કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૧૪. કસુંબીનો રંગ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. કસુંબીનો રંગ|ઝવેરચંદ મેઘાણી}} <poem> :::લાગ્યો કસુંબીનો રંગ...") |
(No difference)
|
Revision as of 11:46, 13 September 2021
ઝવેરચંદ મેઘાણી
લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!
જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજo
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજo
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજo
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. – રાજo
પીડિતની આંસુડાધારે — હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિ:શ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. – રાજo
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ. – રાજo
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા: રંગીલા હો!
પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં: ટેકીલાં હો!
લેજો કસુંબીનો રંગ! – રાજo
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ.
૧૯૩૪
(સોના-નાવડી, પૃ. ૫-૬)