ગુજરાતી નિબંધ-સંપદા/સ્વામી આનંદ/નઘરોળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 315: Line 315:
{{Right|[નઘરોળ]}}
{{Right|[નઘરોળ]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સ્વામી આનંદ/ધનીમા|ધનીમા]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સ્વામી આનંદ/સમતાનો મેરુ|સમતાનો મેરુ]]
}}

Latest revision as of 07:48, 24 September 2021

નઘરોળ

સ્વામી આનંદ

છતાં વાદનવિદ્યાના મારા ગુરુ, એ વાતનો ઇનકાર મારાથી થોડો જ થઈ શકે? એમને માટે આવું વિશેશણ વાપરતાં મારે માથે વીજળી ત્રાટકવી જોવે. પણ તે હજુયે નથી ત્રાટકી. એટલે માતાપિતા, ગુરુજનો, સૌની ઉપરવટ સત્યનિશ્ઠા છે એ જ સાચું. વ્યક્તિને વફાદાર રહેવામાં માણસે સત્યના ગજને કોઈ વાતે ટૂંકો ન થવા દેવો જોઈએ.

હા, સત્યને સજવવા શણગારવાનો પ્રયત્ન જેટલો હાંસીપાત્ર છે, તેટલો જ તેને લપવવાનો, કે હળવું વામણું કરીને દેખાડવાનો પણ. એટલે એ લાલચનો શિકાર બન્યા વગર અદલ દાંડીએ કાંટોકાંટ તોળીને હકીકત તેટલી જ સંભળાવીશ. ન વધુ, ન ઘટુ.

ધૂની, ચક્રમ્, મસ્ત, ફુવડિયા, અલગારી, તોછડા કે અકોણા કલાવંતોની તરેહવાર રીતોભાતો તથા ખાસિયતોનાં વર્ણનો તો સૌની જેમ મેંયે થોડાંઘણાં વાંચ્યાં સાંભળ્યાં હતાં. પણ મારા આ હંગામી ગુરુનો ઘાટ બ્રહ્માએ ઘડ્યો તે દિવસે ખગ્રાસ સૂર્યગ્રહણ હશે, તેથી બ્રહ્માજી આબાદ ગોથું ખાઈ ગયા.

[૧]

સંગીતની ભક્તિ-ઉપાસના અમારા કુટુંબમાં મારા દાદા, વડદાદાની વારીની ચાલતી આવેલી. મારા દાદા પિતા કાકા પિતરાઈઓ ઘણાખરા સંગીતવાદ્યના હાડોહાડ ઘાયલ. રજાના બધા દિવસો કોઈ ને કોઈ જલસાઓમાં કે ઉસ્તાદોની તહેનાતો ભરવામાં વિતાવવા સૌ મને કહે. ઉસ્તાદોના કે સંગીતના વિદ્યાગુરુઓના તરેહવાર મિજાજ સાંખવામાં અને અકોણાઈઓ સહેવામાં જ વિદ્યાની ખરી સાધના રહેલી છે, એ વાત પેરે પેરે કરીને બધા મને ઠસાવે; અને દેવયાની સમી રંભાની પણ આંટીમાં આવ્યા વગર એકલી સંજીવની વિદ્યા જ હરણ કરી લાવનાર કચની સાધનાના દાખલા ટાંકે.

એમ તો હુંયે કંઈ અમારા ઘરાણાનું નામ સાવ છેલ્લી હરોળે ઘસડી જાઉં એવો નહોતો. મને વાદનનો શૉખ વધુ, એટલે મેંય સતાર સરોદ વીણા વાયોલિનમાં જેવીતેવી નામના વીશી વટાવ્યા અગાઉ જ મેળવી લીધી હતી. પણ પિતાજીની નજરમાં એ ભાગ્યે ઊતરે એમ હતું. એમની આંખ સામે તો મોટમોટા કલાધરો, જ્યોતિર્ધરો જ રહેતા. એવા એક નામાંકિત જ્યોતિર્ધર પાસે ઊંચો અભ્યાસ કરવા એમણે મને દૂરના એક મોટા શહેરમાં મોકલ્યો. પિતાજીએ એ જ્યોતિર્ધરને નામે મેળવેલો ધરખમ ભલામણપત્ર લઈને એક ખુશનુમા સવારે હું શહેરમાં પહોંચ્યો.

[૨]

એમને ત્યાં બપોરે પહોંચીને જોઉં તો નાનામોટા ઉસ્તાદ કલાવંતોનો દાયરો જામ્યો છે. મેં અદબપૂર્વક નીચા નમીને સંગીતકળાના એ કોટિભાસ્કરને સલામ કરી, અને ગજવામાંની પેલી ભલામણચિઠ્ઠી આપી.

સંગીતવિદ્યાના શુક્રાચાર્યે ચિઠ્ઠી વાંચી અને જમણી આંખ પર છાજલી કરીને મારી સામું જોયું. શુક્રાચાર્યની જેમ એમનેય એક જ આંખ હતી.

‘તારો દાદો ને બાપ બેય મારા હરીફના સાગરીદ હતા. પણ અંતઆખરે તને અહીં મોકલવાનું ડહાપણ એમનામાં આવ્યું ખરું. ભલે, પણ છોકરા! (એના કપાળે આંટીઓ પડી) મારા ઘરાણાની વિદ્યા ખાવાના ખેલ નથી. ને મારું આ શહેરેય તારા બાપનું મોસાળ નથી. જીરવી શકે તો જો પેલો ઉસ્તાદ બેઠો. ભણ એને તાં જઈને, ને લે લેવાય તેટલું. તું લેતો થાકેશ, એ લૂંટાવતો નહિ થાકે.

