ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વીનેશ અંતાણી/સત્તાવીસ વર્ષની છોકરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 256: Line 256:
એ ઊભી થઈ. બાજુના ખાલી બેડરૂમમાં ગઈ. પછી રસોડામાં ગઈ. હૉલમાં આવીને ઊભી રહી. બારી બહાર હવે આગિયા ઊડતા નહોતા. જૂના શહેરના આકાશ તરફ ઝાંખો ચન્દ્ર ઉપર આવી ગયો હતો. પુરુષનું ઘર મધરાતની ક્ષણોમાં શ્વાસ રોકીને ઊભું હતું. બાથરૂમમાં હજી પણ નળ ટપકતો હતો અને બે ટીપાં વચ્ચે ખાલી જગ્યા રહી જતી હતી.
એ ઊભી થઈ. બાજુના ખાલી બેડરૂમમાં ગઈ. પછી રસોડામાં ગઈ. હૉલમાં આવીને ઊભી રહી. બારી બહાર હવે આગિયા ઊડતા નહોતા. જૂના શહેરના આકાશ તરફ ઝાંખો ચન્દ્ર ઉપર આવી ગયો હતો. પુરુષનું ઘર મધરાતની ક્ષણોમાં શ્વાસ રોકીને ઊભું હતું. બાથરૂમમાં હજી પણ નળ ટપકતો હતો અને બે ટીપાં વચ્ચે ખાલી જગ્યા રહી જતી હતી.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વીનેશ અંતાણી/તરસના કૂવાનું પ્રતિબિંબ|તરસના કૂવાનું પ્રતિબિંબ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વીનેશ અંતાણી/સ્ત્રી નામે વિશાખા|સ્ત્રી નામે વિશાખા]]
}}

Revision as of 07:04, 27 September 2021

સત્તાવીસ વર્ષની છોકરી

વીનેશ અંતાણી

છોકરી હમેશાં સાંજ નમી જાય પછી ઊતરી આવેલા અંધારામાં અહીં આવતી. પુરુષનું ઘર આ નાના શહેરથી સારું એવું દૂર, લગભગ નિર્જન વિસ્તારમાં, આવેલું હતું.

બીજાં શહેરોની જેમ આ શહેર પણ બહાર વિસ્તરવા લાગ્યું હતું. લોકો શહેરની બહાર મકાનો બાંધવા લાગ્યા હતા, પણ જૂના શહેરનો મોહ છોડી શકતા નહોતા. એથી ઝાઝા લોકો એટલે દૂર રહેવા આવ્યા નહોતા. પુરુષને આ ઘર મધ્યમ વર્ગના સરકારી અધિકારીને પોસાય તેવા ભાડામાં મળી ગયું હતું. એથી દૂર હોવા છતાં એ અહીં રહેવા આવી ગયો હતો.

છોકરી સાઇકલ પર આવતી. આજે પણ એ સાઇકલથી આવી હતી. વચ્ચે કાચાં મકાનો અને ભેંસો બાંધી હોય તેવા ગામડા જેવા વિસ્તારમાંથી પસાર થવું પડતું. પછી ખુલ્લું મેદાન આવતું. પુરુષના ઘર સુધી પાકી સડક બંધાઈ નહોતી. લાંબું ફરીને સ્ટેડિયમ પાસેથી આવે તો પ્રમાણમાં સારો રસ્તો હતો. છોકરી ટૂંકા રસ્તે, મેદાનમાં આવેલી કેડી પરથી આવતી. મેદાનમાં આડેધડ ઝાડીઓ ઊગી આવી હતી. સાંકડી કેડી આવે ત્યારે છોકરી અંધારાને લીધે સાઇકલ પરથી ઊતરી જતી. સાઇકલ હાથમાં પકડીને એ ચાલવા લાગતી. એને જરા જરા ડર લાગતો. એને હંમેશાં એવું લાગતું કે ઝાડીમાં કોઈ છુપાઈને બેઠું છે અને કોઈ પણ ક્ષણે એને પુરુષના ઘરમાં જતી પકડી પાડશે. એ વચ્ચે વચ્ચે સાઇકલની ઘંટડી વગાડી લેતી.

આજે પણ એ અંધારામાં જ આવી હતી. પુરુષના ઘરની આસપાસ હજી કોઈ રહેવા આવ્યું નહોતું. પુરુષ હજી ઘેર પાછો આવ્યો નહોતો. એ બજારમાં જવાનો હતો, પણ આટલું મોડું થશે તેવી કલ્પના નહોતી. છોકરી ઘરની સામે ઊભી રહી. આસપાસ અંધકાર અને પાછળ આકાશના આછા અજવાળામાં ઘર નક્કર લાગતું નહોતું — જાણે તે માત્ર છાયા હતું, કોઈ આભાસ માત્ર.

