વિદિશા/જેસલમેર: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 132: | Line 132: | ||
* | * | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = ઇમ્ફાલ | |||
|next = ચિલિકા | |||
}} |
Latest revision as of 06:14, 18 September 2021
ભોળાભાઈ પટેલ
- સ્ટાઉબ આઉફ સ્ટાઉબ ઉન્ટર સ્ટાઉબધૂળમાં ધૂળ ઉપર ધૂળ.
- – એરિખ ક્રીડ.
જેસલમેરનો રંગ ઊંટનો રંગ છે. ‘ઊંટ એ રણનું વહાણ છે’ – એવું વાક્ય જૂની પાઠમાળામાં આવતું. ત્યારે વહાણની, દરિયાની કે રણની કોઈ કલ્પના ન હતી. ઊંટ જોયું હતું. પછી દરિયો જોયો, વહાણ પણ જોયું. પછી જ્યારે જેસલમેરના અફાટ રણવિસ્તારમાં ડામરની પાકી સડક પર દોડતી બસમાં બેઠાંબેઠાં આવતાં-જતાં ઊંટ જોયાં ત્યારે રૂપક બરાબર ઇન્દ્રિયગ્રાહ્ય બન્યું. જ્યારે આવા પાકા રસ્તા નહીં હોય, યાતાયાતનાં યાંત્રિક વાહનો નહીં હોય ત્યારે આ વિસ્તારની આરપાર લઈ જનાર ઊંટ જ હશે. આ મરુભૂમિ અનંત જલરાશિવાળા સાગર જેવી છે. જેસલમેરને જોતાં એવું થયું કે જાણે કોઈ વિરાટ ઊંટ પગ વાળી, ડોકનેય પીઠ ભણી વાળી લઈ બેસી પડયું છે તે બેસી પડ્યું છે – ઉજજડ ઊષર મરુભોમમાં. ધૂળની ડમરીઓ ચઢે છે અને એ ઊંટનો રંગ અને ધૂળનો રંગ એક થઈ ગયો છે.
જોધપુરથી જેસલમેર જતો માર્ગ જ મરુભૂમિનો અનુભવ કરાવી રહે છે. જોધપુરથી નીકળી રાત પ્રાચીન ઓશિયામાં રહેવાનું હતું, તે રસ્તામાં જ ભૂલા પડ્યા. રાત તો નીકળ્યા ત્યારે જ થઈ ગઈ હતી. બસમાંથી નીચે ઊતરી જ્યાં જોઈએ ત્યાં રેતના ઢૂવા અને ચીલા જ ચીલા. ભૂલા પડેલાઓના કેટલાક તો ચીલા. હવે? ઓશિયા દૂર તો ન હતું, પાછા જઈએ તો જોધપુર પણ દૂર ન હતું. ડિસેમ્બરની ઠંડીમાં આ રેતમાં પગ મૂકતાં બરફ પર ચાલવા જેવું લાગે. છેવટે માર્ગ મળ્યો.
ઓશિયા વિધ્વસ્ત નગર છે. ચારે બાજુએ રેત-રેત. રેતની વચ્ચે ગામ. ગામની ભાગોળે મંદિરોનાં ખંડિયેરો – પડું પડું હાલતમાં તરછોડાયેલાં, ત્યજાયેલાં. અહીંનાં મંદિરોના સ્તંભોથી કુતુબની દિલ્હીની મસ્જિદ બની છે. ગામમાં જૈન મંદિરો હજી સચવાયાં છે, પણ જીર્ણોદ્ધારની પ્રક્રિયા તેમની ‘પ્રાચીનતા’નોયે ઉદ્ધાર કરી દેશે. ઓશિયાથી જેસલમેરનો માર્ગ એટલે આક્ષિતિજ મરુભોમ. કાંટાળી ઝાડી, આંકડા અને આવળ-બાવળ.
એકાએક હરણ જોયું – અહીં હરણ? પછી તો હરણનાં ઝુંડનાં ઝુંડ જોયાં – વિસ્મયથી અમને જોતાં. રણભૂમિમાં હરણ, હવે મૃગતૃષ્ણાનો સંદર્ભસહિત અર્થ સમજાયો. અહીં પ્રવાસીઓને ઉનાળામાં ઝાંઝવાનાં જળ દેખાય છે. એકાએક પાણી દેખાય, હરિયાળી ભૂમિ દેખાય…થોડીવાર પછી કંઈ ના મળે. હરણ એવું જુએ એટલે ખરેખર જળ માનીને દોડે…દોડે…દોડે. દોડીને તરસે મરી જાય. સંસારીનું સુખ એટલે તો મૃગતૃષ્ણા જેવું કહ્યું છે કે ઝાંઝવાનાં નીર જેવું – ભ્રામક – કહ્યું છે ને! અને વળી જેસલમેર પાસેના જ રણવિસ્તારમાં મોટા કદનાં શાગુણા નામનાં પક્ષીઓ છે, તેમની જાતિ હવે તો વિલોપ પામવાની સ્થિતિમાં છે. સરકારે તેના શિકારની મનાઈ ફરમાવી છે, પણ એ દિવસોમાં સાઉદી એરેબિયાના શાહજાદાઓ એ પંખીનો શિકાર કરવા મરુભોમમાં વાયુ-અનુકૂલિત મોટર-ગાડીઓમાં આવીને પડાવ નાખી પડ્યા હતા. રસ્તાની ધારે ક્યાંક આછી-પાતળી વસ્તીવાળું ગામ આવી જાય. ક્યાંક ખેતરવાડી. રામદેવ પીરનું રણુંજા આવ્યું ત્યારે સાંજ પડવા આવી હતી. બધાની ઇચ્છા તો હતી કે સૂરજ આથમ્યા પહેલાં જેસલમેર પહોંચી જઈએ.
પણ બસ ધીમી પડી બાજુમાં જઈ ઊભી રહી ગઈ. પંકચર. દિવસ પણ ધાર્યા કરતાં જલ્દી ઢળી ગયો, હવે? અંધારા સાથે ટાઢ ઊતરતી જતી હતી. બહાર રસ્તા પર અમે ઊભા હતા. આસપાસ ચોપાસ ખુલ્લી મરુભોમ. તેમાં અમારા હોવાનો કોઈ મેળ સ્થપાતો ન હતો. અમારા અવાજો અહીં અજનબી હતા. પછી તો થોડાઘણા વરસાદના છાંટાથી ઊગેલું અને જાણે ઊગ્યા પહેલાં જ સુકાઈ ગયેલું કાંટાળું ઘાસ અમે સળગાવ્યું. દૂર દૂર સુધી આગની લાલ જ્યોતની આભા ફેલાઈ. ત્યાં ઉપર જોયું. ઝગારા મારતું હીરેમઢયું આકાશ. આકાશગંગા બરાબર દૂધગંગા લાગતી હતી. દૂધગંગામાં હંસ તરતો હતો. તેને એક કાંઠે દશરથ, બીજે કાંઠે કાવડ સાથે શ્રવણ. આ બાજુ ઉત્તરે ધ્રુવ અને દક્ષિણે અગસ્ત્ય દેખાતા હતા. મૃગ દોડતાં દોડતાં ઊભું રહી ગયું હતું. પછી તો જેસલમેરમાં છેક મધરાતે પ્રવેશ થયો અમારો. નગરની વચ્ચોવચ આવેલા મહાવીરભવનમાં શ્રમિત યાત્રિકોની ભારે ભીડ વચ્ચે ઊંઘી ગયા.