‘ને ગળે આવી જા, ત્યારે આવજે મારી કને. એના બે કાન વચ્ચે માથું કરી દેશ.’

(પેલા ઉસ્તાદને સંબોધીને) ‘કેમ અલ્યા નઘરોળ? આ ચેલકો ભળાવું કે તને? પછી કૅ’શે કીધું કાં નઈં? તારી તરજો જ એને શીખવજે; તારાં અપલખ્ખણ નઈં. . . સમજ્યો કે નખ્ખોદિયા?’

એક ગોળમટોળ કાળું કલિંગડ દાયરા પાછળથી ઊભું થયું. હાથ જોડી નીચું જોઈ રહ્યું. કહે,

‘જેવી આજ્ઞા ગુરુ મહારાજજીની.’

ગુરુ મહારાજ મારા તરફ ફર્યા:

‘જોયો ને? આ તારો ગુરુજી. ઉસ્તાદ, મોરશદ ખોરશદ જે કહેવું હોય ઈ. એનાં દેદાર સામું જોઈશ મા. એના ઢંગધડા જોખવા બેસીશ તો ભણી રયો તું. એને જીરવી જાણેશ એટલું પામેશ. ને પછી તો તારો બાપ ને દાદા બેવના મોરશદના દીકરા આવીને તારા હોકાની ચલમો ભરશે!

‘પણ જોજે હોં. ફરી કહું છું. એની વિદ્યા જ તેટલી લેજે. એનાં લખ્ખણ શીખતો નૉ. નીકર ધોબીના ઘરનો થઈશ. એટલામાં સમજી જા બધું. તેજીને ટકોરો. . .’

‘જી મહારાજ; જેવી આજ્ઞા.’

કહી નીચો નમી, ફરી સલામ કરીને પાછે પગલે હું દાયરા પાછળ મારા અદ્યતન મુરશદ (ગુરુજી)ની સોડે જઈ બેઠો. અરધો કલાક માંડ વીત્યો હશે ને સૌ ઊઠ્યા. દાયરો વિખેરાયો. દાયરાની ચર્ચા બધી મારા કાનને ‘આબ્રા કા ડાબ્રા’ હતી. એક અક્ષર મારા કાનમાં પ્રવેશ પામેલો નહિ. મારા મુરશદજીના અંગમાંથી નીકળતી અસહ્ય દુર્ગંધ જીરવવામાં જ મારું ધ્યાન-મન તમામ ખરચાઈ ગયું હતું!

[૩]

વળતે દિવસે વડા ગુરુજીના દાયરામાં મેં ફરી હાજરી ભરી. મારા મુરશદજી ત્યાં નહોતા. પણ વડા ગુરુજીએ મને ઓળખ્યો, ને આગલી હરોળમાં પોતાની નજીક બેસવા કહ્યું. મૂઆં મડાં અંગે કશીક હાંસીઠઠ્ઠા ચાલુ હતી. તેમાં મેં કશુંક મારી બાજુએ બેઠેલાને દબી જબાને કહ્યું.

પણ વડા ગુરુજીએ તે સાંભળ્યું, ને તેમને તે ગમી ગયું. તેથી હેતથી મને શાબાશી આપી. પછી મને આવડતી હોય એવી કોઈ ગત બજાવવા ફરમાવ્યું.

છેલ્લાં પચાસ વરસમાં પાકેલ નામાંકિત ગવૈયા-બજવૈયાઓના એ દાયરામાં મારું વાદન સૌને સાવ શિખાઉ લાગ્યું હશે, એ તો દેખીતું હતું. છતાં સૌએ મારી વાહવા કરી; અને વડા ગુરુજીએ પણ, હું ઊઠીને પગે લાગ્યો ત્યારે, ‘શાબશ!’ કહીને મારો વાંસો થાબડ્યો:

‘મોરશદ મિયાંની સેવા કરજે. તારા તાલ-સૂર બધુંય એ આબાદ કરી દેશે. એનું કાંડું ઝાલવાવાળો આ શહેરમાં બીજો કોઈ નથી. એના દેદાર સામું ન જોવું; ન એના ઢંગ શીખવા. ફક્ત એના હાથની આંગળીઓનો જ કસબ તેટલો પકડવો. સમજ્યો કે દીકરા? લ્યૉ, એય મિંયો આવી લાગ્યો. મનહૂસ (પલીત) મલક આખાનો.’

હાથમાં નાનકડી સતાર લીધેલ મુરશદજી આવ્યા, ને વડા ગુરુજીનો ઘૂંટણ-પરશ કરી અદબથી ઊભા રહ્યા. મને પાસે બેઠેલો જોઈ ગુરુજીને પૂછે છે:

‘આ નવતર કુણ આવ્યું સૅ?’

‘એલા, તારુંય કાતરિયું ગૅપ છે કે બીજું કંઈ? કાલ તને નવો ચેલો કિયો ભળાવ્યો’તો?’

મોરશદ મિયાં જરા ખસિયાણા પડી ગયા. વડા ગુરુજીએ ચલાવ્યું:

‘ભલું છે કે એ આપણી બોલી ઝાઝી સમજતો નથી. નીકર તારી તોફા બોલચા પર એ આફરીન થઈ જાત. અને તું આપણા આખા દેશનું કેવું ઘરેણું છો, એ જોત. આ તો ચેલો થઈને શીખવા આવ્યો છે; નીકર બીજો કોઈ પરદેશી જો આ દેશમાં આવતાંવેંત તારા જેવા જનાવરને જુએ, તો આ દેશના લોક માટે કેવો અભિપ્રાય બાંધે એ તો દીવા જેવું છે.’

