિષયમાં. અંગ્રેજને પરણ્યાં છે. ડાયસન એમના પતિની અટક છે. એમની અટક કુશારિ છે. બન્ને અટક જોડી પિતૃકુળ-પતિકુળનો યોગ સાધ્યો છે. પહેલાં કેતકી કુશારિ ડાયસન બોલવાનું વિચિત્ર લાગતું, પણ હવે સ્વાભાવિક બનતું જાય છે.

કેતકી કુશારિ ઑક્સફર્ડમાં જ રહે છે. એ ભણાવતાં નથી. બધો સમય લેખનને આપે છે. બંગાળીમાં તેમના કાવ્યસંગ્રહ છે: ‘જલેર કોરિડર ધરે’ અને ‘સબીજ પૃથિવી’, અંગ્રેજીમાં ‘Sapwood’ નામે કાવ્યસંગ્રહ છે. એમની એક નવલકથા ‘દેશ’ સાપ્તાહિકમાં ધારાવાહિક રૂપે પ્રકટ થઈ હતી ‘નટોન નટોન પાયરાગુલિ.’ બંગાળી જોડકણાની એક પંક્તિનો ઉપયોગ નામકરણ માટે થયો છે. એમનો મહાનિબંધ છે: A Various Universe: (The Journals and Memoirs of British Men & Women in the Indian Subcontinent 1765-1856).

કેતકીદીને પંચવટીમાં મારી પડોશમાં જ આવાસ મળ્યો હતો, પણ એમણે પૂર્વપલ્લી અતિથિગૃહમાં જ રહેવાનું પસંદ કર્યું છે. મેં તેમને પંચવટીમાં ચારેક દિવસ ઉપર ચા માટે આમંત્રણ આપ્યું હતું. પછી તો તેમણે પોતાની બંગાળી કવિતાઓ વાંચી. બંગાળમાં કાવ્યપાઠનો બહુ મહિમા છે. ઉત્તમ રીતે કાવ્યપાઠ કરનારા અહીં ઘણા કવિઓ છે. સારા સારા નટો પણ કાવ્યપાઠ કરવામાં નિપુણતા મેળવે. એ બધાને સાંભળવાનો અવસર મળે છે. કેતકીના અવાજમાં રણક સાથે લોચ છે. અંગ્રેજી કવિતા વાંચતી હોય ત્યારે એવું ન લાગે કે કોઈ ભારતીય અંગ્રેજી વાંચે છે. કાવ્યવાચન દરમિયાન બે વખત કૉફી પીધી. કૉફી, અલબત્ત, મેં જ તૈયાર કરી હતી.

સવારના આઠથી બપોરના બાર સુધી કવિતા ઉપરાંત બીજી ઘણી વાતો થઈ. એમાં કલકત્તાના એની કૉલેજના દિવસો પણ આવી ગયા અને આજની બંગાળી ગુજરાતી કવિતા પણ.

કેતકી કુશારિ રવીન્દ્રનાથ અને વિક્ટૉરિયા ઓકામ્પોનો પત્રવ્યવહાર એડિટ કરવા આવ્યાં છે. એમને બે મહિનાની ફેલોશિપ મળી છે. અહીં આવી ટૂંકા ગાળાની ફેલોશિપ પણ હોય છે. રવીન્દ્રભવનમાં એમનું ટેબલ મારા ટેબલની પાસે જ છે. અહીં લોડ-શેડિંગને લીધે વારંવાર વીજળી જતી રહે છે. આખા પશ્ચિમ બંગાળમાં વારંવાર વીજળી જતી રહે. પંખા બંધ થઈ જાય ત્યારે કેતકી હોઠ મરડી કંટાળો દેખાડવા એવો મુખભાવ કરે કે હસી પડાય.

બીજાં એક રિસર્ચ સ્કૉલર બાંગ્લાદેશથી આવ્યાં છે. સંજીદા ખાતુન એમનું નામ. ઢાકા રેડિયો પરથી પ્રસારિત થતા રવીન્દ્રસંગીતમાં ઘણી વાર એમનું ગાન સાંભળું છું. ઢાકા યુનિવર્સિટીમાં બંગાળી વિષયનાં ઍસોસિયેટ પ્રોફેસર છે. તેઓ બે વર્ષ માટે આવ્યાં છે. સુતપાએ પરિચય કરાવ્યો હતો. તેઓ ‘કવિતામાં ધ્વનિ-સાઉન્ડનો યોગ’ એ વિશે કામ કરવાનાં છે. આજે એમની સાથે રવીન્દ્રભવનમાં એમના વિષયની ચર્ચા થઈ. મેં એમને બે પુસ્તકનું સૂચન કર્યું – સ્ટેનલી બર્ન શૉ-સંપાદિત ‘Poem Itself’ અને લીચનું પુસ્તક ‘A Linguistic Guide to English Poetry’, સંજીદાનું એક સુખ છે: ‘ગાઓ’ કહીએ એટલે ગાય. આગ્રહ ન કરાવે. ત્રણચાર ગીતો તો થઈ જ જાય. ઘણી વાર સવારે ઢાકા રેડિયો પરથી એમનું મુદ્રિત ગાન પ્રસારિત થયું હોય, તે સાંજે ખુલ્લા મેદાનમાં હું ગાવા કહું ને એ ગાય.

રોજની જેમ આજે પણ બપોર પછી રવીન્દ્રનાથનાં અસલ ચિત્રો જોવાનો કાર્યક્રમ હતો. છેલ્લા કેટલાક વખતથી નીચે મધ્યખંડમાં રવીન્દ્રનાથનાં રવીન્દ્ર ભવનમાં સંગૃહીત ચિત્રોમાંથી રોજ દશ દશ પ્રદર્શિત કરવામાં આવે છે.