વહેલી સવારમાં ટાઢમાં ધ્રૂજતી મુલ્લાંની બાંગથી જાગી જવાયું. વહેલા પરવારવું જોઈશે. ભીડમાં પછી પત્તો નહીં ખાય. શીતલ જલથી સ્નાન કરતાં ક્ષણેક તો દેહભાવ જતો રહ્યો હતો. થોડી વાર પછી ટાઢ ઉડાડતો સૂરજ ઊગ્યો. અમે જેસલમેર ગામમાં હતા, જે ગઢની તળેટીમાં વસેલું છે. ગામમાંથી ગઢ ઉપર પહેલાં જવું એવું વિચાર્યું હતું.
મહાવીરભવનની બહાર આવ્યા. ભવનની જ હારમાં મોટી મોટી ઇમારતો ઊભી હતી. આગળ સાંકડી શેરી હતી. તડકામાં એ ઇમારતો શોભી ઊઠી હતી, શોભી ઊઠ્યાં હતા ઝરૂખા અને બારીઓ. તો એ તો પટુવાઓની – પટવાઓની પ્રસિદ્ધ હવેલીઓ હતી. એક-બે નહીં, પાંચ પાંચ હવેલીઓ છ છ માળ ઊંચી! આગળથી નખશિખ કોરણીવાળી. લાગ્યું તડકાથી એ નહીં, પણ તડકો એમનાથી શોભતો હતો.
અહીં આખી રાત અમારી બાજુમાં જ હવેલીઓ સૂતી હતી એની ખબર નહીં. અત્યારે તો બહારથી નજર કરી લઈ દુર્ગ ભણી ચાલ્યા. જેમ જેમ એ સાંકડા પથ્થરિયા માર્ગો પરથી પસાર થયા તેમ તેમ નવાઈ પામતા ગયા. એક એક ઘર ફરીને જોવું પડશે કે શું? જેમ ઘરમાત્રને દ્વાર હોય, તેમ ઘરમાત્રને કોરણીવાળો ઝરૂખો હોય કે બારી હોય. કોઈ જૂની ઇમારત હોય તો ફરી ફરીને જોવાય, પણ કોઈના ઘર સામે ટીકી ટીકીને જોવાય? ન જોવાય તોય જોવાઈ જાય. આમ તો આખું નગર જોવું પડશે. કોઈએ કહ્યું હતું કે આખું જેસલમેર જ એક મ્યુઝિયમ જાણે!
સાંકડી ગલીઓ અને બજાર વટાવી ગઢની તળેટીએ પહોંચી ગયા. પ્રસિદ્ધ જૈસાણ દુર્ગ સામે હતો. એક સમયમાં તો તે એટલો દુર્ગમ હતો કે એમ કહેવાતું :
ઘોડા કીજે કાઠ કા પિંડ કીજે પાષાણબખ્તર કીજે લોહ કા તબ દેખો જૈસાણ.
સામાન્ય ઘોડાનું તો ગજું જ નહીં, લાકડાનો ઘોડો જોઈએ જે થાકે જ નહીં અને ચાલીને જવું હોય તો પગની પિંડીઓને બદલે પથ્થર જોઈએ. શરીરની રક્ષા માટે લોઢાનું બખ્તર જોઈએ – આ સજ્જતા હોય તો જૈસાણના આ કિલ્લા લગી પહોંચાય. દુર્ગમ દુર્ગ આજે કેટલો સુ-ગમ બની ગયો છે.
કર્નલ ટોડે જેસલમેરના આ કિલ્લા વિશે એક કિંવદન્તી નોંધી છે. એક વાર દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ અને અર્જુન કોઈ એક મોટા યજ્ઞમાં હાજરી આપવા અહીં આવેલા. શ્રીકૃષ્ણે અર્જુનને કહેલું – મારા વંશજો અહીં આ ત્રિકુટાચલ પર દુર્ગ બનાવશે. અર્જુને ત્યાંના ખારા પાણી વિશે ફરિયાદ કરી તો કૃષ્ણે ખડક પર સુદર્શન ચક્રનો ઘા કર્યો અને ખળ ખળ કરતું મીઠું પાણી વહી રહ્યું.
જે પર્વત પર આજે દુર્ગ છે, તે ત્રિકુટાચલ છે. જે મહારાવલે આ દુર્ગ બનાવ્યો અને જેમણે અહીં રાજ્ય કર્યું તે બધા પોતાને યદુવંશી કહેવડાવે છે. શ્રીકૃષ્ણના વંશજો તરીકે તેઓ ગર્વ ધરાવે છે. તેઓ બધા ભાટી રાજપૂતો તરીકે ઓળખાય છે. જેસલમેરની પાસે જ લોદ્રવા કરીને સ્થળ છે. તે અહીંની પ્રાચીન રાજધાની હતી, પણ પછી કોઈ સંતના કહેવાથી મહારાવલ જૈસલે અહીં બારમી સદીમાં આ દુર્ગ બનાવ્યો.
અલ્લાઉદ્દીને મહારાવલ જૈસલના પુત્ર પાસેથી જેસલમેરનો આ દુર્ગ આંચકી લીધો હતો, પછી સુલતાનની કૃપાથી પાછો મેળવ્યો. તે પછી તો હમણાં સુધી અનેક રાવલો આવ્યા અને ગયા. અનેક લડાઈઓ હાર્યા અને જીત્યા. આજેય ગઢ ઉપરના બંધ મહેલો પર યદુવંશી રાવલોનો ધ્વજ ઊડે છે. ગઢ ફરતી ત્રણ ત્રણ દીવાલો છે, સાપણની જેમ ‘બલ ખાતી.’ ગઢને નવ્વાણું બુરજો છે. બુરજે બુરજે ઝરૂખા છે. ગઢ ચઢવા માંડીએ એટલે ભૂતકાળ સામો આવે પણ આંખો મેળવીએ ન મેળવીએ ત્યાં બાજુમાંથી પસાર થઈ જાય, વર્તમાન સાથે રહે. દીવાલ પર મોટા કાળા અક્ષરે લખાણ જોવા મળે – ‘બુખાર કૈસા ભી હો મલેરિયા હો સકતા હૈ. ખૂન કી જાંચ કરા કે કુનૈન કી ગોલિયાં મુફ્ત મેં લેં.’ જમાને જમાને અહીં ઓછું ‘ખૂન’ રેડાયું હતું! પણ આજે તો લોહીમાં મલેરિયાનાં જંતુઓનો ભય છે. આ ત્રિકુટાચલ પર જરા આગળ જતાં ત્રિકોણની સંજ્ઞા સાથે સૂક્તિ છે : ‘અગલા બચ્ચા અભી નહીં, તીન કે બાદ કભી નહીં.’ મહારાવલ જૈસાણે આ લખવા દુર્ગ બનાવ્યો હતો! એટલે તો ભૂતકાળ મોં સંતાડતો ફરે છે.
મોટા દરવાજા આવ્યા, એક પછી એક. સૂરજપોલ, ગણેશપોલ, હવાપોલ. કબૂતરો ઊડતાં જણાય. આગળ જતાં જમણી બાજુની દીવાલો ઢગલો થઈ ગયેલી દેખાય, અને પરદેશી પ્રવાસીઓ આ માર્ગમાં ભેટી જાય. એ જ્યાં જોતા હતા ત્યાં નજર ગઈ, ગજ મહેલના પ્રસિદ્ધ ઝરૂખા પર તેમની નજર હતી. અમારી નજર ઝરૂખે બેસી નીચે જોવા લાગી.
એક ખુલ્લા ચોકમાં આવીને ઊભા રહેતાં રાજવી ઇમારતો ધ્યાન ખેંચી રહી. રંગ મહેલ, સર્વોત્તમ વિલાસ, ગજ વિલાસ, જનાના મહેલ, મોતી મહેલ. અહીંના મહારાવલોએ સમય સમય પર બંધાવેલાં ભવનોનાં બંધ ઝરૂખા, બારીઓ પર ધૂળ જામી પડી છે. ગજ વિલાસના ઝરૂખાઓની હાર આંખને મોહિત કરે છે. બારીક કોતરકામ, વેલબુટ્ટાની જાળીઓ ઇસ્લામી શિલ્પશૈલીની અસર બતાવે છે. જનાના મહેલની ઘણીખરી બારીઓ ‘પરફોરેટેડ’ છે પથ્થરમાં, અલબત્ત સુંદર નકશીદાર ભાતમાં. તેમાંથી હવા-અજવાળું અંદર જાય.