દયામણે ચહેરે મારા તરફ વળીને મુરશદજીએ મારી માફી માગી.

પછી લાગલા જ વડા ગુરુજી તરફ વળીને કહે:

‘પણ આવા આને હું શા સાટુ શીખડાવું? આ પરદેશીના મલકવાળા બધા ચોર લૂટારા. આપણા મલકમાં આવી આવીને સારું એટલું સંધુંય ઉપાડી જાય છે!’

ગુરુજીએ એનો કાન આમળ્યો:

‘તારી લાયરી બધી ગજવે રાખ. હું તને પગથી માથા લગણ ઓળખું છું. છાનોમાનો આજથી એને ભણાવવા માંડ. નીકર સીધો ફોજદારને બોલાવીશ; તે મોકલી દેશે મહિનો સડકની કોરે ગિટ્ટી ફોડવા. હા, સમજીને ગાંઠે બાંધી રાખજે મારું વેણ.’

દાયરો બધો મોઢે રૂમાલ દઈને હસે.

મેં હળવેક રહીને શુક્રાચાર્ય ગુરુજીને પૂછ્યું:

‘ટ્યૂશન ફી કેટલી દેવાની?’

‘દોઢિયું નહિ.’

‘એં?’ મુરશદજી કટાણું મોં કરી વડા ગુરુજી સામું તાકી રહ્યા:

‘એમ કેમ બને?’

‘આપણા દેશની લાજ જાય. પરદેશીઓ પાસેથી ફી લેવાની હોય? એમને મફત ભણાવીએ એ તો આપણું ભૂશણ કહેવાય. એટલું નથી સમજતો, માળા અડબંગ?’

વાત આમ પતી.

[૪]

મુરશદજી પગથી માથા લગી ભેંકાર માણસ. ઠીંગણું કદ. બાવળની ગંડેરી જેવી કાયા. મોઢાનું મૉરું જાણે થાપેલ છાણું. ભમ્મર શાહુડીનાં સીસોળિયાં જેવી. બોડકા માથાને તાળવે કરોળિયા જેવા પાંખા વાળવાળી બે બાબરીઓ ચોંટી રહેલી. ને ગરદન તો મળે જ નહિ! કોઈના ભણી જુએ ત્યારે આખી કોઠી જ આંચકો દઈને ફેરવે. એના વહેવાર એટલે રુગા ધૉલધપ્પા, આંચકા ને વડચકાં.

મારાં લેસન રગશિયા ગતિએ શરૂ થયાં. હું જાઉં ત્યારે મોરશદ મિયાં રાતના પીને ચકચૂર ઘોંટ્યા હોય. તોપ ફોડીએ તોય જાગે શેના? ઘરના દેદાર એમને ભુલાવે એવા. ઊભતાંવેંત માણસને ઑકારી આવે.

થોડા જ દિવસ પછી વડા ગુરુજી આગળ જઈને મારે કહેવું પડ્યું:

‘મારાથી ત્યાં પગ દેવાય એમ નથી.’

‘સો ટકા સાચી વાત. મારી મગદૂર નથી.’

‘આપ જુદું સમજ્યા. મારું કહેવું એમ હતું કે મારાં આ કપડાંલત્તાં સાથે એમને ત્યાં હું મફત વિદ્યાર્થી તરીકે ભણું એ કેમ શોભે? એનું ઘર જ જોયું હોય તો. બાપ રે બાપ!’

‘ઇંદરની અલકાપુરી રહેવા આવો તોય દિ’ આથમ્યા અગાવ એના એવા જ દેદાર કરી મેલે, ઈ માયલું રાચ છે ઈ. નરો ભૂંડ છે ભૂંડ. ભૂંડને ગારા-ગંદકી ને ઉકરડા વન્યા ઘડી ન રડે.’

‘પણ સાંભળ, દીકરા! એના રંગમૉલ એને મુબારક. તારે એને કાણી કોડી ન પરખાવવી. આ કહી મેલ્યું તને. જોઉં છું એ તને કેવો નથી શિખવાડતો.’

મુરશદજીએ બે દિવસ મને ભણાવ્યો ત્રીજે દિવસે વીલું એવું મોં કરીને ૫૦ રૂ. ઉછીના માગ્યા. મેં ૧૦ આપ્યા. થોડા દિવસ રહીને વળી ૩૦ માગ્યા. મેં ૨૦ આપ્યાં. બીજા એક સંગીતકારે આ જાણ્યું; ને વાત વડા ગુરુજી શુક્રચાર્ય પાસે પહોંચી.

‘મેં તને નો’તું કહ્યું કે એને રાતી પાઈ પરખાવતો નૉ? તું એને દેવા માંડેશ. તો તારો બાપ કુબેરભંડારી હશે તોય તને અરધે ભણતરે પાછો બોલાવશે; સમજ્યો ને? તું નવલશા હીરજીનો દીકરો થઈને એને ઘરે ભણવા જા. અટલે પછી એને બસેં પાંચસેથી ઓછું શેનું સૂઝે? પણ તું જાણ છ? તારા કરતાં એ વધુ તાજકો છે.’

અંતે આખરે ફેંસલ એમ થયું કે મારે રોજિંદા ટ્યૂશનના એને મહિને ૬૦ દેવા.