રવીન્દ્રનાથે ૧૯૨૫ પછી એટલે કે એમના જીવનના સાતમા દાયકામાં ચિત્રો દોરવાનું શરૂ કરેલું. પહેલાં એ કવિતા લખતાં છેકછાક કરતા, હુડલિંગ્ઝ જેવું કરતા. એમાંથી આકૃતિ ઉપસાવતા, પછી તે ચિત્ર પર ચિત્ર. એમણે કરેલાં ૨૫૦૦ જેટલાં પેઇન્ટિંગ્ઝ છે! એમાંથી રવીન્દ્રભવનમાં ૧૫૭૫ ચિત્રો સચવાયાં છે. અહીં શરૂમાં તો ઘણા દર્શકો આ ચિત્રો જોવા આવતા. હવે દર્શકોમાં આઠ-દશનું એક નાનકડું જૂથ રહ્યું છે.

ચિત્ર માટે તો મારી પાસે આંખો ક્યાં છે? જેમ સંગીત માટે કાન નથી. સંગીતમાં અદ.ને લીધે અવશ્ય રુચિ કેળવાતી ગઈ છે. આ ચિત્રો એમણે પણ જોવાં જોઈએ. રવીન્દ્રનાથનાં ચિત્રોમાં જે ગ્રોટેસ્કનું, બિહામણું તત્ત્વ છે, તે આપણને આશ્ચર્ય પમાડે છે, એકદમ મૉડર્ન. એમણે જાનવરોનાં, જાણે પ્રાગૈતિહાસિક-કાલીન પ્રાણીઓ હોય એવાં ચિત્રો દોર્યાં છે. નારીચિત્રણા અને ભૂચિત્રણાઓ પણ ઘણી. એક દિવસ તો, ૧૦ ચિત્રો બતાવાયાં, તે બધાં જ ન્યુડ પેઇન્ટિંગ્ઝ. રવીન્દ્રનાથના કથાસહિત્યમાં જે નારી છે, કવિતામાં જે નારી છે, તેનાથી સાવ જુદી નારી છે ચિત્રોમાં. એક ઘેરી વિષાદની છાયા, રહસ્યાત્મકતા સ્ત્રીઓનાં બધાં પોર્ટ્રેટ્સમાં છે.

આજે રામચંદ્ર ગાંધી (ગાંધીજીના પૌત્ર) આવ્યા હતા. આ સત્રમાં પરમ દિવસે આવ્યા. મને હતું કે આ સત્રમાં કદાચ નહિ આવે. પણ આવ્યા છે. પ્રેમથી મળ્યા. તેમને ચિત્રોમાં ઘણો રસ. રંગરેખા ઉપરાંત રવીન્દ્રનાથનાં ચિત્રોનું અર્થઘટન કરવાનો પણ પ્રયાસ કરે. આમ તો ફિલૉસોફર માણસ. ઉમાદી અને કેતકી ડાયસન પણ હતાં. ભારતીય સંગીત શીખવા આવેલ એક સ્વીડિશ છાત્ર હાન્સ હેડર્સને પણ કેટલાક દિવસથી જોઉં છું, ઑલિયા વેશમાં. આ લખું છું ત્યાં આકાશવાણી પરથી રવીન્દ્રસંગીત શરૂ થયું. ‘આબાર શ્રાવણ હયે એલે ફિરે…’

રવીન્દ્રનાથને સમગ્ર રીતે પામવા હોય તો એમના સાહિત્યની સાથે એમનાં ચિત્રો અને સંગીતને પણ જાણવાં આવશ્યક છે. નિયમિત રૂપે સવારે-સાંજે આકાશવાણી પરથી પ્રસારિત થતાં રવીન્દ્રનાથનાં ગીત સાંભળું છું. કલકત્તા આકાશવાણી પરથી પ્રસારિત થયા પછી, થોડી વારે ઢાકા રેડિયો પરથી પણ રવીન્દ્રસંગીત પ્રસારિત થાય છે અને એ પણ સાંભળું છું. ‘ગીત વિતાન’ કે ‘ગીત પંચશતી’ લઈને બેસું છું. ગીત સાંભળવા સાથે એની ટેક્સ્ટ પણ સામે રાખું છું. સંગીતની સાથે કવિતાનો આનંદ. રવીન્દ્રનાથમાં શબ્દ અને સૂર બન્નેનું મહત્ત્વ છે. એમનાં ગીતોમાં શબ્દ પર સૂર હાવી થઈ જતો નથી, સૂર શબ્દોને ઘનત્વ આપે છે. ઘણી વાર એવું લાગ્યું છે કે ગીત ગવાય છે ત્યારે એક અનેક પાંખડીવાળું કમળ ધીરે ધીરે ખૂલતું જાય છે.

પણ આ શું? વરસાદનો અવાજ?

હા, દ્વાર ખોલીને બહાર નીકળ્યો. ખરેખર વરસાદ. ખુલ્લા આકાશ નીચે જઈ આવ્યો અને વરસાદમાં થોડા ભીના થઈ આવ્યા પછી આ લખું છું. ત્યાં આકાશવાણી પરથી શ્રાવણ મેઘ વિશે બીજું ગીત શરૂ થયું છે.

શ્રાવણ મેઘેર આધેક દુ યાર ઓઈ ખોલા,
અડાલ થેકે દેય દેખા કોન પથ-ભોલા…

ના, કોઈ નથી.

આ કેવું! જેમ મેઘમલ્હાર રાગ ગવાય અને વર્ષા થાય, તેમ આજે આ બધાં વર્ષાગીતોથી શું વરસાદ ખેંચાઈ આવ્યો? વરસાદનાં ફોરાં મારા વાળમાં અને મારાં કપડાં પર પડેલાં છે. કેવો શીતલ સ્પર્શ! રાત્રિના ૧૦–૩૦ થયા ના હોત તો નિરાંતે વરસાદમાં ભીંજાત.

કેવી વિચિત્ર વાત! ‘વરસાદ નથી’ એ વાતથી આજ લખવાનું શરૂ કર્યું, આટલું લખ્યું એટલામાં આ વરસાદ! વિધિ!

હા, વિધિ—

છેલ્લા કેટલાય દિવસથી વિધિની વિચિત્રતા વિશે કલાન્ત મનથી વિચારી રહ્યો છું, પણ જાણે કશું ય પામી શકાતું નથી.

જે બની ગયું છે, તે ખરેખર બની ગયું છે?