અહીં ચોકમાં જ એક ઊંચો ઓટલો છે. ઓટલા પર આજેય આરસપહાણનું આસન છે. દશેરાના દિવસે અહીં દરબાર ભરાતો. અહીં આ ઓટલે ચઢવાનાં જે પગથિયાં છે, તે સતીઓનાં પગથિયાં ગણાય છે. અહીં જૌહરની જ્વાલાઓ એકાધિક વાર પ્રગટી હતી. અહીં આ મહેલના મુખ્ય બારણે એ સતીઓના હાથના થાપા છે. અહીં તલવારોની તાલી બજી હશે. તોખારો હણહણી ઊઠ્યા હશે. ભાટચારણોની બિરદાવલીઓએ માટીમાંથી મર્દ ઊભા કર્યા હશે. ડિંગલ ભાષાનાં ઝડઝમકવાળાં કવિત્તોમાં એવું જોમ છે. આ સમય પણ વીરગાથા કાળનો છે જ્યારે પ્રેમ અને શૌર્ય એ બે મહાન મૂલ્યો હતાં, જીવનમાં અને કવિતામાં પણ.
આ સમયમાં એવી નાયિકાઓ હતી, જે કહી શકે કે ‘ભલું થયું કે મારો કંથ યુદ્ધમાં હણાયો. એ ભાગીને જો ઘેર આવ્યો હોત તો સખીઓને શું મોઢું બતાવત?’ કે પછી ‘હે પ્રિય, ખડગથી સાધેલું જ્યાં આપણને મળે તે દેશમાં જઈએ, યુદ્ધના દુકાળથી આપણે તો ભાંગી પડયાં, યુદ્ધ વિના આપણે અહીં નહીં વળીએ.’
અને પ્રેમ પણ એવો જ. પતિ તો પરદેશ હોય – પછી વિરહિણીઓના વિરહની વાત કેટકેટલી રીતે કહેવાય છે! આ ઝરૂખેથી દૂર દિગન્તમાં રાહ જોતી એ બેસી રહેતી હશે. કોઈ એક ચિત્ર યાદ આવે છે – જેમાં ભાલે, પત્ર બાંધીને એક અસવાર દોડતાં જતાં ઝરૂખે ઊભેલી તરુણીને પત્ર પહોંચાડે છે. સામંતયુગીન કવિતાની, કલાની એક અલાયદી ખુશબો છે.
અહીં જેસલમેરમાં એની કવિતાઓની કલાઓની પડખે જ જૈન મુનિવરો જ્ઞાનવૈરાગ્યની રચનાઓમાં, રચનાઓની પ્રતિલિપિઓમાં અને એમના સંગ્રહ અને એમની સુરક્ષામાં રત હશે. અહીં યુદ્ધ, કવિતા, કલા, ધર્મ બધાં સમાંતરે ચાલતાં રહ્યાં છે.
જેસલમેરમાં અહીં આટલે દૂર રાજસ્થાનને પણ છેક છેવાડે આવ્યા પછીયે એવું લાગ્યું નહીં કે ગુજરાતની બહાર છીએ. ગુજરાતી ભાષા જ સંભળાય. ગુજરાતી યાત્રીઓ જ્યાં ત્યાં જોવા મળે, વિશેષ કરીને જૈન. જેસલમેર જૈનોને માટે મોટી જાત્રા ગણાય. અહીં દુર્ગ પર સાતઆઠ જૈનમંદિરો છે. નીચે વસેલા નગરમાં પણ ઘણાં જૈનમંદિરો છે. જેસલમેરને આબાદ કરનાર ઓસવાલ જૈનોએ પોતાની ધાર્મિકતાને મંદિરો બંધાવીને પ્રગટવા દીધી હતી.
મોટા ચોકમાંના રાજપ્રાસાદો તો નિર્જન છે, પણ આ જૈનમંદિરો જનાકીર્ણ, ના જૈનાકીર્ણ છે. અહીં આવ્યા પછી કોઈ જૈન આવી ઠંડીમાંય સ્નાનાદિ કરી પૂજા કર્યા વિના ન રહે. મંદિરોના માર્ગ પૂજાવસ્ત્રોથી મંડિત, હાથમાં પૂજાસામગ્રીથી સજ્જિત જૈન નરનારીઓથી ઊભરાતા હતા. સાંકડા દરવાજામાંથી માંડ ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં પ્રવેશ કર્યો. શિલ્પખચિત તોરણ તરત ધ્યાન ખેંચે. પંદરમી સદીમાં એનું નિર્માણ થયેલું છે. અહીંની મૂર્તિકલા સુંદર ખરી પણ એટલી બધી નહીં. મંદિરને ‘નવતોરણિયા’ મંદિર પણ કહે છે, કેમ કે અંદર મંડપમાં પ્રવેશતાં જ ‘નવ તોરણ’ છે. છત પર સોનેરી કલમનું ચિત્રકામ છે.
મંદિરમાં આરતી માટે ‘ઘી’ બોલાતું હતું. અહીં ઘી પાંચ રૂપિયે મણ હતું. જૈનસમાજ અને જૈનસસ્વભાવની લાક્ષણિકતા આ ઘી બોલવાની પ્રથા પ્રકટ કરે છે. નાનપણમાં મારા ગામના જૈન દેરાસરની પૂજા માટે ઘી બોલાતાં સાંભળી મને ગભરામણ થઈ હતી કે આરતી માટે પંદર મણ ઘી બોલનાર એટલું ઘી આ નાના ગામમાં લાવશે ક્યાંથી? કેટલા પૈસા પડશે? પછી ખબર પડી કે એક મણ ઘી બોલો એટલે દોઢ રૂપિયો ગણવાનો.
મને રસ હતો સંભવનાથનું મંદિર જોવાનો. જેસલમેરના જ્ઞાનભંડારો વિશે સાંભળી સાંભળીને કેવી કેવી કલ્પનાઓ થતી હતી! એ જ્ઞાનભંડારો આ મંદિરમાં છે. આ દેશની કેટલી જ્ઞાનસમૃદ્ધિ, કેટલી કલા સમૃદ્ધિ ઇસ્લામના અસહિષ્ણુ સ્વભાવે નષ્ટ કરી દીધી છે. નાલંદાનું ગ્રંથાલય કેટલા દિવસ બળતું રહેલું! કેટકેટલાં કલ્પનાશીલ ચિત્ત, કેટકેટલાં ચિંતનશીલ ચિત્ત, કેટકેટલી સદીઓનાં આ બધાં સંચિત ‘ચિત્ત’ — ગ્રંથરૂપે — અક્ષરરૂપે હતાં તે રાખ થઈ ગયાં — રાખ. કેટકેટલાં કારીગરો — શિલ્પીઓ — સ્થપતિઓની કલાસૂષ્ટિ રસ્તા પરનાં રઝળતાં પહાણ બની ગઈ. ક્યારેક બહુ વ્યથા જાગે છે.