આ ‘રોજિંદા’ ટ્યૂશનનો અર્થ મારે તમને સમજાવવો રહ્યો. ટૂંકમાં અર્થ એટલો જ કે અવરનવર મારે એને ઘેર એનો મિજાજ પૂછવા હાજરી ભરવી. કવચિત્ ક્યારેક ઘેર હોય તો ઢગલો રજાઈગોદડાં તળેથી એના બોડકા માથા પર બચેલી ટચૂકડી બાબરી, કાં એના કાળાંભૂત ગંદાં ઓઘરાળાં પાની પોંચો, દેખાતાં હોય. તેટલાથી એની હસ્તી મોજૂદગી પકડાઈ જાય.

પછી તો છોકરીઓ પહોરવાર ઘાંટાઘાંટ કરે ત્યારે રજાઈગોદડાં સળવળે, અંદરથી લાલઘૂમ આગવરસતી આંખો ડોકાય, અને મારી સામું ઘુરકામણી આંખે એવી તો દુશ્મનાવટથી તાકે કે કેમ જાણે મને કાચો ને કાચો ભૂંજી ખાવા માગતી હોય.

જરા વારે નાગોનવસ્ત્રો આખું અંગ ધવડતો ઊઠી, ખાટલામાં જ ગોદડું ઓઢીને બેસે; ખૂણામાંની સતાર દેવા મને ફરમાવે, ને એમ મારું લેસન શરૂ થાય. ઘડીચપકું ભણાવે ન ભણાવે ને કહેશે,

‘જા, આજ દિલ નહિ લગતા.’

[૫]

ક્યારેક વળી મારા પર વરસી પડે, તો કલાકો ભણાવે. ન જુએ દિવસ ન જુએ રાત. જીવપ્રાણ ને કસબઇલમ બધો નિચોવી નાંખે! ક્યારેક વળી ભણાવવાની એવી તો ઘાલાવેલી એને ઊપડે કે એની મચ્છી દુકાનેથી ઉઘાડે ડિલે ગંધાતો ઓઘરાળો દોડતો આવે, ને હાથમોં કશું ધોયા વગર એમના એમ પલાંઠી મારીને મંડે ભણાવવા!

નીકર ક્યારેક હું આવી પહોંચું તે અગાઉ રફુચક્કર થઈ જાય; કાં કોઈ ઘાસગંજીમાં સંતાઈ બેસે; કાં મજૂરિયા વસ્તીની કોઈ હલકી હોટલમાં ભરાઈને દુહા લાવણીઓ લલકારી બદલામાં ચાના કપ ઉપર કપ ઢીંચે!

એક વાર ગળોગળ પીધેલો કામ પરથી ઘેર આવે. ‘કામ’ એટલે સમજ્યા? પારકે પૈસે એટલું પીવાનું કે पीत्वा पीत्वा पुनः पीत्वा यावत्पतति भूतले।

એમ લથડિયાં ખાતા આવતાંઆવતાં તે દિવસ ભાઈસા’બ રસ્તા વચ્ચોવચ ધરાશાયી થયા. છોગામાં હાથમાં સતાર હતો તેનાં કાચલાં!

આ સુંદર કીમતી સતાર મૂળે વરસો અગાઉ એની પ્રશંસક કોઈ શ્રીમંત બાઈએ મુરશદજીની સમજઆવડતને ભરોસે સમરાવી આપવા મોકલેલો; પણ કંઈ ને કંઈ કારણસર તે પરત કરવાનું મહૂરત મુરશદજીને કદી આવ્યું જ નહિ. ‘રહી ગયેલું’!

આવું તોફા વાદ્ય આમ ટુકડા થઈ ગયું તે ઉપર મુરશદજી એવા તો ભડકાયા કે પોતાના જ બાવડાને એમણે રઘવાયા કૂતરાની જેમ બચકાં ભર્યાં. ને તેમ કરતાં પોતાના આગલા બે દાંત પાડ્યા!

એનો લઘરવઘર વેશ ને એનાં દેદાર વાટના ચાલનારને અચૂક ભુલાવામાં નાંખે. એના મેલાદાટ પાટલૂનના પટા કે ભાત સામા માણસને ભાગ્યે ભળાય. અને કપડાં ગંદાં ને ગંધાતાં એટલાં કે તે પર ઠેરઠેર માખીઓની વસાહતો જામી હોય!

ક્યારેક વળી રાતના છેક ત્રણ વાગ્યે બેઠક-જલસામાંથી એવી હાલતમાં ઘેર આવે, કે આવતાંવેંત બૈરીછોકરાં મા ને બાપ બધાંને લાતો મારીને ઘરબહાર તગેડી મૂકે; જેથી પોતે નિરાંતે ઘોંટીને ઘોરી શકે!

પેલાં બાપડાં પાછલી રાતનાં રોતાકકળતાં મહોલ્લા આખામાં ઘેર ઘેર જઈને લોકોનાં બારણાં ઠોકે, સાંકળ-આગળા ખખડાવે ને આજીજી કરે. કોઈ દયાવંતું બારણું ઉઘાડી, એમને અંદર લે.

કોક દિવસ વળી ફક્કંફક્કા પણ હોય. આવી ફાકાકશીને દિવસે બહાર ‘ફેરે’ જઈ, રસ્તે માગવા બેઠેલા આંધળા ભિખારીનાં વાસણ-ચાદરો સાફ કરી આવે!

પણ આ અને આવા બીજા અરધો ડઝન અવગુણ વાદનવિદ્યાના મહાન ઝબ્બૂ તરીકેની એની અજોડ નામના પ્રતિષ્ઠાને સ્પર્શી ન શકતા. બેઠક-દાયરા જલસા-મેળાવડામાં એનો હાથ ઝાલનારો કોઈ માઈનો પૂત નહોતો.