વરંડાનું ફાટક ખોલીને છોકરીએ સાઇકલ અંદર લીધી. સાઇકલને એક ખૂણામાં મૂકી દીધી. ચાર-પાંચ પગથિયાં ચઢીને ઘરનાં બારણાં સામે આવી ગઈ. પર્સમાંથી ચાવી શોધવા લાગી. પુરુષે એના ઘરની એક ચાવી છોકરીને આપી રાખી હતી. છોકરીએ તાળું ખોલ્યું. દરવાજો ઉઘાડ્યો. અંદર દાખલ થતાં જ નાની કૉરિડૉર જેવું આવતું હતું. ડાબા હાથે રસોડું હતું. સામે મોટો હૉલ હતો. દરવાજો બંધ કરીને છોકરી રસોડામાં ગઈ. ફ્રિજમાંથી ઠંડા પાણીની બૉટલ કાઢી અને પાણી પીધું.

છોકરીએ બત્તી ન કરી. એ પુરુષના ઘરથી પરિચિત હતી. અંધારામાં પણ સરળતાથી હૉલમાં આવી ગઈ. હવે તે બહારના અંધકારમાં નહીં, પણ લગભગ ખાલી એવા ઘરની અંદરના અંધકારમાં ઊભી હતી. પુરુષે સવારે કશુંક ખાવાનું બનાવ્યું હશે, તેની ગંધ આખો દિવસ બંધ રહેલા ઘરમાં પુરાઈ ગઈ હતી. છોકરી લાંબા લાંબા શ્વાસ ખેંચીને પુરુષના ઘરની ગંધ છાતીમાં ભરવા લાગી.

એ હૉલની વચ્ચે ઊભી હતી. બહાર સાંજ નમી ગયા પછી બાકી રહી ગયેલું અજવાળું બારીઓના કાચમાંથી અંદર આવતું હતું. ત્યાં પડેલા સોફા, ડાઇનિંગ ટેબલ, ટિપૉય પર પૉર્ટેબલ ટીવી, દોરી પર સુકાતાં પુરુષનાં કપડાં — બધું જ આછું આછું દેખાતું હતું. નિર્જન વિસ્તારમાં આવેલા એકલવાયા ઘરની વચ્ચે ઊભી રહેલી છોકરીની છાતી ધીરે ધીરે ધડકતી હતી. ભયને લીધે નહીં — કશુંક હિંમતભર્યું કામ પૂરું થઈ જવાને લીધે ધડકતી હતી. આજે પણ એને અહીં આવતી કોઈએ જોઈ નહોતી. હવે એ સુરક્ષિત હતી, આજની રાત પૂરતી તો ખરી જ.

છોકરી શ્વાસ રોકીને એકધ્યાને ઊભી રહી. આખા ઘરમાં સન્નાટો હતો. પાછળ જરા દૂર આવેલી કાચી સડક પર એકાદ વાહન પસાર થતું, ત્યારે તેનો પ્રકાશ બેડરૂમની બારીના કાચ પર થઈને આખા ઘરમાંથી પસાર થઈ જતો હતો. બાથરૂમમાં ટપકતા નળનો અવાજ સન્નાટામાં સંભળાતો હતો. એક ટીપા અને બીજા ટીપા વચ્ચે લાંબો ખાલી સમય વીતી જતો હતો. છોકરી મનમાં આંકડા બોલીને તે ખાલી સમયને ભરવાની રમત કરવા લાગી.

પુરુષ આવે ત્યાં સુધી આ રીતે જ ઊભા રહેવું કે બત્તી કરીને એની રાહ જોવી તે વિશે છોકરી નક્કી કરી શકી નહીં. એ દોરી પર લટકતાં કપડાં પાસે ગઈ. પુરુષના શર્ટની બાંય પોતાની ગરદનની આસપાસ વીંટાળી. પછી પુરુષના ટુવાલમાં મોઢું દાબી દીધું.

છોકરી દોરી પર લટકતાં કપડાં ઉતારવા લાગી. ઘરમાં બે બેડરૂમ હતા. એક બેડરૂમ પુરુષ વાપરતો અને બીજો લગભગ ખાલી રહેતો હતો. છોકરી કપડાંનો ઢગલો બાથમાં ભરીને પુરુષ ઉપયોગમાં લેતો તે બેડરૂમમાં ગઈ. ત્યાં બારીના પડદા ખેંચેલા હતા, તેથી કશું દેખાતું નહોતું. એ દીવાલ પર હાથ ફંફોસતી સ્વિચ શોધવા લાગી. એક સ્વિચ દાબી તો ફટફટ થતી ટ્યૂબલાઇટ થઈ. આકસ્મિક પ્રકાશથી છોકરી ચોંકી ઊઠી. એણે ઝડપથી તે સ્વિચ બંધ કરી નાખી. બીજી સ્વિચ દાબી તો નાઇટલૅમ્પ સળગ્યો. બેડરૂમમાં સાવ આછું, આસમાની રંગનું અજવાળું પથરાઈ ગયું.