જેસલમેરના ભંડારો સચવાયા, બચી ગયા તે બચી ગયા. જ્ઞાનભંડારોની વાત સાંભળતાં મન કલ્પનાવિહારે ચઢી જાય. પુસ્તકોની દુનિયામાં બહુ નાનપણથી ખોવાઈ જવાનું ગમ્યું છે. આ તો હસ્તલિખિત ગ્રંથો, અમદાવાદમાં આવ્યા પછી હસ્તલિખિત પોથીઓ જોવા મળેલી. કેવો રોમાંચ થયેલો! પછી તો ઘણી જોઈ, પણ એવી પોથીઓ જોતાં હજીય રોમાંચ થાય છે. ડૉ. ભાયાણી જેવા વિદ્વાનોને કાચ લઈને એવી પોથીઓ વાંચતા જોવાનો પણ રોમાંચક અનુભવ છે. અમદાવાદમાં એલ. ડી, ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડોલૉજીમાં વારે વારે જવાનું અસાત આકર્ષણ રહે છે, તે ત્યાંના હસ્તલિખિત ગ્રંથોના સંગ્રહને લીધે હશે! પણ આ શું? સંભવનાથજીના મંદિરની બાજુની બારીએથી જ્ઞાનભંડાર તરફ જતાં કેટલી ભીડ! યાત્રીઓનું આ આકર્ષણ જોઈ આનંદ થયો. જ્ઞાનભંડાર ઊઘડવાને વાર હતી, એટલામાં એક જર્મન વિદ્વાન દેખાયા. દિલ્હીથી આવેલા. એ તો અવાક્ થઈ ગયેલા ભીડ જોઈને. ભીડને વીંધીને એક અવાજ આવ્યો – ‘જિનભદ્રસૂરિ જ્ઞાનભંડાર ખોલવા માટે ઘી મણ એક.’ જોતજોતામાં તો ત્રણસો મણ ઉપરાંત ઘી બોલાયું – અને એક શરીરેય સુખી જણાતાં જૈન ગૃહસ્થે જ્ઞાનભંડારનાં દ્વાર ખોલ્યાં. સાંકડા માર્ગે નીચે ઊતરવાનું – ગૂંગળાઈ જવાય એવી સ્થિતિ. કલકત્તાના કાલિમંદિર પછી, આ એવો બીજો અનુભવ. મહાપરાણે નીચે ઊતર્યા. ૪’ × ૧૦’નો ખંડ. થોડાંક કાચનાં કબાટમાં પોથીઓનાં પાનાં, થોડીક પન્નામઢી, મૂર્તિઓ અને મૂલ્યવાન આભૂષણો – ત્યાં થઈને ખરેખરા ભંડારમાં જવાય. પણ તે તો બંધ જ, અગાઉથી પરવાનગી જોઈએ. તો આ ભીડ શાની? જ્ઞાનભંડાર પણ પૂજાની દૃષ્ટિએ પૂજાતા હતા. પેલો જર્મન પણ નિરાશ થઈને બહાર નીકળી આવ્યો હતો. મને યાદ આવ્યાં કર્નલ ટોડ, ડૉ. બુહલર, ડૉ. યાકોબી, મુનિ જિનવિજયજી, મુનિ પુણ્યવિજયજી. આ બધા જો ના હોત તો, અને આજ સુધીમાં આમ જ પૂજાવિધિ ચાલી હોત તો બધી જ પોથીઓ ધૂળમાં ધૂળ બની ગઈ હોત. પછી શીતલનાથનું, ઋષભદેવનું અને ચંદ્રપ્રભુ સ્વામીનું મંદિ૨ જોઈ ફરી ચોકમાં જઈ ઊભો. મારા સહયાત્રીઓ પૂજાવિધિમાં પ્રવૃત્ત હતા.
ગઢમાં લોકોનાંય ઘર હતાં. ઘણાંખરાં જીર્ણ હાલતમાં છે. ગજપ્રાસાદની સામેની કનવર પાડાની કેટલીક હવેલીઓ બંધ છે. પણ એક હવેલીના પ્રવેશદ્વારે પથ્થરમાં કેવું ભરતકામ છે! ‘મયૂર’ અહીંની ભાતોમાં સૌથી પ્રિય મોટિફ છે. ચાલતો ચાલતો પૂર્વ ભણી ગઢની રાંગે ગયો. સામાન્ય માણસોનાં સામાન્ય ઘર. બધું વેરાન વેરાન લાગે. ક્યાંય ઝાડ ના દેખાય. અહીં ક્યાંય લીલો રંગ નથી, એક રંગ છે પીળો.
ચોક વચ્ચે ભૂતકાળને સૂંઘતો ફરી થોડી વાર ઊભો રહ્યો. ધૂળ, ધૂળની ગંધ. રાજવીઓના આ મહેલો બંધ જ છે. પ્રવાસીઓ માટે પણ ખુલ્લા નથી. અંગત માલિકીના ગણાય છે. યદુવંશીનો ધ્વજ હજી તે મહેલો ૫૨ ઊડ્યા કરે છે, અને મહેલોમાં બંધ બારીઓમાં થઈનેય પ્રવેશી જતી ધૂળ જામતી જાય છે. ધૂળમાં ધૂળ ઉપર ધૂળ. ભૂતકાળ ધૂળમાં રજોટાયા કરે છે. જોધપુરનો મહરાનગઢ પ્રવાસીઓ માટે ખુલ્લો રાખી આવકનું સાધન પણ ઊભું કરાયું છે. જોધપુરના મેહરાનગઢના શીશમહલ, દીપકમહલ, ચંદનમહલ, ફૂલમહલ તમે જોઈ શકો છો. ત્યાંય મોતીમહેલ હતો. બારી-ઝરૂખા જોધપુર-જેસલમેરના મહેલોના એકસરખા લાગે. જેસલમેરના મોતીમહેલ પર એક સૂત્ર દેખાયું – જ્ઞાનાર્થ આઈએ, સેવાર્થ જાઈએ.’ મહેલમાં બેસે છે અધ્યાપનશાળા. એક વખતે જે નાચગાનનો મહેલ હતો ત્યાં આજે પ્રશિક્ષણનું કેન્દ્ર છે. ખંડિયેર હાલતમાં છે. છત પર, તૂટેલી દીવાલો પર ઘાસ ઊગી સુકાઈ ગયું છે. છતમાં બાકોરાં પડ્યાં છે. દીવાલો પરનાં ચિત્રોના રંગ ઊપટી ગયા છે. મોતીમહેલની ઉપરની છત પરથી ગઢમાં ઠેર ઠેર ધસી પડેલાં ઘર દેખાય છે. મકાનો પથ્થરોના ઢગલા થઈ ગયા છે. આ પીળા પથ્થરો એક ઉદાસી જગાવે છે. ‘ચિલ્લીલ્લી…’ સમડી બોલી ઊઠી! બોલ નહીં, સમડી બોલ નહીં ‘હાય ચિલ, તુમિ આર કેંદો નાકો…’ તારા આ ક્રંદનમાં ‘ભૂત રૂવે ભેંકાર.’
મોતીમહેલની નીચે ઊતરી ઓતરાદો ચાલ્યો. મહાવીર સ્વામીનું મંદિર આવ્યું. પણ તે પહેલાં એક ઘર, ઝરૂખો જોયા જ કરો. ત્યાંથી ગઢની ઓતરાદી રાંગે જઈ પહોંચ્યો, બુરજ પર જેસલમેર ગામ ભણી તોપ ગોઠવાયેલી છે. હજી. તડકામાં પીળા પથ્થરોનું નગર નીચે તગતગે છે. પીળી પીળી દીવાલો ઉ૫ર પીળી પીળી છતો. એક ઝાંખી લઈને હું પાછો વળી ગયો. અહીં ફરી આવવું પડશે, પૂજામાંથી પરવારેલા સહયાત્રીઓ સાથે. બપોરના અમે ગઢ ઊતરી ગયા.