જે સ્વજન દ્વાર ખોલીને ચાલી ગયું છે, તે હવે કદીય પાછું નહિ આવે? તેમનું મોં જોવા નહિ મળે? તેમનો શાન્ત સ્વર ફરી કદીય સાંભળવા નહિ મળે?

કદીય નહિ?

ના. હવે બસ કરું. જે ભૂલવા આ લખવા બેઠો, તે બધું હવે એકદમ સામે આવી ગયું છે. આમ જ થાય છે. કામમાં મન પરોવી દીધું હોય — અને એકાએક તીવ્ર શૂળ ભોંકાઈ રહે અને…

વરસાદ પડે છે…
ઝર ઝર બરિખે બારિધારા
હાય પથવાસી, હાય ગૃહહારા…

૨૦ જુલાઈ,

રાત્રિના ૯

બપોર ક્લાન્ત.

જમવા જતો હતો ત્યાં ઉસ્તાદ યુનુસખાંએ એમના ઘરમાંથી સાદ દીધો. હું ઊભો રહી ગયો. એમણે કહ્યું, મેં જમવાનું બનાવ્યું છે. તમે આજે મારે ત્યાં જમો. યુનુસખાં પંચવટીમાં મારા પડોશી છે. હમણાં એકલા છે. પત્ની-પુત્ર દેશ ગયાં છે. વચ્ચે થોડા દિવસ બીમાર થઈ ગયેલા. ઇસ્પિતાલમાં રહેવું પડ્યું હતું. ત્યારે મને એવો વિચાર આવી ગયેલો કે કદાચ ક્યારેક આપણી પણ આવી સ્થિતિ થઈ જાય તો આ દૂર દેશમાં કેવી દુર્દશા થાય! પણ એ વિચાર મનમાંથી કાઢી નાખેલો.

એક સવારે યુનુસખાં ઇસ્પિતાલમાંથી આવ્યા ત્યારે કૉફી બનાવીને આપવા ગયો હતો. યુનુસખાં ભારતના અગ્રગણ્ય સંગીતકારોમાંના એક છે. વિશ્વભારતીના સંગીતભવનમાં એ અધ્યાપક છે. સંગીતવિદ્યાના અચ્છા જાણકાર અને અત્યારે આગ્રા ઘરાના વિશે પુસ્તક લખી રહ્યા છે. અમદાવાદમાં રહેલા છે, વડોદરા પણ.

ઘણું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. રોટલી માત્ર જાડી, એટલે કે બાજરીના રોટલા જેવી. કહે, મર્દાના રોટી હૈ. જમતાં જમતાં કહે — હું તો તદ્દન શાકાહારી છું. પછી એમણે વૈષ્ણવ અને સૂફી કવિતામાં પોતાને રસ છે એની ચર્ચા કરી. અંતે કહ્યું — અમારા વડવાઓ પિતૃપક્ષે ક્ષત્રિય અને માતૃપક્ષે બ્રાહ્મણ હતા.

આજે શ્રીરામપુર (અંગ્રેજી જોડણીને લીધે બોલાય છે સેરામપોર) અને ચંદનનગર જવાની યોજના હતી પણ સુનીલને ફોલ્લી થઈ હતી એટલે જવાનું બંધ રાખ્યું. બપોરે સૂઈને ઊઠ્યા પછી રાજેન્દ્ર શાહનો નવો કાવ્યસંગ્રહ ‘પ્રસંગસપ્તક’ વાંચ્યો. એને વિશે લખવાનું છે.

પરંતુ વાંચવા કે લખવા બેસવા એકાગ્રતા સધાતી નથી. ઘણા દિવસથી જાણે કંઈ લખ્યું નથી. મગજને પરિશ્રમ આપ્યો નથી. આમ ને આમ તો એ આળસુ બનતું જશે, પછી તે બહાનાં કાઢવાની ક્યાં ખોટ છે! નથી વંચાતું, નથી લખાતું — એથી પણ ક્લાન્તિ, ખિન્નતા રહે છે. શાંતિનિકેતનનો એક વર્ષનો નિવાસ. લગભગ અડધો સમય તો વીતી જવા આવ્યો, પરંતુ પ્રૉજેક્ટ સંદર્ભે કેટલું કામ થયું? ‘રવીન્દ્રનાથ અને ગુજરાતી સાહિત્ય’ વિશે મોનોગ્રાફ ઉપરાંત તુલનાત્મક સાહિત્ય વિશે કેટલાક કાર્યક્રમ કરવાના છે. એપ્રિલમાં ઉમાશંકરભાઈ આવ્યા ત્યારે વિવિધ ભાષાઓના કાવ્યપાઠને ‘ઉત્તરાયણ’માં આયોજિત કરેલો. શિવનારાયણ રાયે બધી જવાબદારી મારા પર નાખેલી.

એમ તો રવીન્દ્રનાથ વિશે ઘણું વાંચ્યું. રવીન્દ્રનાથ વાંચ્યા અને વાંચું છું, એમનાં ચિત્રો જોયાં, જોઉં છું, સંગીત પામવા મથું છું. આ પણ કદાચ ઓછું નથી, તેમ છતાં જાણે કંઈ થતું નથી એ ભાન સતત રહ્યા કરે છે.

સાંજના સુનીલ અને કૈલાસ પટનાયક આવ્યા, ફરવા જવાનો કાર્યક્રમ રાખ્યો પ્રાન્તિક સ્ટેશન તરફ. પ્રાંતિક તરફનો લૅન્ડસ્કેપ નંદલાલ બસુ જેવા ચિત્રકારોએ પોતાનાં ચિત્રરેખાંકનોથી અમર બનાવી દીધો છે. ઊંચી-નીચી ભૂમિ, વચ્ચે તાલનાં વૃક્ષ, ખેતર, મયૂરાક્ષીની નહેર, રેલવેલાઇન, ખડનાં છાપરાંવાળાં ઘર, ઘણુંખરું સાંતાલોનાં. ગમે ત્યારે જુઓ — પેસ્ટોરલ.

પણ આજે તો હદ થઈ ગઈ હતી.