આ અજવાળાને છોકરી ઓળખે છે. ત્યાં પડેલા ડબલ બેડ પલંગને, ગાદલાંને, ઓશીકાંને, ટેબલને, ટેબલલૅમ્પને પણ છોકરી બરાબર ઓળખે છે. છોકરીને હંમેશાં એવું લાગે છે કે આ બધી ચીજો એની સાક્ષી છે. એ ચીજોએ બધું જ જોયું છે અને કદી પણ મોઢું ખોલ્યું નથી.

પલંગ પર ચાદર અસ્તવ્યસ્ત પડી હતી. પુરુષે લુંગી પણ પલંગ પર જ ફેંકી હતી. ઓશીકાં આડાંઅવળાં પડ્યાં હતાં. સવારનું છાપું ખુલ્લું પડ્યું હતું. છોકરી લુંગી અને ચાદર સંકેલવા લાગી. છાપાનાં પાનાં ગોઠવી લીધાં. ખુરશી પર મૂકેલાં પુરુષનાં કપડાંની ગડી વાળી નાખી. પછી ખુશ થવા માગતી હોય તેમ ગણગણવા લાગી.

ત્યાં જ બહાર ખખડાટ સંભળાયો. છોકરી દોડી. પુરુષ ફાટકમાંથી અંદર આવતો દેખાયો. એને મૂકવા આવેલો ઑફિસનો ડ્રાઇવર જીપ રિવર્સમાં લઈ રહ્યો હતો. છોકરીએ દરવાજાની કડી ખોલી નાખી અને ભીંત સાથે દબાઈને ઊભી રહી. એની સાઇકલ જોઈને પુરુષ સમજી જશે કે છોકરી આવી છે. જીપ દૂર જતી હોય તેવો અવાજ સંભળાયો. થોડી વારે દરવાજા પર હળવા ટકોરા પડ્યા. પછી દરવાજો ધીરે ધીરે ખૂલવા લાગ્યો. પુરુષ અંધારામાં અંદર આવ્યો. છોકરીને લાગ્યું કે પુરુષ નહીં, પણ તેની છાયા અંદર આવી છે.

છોકરી પુરુષની છાયાને વળગી પડી.

પુરુષના હાથમાં શાકભાજી અને રસોડાની ચીજોથી ભરેલી થેલીઓ હતી. છોકરીએ તો થેલીઓ લઈ લીધી. રસોડામાં મૂકવા ગઈ. પાછી આવી ત્યારે પુરુષ માટે પાણી લેતી આવી હતી. પુરુષ ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેસીને બૂટ ઉતારતો હતો. છોકરી એની સામે ઊભી રહી. એના હાથ ઝૂલતા હતા.

‘ક્યારે આવી?’ પુરુષે પૂછ્યું.

‘થોડી વાર થઈ. તમને મોડું થયું.’

‘હં…’ પુરુષે બંને પગ અને હાથ લંબાવ્યા, ‘બજારમાં વાર લાગી ગઈ. ઘણી ખરીદી કરવાની હતી.’

‘મને કહ્યું હોત તો?’

‘શું?’ પુરુષ પ્રશ્નભરી નજરે છોકરીની સામે જોવા લાગ્યો.

‘આ બધી ખરીદી—’ છોકરી બોલતાં બોલતાં વચ્ચેથી અટકી ગઈ. કદાચ તે પુરુષની નજરમાં દેખાયેલા પ્રશ્નને સમજી શકી નહોતી. એણે કોઈ નવી વાત કરી નહોતી. એ ઘણી વાર પુરુષને જોઈતી ચીજોની ખરીદી કરી લાવતી.

‘મને એમ હતું કે તું આજે નહીં આવે.’

‘કેમ?’

‘આપણા વચ્ચે વાત થઈ નહોતી.’ પછી વાત બદલતો હોય તેમ તેણે કહ્યું, ‘આમ પણ આજે ઘણી વધારે ખરીદી કરવાની હતી. એથી જીપમાં જ બજાર ગયો હતો.’

પુરુષ એના બૂટ ઉપાડીને ખાલી રહેતા બેડરૂમમાં મૂકવા ગયો. બાજુના બેડરૂમમા નાઇટલૅમ્પ ચાલુ હતો તે જોઈને પુરુષે પૂછ્યું, ‘શું કરતી હતી અંદર?’

‘પલંગ સાફ કર્યો.’

પુરુષ છોકરીની સામે જોઈ રહ્યો. છોકરી જાણે કશીક અપેક્ષા સાથે ઊભી હતી. એ શું હતું તે પુરુષને સમજાયું નહીં હોય? છોકરી તેની નજીક ગઈ. પુરુષના શરીર સાથે જડાઈ ગઈ! એના શરીરમાંથી વીતેલા દિવસની અને બજારની ગંધ આવતી હતી. છોકરી પુરુષની ટાઈ ખોલવા લાગી. એ ડોક ઊંચી કરીને ઊભો રહ્યો. છોકરી ટાઈ કબાટમાં મૂકી આવી.

‘નહાવું છે?’ છોકરીએ પૂછ્યું.

‘હેં? હા… થોડી વાર પછી.’