બપોરે મહાવીરભવનમાં આવતાં પટવાઓની હવેલીઓના ઝૂલતા ઝરૂખા નજરોને બોલાવતા રહ્યા હતા. હવે એ હવેલીઓમાં પ્રવેશ. આ ય તો ઘર જ, રહેવા માટેનાં. આગળ-પાછળ રાજમહાલયો જેવાં પ્રાંગણો નહીં, દીવાલો નહીં પંક્તિબદ્ધ ઘરોની હારમાં આ ય તો ઘર. બધી જ શોભા છ છ માળની આ પાંચેય હવેલીઓનો આગળનો ભાગ, શી વાત કરવી, આ ઝરૂખાઓની! જાળીઓની! બારીઓની!
જેસલમેરનો એક વખતનો વૈભવ આટલી આ હવેલીઓ જોઈને પણ સમજાય. એક બાપના પાંચ બેટાઓની આ પાંચેય હવેલીઓ. બાફના કુટુંબો જે પટુવા અર્થાત્ પટવા કુટુંબો તરીકે પણ ઓળખાય છે. પટવા એટલે આમ તો સોનેરી-રૂપેરી તારમાં ઘરેણાં ગૂંથણી કરનારા – ઝરી-બાદલાંવાળા. આ પટવાઓમાં એક ગુમાનચંદ શેઠ પાક્યા. તેમણે વ્યાપારી કુનેહથી અઢળક ધન મેળવ્યું. જેસલમેરની જાહોજલાલીના એ દિવસોની વાત તો સો-દોઢસો વર્ષથી બહુ જૂની નથી. એ વખતે બધા ઓસવાલ વણિકો વ્યાપારથી, બધા પાલિવાલો ખેતીથી, બધા મુસલમાનો હાથકારીગરીની બનાવટોથી જેસલમેરને મોટું કેન્દ્ર બનાવી રહ્યા હતા.
ખરી વાત તો એ છે કે જેસલમેરની સ્થાપનાના કાળથી આ મરુભોમમાં ઊંટની વણજારોનાં માર્ગમાં જેસલમેર આવતું. અરબસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, સિંધ વગેરેથી લદાઈ લદાઈને કાફલા આવતા અને જતા. જેસલમેર આ વણજારનું કેન્દ્ર. અહીંનું ઘી–બજાર તો કહે છે કે આખાય ભારતમાં અવ્વલ નંબરનું. અફીણના વ્યાપારનુંય મુખ્ય કેન્દ્ર. પટવાઓ અફીણના વ્યાપારમાં ખૂબ કમાયેલા. ઓગણીસમી સદીના આરંભમાં જેસલમેર ધીકતું વ્યાપારી કેન્દ્ર હતું. ૧૮૧૫માં એની વસ્તી હતી. પાંત્રીસ હજારની. સત્તાવીસસો જેટલાં તો જૈનોનાં ઘર હતાં, પણ પછી આવી રેલવે. કાફલા તૂટતા ગયા, જેસલમેરનો વૈભવ ઘટતો ગયો, ઘરો ખાલી થતાં ગયાં. ૧૯૪૦માં જેસલમેરની વસ્તી રહી માત્ર ચાર હજાર. હવે જરૂર વસતી વધી છે, પણ કોઈ વ્યાપાર-ઉદ્યોગને લીધે નહીં – વસ્તીવિસ્ફોટના સ્વાભાવિક ક્રમે.
હા, તો વાત એ હતી કે પટવા ગુમાનચંદ શેઠના પાંચ પુત્રોની સને ૧૮૩૫થી ૧૮૬૦ દરમ્યાનનાં વર્ષોમાં આ હવેલીઓ બની હતી. ગુમાનચંદ પટવાના ચોથા સુપુત્ર જોરાવરમલે વ્યાપાર અને ધીરધારના ક્ષેત્રે બહુ મોટું નામ કાઢયું હતું. પણ પછી તો માત્ર જેસલમેર જ નહીં; જોધપુર, બિકાનેર, ઇન્દોર, રતલામ આ બધાં રાજ્યો પણ અનેક બાબતોમાં જોરાવરમલની સલાહ લેતાં થઈ ગયાં હતાં. છેવટે તેઓ ઇન્દોરમાં જ સ્થાયી થઈ ગયેલા. તેમના પુત્રના પુત્ર છેલ્લે સુધી ઇન્દોર રાજ્યમાં દીવાનપદે હતા. ગુમાનચંદના બીજા પુત્રો પણ ઓછું નામ નહોતા કમાયા. ગુમાનચંદના પુત્રોની આ હવેલીમાં આજે તો કોઈ રહેતું નથી. વંશજો બધાં ઔઘોગિક શહેરોમાં જઈને વસી ગયા છે. હવેલીઓમાં ધૂળ જામતી રહે છે. ધૂળ ઉપર ધૂળ.
હવેલીની આપણી કલ્પના ત્યારે પૂરેપૂરી તોષ પામે, જ્યારે તે સાત માળની હવેલી હોય. પણ આ છ માળની હવેલીઓ છે. સરકારે બે ખરીદી છે. નગરશેઠ જેવા બે પટવાઓની એક હવેલીનાં પગથિયાં ચઢી બંને બાજુના ઓટલા વટાવી અંદર ગયા. ભોંયતળિયા પરના ઓરડાઓ ઘણુંખરું વખારો તરીકે વપરાતા. ઉપરના બધા મજલા રહેવા માટે વપરાતા. મેડી ઉપર અમે ચઢ્યા. મેડીનો બહાર શેરી ઉપર પડતો ભાગ શણગારાયેલો રહેતો હશે. મેડીઓના આગળના જ ભાગે આ બધા ઝરૂખા-બારીઓ હતાં. ત્યાં જઈ ઝરૂખાની બહાર ડોકું કાઢી શેરીમાં નજર કરી જોઈ. મેડીની છત પર સોનેરી રંગમાં ચિતરામણ છે. શાહજહાંના પતન પછી મોગલ કલાકારો આ તરફ આવેલા અને અહીં આશ્રય પામેલા. છતનાં ચિત્રોનો રંગ ઓછો થઈ ગયો છે, જે ચિત્રો તેમણે દોરેલાં તેમનો. પણ જે પથ્થરને તેમણે મુલાયમ બનાવ્યો હતો, તેની મુલાયમતા હજી એવી જ છે.
આ પાણિયારું છે. અહીં કદાચ રસોડું હશે. આ પાસે જ સ્ત્રીઓનો ઓરડો હવો જોઈએ. નગરશેઠ જેવા પટવાઓની પુત્રવધૂઓ અહીં લાંબી લાજ કાઢીને વડીલોની આમન્યામાં હળવે પગલે ચાલતી હશે. ઝાંઝર ઝમકાવતી શ્રેષ્ઠી કન્યાઓ મેડીઓ ઝમકાવતી હશે અને આ ઝરૂખેથી ચંદ્ર ઊગ્યાનો આભાસ આપતી હશે. આ કલ્પના ત્યારે સૂઝી જ્યારે આરતીએ આવા એક ઝરૂખામાંથી મોં બહાર કાઢયું. આરતી એ શ્રેષ્ઠીકન્યા અને આ એનું ઘર જાણે –
બધા ઓરડાઓમાં લીંપણ હતું. લીંપણની ધૂળ ઉપર ધૂળ જામતી જતી હતી. છતોમાં કરોળિયાઓનાં જાળાં ૫ર ૫ણ ધૂળ દેખાતી હતી. બહારથી ભવ્ય કોરણીવાળી હવેલીઓ અંદરથી તો રહેવાનાં ઘર હતી. અહીં ઘરની હુંફ અને ઘ્રાણ અનુભવાય છે. ઘરની દીવાલો આજે જાણે ઝૂરે છે. ના, એ મોટા મોટા રંગમહેલોની ક્ષુધિત દીવાલો નથી, એ તો માનવીની હુંફ માટે ઝૂરતી, વડીલોના મીઠા બોલ, વહુવારુઓની લાજભરી ભંગીમા, ચંચલ કન્યાઓના નૂપુરરવ, કિશોરોના કલશોર અને નાનાં બાળકોની પા પા પગલીઓ માટે વ્યથિત દીવાલો છે. આ ઓરડાઓમાં કોઈ ગ્રીષ્મ મધ્યાહ્ને, જ્યારે નગર આખા ફરતી ધૂળની ડમરીઓ ચડતી હશે, તેજીલા તોખાર જેવા ઊના ઊના વાયરા ફૂંકાતા હશે, રેતના કણેકણ તપ્ત થઈ ઊઠ્યા હશે, ત્યારે મધુર અલસતા, સ્તબ્ધતા અહીં વિરાજતી હશે, જાણે બહાર કશુંય નથી. સાંજે દીવાઓ પ્રગટી ઊઠતા હશે, આ દીપદાન કેટલું કલાત્મક! આજે દીવો નથી. દીવાની મેશની દીવાલ સાથે જડાઈ ગયેલી કાળાશ હજી છે – આ બે દીવાલ વચ્ચેના ખૂણામાં.
