કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૨૭. અમે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. અમે! |ઝવેરચંદ મેઘાણી}} <poem> :::અમે પ્રેમિકો હાડપિંજર તણા – :::...")
(No difference)

Revision as of 05:23, 14 September 2021


૨૭. અમે!

ઝવેરચંદ મેઘાણી

અમે પ્રેમિકો હાડપિંજર તણા –
પૂજારી સડેલાં કલેવર તણાં.

અમે માનવીને પશુ સમ નચવીએ,
‘પ્રભુ’ શબ્દ બોલીને પંખી પઢવીએ,
પૂરા અંધને સ્વર્ગ-ચાવી અપવીએ,
અમે ગારુડી ધર્મતર્કટ તણા –
મદારી ખરા લોકમર્કટ તણા.

અમે દેવમૂર્તિની માંડી દુકાનો,
કિફાયત દરે વેચીએ બ્રહ્મજ્ઞાનો,
પ્રભુધામ કેરાં ઊડવીએ વિમાનો:
અમે પાવકો પાપગામી તણા –
પ્રવાહો રૂડા પુણ્યગંગા તણા.

અમે ભોગનાં પૂતળાં તોય ત્યાગી,
છયે રાગમાં રક્ત તોયે વિરાગી,
સદા જળકમળવત્ અદોષી અદાગી:
અમે દીવડા દિવ્યજ્યોતિ તણા –
શરણધામ માનવફૂદાંઓ તણા.

અમારી બધી લાલસાઓની તૃપ્તિ
થકી, પામરો, મેળવો સદ્ય મુક્તિ!
‘સમર્પણ’ મહીં માનજો સાચી ભક્તિ:
અમે તો ખપર વાસનાઓ તણા –
ભ્રમર અંધશ્રદ્ધાની બાગો તણા.

શ્રીમંતો સ્ત્રીઓ વ્હેમીઓના બનેલા
ઊભા – જો! અમારા અડગ કોટકિલ્લા;
વૃથા છે સુવિદ્યા તણા સર્વ હલ્લા:
અમે શત્રુઓ બુદ્ધિના સત્યના –
અચલ થાંભલા દેશદાસત્વના.

૧૯૨૯.
પાખંડી ધર્મગુરુઓને ઉદ્દેશીને રચેલું.
(સોના-નાવડી, પૃ. ૧૧૦)