છોકરી પુરુષના ગાલ પર હાથ ફેરવવા લાગી. સવારે કરેલી દાઢી અત્યારે કરકરી થઈ ગઈ હતી. તે પુરુષના નાક પાસેના સળ પર હાથ ફેરવવા લાગી. પુરુષે તેનો હાથ પકડી લીધો.

‘કેમ?’ છોકરીએ પૂછ્યું.

‘કંઈ નહીં… થાકી ગયો છું.’

‘આજે ઑફિસમાં બહુ કામ રહ્યું, નહીં?’

‘હા… રજા લેવી પડશે એટલે થોડું કામ અગાઉથી પતાવવું પડશે.’

રજા… છોકરીને લાગ્યું કે એ જે વાતને દૂર રાખવા મથતી હતી તે અચાનક નજીક આવી ગઈ હતી. ત્યાંથી છટકવા માગતી હોય તેમ એણે પૂછ્યું :

‘ખાવાનું શું બનાવું?’

‘તું અહીં રોકાવાની છે?’

‘રોકાઉં? આજની રાત?’ છોકરીના અવાજમાં અનિચ્છાએ જરા ખટક જેવું તરી આવ્યું. પ્રશ્ન પૂછ્યા પછી જવાબની ઉત્સુકતા રહી નહોતી, પણ જવાબ મળી ગયો હોય તેવા વિષાદનો અણસાર ઊતરી આવ્યો હતો.

‘હજીયે મને પૂછવું પડે છે તારે?’ પુરુષનો અવાજ સ્થિર અને સપાટ હતો.

‘બીજી રાતોની વાત જુદી છે.’

‘આજની રાત જુદી છે?’

‘તમારે કદાચ વહેલા ઊંઘી જવું હોય… સવારે વહેલા ઊઠવાનું છે?’

આવતી કાલે સવારે પુરુષની પત્ની અને બે સંતાનો અહીં આવે છે. એ લોકોને લેવા માટે પુરુષે આવતી કાલે સવારે રેલવેસ્ટેશન જવાનું હતું. પુરુષ ત્રણ વર્ષ પહેલાં બદલી થવાથી અહીં આવ્યો, ત્યાર પછી એ લોકો પહેલી વાર અહીં આવતાં હતાં. મોટા ભાગે પુરુષ જ છુટ્ટી લઈને એ લોકોને મળી આવતો.

‘હા… સવારે વહેલાં ઊઠવાનું તો છે જ… કદાચ આપણે ઊંઘીએ પણ નહીં.’ શક્ય તેટલી હળવાશ લાવીને પુરુષે કહ્યું, પણ મોઢાની ચામડી ખેંચાઈ આવી હતી.

‘ના… કાલે—’ છોકરી અટકી ગઈ. પીઠ ફેરવીને રસોડામાં ચાલી ગઈ. પુરુષ એની પાછળ આવ્યો. છોકરીના ખભા પર હાથ મૂક્યો. છોકરી આંખો બંધ રાખીને સ્થિર ઊભી રહી.

‘તને કંઈ થયું છે?’ પુરુષે પૂછ્યું.

‘મને? ના… મને તો કંઈ થયું નથી.’ છોકરીનું વાક્ય જાણે હવામાં અધ્ધર લટકતું હતું. એ થેલીમાંથી ચીજો કાઢવા લાગી. અહીં આવ્યા પછી પુરુષે આટલી બધી ખરીદી એકસાથે ક્યારેય કરી નહીં હોય.

‘તું રહેવા દે.’ પુરુષે એને કામ કરતી અટકાવી.

‘કેમ?’

‘કાલે એ આવશે પછી પોતે—’

છોકરી રસોડાના પ્લૅટફૉર્મ પર મૂકેલી બધી ચીજોની સામે જોઈ રહી. કદાચ પુરુષની વાત સાચી હતી. સામે પડેલી ચીજો સાથે છોકરીને કશો જ સંબંધ નહોતો. એ જાણતી હતી કે આ બધું એના માટે આવ્યું નહોતું.

પુરુષ બાથરૂમમાં ચાલ્યો ગયો. એ નહાતો હતો તેનો અવાજ છોકરીને સંભળાયો.

એ રસોડામાં જ ઊભી રહી. ત્યાં છાજલી પર અને ગોખલામાં પડેલી બધી જ વસ્તુઓ છોકરીએ ગોઠવી હતી. ગયા અઠવાડિયે જ એણે ગોખલામાં પાથરેલા જૂના કાગળો બદલી નાખ્યા હતા. રસોડું વ્યવસ્થિત લાગતું હતું. તેમાં કોઈ સ્ત્રીનો હાથ ફર્યો હોય તેવી છાપ સ્પષ્ટ દેખાતી હતી. થોડું અવ્યવસ્થિત કરી નાખવું જોઈએ, છોકરીએ વિચાર્યું.