[૬]

આમ ભલે એ શીખવે ન શીખવે તોપણ ઓછોવત્તો ટાઇમ લગભગ રોજ હું એને ત્યાં ભણવા જતો. જમવા વેળાય ઘણી વાર થઈ જાય. પણ ‘ખાઈને જજે’ એમ કદી પણ એણે મને કહ્યું નહિ હોય.

એક દિવસની વાત, ને વરસ્યો. નાતાળ આવતી હતી.

‘નાતાળને દંન ખાવા આવ. આતવારે એક વાગે. ને ઉપરથી વરી ખુસબખ્તીય મલસે.’

‘આભાર. તમારી જોડે બેસીને જમવું મને અલબત્ત એક લહાવો લાગે. આવીશ.’

‘જીવતો રૅ’જે.’

કહીને એણે મને કોટિ કરી. હું તો એવો ભીંસાઈ ગયો કે મોઢેથી વૉયકારો નીકળી ગયો. અધૂરામાં પૂરું એના ગળતાગંધાતા મોઢે એણે મારે ગાલે બચી કરી!

રવિવાર આવી લાગ્યો. બન્યું એમ કે તે દિવસે સવારે જ બીજા એક બીજા સંગીત-ઘાયલ જોડે અમુક જૂની રેકર્ડોની શોધમાં મારે પરામાં જવું પડ્યું, ને આવતાં ખાસું મોડું થઈ ગયું. મુરશદજીનો ઠપકો ખમવાની તૈયારી કરીને, અને ગોરાણીજીની માફી માગવાના બોલ જીભને ટેરવે રાખીને હું એમના ઘરનો દાદર ચડ્યો.

નાતાળનો દિવસ. છતાં પગથિયે પગથિયે અરધો ઇંચ ધૂળકચરા, કાગળની ચબરખીઓ, મરઘાં-કબૂતરાંનાં પીંછાં, ટૂટેલા ઝાડુની સળીઓ, અને છેલ્લે પગથિયે બારણા સામે જ ઉઘાડું સંડાસ! દુર્ગંધ માથું ફાડી નાંખે. લીલા રંગની મોટી માખોનાં ઝુંડ બબણે, ને ભીંતના લૂણાના પોપડા ટપ ટપ આવનારના માથા પર ખરે! નાકે રૂમાલ દઈ માંડ ઘરમાં પેઠો.

અંદરની ગૅલેરીમાં એવાં જ લૂણા-ખરતાં છજાંમાં મૂવાવાંકે જીવી રહેલાં ટચૂકડાં પક્ષીઓનાં પાંજરાં લટકે. ઓરડામાં દાખલ થઈને અંદર જોઉં તો ન મળે ક્યાંય નાતાળની ખુશાલી કે ખુશનુમા ચહેરાની તાજગી; ન મળે કશા શણગાર કે સજાવટ.

ઓરડા વચ્ચે જમવાનું ટેબલ. સામી ભીંતે પલંગ અને એક ખડખડપાંચમ કબાટ. આ ત્રણેયે મળીને લગભગ બધી જ જગા રોકેલી. પલંગ પર નાતાળને સારુ આણેલું મોટું તુર્કી મરઘું બેઠું પાંખો ફફડાવે. મુરશદજીની પાંચ વરસની છોડી અને એક નાનકડી કાળી કૂતરી એકબીજીને વળગી ગૂંચળું વળીને સૂતેલી.

ખાણાના ટેબલ પર કરન્સી નોટોનો ચૉડો. બાજુની ખુરશી પર મુરશદજી છંછેડાએલા ગોરીલાની જેમ વિકરાળ મોઢેં ધૂંઆપૂંઆં બેઠેલા; તેમની ફરતે મા-ગોરાણી, અને બે દીકરીઓ એકબીજીના વાળ ખેંચતી જાય ને એકબીજીના ઉપરવટ ઝળૂંબી ઝળૂંબીને ટેબલ પરની નોટોની ઝૂંટાઝૂંટ કરે! રુગા હોકારા દેકારા ઘાંટાઘાંટ ને બરાડા. કાને પડ્યું સંભળાય નહિ. મુરશદજી મુક્કા ઉગામે, વડચકાં ભરે, બૈયર દીકરીઓની ત્રણ પેઢીના ઑધ્ધાર કરે, અને દરેક જણીએ તફડાવેલી નોટોવાળી મૂઠીઓના બાચકા ખોલવા જીવ પર આવીને મથામણ કરે!

સપરમે દહાડે આ ઢંગધાંધલ બધું જોઈને હું તો થીજી જ ગયો. ભોજન રસોઈની પણ કશી તૈયારી મેં ન જોઈ. જોયાં નકરાં ઝૂંટાઝૂંટ અને રઘવાયા ઘુરકાટ. મારાથી ન રહેવાયું:

‘મુરશદજી! આવડી ધાંધલ શી થઈ પડી છે બધી? કોઈ પૈસાવાળાને ગળે ટૂંપોબૂંપો દઈને આ બધું તફડાવી તો નથી આણ્યું?’

‘આવ, આવ. ભલો આવ્યો. નસીબદાર ખરો. આ છોડિયું દરિયે નહાવા ગઈ’તીયું, ત્યાં કણેથી મોટો મચ્છ ઝાલી લાવીયું. ઈ વેચ્યો, ને ભાવેય સારો આવ્યો. આજ તારે ઘી-કેળાં.’ કહીને એણે પોતાના હાથમાં બચેલી નોટો કબાટના ખાનામાં ખોસી. પછી છોકરીઓને કહે,

‘સાંભળો, આ પરદેશી કૅ’ સૅ, તમે કોઈ શેઠસઉકારને ગળે ટૂંપો દઈ આવીયું છો.’

