અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/ઘર: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 43: | Line 43: | ||
મારા એક ઓરડાના ઘરમાં! | મારા એક ઓરડાના ઘરમાં! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ઉંદર | |||
|next = તીન પત્તીની બેઠક | |||
}} |
Latest revision as of 11:25, 22 October 2021
પન્ના નાયક
આ એક ઓરડાનું ઘર
શૂન્યાવકાશ જેનો ભરચક એકલતાથી:
ન ખૂલી શકતાં ચોમાસું ગયા પછીય અડી રહેલાં બે બારણાંઓ,
કટાઈ ગયેલા સળિયાવાળી વાંકી થઈ ગયેલી બારી,
ન હલી શકતી ભીંત,
આમ તો ક્યાં ઊંચો છે પણ ન ઓળંગી શકાતો ઉંબરો,
પડુંપડું થતી પણ ક્યારેય ના અધ્ધર ઊંચકાતી એની છત.
મારા ઠીંગુરૂપનું કારણ એ જ; એ જ મને એની હથેલીથી દબાવે છે.
ઊતરેલાં પાણી કબાટમાં કહોવાય છે,
પડી પડી અતીતની પોથીઓ;
જૂનું મધ શરીરને સારું—શીશીનું ઢાંકણું ઊઘડતું નથી.
ટીપુંય ટેરવે અડ્યું નથી.
ઓશીકું ઊભરાય છે ઉજાગરાથી
પથારીના ત્રણ ભાગ: અતીત—વર્તમાન—ભવિષ્ય
અંતે તો એક જ
રોજ ઉકેલું છું—હું સૂઈ શકતી નથી—સંકેલું છું.
બહાર તો ઘણી કલબલ છે
કેવી સાકર જેવી સ્વાદિષ્ટ લાગે છે ક્યારેક તો એ.
આકાશમાંથી આવે છે આંગણામાં સૂર્ય ને ચન્દ્ર
લખોટી રમતા કિશોરો, પણ એકેયને ‘આમ આવો’
એમ કહીને હું બોલાવી શકતી નથી.
તારકોનું આખું બાલમંદિર છૂટે છે પણ એમાંથી એકેય
મારે ઘેર ભૂલુંય પડતું નથી.
પ્રત્યેક સ્ટેશને ઊભી રહેતી, પ્રત્યેક સ્ટેશને પહોંચતી ટ્રેનનો
હવે હું છુટ્ટો પડી ગયેલો—યાર્ડમાં કાઢી નાખેલો
ડબ્બો થઈ ગઈ છું.
ક્યાં ગયા એના સહુ યાત્રિકો?
પૈડાં છે તોય સ્ટેશનની નજીક જ પડ્યો છે ડબ્બો
ત્યાં જ ઊપડતી ટ્રેનની વ્હિસલ વાગે છે.
અને મારાથી ઊંચુંનીચું થઈ જવાય છે.
વળગણી ઉપરનો મારો લીલો કમખો–
રમકડાંના પોપટનું કાપડનું લીલું પેટ ફાટી ગયું છે
તેમાંથી લાકડાનો વહેર નીકળી પડ્યો —
પોપટનું ફાટેલું પેટ અને પેલો સુકાતો લીલો કમખો મારા મનમાં ભેગાં
થઈ જાય છે.
સરોવરમાં સ્નાન ક્યારેય નથી કર્યું
કેવી વસ્ત્રરહિત ઝંખના,
સમુદ્રના હજાર હજાર હાથ મને આલિંગવા ઊભરાય છે
પણ હું તો અહીં છું;
મારા એક ઓરડાના ઘરમાં!