સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બબલભાઈ મહેતા/જુગતરામભાઈનું “જગતિયું”: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ગુજરાતના આદિવાસીઓ વચ્ચે ચાળીસ વર્ષોથી પલાંઠી વાળીને બેઠ...")
 
(No difference)

Latest revision as of 05:51, 4 June 2021

          ગુજરાતના આદિવાસીઓ વચ્ચે ચાળીસ વર્ષોથી પલાંઠી વાળીને બેઠેલા આજીવન સેવક શ્રી જુગતરામ દવેને ૧૯૬૫માં પંચોતેર વરસ પૂરાં થવા આવ્યાં ત્યારે ગુજરાતના ગાંધી-વિચારના સેવકો એમની સેવાની કદર કરીને કાંઈક વિશેષ પ્રેરણા મેળવવા માગતા હતા. એ માટે ચીલાચાલુ રીતે રૂપિયાની થેલી અર્પણ કરવાનો વિધિ નહોતો વિચાર્યો, પણ પંચોતેર નવયુવકો પછાત પ્રદેશમાં સેવા કરવાની દીક્ષા લે તો એમને સ્નાતક સુધીનો અભ્યાસ કરાવવાની યોજના વિચારી હતી. પણ એમણે કહ્યું કે, હું જીવતો છું ત્યાં સુધી તો મહેરબાની કરીને આવું કાંઈ ન કરો એવી મારી માગણી છે. એ કાર્યક્રમ યોજનારી સમિતિના સંવાહક ઉપર એમણે લખેલો પત્ર વાંચવાથી એમની આ બાબતની કેવી ઉન્નત વૃત્તિ છે એનું આપણને દર્શન થાય છે : વાત્સલ્યધામ, ૭-૯-૬૫ પ્રિય ભાઈ રતિભાઈ, તમારો તા. ૩જીનો પરિપત્ર મળ્યો અને તમે કેટલાક મિત્રોએ મળીને મારું ‘જગતિયું’ કરવાની યોજના ઘડી છે એ તે ઉપરથી જોયું. ગઈ કાલે આ સંબંધમાં મારી સંમતિ મેળવવા શ્રી બબલભાઈ આવ્યા છે. મિત્રોની ભાવના સમજી શકું છું અને તે માટે હું સૌનો આભારી છું. પણ મારી જીવન-પદ્ધતિ અને સ્વભાવ તમે સૌ જાણો છો તેમ જુદી જાતના ઢાળામાં ઢળાયેલાં છે. આવી કોઈ યોજનાથી મારા આત્માને આનંદ થવાને બદલે અત્યંત વિશાદ જ થાય તેમ છે. તે અંગે કંઈ સભામેળાવડા કરવામાં આવે તેમાં હું હાજરી આપવાનું પસંદ કરી શકું નહીં. મારી હાજરી વગર તમે તમારી મેળે કંઈક કરશો તો હું તમને અટકાવી શકવા લાચાર હોઈશ. પણ તમારે માટે પણ આવું કંઈક કરવાનો સારામાં સારો સમય મારા પ્રયાણ પછીનો જ હશે. આ તો સારાસારવિવેકનો અને મારી પ્રકૃતિને સમજી શું કરવું, શું ન કરવું, ઉચિત ગણાય તે સમજવાનો છે. ચર્ચા કે દલીલનો નથી. શ્રી બબલભાઈ અહીં રૂબરૂ આવ્યા છે તે મારી મનોભાવના સમજ્યા છે. તમે સૌ ભાઈઓ પણ સમજી જશો અને મને બિનજરૂરી દૂભવવાથી દૂર રહેશો એમ માગી લઉં છું. મને સમજાવવા કે શરમાવવાનો પ્રયત્ન પણ ન કરો એમ ઇચ્છું છું.

લિ. જુગતરામ દવે