છોડિયું લડતી અટકી ગઈ. લગારવાર મારા સામું ને પછી પોતાના બાપના મોં સામું જોઈ રહી. પછી એવી તો મોટેથી હસી પડી કે જાણે સાચેસાચ બેઉનું ખસી ગયું હોય.

[૭]

મને બેસવાનું કોઈએ ન કહ્યું, ન કોઈ જગા ચીંધી. એટલે મારી મેળે જ પેલા મરઘા કૂતરા બાળકવાળા ખાટલે જઈને હું બેઠો. મુરશીદજીએ આવીને મારા હાથમાં સતાર મૂકી, ને ફરમાવ્યું:

‘બજાવ, જમવાવેળા થાય તાં લગણ.’

મેં એણે શીખવેલી એક ગત બજાવવા માંડી. બહાર વરસાદ પડતો હતો. મેં જોયું કે પીંજરે પડેલાં પંછીઓ મોટેમોટેથી ચીસો પાડતાં હોય તેમ ગાવા લાગ્યાં. મને આ બહુ જ વિચિત્ર અને અસ્વાભાવિક લાગ્યું. આવાં પક્ષીઓ તો ગાજવીજ વરસાદ વાવાઝોડા વેળાએ ચુપ થઈ જતાં હોય છે.

મુરશીદજીએ પોતાના કોટમાં ખોસેલી એક સૉય કાઢી મને બતાવી. કહે,

‘અમે આનાથી એમની આંખો ફોડી નાંખીએ. પછી એ હંમેશ સારું ગાય!’

જાણે કોઈએ મને ડામ ચાંપ્યો. ગુસ્સથી મારાં રૂંવાડાં ખડાં થઈ ગયાં. પણ પલીતને દેવાય એવી કોઈ ગાળ મારી જીભે ચડી નહિ. મારો મુરશદ મૂઓ હતો જો! હું મૂંગો મૂંગો જોસજોસથી ગત વગાડ્યે ગયો. મારી શુધબુધ બધી જાણે સિવાઈ ગઈ. શું વગાડું છું એનુંય ભાન ન રહ્યું.

‘એલા, તાલમાં છબરડા કાં વાળવા માંડ્યા?’

કહેતોક ને એ એક છલાંગે મારી પાસે પહોંચ્યો. સતાર મારા હાથમાંથી આંચકી લીધી અને એક પગે ઊભો રહી મંડ્યો વગાડવા. એક વાર બે વાર ત્રણ વાર, — બસ વગાડ્યે જ ગયો!

એનું વાદન આમ તો હરહંમેશ જ મને હૅરત પમાડતું. પણ આજે તો એણે હદ કરી. જૂના સૂરવાળી ગતમાં એણે પચાસ નવી તરજો અને મીંડો પૂરી હશે. આટલા દિવસમાં આવું કમાલ વાદન મેં આ અગાઉ કદી પણ એની પાસેથી સાંભળ્યું નહોતું.

‘આમ વગાડાય. જોયું? હવે લે, કરી જો દાખડો ફરી એક વાર. તિરતાલમાં જ લે. અંગૂઠો જો આમ રાખીને પડદા પર આંગળી ફરે તો સૂર અને મીંડ કમાલ ઘૂંટાય. એ જ ખરો સૂર કાઢવાની રીત. જોર કરવા જઈએ તો ડબ્બો ગુલ. ટિનનો ડબ્બો જ વાગે. સમજી જા એટલામાં.’

છેક જમવા પીરસાયું તાં લગણ વચ્ચે વચ્ચે આ ચાલ્યું. શાકભાજી, સૂપ, મિશ્ટાન બધું જાણે તેલમાં તરે. પાછું ઉપરથી કકડતું તેલ ગોરાણીએ મારા ભાણામાં ધપકાવ્યું! કહે, ‘જમો ભાય. ચલાવો હાથ.’

[૮]

જમણ દરમ્યાન ટોળુંએક પાડોશણો ઘોડિયામાં ઊંઘતા બાબલાને રમાડવા આવી લાગી. બાળકને જગાડ્યો, ને એકબીજીના હાથમાં દઈ લઈ ખેંચાખેંચ કરી ઉછાળવા હુલાવવા લાગી.

‘આહા, તમારો તે બાબલો છે કાંય!

‘સમજોછ કે મોરશદજી! તમને માથે પછાડે એવો આ થાવાનો.’

મુરશદજી ફૂલીને ફાળકો થઈ ગયા. બાબલાને પેલીના હાથમાંથી ખૂંચવી લઈ હુલાવવા લાગ્યા:

‘મારું રતન.’

‘મારી કોટનું માદળિયું.’

‘મારા જીવનો વેહામો.’

પછી બેઉ હાથે એને ઊંચો કરીને મારી નજીક આવવા લાગ્યા અને મને આપવા જાય છે ત્યાં તો દુનિયાના બધા બાબલા જે કરે તે જ એણેય કર્યું; અને બાપાજીનું બદન, ખુરશી તેમ જ ખાણાના ટેબલ પર પીરસેલ થાળી, — બધું નવાજ્યું!

