સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફાધર વાલેસ/જોખમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} યુદ્ધ પૂરું થયું હતું. ગામનાં ક્ષેત્રોમાં હવે શાંતિ હતી....")
 
(No difference)

Latest revision as of 05:01, 4 June 2021

          યુદ્ધ પૂરું થયું હતું. ગામનાં ક્ષેત્રોમાં હવે શાંતિ હતી. સૈનિકો ગયા હતા, તોપો દૂર લઈ જવામાં આવી હતી, વિમાનો હવે આકાશમાં ઊડતાં ન હતાં, બોંબના ધડાકા સંભળાતા ન હતા. હવે યુદ્ધ નહોતું, પણ યુદ્ધના અવશેષો તો રહ્યા હતા. ગામનાં ખેતરોમાં ભૂમિના અંતરમાં અસંખ્ય સુરંગો દટાયેલી હતી. યમદૂતોનું લશ્કર. મૃત્યુનાં સંતાડેલાં સાધનો. એક ડગલું, એક સ્પર્શ, એક ખીલો, એક તાર અને એક ભડાકો થાય, એક દેહ ઊડી જાય, એક પગ કપાય. યુદ્ધ ગયું હતું પણ મૃત્યુનો ભય રહ્યો હતો. એનું એક પરિણામ આવ્યું. ગામના લોકો જાણતા હતા કે પગલે પગલે મોત આવી શકે. જીવન ક્ષણભંગુર છે એ તેઓ તો જાણતા હતા, અત્યારે એવું અનુભવતા હતા, અને તે પ્રમાણે વર્તવા લાગ્યા. ગમે તે ક્ષણે જીવનનો અંત આવી શકે, પછી પરિગ્રહનો શો અર્થ, લોભનો શો અર્થ, ગુસ્સાનો શો અર્થ, હરીફાઈનો શોે અર્થ? ગમે ત્યારે જઈ શકીએ, એટલે સૌના આશીર્વાદ લઈને જઈએ. વેરનો શો અર્થ, ઝઘડાનો શો અર્થ, અભિમાનનો શો અર્થ? અનિશ્ચિત સમય છે એટલે એનો સદુપયોગ કરીએ. ક્ષણે ક્ષણે જીવવાનું છે એટલે દરેક ક્ષણને શુભ બનાવીએ. ગામનું જીવન સુધરી ગયું. સૌ સૌને સ્મિત કરતાં, કારણ કે કદાચ એ સૌથી છેલ્લું સ્મિત હશે એનું ભાન હતું. થોડા અકસ્માતો તો થયા, અને એનું દુ:ખ સૌને રહ્યું; પણ જીવનદૃષ્ટિ, આધ્યાત્મિકતા, ભકિત અને શ્રદ્ધા તો સૌમાં વધ્યાં અને સૌનું કલ્યાણ થયું.

[‘પ્રસન્નતાની પાંખડીઓ’ પુસ્તક]