રાત પડતી હશે ત્યારે નિરભ્ર આકાશ હિરેમઢયું થઈ જતું હશે. હવેલીઓમાંય હીરામોતી ઝગમગતાં હશે. ઊંચા મજલાની મેડી વચ્ચેના આ ચોકમાંથી આકાશના તારાઓ જોતાં જોતાં ગજરામારુ, ઢોલામારુની વાત કોઈ કહેતું-સાંભળતું હશે – ભલો સોરઠિયો દુહો, ભલી મારવણીની વાત, ભલી હો જુવાન ધણિયાણી અને ભલી હો તારાભરી રાત –
સોરઠિયા દુહો ભલો ભલી મરવણરી વાતજોબન છાયી ધણ ભલી તારા છાયી રાત.
મનમાં આખું મારવાડ બેઠું થઈ ગયું. પવનવેગી સાંઢણી પર સવાર થઈને ઢોલો અને મારવણી મરુભોમમાં માઈલોના માઈલો કાપી રહ્યાં છે, કાપી રહ્યાં છે…
હવેલીની છત પરથી આ નીચેનું નગર અને નગર બહાર વિસ્તરેલી ઉજ્જડતા દેખાય છે. પીળા પથ્થરોનું પીળું નગર. ક્યાંય ઝાડ નથી. ઉપરથી ઝૂકીને જોતાં છેક નીચે સાંકડી સાંકડી ગલીઓમાં આછીપાતળી અવરજવર, જાણે કોઈ ખાસ રહેતું નથી. દક્ષિણ તરફ જેસલમેર દુર્ગ, અહીંથી બરાબર તેનું પ્રોફાઇલ દેખાય છે. તેની ઊંચાઈ, ઊંચાઈને વીંટળાયેલી કોટની દીવાલો, તેની લંબાઈને મળતા બુરજો. દુર્ગમાં હતા ત્યારે દુર્ગનું પૂરેપૂરું ચિત્ર ઊપસ્યું ન હતું. આ હવે અહીંથી દુર્ગને નજરોમાં સમાવાય છે, આ બાજુ અહીં આસપાસ આ નગર અને સામે દુર્ગ અને પછી માઈલોના માઈલો મરુભોમ છે, ક્યાંક નાનાં અમથાં ગામ હશે. પછી તો રેતનું સામ્રાજ્ય. જેસલમેરની થોડેક જ દૂર નરદમ રેતનો જ રણપ્રદેશ છે. રેતના ઢૂવા રાતોરાત એક સ્થળેથી બીજે સ્થળે જઈ પહોંચે. એ વચ્ચે પેલા ત્રિકુટાચલ પર જ્યારે મહારાવલ જૈસલજીએ દુર્ગ ચણાવ્યો હશે ત્યારે રણ વચ્ચે ‘રણદ્વીપ’ હશે, એ તો શ્રીકૃષ્ણના પેલા સુદર્શનના પ્રહારની કૃપા હશે, જે આ ખડકમાં – ત્રિકુટાચલમાં જળ હશે. એલિયટના ‘ધ વેસ્ટ લેન્ડ’ની પંક્તિઓનું આ મરુભોમ, આ ખડક અને જળની વાતના સંદર્ભમાં સ્મરણ થઈ જાય –
હિઅર ઈઝ નો વૉટર બટ ઑન્લી રૉકરૉક એન્ડ નો વૉટર ઍન્ડ ધ સૅન્ડી રોડ…
પણ, ના. એલિયટનો એ કાવ્યમાં પછી આવતો ‘ઇફ’, ‘ઇફ’ રહેતો નથી : ઇફ ધેર વેર રૉક/ઍન્ડ ઑલસો વૉટર…હા. ‘ઇફ’ નહીં, ખરેખર રૉક અને ખરેખર વૉટર – જળ. પણ અહીં આટલામાં જ. પછી તો છે ખાવા ધાતી મરુભોમ. વરસાદની વાત કરીએ તો નાનાં છોકરાંને માટે તો વર્ણન કરવું પડે. ૧૯૭૧માં એવું જ થયેલું ને! છેલ્લાં પાંચસાત વર્ષોથી આ વિસ્તારમાં વરસાદ નહીં. પછી ૧૯૭૧માં પડ્યો. તે વખતે છસાત વર્ષની વયનાં બાળકો હબક ખાઈ ગયેલાં! વરસાદ તેમણે જોયો ન હતો. અહીં તો ધૂળ ૫ર ધૂળ વરસતી – ડસ્ટ ઑન ડસ્ટ અમંગ ડસ્ટ. પણ ડિસેમ્બરની આ બપોરે હવામાં ધૂળની રુક્ષતા ન હતી. ધુમ્મસની ભીનાશ હતી.
હવેલીને વખાણતાં વખાણતાં છ માળ નીચે ઊતરી આવ્યા. ફરી સાંકડા માર્ગ પર. ફરી ઝરૂખા-બારીઓ આંખોમાં ઝૂલી રહ્યાં. પટવાઓની હવેલીઓના ઝરૂખા જોયા પછી હવે નાનાંમોટાં ઘરના ઝરૂખા, બારીઓ ઝાંખાં લાગતાં હતાં. પણ ગમતાં હતાં. ઘણાં ઘર તો બંધ.
નગરની સાંકડી પણ ભૌમિતિક ગલીઓ વચ્ચેથી પસાર થતાં નાનાંમોટાં ઘરની મેડીઓ-ઝરૂખડા જોતાં અમે પણ નગરવાસીઓની કુતૂહલભરી નજરથી જોવાતા જતા હતા. સામાન્ય ઘરોથી વચ્ચે જરા ઊંચું ડોકું કાઢીને કોતરકામથી આંખને ભરી દેતી ઇમારત આગળ ઊભા રહી ગયા. એ દીવાન નથમલજીની હવેલી. હવેલી આગળ ઓટલા ૫૨ હાથી હતો, ૫થ્થરનો. દીવાન હોવાનું ચિહ્ન. આજથી લગભગ સો વર્ષ પહેલાંની એ હવેલી, છતાં આજે નિસ્તેજ લાગે છે. મહારાવલે દીવાનજીને બક્ષિસ આપેલી એ હવેલી હાથી અને લાલુ નામના કારીગરોની રચના. ઇમારત પર ઉર્દૂમાં લખાણ છે :
‘બેલ બૂટે ફૂલ ફલ ગુલસન સે ગુલે ક્યારે હુઈ દાયેં બાયેં હાથી,લાલુ અર્જ કી બક્ષિસ બૈરીસાલજી ઇમારત બનાઈ હય.’