આકાશમાં મેઘની લીલા. વળી પાછું ‘ધાનેર ખેતે રૌદ્ર છાયાય લુકોચુરિ ખેલા’નું વાતાવરણ. ગઈ કાલે રાતે વરસાદ થઈ ગયો હતો. આજે રથયાત્રાનો વળતો દિવસ હતો. ભગવાન આજે નિજમંદિરે જાય. એટલે સાંતાલ તરુણો-તરુણીઓ રેલને પાટે પાટે ચાલતાં બોલપુર ભણી જતાં હતાં. તે આ ભૂચિત્રણામાં ભળી જતાં હતાં.

મને આખો સમય થયા કરતું હતું કે અદ. હોત તો? ચીતરવાનું મન કરત. નીચેની ધરતી અને ઉપરનું આકાશ, સૂર્ય અને વાદળ અને માથાના વાળ ફરફરાવી જતો પવન. લટ ઊડીઊડીને મોઢા પર આવી જાય. પણ ક્યાં અમેરિકાની યોસેમાઇટ વેલી અને ક્યાં આ શાંતિનિકેતનનો ‘ખોવાઈ’ વિસ્તાર! ‘ખોવાઈ’ એટલે પાણીના વહેવાથી બનેલી ખીણ. રવીન્દ્રનાથે એના પર કવિતા કરી છે. ૧૯૨૫માં શાંતિનિકેતનના છાત્ર નગીનદાસ પારેખ ઘણી વાર આ ખોવાઈની વાત કરતા.

પ્રકૃતિલીલા અદ્ભુત હતી. બધું સ્વપ્નમય, રહસ્યમય લાગે. તડકો એવો પથરાતો જતો હતો. નંદલાલ બસુનું એક ચિત્ર છે ‘દિગ્વલય’. એ જ દિગ્વલયમાં જાણે પલપલ પરિવર્તિત પ્રકૃતિ આજે ઊભરાઈ જાય છે. પેલું સાંતાલગામ સાંજના આથમતા તડકામાં કેવું લાગતું હતું! ઊંચાં તાલ વૃક્ષોનાં શિર પવનમાં ફરફરતાં હતાં. સુનીલે કહ્યું કે અસમમાં એમના ઘર-આંગણે સોપારીનાં વૃક્ષ આવા પવનમાં એવાં તો બંને બાજુ ઝૂકી જતાં હોય! પવનનાં મોજાં સામે એક શીમળો અડગ ઊભો હતો. અત્યારે તો લીલોછમ છે. લાલ પુષ્પોનાં આભરણ ક્યારનાંય ઉતારી નાખ્યાં છે. વસંતમાં જ્યારે એ લાલ પુષ્પોનાં આભરણ પહેરે છે ત્યારે પત્રો ઉતારી નાખે છે. (પુષ્પોનાં) આભરણ પહેરેલી બોદલેરની નગ્ન નાયિકા My sweet was naked…બૉદલેરની કવિતા શરૂ થાય છે.

આવી ઉપમા કેમ સૂઝે છે? પણ મનની સ્થિતિ વિચિત્ર છે. ક્યારેક રક્તમાં જાણે Cycle બદલાતી લાગે, અને બધું કામનાદીપ્ત લાગે, erotic imagery ચિત્તને આક્રાન્ત કરી દે. મનની વિચિત્રતા તો એમાં જોઉં છું કે આવી સ્થિતિમાં પણ નિરાવૃત છાતીમાં આશ્રય લેવા ઝંખે, કદાચ એથી વધારે.

યોસેમાઇટ વેલી, એનાં પક્ષી અને પેલું તોતિંગ વૃક્ષનું થડ.

અમે ત્રણે પ્રકૃતિપ્રિય લોકો ભેગા થઈ ગયા હતા. આજના દૃશ્યથી ત્રણે પ્રભાવિત થઈ ગયા હતા. દરેક જણ પોતપોતાની ભાષામાં આજના લૅન્ડસ્કેપનું વર્ણન કરે, એવું મેં સૂચન કર્યું. શરૂઆત મારે જ કરવાની આવી. મેં આકાશની નીલિમા, નીલિમાને ઢાંકતાં કેટલાંક રમતિયાળ વાદળ, પવનમાં ફરફરતાં તાલવૃક્ષ, સાંતાલ ગામ, બંધુર ભૂમિ, દૂર સુધી જતા રેલપાટા અને દૂરનું સિગ્નલ – આવું બધું, એક રીતે તો દૃશ્યમાનનું સ્થૂલ વર્ણન કર્યું. પણ એનાથી મન જે રીતે છવાઈ ગયું હતું, તે વાત લાવી શકાઈ નહિ. આ પાના પર પણ લાવી શકતો નથી.

પણ એ સ્થૂલ વર્ણનને અંતે મેં ઉમેરેલું — આવી ક્ષણોમાં કઈ પ્રિયજન બસ આપણી સાથે હોય!

પછી કૈલાસ પટનાયકે ઓડિયામાં વર્ણન કર્યું. એ ભાષાના એ પ્રભાવી વાર્તાકાર છે. પછી સુનીલે અસમિયામાં વર્ણન કર્યું. સુનીલ શ્રમિત સાંતાલ તરુણીઓનું વર્ણન કરવાનું ભૂલ્યા નહિ. મેં કહ્યું — તમારા વર્ણનમાં social reality આવી, અમે થોડા રોમાન્ટિક રહ્યા.

આજે સિલિગુડીથી ઊપડેલો કાંચનજંઘા એક્સપ્રેસ પસાર થયો. આંતરે દિવસે એ કલકત્તાથી સિલિગુડી અને સિલિગુડીથી કલકત્તા જાય છે. નવી ગાડી છે, એકદમ સ્વચ્છ અને પાછી સુપરફાસ્ટ. કલકત્તાથી ઊપડે તે પહેલું સ્ટૉપ બોલપુર–શાંતિનિકેતન. ચાર સ્ટૉપમાં તો સિલિગુડી. આખી સળંગ ટ્રેન.