‘ટુવાલ…’ બાથરૂમમાંથી પુરુષની બૂમ સંભળાઈ. આ એની જૂની ટેવ હતી. બાથરૂમમાં જાય ત્યારે ટુવાલ લઈ જવાનું ભૂલી ગયો હોય. છોકરીએ તે વિશે ઘણી વાર ટકોર કરી હતી, પણ પુરુષ હસી કાઢતો — શું કરું જૂની ટેવ છે. એ એની સાથે પણ એવું જ કરતો હશે? છોકરીને વિચાર આવ્યો. પુરુષે બીજી વાર બૂમ પાડી. છોકરી દોડતી ગઈ. થોડી વાર પહેલાં સંકેલી રાખેલો ટુવાલ લઈને એ બાથરૂમ તરફ દોડી. બારણું ખુલ્લું હતું. છોકરીએ ટુવાલ આપવા માટે હાથ લંબાવ્યો. પુરુષે ટુવાલ ખેંચી લીધો. છોકરી કશાકની રાહ જોતી હોય તેમ થોડી ક્ષણો ત્યાં જ ઊભી રહી. પછી કોણ જાણે કેમ એને એવું લાગ્યું કે એ ખોટી જગ્યાએ ઊભી છે. એ ત્યાંથી ખસી ગઈ અને હૉલની બારી પાસે ચાલી ગઈ.

એ કાચમાંથી બહાર જોવા લાગી. બહાર તમરાં બોલતાં હતાં. થોડા આગિયા ઊડતા હતા. આખું સ્થળ વેરાનીમાં ડૂબી ગયું હતું. ચારે તરફ વગડાની નિર્જનતા હતી. એ ઘણી વાર અહીં રાતે રોકાઈ હોય, ત્યારે નજીકમાં જ શિયાળ રડતાં સાંભળ્યાં છે. એ વખતે એ પુરુષની વધારે નજીક ખસીને ભરાઈ જતી. કાન ઉપર ચાદર દાબી દેતી. પુરુષ એની પીઠ પર હાથ પસવારતો રહેતો. ‘બીક લાગે છે?’ એ પૂછતો.

છોકરી પુરુષના શરીર સાથે જડાયેલું માથું ધુણાવતી અને પુરુષની છાતીને સંભળાય તેમ બોલતી :

‘હવે નથી લાગતી.’

બારીના કાચ સાથે નાક દબાવીને ઊભી રહેલી છોકરીને થયું કે એ બધાં નાનાં નાનાં બહાનાં હતાં અને નાનાં નાનાં તકલાદી આશ્વાસનો હતાં. એ ઊભી હતી તેની પાછળ પુરુષના ઘરના કમરા આવેલા હતા. બધા કમરામાં અંધકાર હતો. માત્ર એક બેડરૂમમાંથી પ્રકાશ બહાર ડોકાતો હતો. રસોડા પાસે આવેલા કૉરિડૉરમાં અજવાળાનો એક પટ્ટો દેખાતો હતો. બારીના કાચમાંથી બહારનો વરંડો, અંધકારમાં છુપાયેલી ઝાડીઓ, બંધ ફાટક, સાઇકલ દેખાઈ રહ્યાં હતાં. એ બહારનું જગત હતું અને છોકરી એ જગતમાં વસતી હતી.

બહારની દુનિયામાં આ જ શહેરમાં એનો એક બેડરૂમનો ફ્લૅટ આવેલો હતો. આ શહેરથી થોડે દૂર આવેલા એક ગામમાં એનાં વૃદ્ધ માતાપિતા અને પરણેલો ભાઈ રહેતાં હતાં. છોકરી એક વર્ષથી એમને મળવા ગઈ નથી. છેલ્લે ઝઘડો થયો હતો, ત્યાર પછી એ ત્યાં ગઈ નથી. બહારના જગતનો એક ટુકડો એણે કાપી નાખ્યો હતો અને પુરુષના ઘરવાળો નાનો ટુકડો થીગડાની જેમ સાંધી દીધો હતો.

બારીના કાચ પર છોકરીને પોતાના શરીરનું પ્રતિબિંબ દેખાયું — એક અંધારું શરીર. છોકરીને લાગ્યું કે એ અહીં છે, છતાં ક્યાંય નથી. અસહ્ય બેચેની ઊઠી. છોકરીએ ધ્રૂજતા હોઠ દબાવવાની કોશિશ કરી. પાછળથી પુરુષનો સ્પર્શ થયો.

‘શું વિચારે છે?’

છોકરીએ જવાબ આપ્યો નહીં. એ માથું ધુણાવતી રહી અને તેનો કોઈ અર્થ નીકળ્યો નહોતો.

‘તું આજે અહીં આવી તે સારું થયું. મને બહુ એકલું લાગતું હતું.’

છોકરી તેની વાત માની શકી નહીં. એ કદાચ ખોટું બોલતો હતો. આજે એને એકલું લાગવાની કોઈ શક્યતા નહોતી. આવતી કાલના વિચારોમાં રાતનો સમય ભરાઈ ગયો હોત. કોઈ વાતનું વેર લેતી હોય તેવા ભાવ સાથે છોકરીએ ઓચિંતો સીધો જ પ્રશ્ન પૂછ્યો :

‘એ લોકો અત્યારે ટ્રેનમાં બેસી ગયાં હશે, નહીં?’

