સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/સારપ ને સમજણ અલગ છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સ્વરાજ આવ્યું, લોકશાહી લાવ્યા; સમાનતા, સમાજવાદ, આયોજન, બિન...")
 
(No difference)

Latest revision as of 10:55, 5 June 2021

          સ્વરાજ આવ્યું, લોકશાહી લાવ્યા; સમાનતા, સમાજવાદ, આયોજન, બિનસાંપ્રદાયિકતા જેવા કાંઈ કાંઈ મોટામસ શબ્દો ચલાવ્યા. પણ તેનો અર્થ પ્રજા સુધી કાંઈ પહોંચ્યો ખરો? ફુગાવો શા માટે છે? એ કેમ મટે? સાચી કેળવણી કઈ? બજેટમાં પોતાને માથે કેટલો બોજો પડે છે? એમાં કેટલો વાજબી કે ગેરવાજબી? તે બાબતમાં લોકો કાંઈ જાણે છે ખરા? મધ્યયુગમાં બ્રાહ્મણો યજમાન ન સમજે તેવા મંત્રોથી યજ્ઞો ચલાવતા, તેવાં જ અર્થહીન ભાષણો આપણા રાજકીય નેતાઓ આજે બહુ અંશે કરે છે. લોકો તે સમજતા નથી, ઝટ સમજે તેમ પણ નથી. અને અત્યારે તેમને સમજાવવાની ધીરજ નેતાઓમાં નથી. એ બધું તો ઘણું વહેલું થવું જોઈતું હતું. લોકભારતી વિદ્યાપીઠમાં ખેતીના સ્નાતક થવા આવતા વિદ્યાર્થીઓને પ્લેટોથી માક્ાસ સુધીનું રાજનીતિશાસ્ત્રા શીખવાનું ફરજિયાત હોય છે. શરૂઆતમાં તેમાંના કેટલાક પૂછે છે કે, “અમારે આ રાજનીતિશાસ્ત્રા જાણીને શું કરવું છે? એને બદલે અમને ભૂમિ-રસાયણ, વનસ્પતિસંસ્કરણવિદ્યા વધારે શીખવો, તો તે ઉપયોગી પણ થાય.” ત્યારે હું એમને સમજાવું છું કે અંગ્રેજો અહીં આવ્યા ત્યારે આ દેશની ખેતી વિલાયતના કરતાં સારી હતી, ગ્રામોદ્યોગો સારા હતા, એટલે તો ધન મેળવવા અહીં આવેલા. તેઓ તો આપણાથી ગરીબ હતા જ. પણ સામાજિક, રાજકીય, વૈજ્ઞાનિક વિચારોમાં તે આપણા કરતાં આગળ વધી ગયા. આપણે નવું કાંઈ શીખ્યા નહીં. પરિણામે, આર્થિક રીતે આપણે આગળ હોવા છતાં સામાજિક, રાજકીય અને વૈજ્ઞાનિક પછાતપણાને લીધે આપણે હાર્યા. તેનું પુનરાવર્તન હવે ન થવા દેવું હોય તો ખેતી-વિજ્ઞાનની જોડે જ અસરકારક નાગરિકતા માટે જરૂરી અન્ય શાસ્ત્રો ખેતીના સ્નાતકે પણ ભણવાં પડશે. લોકકેળવણી વિના આરો નથી. રચનાત્મક કામ પણ લોકકેળવણી વિનાનું, પરંપરાગત હોઈ શકે છે. આવું પરંપરાગત રચનાત્મક કાર્ય કાંતનાર કે વણનારના હાથમાં થોડા પૈસા મૂકીને સંતોષ માની લે છે. પણ તે વીસરી જાય છે કે કાંતણવણાટનો ઉદ્યોગ આ દેશમાં ઘેરઘેર હતો ને નિપુણતાથી ચાલતો હતો. તે મરી પરવાર્યો કારણ કે એ કાંતનાર, વણનાર કે તેને નભાવનારાઓમાં, અંગ્રેજોના આગમનથી જે નવી પરિસ્થિતિ ઊભી થઈ તેના સામાજિક, રાજકીય કે નૈતિક સંદર્ભોનો ખ્યાલ જ ન હતો. સારા માણસો તે વખતે પણ હતા જ. પરંતુ સારા અને સામાજિક રીતે સમજુ, બંને અલગ છે. સારા માણસો પણ સામાજિક રીતે અણસમજુ હોઈ શકે છે; તે વખતે હતા, આજે પણ છે. રાજ્ય-સંચાલનનાં, જ્ઞાતિનાં કે ધર્મનાં જૂનાં વિધિવિધાનો નવા વિચારોના સંદર્ભમાં ફેરવવાં જોઈએ, તે એમને સૂઝયું જ નહીં; પરિણામે હાર્યા.