કાંચનજંઘા ધણધણાટ કરતો પસાર થઈ ગયો. મન-શરીરમાં એક ઝણઝણાટી પ્રસરી ગઈ. કાંચનજંઘાનાં દર્શનની તીવ્ર ઝંખના અને એ ક્ષણો મનમાં રમી રહી. પછી એક માલગાડી જવાની હતી. અમે પાટા પર દશ પૈસાનો સિક્કો મૂકી રાખ્યો. ગુડ્ઝ પસાર થયા પછી જોયું તો એ ટિપાઈને લાંબો થઈ ગયો હતો. રાખી મૂકીશ ટિપાયેલું દસિયું, એ રમ્ય સંધ્યાના સ્મરણ માટે.

પ્રાંતિક સ્ટેશનના ખુલ્લા આકાશ નીચે એક ઝૂંપડી હોટલની ખાટલીમાં બેસી ચા પીધી અને ઝાંખ વળ્યે ગરનાળાના પાટા પર સાચવી ધીમે ધીમે ડગ માંડી પાર કરી ઘર ભણી વળ્યા.

સાંજ મનમાં ભરી રાખી છે. બપોરની ક્લાંતિ અત્યારે તો દૂર થઈ છે. સ્મરણ પણ મનમાં એક આશ્વસ્તીનો ભાવ જગાડે છે—

But who weeps

So close to myself on the brink of tears?

જેનું સૌભાગ્ય ભૂંસાઈ ગયું છે એ દીકરી મંજુ?

૨૧ જુલાઈ

‘ફૂલ ફોટે ફૂલ ઝરે.
દિનગુલો જાય ચલે…’

૨૪ જુલાઈ

અષાઢી પૂર્ણિમા

રાત્રિ : ૧૦

‘બાદલ દિનેર પ્રથમ કદમ ફૂલ’ ટેબલ પર જલપાત્રમાં ગઈ કાલથી મૂકી રાખ્યું છે. કાલે એ કૈલાસ પટનાયક ઓડિયા વિભાગમાં લઈ આવેલા. મેં ચકિત ભાવે પૂછ્યું : ક્યાંથી લઈ આવ્યા? કહે – શાંતિનિકેતનના આ આદિભવનથી રતનકુઠિ જવાને રસ્તે કદંબનાં વૃક્ષેની હાર છે. આ સામે જ.

તરત જઈને જોયું. વિશાળ કદંબ ફૂલોથી શોભી રહ્યાં હતાં. કદંબનાં ફૂલ. યાદ છે — વર્ષો પહેલાં સાપુતારા જતાં ડાંગના જંગલવિસ્તારમાં અચાનક આંધી-વૃષ્ટિમાં રસ્તા વચ્ચોવચ્ચ આડા પડેલા વૃક્ષની સાથે છિન્ન કદંબની સજલ સપુષ્પ ડાળીઓ પડી હતી. આ ખીલેલાં કદંબ જોઈ, વલ્લભપુરમાં કોપાઈને તીરે જેની છાયામાં બેઠેલાં તે કદંબનું ચિત્ર પણ નજર સામે આવે. અત્યારે તે કોપાઈ પણ જળ ભરીને વહેતી હશે.

હમણાં ક્યારેક વરસાદ થઈ જાય છે. આજે અષાઢી પૂર્ણિમાને દિવસે સાંજે એ વરસી પડ્યો. રસ્તે આખે ભીંજાતો રહ્યો. એ પછી રવીન્દ્રભવનની ગેલેરીમાં ઊભાં ઊભાં નીતરતી વર્ષાને જોયા કરી. પછી એ ભીના વાતાવરણમાં રવીન્દ્રનાથની શ્યામલી અને પુનશ્ચના આવાસો ભણી જઈ આવ્યો. વરસાદમાં એ બધા આવાસો જુદું રૂપ ધારણ કરે છે.

ગઈ કાલનો આખો દિવસ રુદનભર્યો ગયો. સવારમાં ‘પુનશ્ચ’માંની કવિતા વાંચતો હતો — અને પછી ઘણા દિવસથી રોકી રાખેલું રુદન. ‘અવશ થઈ રોવાઈ જતું, ક્ષમા કરજો તમે…’ પણ રામભદ્રની જેમ હું કોની ક્ષમા માગું? કેમ મનમાંની ઉદાસી દૂર કરું?

સાંજે પંચવટી પર રામચંદ્ર ગાંધી આવ્યા હતા. ગાંધીજીને જોયા નથી; પણ એમના આ પૌત્રને જોઈને ગાંધીજીની મોંકળાનું અનુમાન કરું છું. રામચંદ્ર ગાંધી ઑક્સફર્ડમાં ફિલૉસોફી ભણ્યા છે. દેશના ચિંતકોમાં એમનું સ્થાન છે. બહુ હાર્દિક અને બહુ સરલ, આંખોમાં સદા એક તરલતા. અહીંના તાપમાં માથે મોટી વાંસની ટોપી પહેરીને ફરે. ક્યારેક રસ્તે લારી પાસે ઊભા રહી કેળાં ખાતા હોય. અમે મારા રસોડાના પાછલા ભાગમાં ખુલ્લામાં બેઠા.

વાતવાતમાં એમણે ઘરના સમાચાર પૂછ્યા. બધી વાત થઈ. મંજુ માટે તેમણે ઘણું દુઃખ વ્યક્ત કર્યું. રમણ મહર્ષિનાં બોધવચનોથી મને સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો. એપ્રિલના એક દિવસે અહીં જ રામચંદ્ર ગાંધી બેઠા હતા. તે વખતે વાતોમાં અમે ત્રણ હતાં. આજે એક ખુરશી ખાલી હતી.

પછી આવ્યા હતા સુનીલ અને કૈલાસ પટનાયક. વાતચીતનો રંગ થોડો બદલાયો, કૉફી પીધી. સુનીલ હોય પછી મારે ચિંતા નહિ. પણ સૌના ગયા પછી ફરી એ જ વૈકલવ્યની સ્થિતિ.

પાઉડરમાંથી દૂધ બનાવ્યું હતું, તે ખાખરા સાથે લીધું, અંદરના વરંડામાં બેસી, ચંપાના સાંનિધ્યમાં.