પુરુષે છોકરી સામેથી નજર ખેસવી ને બારીના કાચની બહાર જોવા લાગ્યો. એ પણ કદાચ બહારનું જગત જોવાની કોશિશ કરતો હતો. ત્યાં ક્યાંક એનું પોતાનું ઘર હતું અને—

છોકરીને લાગ્યું કે પુરુષ કદાચ આવતી કાલની રાહ જુએ છે અને છોકરી અહીં છે તેથી સ્પષ્ટપણે એ વિશે અનુભવી શકતો નહીં હોય.

થોડા દિવસો પહેલાં પુરુષે છોકરીને કહ્યું હતું :

‘આ વખતે એ લોકો વેકેશનમાં અહીં આવશે.’

‘કોણ?’ છોકરી સમજી નહોતી!

‘મોન્ટુની દસમાની અને સોનાલીની બારમાની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. આ વખતે જરા નિરાંત છે, એટલે એ લોકો અહીં આવશે. આજુબાજુ ફરવા પણ જવું છે.’

તે વખતે છોકરીને કશી લાગણી થઈ નહોતી. બધું સ્વાભાવિક લાગ્યું હતું. પછી એમને આવવાના દિવસો નજીક આવતા ગયા તેમ તેમ એ એમના વિશે સભાન થવા લાગી હતી. હવે માત્ર એક રાત બાકી છે. આવતી કાલે આ સમયે એ લોકો આ ઘરમાં હશે અને ઘરના બધા જ કમરામાં પ્રકાશ હશે. એક બીજી સ્ત્રી રસોડામાં હશે.

પુરુષે બારી સામેથી વળીને છોકરીને બાથમાં લેવાનો પ્રયત્ન કર્યો. છોકરી દૂર ખસી ગઈ. પુરુષનો હાથ હવામાં લટકી ગયો.

‘ખાવાનું બનાવું.’

‘મને બહુ ભૂખ નથી. તેં શું ખાધું હતું બપોરે?’

‘કંઈ નહીં. પરાઠા અને સબજી.’

‘તને તો ભૂખ લાગી હશે.’

‘ના… મને પણ ભૂખ નથી.’

આવી વાતો આ પહેલાં કરવી પડતી નહીં. છોકરી અહીં આવી હોય અને બીજા દિવસે રજા હોય તો રાતે અહીં જ રોકાઈ જતી. એ પુરુષને કશું પૂછતી નહીં. એને ઇચ્છા થાય તે ખાવાનું બનાવતી. ઇચ્છા થાય તે રીતે ઘર ગોઠવતી. ઇચ્છા થાય ત્યારે પુરુષની સાથે સૂઈ જતી.

‘ઑમ્લેટ બનાવી લઉં.’ છોકરી ખસવા લાગી.

‘થોડી વાર પછી.’ પુરુષે કહ્યું. છોકરી સમજી ગઈ. પુરુષ વ્હિસ્કીની બૉટલ કાઢી લાવ્યો અને ઊંચી કરીને જોવા લાગ્યો.

‘બહુ નથી. ત્રણેક પૅગ છે.’ પછી હસવા લાગ્યો. ‘આજે જ ખાલી કરી નાખવી પડશે. પછી આ અને રસોડામાં પડી છે તે બીજી બૉટલો રાતે જ બહાર ફેંકી દેવી પડશે. કોઈ સાબિતી રહેવી જોઈએ નહીં.’

છોકરી હસી શકી નહોતી. પુરુષ બે ગ્લાસ બૅસિનમાં ધોવા લાગ્યો. છોકરી સામે જોઈને બોલ્યો :

‘ફ્રિજમાંથી બરફ કાઢી લાવ.’

છોકરીએ બેડરૂમનો કબાટ ખોલ્યો. એનાં કેટલાંક કપડાંની થપ્પી ત્યાં પડી હતી. એણે એમાંથી પોતાનો નાઇટ ગાઉન કાઢ્યો. પછી આખી થપ્પી ઉપાડી લીધી અને ટેબલ પર મૂકી દીધી. આ બધું અહીંથી લઈ જવું પડશે, એણે વિચાર્યું. પુરુષે શું કહ્યું હતું? કોઈ સાબિતી રહેવી જોઈએ નહીં.

પુરુષ પલંગ પર બેસીને એને જોઈ રહ્યો હતો. બે પૅગ પછી એના મોઢાની ચામડી ઢીલી થવા લાગી હતી. છોકરીનો અર્ધો ભરેલો ગ્લાસ ટેબલ પર પડ્યો હતો. એ નાઇટ ગાઉન લઈને બાથરૂમમાં જવા લાગી, ત્યાં કશુંક યાદ આવ્યું હોય તેમ પુરુષની સામે જોવા લાગી.

‘શું જુએ છે?’

‘કશું નહીં.’

‘તું કશુંક છુપાવે છે, આજે આવી છે ત્યારથી…’

એને કશી ખબર પડતી નહીં હોય? છોકરીએ વિચાર્યું.