ઇમારતમાં બે ઘર છે, અથવા કહો કે ઇમારતની કોતરણીના બે હિસ્સા છે. એક ભાગ બીજા ભાગ સાથે સમતા ધરાવતો લાગે, પણ ધ્યાનથી જુઓ તો એક ભાગમાં જે જે વેલ, બુટ્ટીની કોરણી કે બારીઓ અને ઝરૂખાની રચના છે, બીજા ભાગમાં તેનાથી તદ્દન જુદી છે. આપણી નજર ડાબી બાજુએથી જમણી બાજુએ, ઉપરથી નીચે ફરી વળે. શોભા આંખમાં માય પણ મનમાં ન સમાય. મને અમદાવાદની પોળોમાં કેટલાંક જૂનાં ઘરોમાં લાકડામાં કરેલી કોતરણી યાદ આવી. ફેર એટલો લાગ્યો કે અહીં જાણે પથ્થર પાસેથી લાકડાનું કામ લીધું છે. નથમલજીની હવેલીમાં લાકડાનું પણ કોતરકામ છે, ખાસ કરીને બારણાંને. શિલ્પશૈલી પર ઇસ્લામનો પ્રભાવ છે.
બારીઝરૂખાઓ બંધ છે. ઉપર ધૂળ જામેલી લાગે. બંધ આંખે ઊભેલી એ ઇમારતની શોભા ખુલ્લી આંખો જોતી હતી. આ હવેલીઓ એટલે સંપન્ન ગૃહસ્થનાં ઘર જ. મહેલ જેવી અલગતા નહીં. મહોલ્લાનાં સૌ ઘરની હરોળમાં એ પણ હોય. આગળ કોઈ મોટું આંગણુંય નહીં. માત્ર કોતરણીમાંથી વૈભવ ટપકે. ઘરના નીચેના બારણામાંથી એક વ્યક્તિએ ડોકિયું કર્યું. અચ્છા, તો આ હવેલીમાં કોઈ રહે છે પણ ખરું. એ દીવાન નથમલજીના પ્રપૌત્ર હતા, એય પૂછવાથી ખબર પડી. એમણે સગર્વ કહ્યું : ‘યહ મેરી હવેલી હૈ, યહાં મૈં રહતા હૂં.’ વિગતવૈભવ હવેલીના બારણામાં ઊભેલો એ માણસ અને એના એ શબ્દો હવેલી માંડ માંડ સાંભળી રહી હશે. હવેલી પર હવે એક સહાનુભૂતિપૂર્ણ નજર નાખી, આસપાસનાં ઘરો સામે જોતાં આગળ નીકળી ગયા. શેરીઓમાં અવરજવર ઓછી લાગે.
નગરની એ શેરીઓ અને પછી બજાર વચ્ચે થઈ શહેરની ઉગમણી બાજુએ આવી ઊભા રહ્યા, એક ઊંચી અને અલગ પડી જતી ઇમારત સામે. બરાબર નજરમાં આવે તેટલા માટે સામે એક ઊંચા રેતના ઢૂવા પર ઊભા. રાજસ્થાન સરકારના પ્રવાસન વિભાગનાં પોસ્ટરોમાં અહીં જે વારે વારે જોઈ હતી તે આ ઇમારત. દીવાન સાલમસિંહની એ હવેલી હતી.
આ સાલમસિંહથી જેસલમેરની અવદશાનો આરંભ થાય છે. આ સાલમસિંહ મહેશ્વરી વાણિયો હતો. સાલમસિંહનો બાપ બહુ મોટો શાહુકાર હતો. રાજાઓને પણ નાણું ધીરતો. ઘણા ભાટી રાજપૂતોય તેના દેવાદાર. એક વખતે એક રાજપૂત પાસે ભરબજારે ઉઘરાણી કરતાં રાજપૂતે સાલમસિંહના બાપને કાપી નાખ્યો. સાલમસિંહ ત્યારે બાર વરસનો. એણે પિતાનું વેર વાળ્યું – જેસલમેરની દીવાનગીરી મેળવીને. રૈયત ઉપર ત્રાસ ત્રાસ વર્તાવ્યો. પાલિવાલોને તો રાતોરાત નગર છોડી જવું પડયું, બધું એમ ને એમ મૂકીને. આજેય લોકોક્તિ છે :
ખૂંટે છેડ્યા ટોઘડા, પીંગે છોડ્યાં બાળ,દૂધ, કડંતા છોડિયા, ચાલ્યા પાલિવાલ.
– ખીલે બાંધેલાં વાછરડાં મૂકીને, ઘોડિયે હીંચતાં બાળ મૂકીને ચૂલા ઉપર ઊકળતાં દૂધ મૂકીને પાલિવાલો ચાલી નીકળ્યા.
જેસલમેર ઉજજડ થતું ગયું, વેરાન થતું ગયું. વસ્તી ઉચાળા ભરી ગઈ. આજે સાલમસિંહની આ હવેલી ઊભી છે. હવેલી આગળ હાથી ઊભા છે. દીવાન હતો. સાલમસિંહ. નીચેના ત્રણ માળ સુધી સાદી દીવાલોની ઇમારત છે અને પછી છેક ઉપર જતાં ઝરૂખાદાર બાલ્કની એને કોઈ જહાજનો આકાર આપે છે. એ એનો રંગમહેલ હતો, એની ઉપર પણ માળ હતો – આજે નથી. એ બંધ ધૂળિયા હવેલીનાં નીચેનાં ભાગમાં આજે તો સીવવાના સંચા ચાલી રહ્યાં છે! હવેલીની બંધ ઝરૂખાદાર બારીઓ પર ધૂળ પથરાઈ ગઈ છે. ઝીણી મુલાયમ ધૂળ ૫ર ધૂળ પથરાતી જાય છે.
સાંજે જ્યારે બધા સહયાત્રીઓ ‘માર્કેટિંગ’ માટે બજાર ભણી વળ્યા ત્યારે હું ચાલ્યો દુર્ગ ભણી. એના ‘હૉન્ટિંગ’ પ્રભાવથી છૂટવું કઠણ હતું. ઊડતાં કબૂતરો અને ઢગલો થઈ ગયેલી દીવાલો વટાવી વળી પાછો છેક ચોકમાં જઈ ઊભો. બંધ મહેલોની દીવાલો પર તડકો પડતો હતો. જનાનામહેલની ઝીણી કોરણીવાળી બારીઓમાંથી એ તડકો અંદર જતો હશે – અંદર જામેલી નાજુક ધૂળ પર સરસ મઝાનાં ચાંદરણાં થતાં હશે; ધૂળ ચમકી ઊઠતી હશે. સૌન્દર્યરસિત થઈ ઊઠતી હશે, બંધ પુરાણાં ઓરડાઓમાં. જર્મન કવિ એરિખ ફ્રીડની કવિતાની પંક્તિઓ સૂઝે :
આઈ લવ યુ!આઈ લવ યુ ડસ્ટ!આઈ લવધ ડસ્ટ ઇન ધ ડસ્ટધ સન ઇન ધ ડસ્ટધ ડસ્ટ ઇન ધ સન…
હમણાં સૂરજ આથમી જશે. ચોક વચ્ચેથી ખરતી છત અને દીવાલોવાળા મોતીમહેલ નીચેની સાંકડી નવેળીમાંથી ઓતરાદા બુરજ ભણી ચાલ્યો. બુરજની તોપ પર જઈ બેસું છું. તડકો મારા શરીર પર પડે છે. નીચે નગર પર એ જ તડકો પથરાયો છે. તડકામાં નીચેનું ચોરસ-લંબચોરસ આકારોમાં વસેલું ભૌમિતિક નિર્વૃક્ષ નગર પિકાસોના કોઈ ક્યુબિસ્ટ પેઇન્ટિંગ જેવું લાગે છે, જાણે સ્વપ્નમાં જોતા હોઈએ. એલિયટના મનમાં છે તેનાથી જુદા અર્થમાં એક ‘અનરિયલ સીટી.’ પીળા તડકામાં પીળાં પથ્થરિયાં મકાન. સત્યજિત રાયનો ‘સોનાર કૅલા’ – સોનાનો કિલ્લો.