ગઈ કાલે ‘પુનશ્ચ’ વાંચી લીધી હતી. આજે ‘મહુયા’ની કવિતાઓ વાંચવી શરૂ કરી છે. ‘મહુયા’ એટલે મહુડી. આ નામમાં માદકતાનો બોધ રહેલો છે. વિક્ટૉરિયા ઓકામ્પોના પરિચયમાં રવીન્દ્રનાથ ૧૯૨૪માં આવ્યા ત્યારે કવિની વય તેંસઠની હતી, વિક્ટૉરિયાની એકત્રીસની. બુયેનોસ એરિસમાં કવિ બીમાર થતાં વિક્ટૉરિયાની સારવાર નીચે રહેલા. વિક્ટૉરિયા રવીન્દ્રનાથની પ્રશંસક હતી. એના પ્રણયજીવનમાં આવેલી કટોકટીની ક્ષણોમાં રવીન્દ્રનાથની ‘ગીતાંજલિ’ની કવિતાએ એને ટકાવી રાખી હતી. કવિનું આતિથ્ય કરવાનું મળ્યું, એમાં એણે પોતાનું અહોભાગ્ય માન્યું. નગરથી દૂર નદીને કાંઠે કવિને માટે ખાસ વિલા લઈ રાખ્યો હતો.

૧૯રપમાં પ્રકટ થયેલો કાવ્યસંગ્રહ ‘પૂરબી’ વિજયાને એટલે કે વિક્ટૉરિયાને અર્પણ થયો છે. કવિએ જ એને વિજયા નામ આપેલું.

‘પૂરબી’માં ઓકામ્પો અને રવિ ઠાકુરના નાજુક પ્રેમબંધની કેટલીક કવિતાઓ છે. ‘મહુયા’માં પણ ઉત્તરવયમાં લખાયેલી પ્રેમકવિતાઓ છે. કેતકી કુશારિ રોજ રોજ ઓકામ્પોની કંઈ ને કંઈ વાત કરે, ખાસ તો રવીન્દ્રનાથ અને ઓકામ્પો એ બન્ને વચ્ચે થયેલા પત્રવ્યવહારની. ઓકામ્પોના હસ્તાક્ષરમાં અમે એ પત્રો વાંચીએ છીએ.

ગઈ કાલે બીજી એક ફ્રેન્ચ સન્નારી આન્દ્રે સાથેના કવિના પત્રવ્યવહારની વાત થઈ. ‘નૉટી ગુરુદેવ!’ – કહી, આંખ મિચકારતાં એ પત્રોમાંથી કેટલાકના અંશ કેતકીએ વાંચી બતાવ્યા. પત્રમાં એક પ્રકારનો રાગ દેખાય, એ નિર્દોષ જ હશે. એ મહિલા ગુરુદેવના પુત્ર રથીન્દ્રનાથ અને પ્રતિમાદેવીની પણ મિત્ર હતી. એમના પર એણે પત્રો લખ્યા છે. પરંતુ ઓકામ્પોએ તો રવીન્દ્રનાથના જીવનમાં ફરીથી વસંત આણી છે, એ ચોક્કસ. એ નારી કવિના જીવનમાં પુનર્નવા બનીને આવી હતી.

હજી હમણાં સુધી વિક્ટૉરિયા હતાં, ૧૯૬૧માં રવીન્દ્રનાથની શતાબ્દી ઊજવાઈ તે પછી પણ. એ વખતે પ્રકટ થયેલા શતાબ્દી ગ્રંથ ‘ટાગોર સેન્ટેનરી’ વૉલ્યુમમાં ઓકામ્પોએ ‘Tagore on the Banks of the River Plate’ શીર્ષકથી લાંબો સંસ્મરણાત્મક લેખ લખેલો. વિક્ટૉરિયા વિશે ત્યારે પહેલવહેલું જાણેલું.

થોડાક સમય પહેલાં વિક્ટૉરિયાનું જીવનચરિત્ર પ્રકટ થયું છે. કેતકીએ મને રવીન્દ્રભવનના ગ્રંથાલયમાંથી લાવી એ ચોપડી બતાવી. ડોરિસ મેયર એના લેખક છે. નામ છે : Victoria Ocampo: Against the Wind and the Tide.’ આ પુસ્તક વાંચવું રહ્યું. એક મહાન નારીનું રેખાચિત્ર ઉપલબ્ધ થશે.

બંગાળી કવિ શંખ ઘોષે પણ ‘ઓકામ્પોર રવીન્દ્રનાથ’ નામે પુસ્તક બંગાળીમાં પ્રકટ કર્યું છે.

વિક્ટૉરિયા. ધનિક પિતાની પુત્રી. પતિ સાથે લાંબુ ચાલ્યું નહિ. પણ પછી બીજું લગ્ન કર્યું નહિ, પણ એના જીવનમાં મોટા પુરુષોનો પ્રવેશ અને નિર્ગમન છે, જેમાં સ્પેનિશ ચિંતક ગસેટ ઓર્તેગા છે, જર્મન ચિંતક કાયસરલિંગ છે. એ શ્રેણીમાં રવીન્દ્રનાથને મૂકી શકાય? આ ઉપરાંત એના જીવનમાં લગ્નભંગ પછી એક પ્રેમી હતો.

રવીન્દ્રનાથ ઓકામ્પોની કેટલા નિકટ ગયા હતા, તે અનુમાનનો વિષય છે; પણ ૧૯૨૫ પછીની તેમની ઘણી કવિતાઓ અને ઘણાં ચિત્રોનું પગેરું ઓકામ્પોની દિશામાં લઈ જાય છે. કેતકીના સંશોધનનો એ વિષય છે. એમણે ‘રવીન્દ્રનાથ ઓ વિક્ટૉરિયા ઓકામ્પોર અનુસંધાને’ નામે એક પ્રયોગાત્મક નવલકથા બંગાળીમાં લખી છે, જેમાં નવલકથા અને સંશોધન જોડે જોડે જાય છે.