‘કહે ને, શું જોતી હતી? પહેલી વાર જુએ છે મને?’

એને પહેલી વાર આટલો નજીકથી ક્યારે જોયો હતો? કદાચ દોઢેક વર્ષ પહેલાં. તે સમયે છોકરીના ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા હતા. એ લોકો એનાં લગ્ન માટે મથામણ કરતાં હતાં અને દર વખતે યોગ્ય છોકરા માટે પૈસા ઓછા પડતા હતા. એ લોકો પસંદ કરી લાવતાં તે છોકરો એને પસંદ પડતો નહોતો અને ઉંમર વધતી જતી હતી. પુરુષને એના વિશે ખબર પડી હતી. એક વાર એણે ઑફિસમાં કહ્યું હતું — આપણે તારી સમસ્યા વિશે નિરાંતે વાત કરવી પડશે. તે પછી એક સાંજે એ પહેલી વાર અહીં આવી હતી. છોકરી રડી પડી હતી અને પુરુષે એની પીઠ પર હાથ ફેરવ્યો હતો. વાતોમાં મોડું થઈ ગયું હતું. પછી રાતે અહીં જ રોકાઈ જવું પડ્યું હતું. એ રાતે પહેલી વાર—

એ રાતનો વિચાર આવ્યો અને છોકરી બાથરૂમમાં ગઈ નહીં. પુરુષની સામે જ ઊભી રહીને કપડાં બદલવા લાગી. પુરુષે એનો ગ્લાસ ખાલી કર્યો. છોકરીએ તેના હાથમાંથી ગ્લાસ લઈ લીધો.

‘તમારે બૉટલ ખાલી કરવી હતી ને? તે તો થઈ ગઈ છે…’ છોકરીએ હસવાનો પ્રયત્ન કર્યો. પુરુષ લાંબો થઈને પલંગ પર સૂઈ ગયો. છોકરીએ ટેબલલૅમ્પ ચાલુ કર્યો અને તેને નીચે વાળી દીધો. પ્રકાશનું નાનું ચકતું ઊઠી આવ્યું. તેમાંથી છટકેલું થોડું અજવાળું ટેબલની આસપાસ વેરાઈ ગયું. એ હંમેશાં ટેબલલૅમ્પને નીચે વાળી દેતી — જાણે અજવાળું એની શરમ હતું અને એ તેને સંકોચવાની કોશિશ કરતી રહેતી.

ટેબલ પર પડેલો પોતાનો ગ્લાસ ઉપાડીને છોકરી વધેલી વ્હિસ્કી બૅસિનમાં ઢોળવા બહાર નીકળી. બૅસિન પર લગાવેલા અરીસામાં મોઢું દેખાયું હતું. એના વાળ વીખરાઈ ગયા હતા. આંખો નીચે કાળા ડાઘ દેખાતા હતા. સત્તાવીસમા વર્ષે આવા ડાઘ? એ જોઈ રહી. હાથ ફેરવીને વાળ ઊંચા કર્યા. પછી ગ્લાસ બૅસિનમાં ઢોળવાને બદલે તેમાં બાકી રહેલી વ્હિસ્કી ઝડપથી ગટગટાવી ગઈ! છાતી બળવા લાગી. એણે ગ્લાસ બરાબર ધોઈ નાખ્યો અને રસોડામાં મૂકી આવી.

બેડરૂમમાં આવી, ત્યારે પુરુષ પગને આંટી મારીને ચત્તો સૂતો હતો. એનો એક હાથ કપાળ પર પડ્યો હતો. છોકરી પુરુષની બાજુમાં સૂઈ ગઈ. પુરુષ સીધો જ સૂતો રહ્યો. છોકરીએ એની છાતી પર હાથ મૂક્યો. પુરુષ જરા સળવળીને છોકરીની સામે વળ્યો. એના હોઠ જરા જરા ખુલ્લા હતા. છોકરીએ એના પર હળવું ચુંબન કર્યું અને આછું સ્મિત કર્યું. એ પુરુષના વાળમાં હાથ ફેરવવા લાગી. છોકરીને થયું, આ ક્ષણે પુરુષ ખરેખર એકલો લાગે છે. એકલો કે છૂટો પડી ગયેલો?

‘સાંભળ…’ પુરુષ ધીમા અવાજે બોલ્યો.

કોઈ મહત્ત્વની વાત કરવાની હોય ત્યારે એ હંમેશાં આવી રીતે જ શરૂઆત કરતો.

‘તું થોડા દિવસોની રજા લઈ લે.’

‘કેમ?’

‘કેટલાય સમયથી તારા ગામ ગઈ નથી. ત્યાં જઈ આવ. આવું ક્યાં સુધી ચાલશે? ત્યાં જઈશ તો કોઈ રસ્તો નીકળશે.’