મુરશદજીએ આ બધાની નોંધ સરખી ન લીધી અને બાબલાને પેલી બાઈઓેના હાથમાં પાછો આપી નિરાંતે ફરી પાછા ભાણે બેસી માંડ્યું આરોગવા. ભેળા મનેય આગ્રહ કરતા જાય:

‘ખા, ખા, આ બધું. એમ તે કાંય થાય? આમ ચકલીની જેમ શેનો ચણછ?’

હું હજું માંડ માંડ જોરાવરીથી તેલમાં તરતું એકાદ બટેટું ખાવા કરું છું, એટલામાં વળી કોક ‘ડાક્ટરણ’ બાઈ આવી લાગી!

આવી બાઈઓ ગરીબ ગામડિયા વસ્તીમાં સસ્તાં ઇંજેક્શન આપવા હરહંમેશ ગામડે ગામડે તેમજ શહેરોના ગરીબ વસ્તીવાળા લત્તાઓમાં ફરતી હોય છે. ગોરાણી પલંગ પર કૂતરીને વળગીને ઊંઘતી છોકરીને ચીંધીને મોટેથી બૂમ પાડી મને કહે,

‘છોડીને સૉય ઘાલવા આવી છે.’

ગોરાણી હું બહેરો હોઉં તેમ હંમેશાં બૂમ પાડીને જ મારી જોડે બોલતાં.

છોડીએ જાગતાંવેંત સૉય ખાવાની ધાકે બૂમાબૂમ કરી મેલી. ગોરાણી તેમજ તેની સાસુ બેઉએ મળીને ટેબલ પરનાં ભાણાં ઉઠાવવા માંડ્યાં.

હુંયે ઊઠ્યો. એટલે કહે,

‘ના, ના. તમતમારે જમો નિરાંતવા. કશો વાંધો નથી.’

કહીને પેલી ધમપછાડા કરતી છોકરીને ટેબલના ખાલી થએલા ભાગ પર સુવાડી બેઉએ ટાટ પકડી રાખી. પેલી ડાક્ટરણ બાઈએ ફરાક ઊંચું કરી સાથળમાં સૉય ઘોંચી તેવી જ છોડીએ ચીસાચીસ સાથે આખો મહોલ્લો ગજાવી મૂક્યો!

પછી ગોરાણીએ એને ઊંચકીને પલંગ પર સુવાડી, મુરશદજીએ મરઘાને ભોંય હડસેલ્યું, બેઉ મોટી છોડીઓ નાનીની જોડે સૂઈને એને થાબડવા લાગી.

[૯]

હવે મુરશદજી પાછા આવીને ભાણે બેઠા.

‘તું તો ભાય! ભારે ધીમો દેખું જમવામાં.’

અગાઉ એક વાર હું જમવા વેળાએ અહીં આવેલો, તે દિવસે મુરશદજીએ દોથોએક અળસિયાં આણીને તે ઉપર જે સંસ્કાર કરેલા તે મને યાદ આવ્યું. સૂગથી હું સમસમી ઊઠ્યો.

અબોલ જીવતાં પ્રાણીમાત્ર જોડે કેમ જાણે એને ભવોભવનાં વૅર હતાં. એટલે હવે એને કૂતરી યાદ આવી. આગલે ગુરુવારે કશીક વાતમાં એણે ચાળા કર્યા હતા; તેની સજા દેવાની બાકી હતી!

ચોમેર ખુન્નસ ભરીને નજર કરી એણે બૂમ પાડી:

‘પાકી, પાકી.’

કૂતરી પલંગ પરથી કૂદકો મારી નાઠી. અને ભીંત તથા પલંગના પાયા વચ્ચે ભીંસાઈને લપાઈ ગઈ!

ઘડીના છઠ્ઠા ભાગમાં દૈત પહોંચ્યો એની પાછળ. પૂંછડીએથી ખેંચીને એને બહાર કાઢી, અને ગળચીએથી પકડી મંડ્યો મારવા ને એનું માથું ભીંત જોડે અફાળવા!

કૂતરી એવી તો દયામણી ચીસો પાડવા લાગી કે પથ્થર પણ પીગળી જાય. ઘરનાં બૈરાં ને છોકરીઓ કાનમાં આંગળીઓ ઘાલી ઘર બહાર નાઠાં. મરઘાનો પગ ખાટલાને પાયે બાંધેલો એટલે બાપડું નાસી તો શી રીતે શકે? પણ એણે જોરજોરથી પાંખો ફફડાવીને કબાટને મારવા માંડી!

મારાથી ન રહેવાયું. હું મારી જગ્યાએથી કૂદ્યો. એને ગળે બાથ ભીડી, ને મારું બધું બળ ખરચીને એવો તો પાછો ખેંચ્યો કે અમે બેઉ જણા ટેબલ પર ગબડી ઢગલો થઈ પડ્યા!

પણ મારા કરતાં તો એ ક્યાંય જોરાવર હતો. તત્કાળ ઊભો થયો. કહે,

‘કાં? તારા સરમાં વળી હરમાન આવ્યા શું? અરે, તું નથી જાણતો એનાં કરતૂક.’

‘સૌ પહેલાં એ કૂતરીને હેઠી મેલો જોઉં?’

મારો મિજાજ બેકાબૂ બનવા કરતો હતો. મુરશદે મારી આંખ વરતી. મારું લાલચોળ મોં જોયું. ને નરમ પડ્યા.

‘ભલે જા. તું રાજી થા.’

તુચ્છકારપૂર્વક એણે કૂતરીને એક ખૂણે લોયાંનો ઢગલો પડ્યો હતો તેમાં ફેંકી. પડતાંવેંત બાપડી જીવ લઈને નાઠી, ને છજામાં જઈ ભરાઈ બેઠી.