ના. ના. પેલા ઘરમાંથી ધુમાડો નીકળ્યો. આ બાજુ બાળકના ભેંકડાનો અવાજ આવ્યો. ત્યાંથી કૂતરાના ભસવાનો અવાજ આવ્યો. નીચે દૂરના રોડ પરથી મોટરના હૉર્નનો અવાજ આવ્યો. ચાલ જીવ, એ જગતમાં. સૂરજ દૂર મરુભૂમિની ક્ષિતિજે ડૂબ્યો. હું ગઢ ઊતરી જાઉં છું. નીચે જેસલમેરની ગલીઓમાં ખોવાઈ જાઉં છું. હજી સ્ટ્રીટલૅમ્પ સળગ્યા નથી. છોકરાં હજી ગિલ્લીદંડા રમે છે, ગાયો દોવાય છે, શેરીઓમાં ઊતરતા અંધારાને ઘરમાં બળતા દીવાઓનું અજવાળું શતખંડ કરે છે. મોડે સુધી શેરીઓમાં ચાલ્યા પછી ઉતારે પહોંચ્યો ત્યારે થાકી ગયો હતો. પટવાઓની હવેલીથી ત્રીજા-ચોથા નિવાસમાં જ સૂતો હતો. એ હવેલીઓમાં અંધારું હતું.
આજે આ નગરમાં એકલા ભમવું હતું. સહયાત્રીઓ આ વિસ્તારની પ્રાચીન રાજધાની લોદ્રવા અને અમરસાગર જોવા ચાલ્યા ગયા. ગઈકાલે જોયેલી પટવાઓની હવેલીઓ સામે આવી ઊભો રહ્યો. પુરાતત્ત્વ ખાતાએ ખરીદેલી બે હવેલીઓ યાત્રીઓ માટે ખૂલી ગઈ હતી. ફરીફરીને અંદર તો કાલે જોઈ હતી એક હવેલી. આજે બીજી હવેલી.
પટવાની એ હવેલીમાં એક પછી એક માળ ચઢી, છત પર પહોંચું છું. સવારના તડકામાં જેસલમેર નહાય છે. પણ શું ધૂળ કે શું ઊંટ કે શું તડકો કે શું જેસલમેર – બધાંનો રંગ અહીં એક છે. અહીંથી ઓતરાદી નજર કરો તો દૂર દૂર વિસ્તરેલા વેરાનમાં બીજો એક ટેકરો દેખાય છે. ફાંસીના ટેકરા તરીકે ઓળખાય છે. એનું દર્શન કોણ જાણે કેમ, ઈશુને જે ટેકરી પર ખીલે જડ્યા હતા તે ગોલગોથાની ટેકરી આ જ હશે કે શું એવો એક યંત્રણામય વેરાનનો ભાવ જગાડે છે. તડકામાં તે ટેકરી વધારે ભૂંડી લાગતી હતી. ત્યાંથી જરા આથમણી બાજુ નજર જતાં રાજામહારાજાઓની છત્રીઓ દેખાય છે. ત્યાં સુધી જઈશ એવો વિચાર મનમાં આવે છે. જેસલમેર નગરનો કોટ દેખાય છે. આ બાજુ ઉત્તરમાં નજર કરતાં જેસલમેરનો દુર્ગ દેખાય છે. એની સર્પાકારે પહાડીની આસપાસ ત્રણ આંટા લગાવી વીંટળાઈ વળેલી ધીંગી દીવાલ, એના બુરજો, બુરજોની ઉપર ડોક કાઢતી ઊંચીનીચી ઇમારતો, ધજા ફરકાવતાં મંદિર-શિખરો – આટલે દૂરથી જોતાં એક જ ચિત્ર બની રહ્યું. આ છેડેથી પેલે છેડે આંખમાં સમાઈ રહ્યું. ચિત્રને તડકાનો એક ‘વૉશ’ આપી દેવામાં આવ્યો છે.
અહીંથી ચારે બાજુ જોઉં છું. પેલી એ જ ચોસલાબંધ ભૌમિતિક આકારની ઇમારતો. જાણે એમાં કોઈ મનુષ્ય નથી, માત્ર ઇમારતો છે. મનુષ્યો સૌ હિજરત કરી ગયાં છે, ખાલી નગર છે. શાપિત નગર છે. કોઈ મનુષ્યભક્ષી બકાસુરના ભયથી નગર ખાલી થઈ ગયું છે. બારીએ બારીએ, શેરીએ શેરીએ નિર્જનતા છે, અ-ગતિકતા છે. અહીં છઠ્ઠે માળે માત્ર થોડાક અવાજોનો સમૂહ આવે છે. તે પણ જાણે ક્યાંક ખૂણેખાંચરેથી નીકળી આવી ભાગી જવા. કા…કા…કા…અરે આ બાજુમાં કાગડો બોલ્યો! ફૅન્ટસી વિલીન થઈ જાય છે. આ એક પ્રવાસી કુટુંબ હાંફતું હાંફતું આવી પહોંચ્યું. હું પગથિયાં ઊતરી જાઉં છું. ઓટલે બાંધેલી બકરી જોઈને વિમાસતો રહી જાઉં છું.
ફરી નગરમાં ચક્રમણ શરૂ કર્યું. નગરમાં નહીં, નગરની બહાર. આથમણે દરવાજેથી નીકળી રાજામહારાજાઓની છત્રીઓ ભણી ચાલ્યો. રસ્તો એટલે જાણે રેત. કાંટાળી ઝાડી ઊગી હતી. લગભગ છેક પહોંચવા થઈ પાછો વળી ગયો. મહારાજાનો ‘બાદલ વિલાસ’ મહેલ જોયો, ત્યાંથી ગઢ ભણી. નીચેથી ગઢની પ્રદક્ષિણા કરવાનો વિચાર આવ્યો. પાકી સડક હતી. આથમણી તરફથી ઉત્તરદક્ષિણ જતી સડક ૫છી પૂર્વ તરફ વળે છે. ત્યાંથી પાછો ઉત્તર તરફ વળી પ્રદક્ષિણા પૂરી કરી રેતના ઊંચા ઢૂવા પાર કરી સાલમસિંહની હવેલી પાસે આવીને ઊભો રહ્યો.
પરદેશી મુસાફરોનું એક ટોળું ફોટા લેવામાં વ્યસ્ત હતું. માત્ર ઇમારતોના જ નહીં, ઓટલે બેસી હુક્કો પીતા કે ભૂતકાળ વાગોળતા બુઢ્ઢાઓના, પાણી ભરતી નાની કન્યાઓના, ઘૂમટો કાઢેલી વધૂઓના, અરે, ધમણ ચલાવતા લુહારના… ઊંટગાડી જોતાં વિચાર આવી ગયો – અહીંથી ઊંટોની લાંબી લાંબી વણજારો ક્યાં ક્યાં જતી હતી… રણનું વહાણ ઊંટ. હવે તો ટ્રક-ટેમ્પા દોડે છે. મોટર-ગાડીઓ, જીપગાડીઓ દોડે છે. રેલવે દોડે છે. અને છતાં થાય છે અહીં તો ઊંટ જ જોઈએ.
બપોર પછી દુર્ગની તળેટીમાંથી જ અમારી બસ ઊપડી બાડમેર ભણી. દૂર દૂર સુધી ગઢ દેખાયા કર્યો. ઊષર ઉજ્જડ મરુભોમમાં બેસી પડેલું એક વિરાટ ઊંટ. એને ઢેકે હજી પાણી છે.