ગઈ કાલે પત્રની રાહ જોઈ હતી. પણ નિરાશા. આજે રવિવાર છે એટલે કશું વિચારવાનું હતું નહિ. ગઈ કાલે અવશ્ય શ્રી હરિવલ્લભ ભાયાણી અને પડોશી મિત્ર આર. એસ. રાવળના પત્રો હતા. એ પત્રો વાંચતાં વળી પાછું ઘર સાંભરી આવ્યું હતું. એકદમ અમદાવાદ જવાનો વિચાર આવી ગયો હતો. પણ જઈનેય શું? જે જનને ખોઈ બેઠા છીએ, તેને તો હવે ક્યાંથી જોવા પામવાના છીએ? મને થાય છે કે જાણે પુત્રી અને પત્નીને શોક કરતાં મૂકી હું અહીં ચાલી આવ્યો છું.

કાલે રવીન્દ્રનાથનાં ચિત્રો જોતાં જોતાં એક રેખાંકન ક્રંદસી નારીનું જોયું અને વળી મંજુ યાદ આવી.

આજે અષાઢની વાદળછાયી પૂર્ણિમા છે.

૨૭ જુલાઈ,

રાત્રિ ૯-૩૦

‘આજિ અંધ તામસી નિશિ’. એ તમસમાં આકાશવાણી પરથી સિતાર પર મિયાં કી મલ્હાર રાગ સાંભળું છું. અધિકાર કોને કહેવાય તે અત્યારે સમજાય છે. તેમાં વળી વરસાદ, મેઘગર્જના. કેવી રાત! ફાનસના અજવાળામાં આ લખું છું ત્યારે :

જલ પડે.
પાતા નડે
તોર કથા
મને પડે
કેનો રાતે ઘુમ ચોખે એસે ના..?

આજે બુધવાર. રજા હતી. આજ સવારના મંદિરમાં પણ ન ગયો. બાંગ્લાદેશની એક ફિલ્મ જોવાની હતીઃ ‘લાલ સબુજેર પાલા’ (લાલ લીલાનો વેશ). ખરેખર તો આજે ચંદનનગર અને શ્રીરામપુર (સેરામપોર) જવાનું હતું. મનમાં ઇચ્છા જ મરી ગઈ છે, ક્યાંય જવા માટે.

ફિલ્મ પ્રચારાત્મક હતી. બાંગ્લાદેશની ભૂગોળનો, આજની સ્થિતિનો થોડો ખ્યાલ વધ્યો એટલું. કેટલા ઉત્સાહથી ટિકિટ લીધેલી! સાવ નક્કામી ફિલ્મ.

બપોર પછી થયું કે હવે આજનો દિવસ કેમ જશે? મનમાં ગભરામણ થઈ આવતી હતી એટલે ગઈ કાલે કેતકીને આકાશવાણી પરથી કાર્યક્રમ સાંભળવા માટે રેડિયો આપ્યો હતો, તે પાછો લેવાને બહાને પૂર્વપલ્લી ગેસ્ટહાઉસે ગયો. તેમની જોડે કલાકેક વાતો કરી. વાત તેમની નવી નવલકથા જે પ્રસિદ્ધ બંગાળી સાપ્તાહિક ‘દેશ’ પત્રિકામાં ધારાવાહિક રીતે પ્રકટ થઈ હતી, જે અત્યારે પુસ્તકાકારે છપાય છે, તે ‘નટોન નટોન પાયરાગુલિ’ વિશે થઈ. તેની ટાઇપસ્ક્રિપ્ટ તેમની પાસે હતી.

નટોન ભારતીય સ્ત્રી છે. ભારતીય ખ્રિસ્તીને પરણીને ઇંગ્લૅન્ડમાં સ્થાયી થઈ છે. ઇમિગ્રન્ટ બુદ્ધિમતી ભારતીય નારીની અસ્મિતાનું ચિત્રણ કરતી એ નવલકથા છે. એમાંથી કેટલોક અંશ એમણે સંભળાવ્યો. ‘નટોન નટોન પાયરાગુલિ’ એક બંગાળી જોડકણાની પંક્તિ છે.

તેમની સાથે ખાંડ વિનાની કૉફી પીધી. પછી તેમણે એમના પરિવારની–પતિ રૉબર્ટ ડાયસન અને બે પુત્રો વર્જિલ અને ઈગોર વિશે વાત કરી. વર્જિલ અને ઇગોર બન્ને પણ કવિતાઓ રચે છે. એક વેળા તે એક કાવ્યસ્પર્ધામાં માતા અને બન્ને પુત્રોને એકસાથે ઇનામ મળ્યાં હતાં. કલકત્તામાં એમના પિતા અવનિમોહન કુશારિ અને માતા સૉલ્ટ લેઇક વિસ્તારમાં પોતાના બંગલામાં રહે છે. ભાઈ આઈ.એ.એસ. ઑફિસર છે. પહેલાં બાપુજી જોડે રહેતો હતો, હવે એની પત્નીના આગ્રહથી સરકાર તરફથી મળેલા અલગ ફ્લૅટમાં રહેવા ચાલ્યો ગયો છે. ભાઈના આ વર્તનથી કેતકીને દુઃખ હતું.

પછી કેતકીએ એની બહેન વિશે વાત કરી. જાણે કઈ વાર્તા તો સાંભળતો નહોતો? કેતકીની નાની બહેન ભણવામાં હોંશિયાર હતી અને કલકત્તા યુનિવર્સિટીમાં ફિલૉસોફી વિષય લઈ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈ છે. એ ભણતી હતી તે વખતે એ જ ગલીમાં રહેતા એક યુવક સાથે એનો પરિચય થયો. પરિચય પ્રેમમાં પરિણમ્યો. માબાપે એ પરિવારમાં લગ્ન ન કરવા ઘણું સમજાવી, પણ એકની બે ના થઈ.

