કુંવરબાઈનું મામેરું/કૃતિપરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કૃતિપરિચય|રમણ સોની}} {{Poem2Open}} આ આખ્યાન પ્રેમાનંદનાં બધાં આખ્...")
(No difference)

Revision as of 05:30, 27 October 2021

કૃતિપરિચય

રમણ સોની

આ આખ્યાન પ્રેમાનંદનાં બધાં આખ્યાનોમાં ઉત્તમ અને રમણીય ગણાયું છે. એ નાનું છે, સુઘડ છે, એક જ કથાપ્રસંગ પર રચાયેલું છે. નિર્ધન નરસિંહ મહેતા, ઈશ્વર પરની દૃઢ શ્રદ્ધાથી પુત્રી કુંવરભાઈનું મામેરું ઉત્તમ રીતે પાર પાડે છે. એ મુખ્ય પ્રસંગના પેટાપ્રસંગો અને પાત્રો છે : મહેતાની ભક્તિ અને નિર્ધનતાનો ઉપહાસ કરતી ટિખળખોર પણ નિષ્ઠુર ને અભિમાની નાગરી નાત, એવાં હીણાં સાસરિયાં અને પ્રેમાળ નિર્દોષ પિતા વચ્ચે – શ્રદ્ધા અને સંદેહની ફડક વચ્ચે પીસાતી કુંવરબાઈ, પરમ નિઃસ્પૃહ પણ પુત્રીવત્સલ ભક્ત નરસિંહ, એમને સહાય કરવા શેઠ-શેઠાણીનું રૂપ લઈને આવતાં વિષ્ણુ અને લક્ષ્મી. આવાં વિવિધ ચરિત્રો, ઉપહાસ-ઉચાટ-રાહત-આનંદ રૂપે બદલાતી જતી પરિસ્થિતિઓ, હાસ્ય-કરુણ-અદ્‌ભુતના રસપલટા, પ્રસંગોને આબેહૂબ તાદૃશ કરતું ને બહેલાવતું કથાકારનું કૌશલ તેમ જ લયની, પ્રાસની, રાગઢાળની, શબ્દોની ને એમના માર્મિક અલંકરણની સુંદરતાથી સોહતું કવિનું સર્જનકર્મ –એ બધું પ્રસન્ન કરનારું અને તે સમયના શ્રોતાઓની જેમ જ આજના વાચકને પણ રસ-તરબોળ કરનારું બન્યું છે. આખ્યાનનો કથન-પ્રવાહ એવો અસ્ખલિત છે કે કાવ્ય આરંભથી અંત સુધી આહ્‌લાદક આનંદ આપે છે. તો, હવે કાવ્યમાં પ્રવેશીએ – (કાવ્ય વિશે આસ્વાદલક્ષી વિગતવાર વાત આ આખ્યાનકાવ્ય પૂરું થયા પછી કરી છે.) – રમણ સોની