સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/આજ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> આજ અંધાર ખુશબોભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી; આજ આ શાલની મંજરી...") |
(No difference)
|
Latest revision as of 12:56, 3 June 2021
આજ અંધાર ખુશબોભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી
પમરતી પાથરી દે પથારી. — આજ.
આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિન્ધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીથી
મહેકતી આવતી શી સુગંધી! — આજ.
ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફુવારી? — આજ.
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર? — આજ.
[‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ પુસ્તક]