સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફાધર વિલિયમ/ખુમારી ક્યાં?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ગાંધીજીના જીવનમાંથી અંગત રીતે મને કાંઈ સ્પર્શી ગયું હોય...")
 
(No difference)

Latest revision as of 05:02, 4 June 2021

          ગાંધીજીના જીવનમાંથી અંગત રીતે મને કાંઈ સ્પર્શી ગયું હોય તો તે છે સત્યાગ્રહ અને અપરિગ્રહ. સમાજમાં પ્રવર્તતા એક યા બીજા અન્યાયો સામે ગાંધીજી રોજ રોજ સતત લડતા હતા. એમના જીવનમાં જાણે કે એકેય દિવસ સત્યાગ્રહ વિનાનો નહોતો. અપરિગ્રહ, મારી સમજ મુજબ, ગાંધીજીનું મોટામાં મોટું સામર્થ્ય હતું. એટલે જ ગાંધીજી અસાધ્ય કામો પાર પાડી શક્યા. આ ઘણી જ મહત્ત્વની બાબતોને ગાંધીવાદીઓ વીસરી ગયા લાગે છે. રાજકારણ, શિક્ષણ, વહીવટીતંત્ર, ભ્રષ્ટાચાર વગેરે બાબતે ‘સત્યાગ્રહ’ કરવાની ઘણી આવશ્યકતા છે, તેમ છતાં વર્ષે દહાડે એકાદ વાર પણ ગાંધીવાદીઓ (એકાદ-બેના અપવાદ સિવાય) સત્યાગ્રહ કરતા જોવા મળતા નથી. અન્યાય સામે સત્યાગ્રહ કરીને લડવાને બદલે ગાંધીવાદીઓએ ‘રચનાત્મક પ્રવૃત્તિઓ’ હાથ ધરી છે. આ રચનાત્મક પ્રવૃત્તિઓ સારા પગારો, નોકરીઓ, સરકારી અનુદાન મેળવીને કરવામાં આવતી હોય છે. પરિણામે ગાંધીવાદીઓ જેમની સેવા કરે છે તેમનામાં ‘ખુમારી’ ઊભી કરી શક્યા નથી. ગુજરાતમાં કોમી રમખાણો દરમિયાન નરસંહાર ચાલ્યો ત્યારે ગાંધીજીએ આપેલ ‘અભય’ શસ્ત્ર હાથમાં ધરી, ફાસીવાદીઓનો પ્રતિકાર કરવાની બહાદુરી એક જ ગાંધીવાદી જગદીશ શાહે વડોદરામાં બતાવી આપી. ખ્રિસ્તી મિશનરીઓએ પણ તેમની લોકસેવાની પ્રવૃત્તિઓમાં આવો જ અભિગમ અપનાવ્યો છે. આદિવાસીઓ અને દલિતોને માટે અલગ ધર્મસ્થાનો, શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયો, અનાથાશ્રમો જેવી ‘રચનાત્મક’ ગણાતી પ્રવૃત્તિઓનો સહેલો વિકલ્પ તેમણે અપનાવ્યો અને ‘સંઘર્ષ’ને ટાળ્યો છે. પરિણામે ધર્માંતરિત આદિવાસી, દલિત અને પછાત સમૂહોમાં શોષણ અને અન્યાય સામે લડી લેવાની ખુમારી ઊભી કરવામાં તેઓ નિષ્ફળ નીવડયા છે. ધર્માંતર પૂર્વે પ્રસ્તુત વર્ગોમાં થોડીઘણી જે ખુમારી જોવા મળતી હતી તે પણ ધર્માંતર બાદ મરી પરવારી છે. એ ધર્માંતરિત વર્ગોનો જ હું એક સભ્ય હોઈ, આ બાબતની પૂરી જાણ સાથે આ લખું છું. આને કારણે તો મારા જેવા બેચાર ગણ્યાગાંઠયા વર્ષોથી પ્રયાસો કરીએ છીએ તેમ છતાં ખ્રિસ્તીઓને લોકચળવળોમાં સામેલ કરી શકવામાં સફળ થયા નથી. આ બાબતે ખ્રિસ્તી મિશનરીઓ અને ગાંધીવાદીઓમાં મને ઝાઝો ફેર દેખાતો નથી.

[‘નયા માર્ગ’ પખવાડિક : ૨૦૦૨]