ચંદ્રહાસ આખ્યાન/કડવું ૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૭|}} <poem> {{Color|Blue|[ઘોર જંગલમાં એકલાં પડેલા બાળકને વિલાપ કરત...")
(No difference)

Revision as of 09:14, 10 November 2021

કડવું ૭

[ઘોર જંગલમાં એકલાં પડેલા બાળકને વિલાપ કરતો સાંભળી બાળકની સાર-સંભાળ લેવા જંગલનાં પશુ-પક્ષી આવે છે. આ વનમાં શિકાર કરવા માટે આવેલા પુત્ર વિનાના કુલિંદ રાજાને બાળકના રડવાનો અવાજ સંભળાતા આવીને જુએ છે તો પાંચેક વર્ષના બાળકને જોઈ ભગવાને મને બાળક આપ્યો છે એમ માની પોતાના રાજમાં લઈ જાય છે.]

રાગ : ચોપાઈ
નારદ કહે : સાંભળ, અર્જુન, પાસે બેઠા છે જગજીવન
ત્યાં બાળક એકલો કરે વિલાપ, અંતર્ગત અતિ પામે તાપ.          ૧

‘રામ કૃષ્ણ’ વાણી ઊચરે, રુદન કરે, જળ નયણે ભરે;
એવે વન વિષે આવી ચમરી ગાય, પૂંછે કરીને નાખે વાય.          ૨

આવ્યા સુડા વનના કીર, ચાંચે ભરીને લાવ્યા નીર;
પંખી જાત સરવે ટોળે થયાં, પાંખે છાયા કરીને રહ્યાં.          ૩

એવે મૃગ આવી એક ઊભો રહ્યો, સુતને દેખી વિસ્મે થયો;
મૃગ સ્વામિભાવ મન આણિયો, ચંદ્રમા પડિયો જાણિયો.          ૪

એવી આશંકા મૃગે મન ધરી, ચાટ્યું રુધિર જીભે કરી;
ત્યાં આવ્યો કૌંતલ દેશનો રાય, કુલિંદ નામ તેનું કહેવાય.          ૫

નવ નિધ અષ્ટ મહાસિદ્ધ ઘરસૂત્ર, પણ પેટ ન મળે એકે પુત્ર;
તે રાજા મૃગયા નીકળ્યો, મહાવનમાં એક મૃગલો મળ્યો.          ૬

સારંગ ઉપર શર કર્યો સંધાણ, મૃગે જાણ્યું ‘મુઓ નિર્વાણ’;
મૃગ ભય પામી નાશી ગયો, પછે કુલિંદ કરંગ કેડે થયો.          ૭

આગળ જાતાં મૃગ થયો અંતર્ધાન, ઊભો રાજા ને થયો મધ્યાહ્‌ન;
ભૂલ્યો ભૂપતિ નગ્રની વાટ, એટલેે, થયો મનમાં ઉચાટ.          ૮

એક વૃક્ષ તળે ઊભો ભૂપાળ,એવે રોતો સાંભળ્યો બાળ;
‘રામ કૃષ્ણ’ કહી કરે રુદન, સાંભળી રાજાએ વિમાસ્યું મન.          ૯

જોવા અરથે અશ્વથિ ઊતર્યો, કુંવર ભણી કુલિંદ પરવર્યો;
રાજા આવતો દીઠો જેટલે, પશુપક્ષી નાઠાં તેટલે.          ૧૦

અભ્રમાંથી ચંદ્ર દીસે જેમ, પક્ષી પરાં થયે કુંવર શોેભે તેમ;
વાસવ વિરંચીનો અવતાર, એ નો હોયે મનુષ તણો કુમાર.          ૧૧

તત્ક્ષણ રાય પાસે આવિયો, પ્રેમે પુત્રને બોલાવિયો :
‘કહે, કુંવર, કોણ છે તું જાત? કોણ પિતા? કોણ તારી માત?’          ૧૨


મહારાજાનાં સુણી વચન, વળતું બોલ્યો સાધુ જન;
‘માતા-પિતા મારે નથી કોય, આધાર એક અચ્યુતનો હોય.’          ૧૩

એવું સાંભળી હરખ્યો ભૂપાળ, મુને કેશવજી થયા કૃપાળ;
‘પરમેશ્વરે મુને આપ્યો કુમાર, ઊઘડ્યાં મારાં વાંઝિયાબાર.’          ૧૪

પછે સુતની કીધી આસવાસન, તેડી દીધું આલિંગન;
પ્રેમશું પુત્રને હૃદે ધર્યો, પહેરાવી વસ્ત્ર ને સાંતરો કયો.          ૧૫

રાય અશ્વે થયો અસ્વાર, નરપતિ સાથે ગયો નગ્ર મોઝાર,
પાળા સેવક ધાયા પુર ભણી, રાણીને કહેવા વધામણી.          ૧૬

રાણીને જઈ નામ્યું શીશ, ‘તમને તુષ્ટમાન થયા જગદીશ;
પાંચ વરસનો આપ્યો બાળ, ઓ લઈ આવે છે ભૂપાળ.’          ૧૭

વલણ
‘ભૂપાળ બાળકને લાવે, માતા,’ હરખ્યું રાણીનું મન રે.
કરે જોડી કહે ભટ પ્રેમાનંદ, સામી આવી સ્ત્રીજન રે.           ૧૮