[૧૦]

‘મુરશદજી! ભલા થઈને બેસો. અને જરાક મારી વાત સાંભળો.’

બેઉ હાથે જોર કરીને મેં એને બેસાડ્યો.

‘જુઓ, અમારે ત્યાં એક ગોરો નોકર કૂતરાં સાચવતો. (ગોરા શબ્દ ઉપર મેં ભાર મૂક્યો. હું જાણું કે આ લોકોમાં ગોરા લોક માટે ખૂબ માન) ગોરો સમજ્યા ને? એ અમારી નિશાળમાં ક્યારેક ભાશણ આપવા પણ આવતો.એક વાર એણે પોતાના ભાશણમાં કહેલું કે કૂતરાંને, — તે કશું બહુ ખરાબ કામ કરે, અગર તો કરવા જતું હોય, તે જ ઘડીએ મારવાં. તે સિવાય બીજી કોઈ વેળાએ કદી ન મારવાં. પાછળથી આપણે એને મારીએ એનો કશો અર્થ નથી હોતો, કારણ કે એને આપણા જેવી યાદશક્તિ ભગવાને આપી નથી — કે ફલાણી ભૂલ માટે મને માર પડ્યો એવી એને સમજ પડે.

‘હવે આ ગોરો તો કૂતરાંને જ ઉછેરનારો અને કેળવનારો હતો. સમજ્યાને? એટલે એને તો બધી સાચેસાચી જ ખબર હોય ને?’

મુરશદજી ઘડી વાર વિચારમાં પડી ગયા; અંતે હકારમાં ડોકું હલાવ્યું:

‘તેં સાચી વાત કરી. આ કૂતરીય બચાડી ગભરૂડી છે. સાચે જ એને ભગવાને ઇયાદશક્તિ નથી આલી. બચ્ચાડી!’

એણે બૂમ પાડીને ઘરનાં બધાંને અંદર બોલાવ્યાં.

‘અલ્યાંવ સાંભળો. આ કૂતરી બચાડીને હવે તમારે કોયેં કોય દિ’ મારવી નઈ. પડી કે હમઝ? કૂતરાંને ઇયાદસક્તિ નથી હોતી. તમે એને કઈ ભૂલ બદલ મારો છો એ એને ઇયાદ નથી રહેતું. આવ્યું કે ધિયાનમાં?’

બેઉ મોટી છોડીઓ આવીને બાપને ભેટી પડી. દોડીને કૂતરીને લઈ આવી. મારથી મરણતોલ થઈ ગએલી પાકી પણ બધું ભૂલીને પૂંછડી પટપટાવવા અને મુરશદજીને આખે મોઢે ચાટવા લાગી!

‘જોયું ને?’ મુરશદજી મારા ભણી વળ્યા. ‘બચાડીને મારા પર કેટલું બધું હેત છે?’

સાચે જ કૂતરાંને યાદશક્તિ નથી હોતી. બચ્ચાડી!

[૧૧]

‘અને હા, મારે તને ખુસબખ્તી પણ આલવાની છે ને? જો સાંભળ. આવતે અઠવાડિયે રેડિયો પર વાદન ગોઠવ્યું છે. પરથમ મારી સંગાથે, ને પાછળથી સોલો, તારે એકલાએ વગાડવાનો. મેં કરી લીધું છે પાકેપાયે, એ લોક જોડે. કેમ ખરી ને ખુસબખ્તી?’

જરા રહી ધીમેક લઈને ઉમેર્યું,

‘અલબત્ત, એ લોકો કશું આલતા કરતા નથી.’

‘ને આ લે; બીજી ખુસબખ્તી; સારા શુકનની.’

કહીને એણે મને એક જાડી સિગાર આપી. પછી ઘડી વાર મારી સામું જોઈ રહ્યો:

‘બતાડી દે દીકરાવને એક વાર, કે સતાર કેમ વગાડાય. બસ, પછી હુંયે તારાથી પોરશાઈને ઢોલ થાઉં, અને એવા ઈ શૅ’રવાળા સંધાયના મોઢા આગળ છાતી કાઢીને હાલું.’

મેં આભાર માન્યો. એણે કોટિ કરી મારો વાંસો થાબડ્યો. ને ગાલે એવા તો ચોંટિયા ભર્યા કે હું ભાગ્યો.

મને અલબત્ત લાગ્યું જ કે રેડિયોવાળા પૈસા તો ચૂકવતા જ હોવા જોઈએ. પણ તે બધા જ ભાઈસાહેબને ગજવામાં મૂકવા હશે!

પણ હું કશું ન બોલ્યો.

[૧૨]

જલસો થયો. સંગીત, વાદન, ડાન્સ, બધું થયું. પછી છેવટે પેલી શુકનવંતી સિગાર જે આ અવસર સારુ મેં સાચવી મૂકેલી તે મે સળગાવી.

પણ થોડી બળી ન બળી તેવી જ એકાએક બંધુકિયા ફટાકડાની જેમ એ ફૂટી. અને મોટો ધડાકો થયો! એના ધુમાડામાં હું ગોટવાઈ ગયો! થોડી વારે ભળાયું ત્યારે જોઉં છું તો એનું ટચૂકડૂં ઠુંઠું જ મારા હાથમાં! બધાં હસી હસીને બેવડ વળી ગયાં!

એ હસાહસના ભણકારા હું ઘરની વાટે વળ્યો ત્યાં સુધી ચાલુ રહ્યા. [નઘરોળ]