લગ્ન થતાં જ પતિને અને પરિવારના લોકોનો વ્યવહાર બદલાઈ ગયો. એ લોકોએ એક જ ગલીમાં રહેવા છતાં બહેનને અમારે ઘેર આવવાની મના કરી. એટલું જ નહિ, એનો પતિ એને મારતો. પણ એ માબાપને એની વાત કરી શકતી નહિ. માબાપની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરેલું. એનાં સાસરિયાં એને કોઈ ઍકેડેમિક પ્રવૃત્તિ પણ ના કરવા દે. ક્યારેક એ છાનેછપને અમારે ત્યાં આવતી. એ કોઈ પણ રીતે નિભાવવા માગતી હતી. પછી તો બે બાળકો પણ થયાં. છતાં ઘરનાં લોકોનો ત્રાસ વધતો ગયો. એક દિવસ બન્ને બાળકોને લઈને બાપુને ઘેર આવતી રહી. પછી ના ગઈ.

એણે પોતાનો અભ્યાસ ફરી રિવાઇવ કર્યો. આગળ રિસર્ચ કરવા એને ઑક્સફર્ડમાંથી સ્કૉલરશિપ મળી. એ બન્ને બાળકોને લઈને ઑક્સફર્ડ રહેવા આવી છે. અમારા ઘરની પાસે ઘર લીધું છે. રૉબર્ટ એને જોઈતું કરતું લાવી આપે. એના જીવનનો હવે નવો અધ્યાય શરૂ થયો છે. જીવનના કોઈ પણ તબક્કે નવો અધ્યાય શરૂ કરી શકાય છે.

આ વાત કેતકીએ મંજુ સંદર્ભે કહી. એમણે કહ્યું, મંજુ શા માટે એના જીવનનો નવો અધ્યાય શરૂ ન કરે? જે જણ ગયું છે, તે તો ગયું જ છે.

કુશળ આલાપચારી છે કેતકી. મારી ઉદાસીનતા એ પામી ગયાં હતાં. ખરે જ એમણે એ વખતે તો ઉદાસી દૂર કરી દીધી. હું ઉત્સાહથી એમની સાથે વાતો કરી રહ્યો હતો.

એટલામાં વળી લાઇટ જતી રહી. પંખો બંધ થતાં ગરમી. પાછો વરસાદ શરૂ થયો.

છ વાગ્યે રૂમ પર આવ્યો. સુનીલ અને કૈલાસ તરફ જવાની વાત હતી, પણ બહાર નીકળું તે પહેલાં કૈલાસ પટનાયક અને હરિચંદન આવ્યા. હરિચંદન નજીકમાં જ રહે છે. એમને ઘેર ગયા. હરિચંદન કવિ અને નાટકકાર છે અને સારાં એવાં ઓડિયા સાહિત્યનાં પુસ્તકોનો સંચય એમને ત્યાં છે. એમણે ઓડિયા નાટક અને રંગમંચની ચર્ચા કરી. આ બધા ખરેખર સાહિત્યમાં ડૂબેલા અધ્યાપકો છે, એટલે એમની સાથે ચર્ચાનો આનંદ આવે છે.

૮-૩૦ વાગ્યે રૂમ પર આવું છું ત્યાં વીજળી ગુલ. થોડી વાર પછી તે આવી, પણ પછી ગઈ છે તે ગઈ છે.

નથી ગમતું. કંઈ નથી ગમતું.

એક જ ચિત્ર રહી રહીને નજર સામે આવ્યા કરે છે.

એ ધીરે ધીરે ચાલ્યા જાય છે… ચાલ્યા જાય છે. ચાલ્યા ગયા. હવે કદીય પાછા નહિ આવે. બધાંને મૂકીને ચાલ્યા ગયા. એકદમ, એકાએક.

અંતિમ દર્શન પણ અમે પામ્યાં નહિ.

આમજાની ભાગોળે પહોંચતાં જ ખ્યાલ આવી ગયો —  માત્ર મહાનલમાં જ્વાળા બની ભળી જતા તેમના દેહનું અગ્નિરૂપ દર્શન.

વિધિનો કેવો વિચિત્ર વજ્રાઘાત!

આ તે કેવું નિર્માણ પ્રભુ? રવિ ઠાકુરને વધારે સમજું છું. આવા એક નહિ પણ ઉપરાઉપરી ત્રણત્રણ મૃત્યુના આઘાતમાંથી જન્મ્યું હતું એમનું આ ગાનઃ

તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ, કરુણામય સ્વામી
તોમારિ પ્રેમ સ્મરણે રાખિ, ચરણે રાખિ આશા
દાઓ દુઃખ, દાઓ તાપ, સકલિ સહિબ આમિ.
તવ પ્રેમ આંખિ સતત જાગે, જેને ઓ ના જાનિ;
ઑઇ મંગલરૂપ ભુલિ, તાઈ શોકસાગરે નામિ.
આનંદમય તોમાર વિશ્વ, શોભાસુખપૂર્ણ;
આમિ આપન દોષે દુઃખ પાઇ, વાસના અનુગામી.
મોહબન્ધ છિન્ન કરો, કઠિને આઘાતે;
અશ્રુસલિલધૌત હૃદયે, થાકો, દિવસયામી.

– હે કરુણામય સ્વામી! તારી જ ઇચ્છા પૂર્ણ થાઓ. તારો જ પ્રેમ સ્મરણમાં રાખું છું. ચરણમાં આશા રાખું છું. દુઃખ આપ, તાપ આપ. બધું જ સહી લઈશ. તારી પ્રેમરૂપી આંખ સતત જાગે છે, તે જાણીને પણ જાણતો નથી. એ મંગલ રૂપને ભૂલી જાઉં છું. તેથી જ શોકસાગરમાં પ્રવેશું છું. આનંદમય તારું વિશ્વ શોભાસુખથી પૂર્ણ છે; હું મારા દોષથી દુઃખ પામું છું. હું વાસનાનો અનુગામી છું. કઠોર આઘાતથી મોહનાં બંધન કાપી નાખ; અશ્રુસલિલથી ધોવાયેલા હૃદયમાં દિવસરાત તું રહે.

પણ શું મારામાં આટવું કહેવાની આત્મિક શક્તિ છે કે તોમારિ ઇચ્છા હઉક પૂર્ણ – તારી જ ઇચ્છા પૂર્ણ થાઓ પ્રભુ?

નિરન્ધ્ર અંધકારમાં વરસાદ પડી રહ્યો છે.