અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દેવજી રા. મોઢા/આજ તો એવું થાય!: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 32: | Line 32: | ||
{{space}}આજ તો એવું થાય… … | {{space}}આજ તો એવું થાય… … | ||
{Right|(આરત, ૧૯૫૯, પૃ. ૮)}} | {{Right|(આરત, ૧૯૫૯, પૃ. ૮)}} | ||
</poem> | </poem> | ||
Latest revision as of 07:46, 21 October 2021
દેવજી રા. મોઢા
આજ તો એવું થાય :
વનરાવનને મારગ મને માધવ મળી જાય!
સેંથડે મેં તો સિંદૂર પૂર્યાં, આંખમાં આંજી મેશ,
સોળ સજ્યા શણગાર મેં અંગે, નવલા ધર્યા વેશ;
ઓરતો મને એક જ હવે અંતર રહી જાય :
વનરાવનને મારગ મને.
મોતી-ભરેલી હીર-ઈંઢોણી, મહીનું માથે માટ,
રોજની ટૂંકી આજ મને કાં લાગતી લાંબી વાટ?
વેચવા જઉં મહીડાં, મારા થંભતા જતા પાય :
વનરાવનને મારગ મને.
બેય બાજુથી ઝાડ ઝૂકીને કરતાં ચામર-ઢોળ,
ઉરમાં વ્યાપ્યો આજ અજંપો, ચિત્ત ચડ્યું ચકડોળ;
ખખડે સૂકાં પાન-શું એમાં વાંસળી કોઈ વાય?
વનરાવનને મારગ મને.
અણુ અણુમાં ઝંખના જાગી, લાગી એક જ લેહ,
ચિત્તનું ચાતક ચાહતું કેવળ મોંઘો માધવ-મેહ;
પ્રાણ-પપીહો ‘પિયુ પિયુ’નું ગીત પુકારી ગાય!
વનરાવનને મારગ મને.
નેણ ભરીને નીરખ્યા કરું, સાંભળ્યા કરું સૂર,
ઊડીએ એવું ગગન જે હો જગથી ઝાઝું દૂર;
જહીં ન ઓલ્યો વિરહ કેરો વાયરો પછી વાય :
વનરાવનને મારગ મને માધવ મળી જાય!
આજ તો એવું થાય… …
(આરત, ૧૯૫૯, પૃ. ૮)