રસ્તો? કઈ વાતનો? છોકરીને લાગ્યું કે વચ્ચે વીતેલા સમયમાં તો એ નવા પ્રશ્નોમાં વધારે ખૂંપી ગઈ હતી. એ જાણે કોઈ સાંકડી શેરીમાં આવી ગઈ હતી અને તેમાંથી બહાર નીકળવા માટે શેરીના સામા છેડે કોઈ જગ્યા નહોતી. કદાચ એણે રસ્તો શોધવાનું પણ બંધ કરી દીધું હતું.

પુરુષ ઊંચો થઈને છોકરીના ચહેરા પર ઝૂક્યો.

‘તેં જવાબ ન આવ્યો…’

‘રજા લઈને શું કરું? મને ત્યાં પણ નહીં ગમે…’

‘પણ એ લોકો અહીં હશે એ દિવસોમાં—’

‘મને ખબર છે.’

પુરુષે ઓશીકા પર માથું મૂકી દીધું.

‘ના… તને કશી જ ખબર નથી.’

આ બધી વાતોનો કોઈ અર્થ નહોતો. પુરુષ જાણતો હતો કે છોકરી જાણે છે, બધું જ જાણે છે. એક ટ્રેન આ શહેરની નજીક આવી રહી હતી અને વચ્ચે એક રાત બાકી રહી હતી. પ્રશ્ન માત્ર આવનારા થોડા દિવસોનો જ નહોતો. પુરુષને અહીં આવ્યે ત્રણ વર્ષ થઈ ગયાં હતાં અને એ બદલી માટે પ્રયત્નો કરતો હતો. એ માટેનો પત્રવ્યવહાર છોકરી જ ટાઇપ કરતી હતી.

પુરુષનો હાથ છોકરીના શરીર પર ફરતો હતો, જાણે એ છોકરીના શરીરમાંથી કશુંક શોધી રહ્યો હતો — આ દિવસોનો અર્થ અને આવનારા દિવસોનું સત્ય. એના હાથમાં વ્યાકુળતા અને કશીક ઉતાવળ જેવું છોકરીએ અનુભવ્યું.

છોકરીએ પુરુષનો હાથ પકડી લીધો.

‘આજે નહીં…’ છોકરીએ કહ્યું.

‘કેમ?’

‘ના… આવતી કાલે એ લોકો અહીં આવે છે…’

‘તો?’

‘હું તો આજે માત્ર તમારી પાસે રહેવા માગતી હતી.’

‘પણ—’

એકાદ રાત એવી પણ આવે છે, જ્યારે ‘પણ’ પછી કશું જ હોતું નથી, છોકરીએ વિચાર્યું. એ સૂતી હતી તે જગ્યાએ આવતી કાલે પુરુષની પત્ની સૂતી હશે. બેડરૂમમાં પડેલી બધી ચીજો એ બધું જોઈ રહી હશે. એ વખતે પણ પુરુષનો હાથ કશુંક શોધતો હશે. કદાચ એ પામી લીધેલા સત્યની શોધ હશે.

છોકરીની છાતીમાં કશુંક ચૂભવા લાગ્યું. બેડરૂમના નીરવ અંધકારમાં એક ખટક તોળાયેલી હતી. છોકરી બેઠી થઈ ગઈ. રાતના આ સમયે એ પોતાના ઘેર પાછી જઈ શકે તેમ નહોતી. પુરુષ પણ બેઠો થઈ ગયો. છોકરી એની સામે જોવા માગતી હતી, પણ હિંમત ચાલી નહીં. એ એની સામે જુએ અને ક્યાંક માત્ર એ જ ન દેખાય — એની આસપાસ બીજી છાયાઓ પણ દેખાવા લાગે તો?

‘મારી વાત સાંભળ…’ પુરુષનો અવાજ સંભળાયો. ‘તું એને મળશે?’

‘કોને?’ છોકરીનો અવાજ જરા કંપી ઊઠ્યો.

‘એને…’ પછી ઉમેર્યું, ‘મોન્ટુને અને સોનાલીને…’

છોકરીએ જવાબ ન આપ્યો. પુરુષે પણ કદાચ છોકરીનો જવાબ સાંભળવા માટે એ પ્રશ્ન પૂછ્યો નહોતો. એ કશુંક બોલવા માગતો હતો અને પછી પોતાનામાંથી પણ છૂટી જવા માગતો હતો. કદાચ એ આવતી કાલની તૈયારી કરી રહ્યો હતો. છોકરીને પુરુષની દયા આવી ગઈ, પણ એ કશું જ કરી શકે તેમ નહોતી.

એ ઊભી થઈ. બાજુના ખાલી બેડરૂમમાં ગઈ. પછી રસોડામાં ગઈ. હૉલમાં આવીને ઊભી રહી. બારી બહાર હવે આગિયા ઊડતા નહોતા. જૂના શહેરના આકાશ તરફ ઝાંખો ચન્દ્ર ઉપર આવી ગયો હતો. પુરુષનું ઘર મધરાતની ક્ષણોમાં શ્વાસ રોકીને ઊભું હતું. બાથરૂમમાં હજી પણ નળ ટપકતો હતો અને બે ટીપાં વચ્ચે ખાલી જગ્યા રહી જતી હતી.