ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૧|}} <poem> {{Color|Blue|[ધૃષ્ટબુદ્ધિ રાજા-રાણીને બાંધીને કૌનતલ...")
(No difference)

Revision as of 04:48, 11 November 2021

કડવું ૨૧

[ધૃષ્ટબુદ્ધિ રાજા-રાણીને બાંધીને કૌનતલપુરના પાદરમાં પહોંચે છે ત્યાં જ મદનના હાથે વિષયા-ચંદ્રહાસના લગ્નની ખુશાલીમાં અઢળક દાન-દક્ષિણા પામીને સામે મળેલા ભાટ-ચારણોના મૂખે આ લગ્નની વાત જાણતાં જ ધૃષ્ટબુદ્ધિને પ્રબળ આઘાત લાગે છે. પછી મદને આપેલી દાન-દક્ષિણા એમની પાસેથી આંચકી લઈ મારે છે. પછી રાજા-રાણીનાં બંધન દૂર કરી માફી માંગી પોતે આપેલ દુઃખની વાત ચંદ્રહાસને ન કહેવા વિનંતી કરે છે. અને તેમને બારોબાર તેમના નગરમાં મોકલી દે છે.]

રાગ : કાફી

મેધાવિની એમ ઉચ્ચરે : ‘સાંભળો, મારા સ્વામ;
આ દુષ્ટ, કષ્ટ દેઈ, લેઈ જશે પાપી પોતાને ગામ.          ૧

ત્યાં ‘સુત મુઓ’ કે’શે, મન ક્યમ રે’શે? દાઝશે મારું તન;
કાંઈ ધીરજ ધરિયે, ભેદ ધરિયે, વાટ વિષે સ્વામિન.’          ૨

ઢાળ
એમ રોતાં નર ને નાર રે, જાય વાટ મોઝાર રે.
સેવકે બાંધી ઝાલ્યાં રે, બન્યો જણ જોડે ચલ્યાં રે.          ૩

એહવે આવ્યું ગામ રે, પાપીનો જ્યાંહાં ઠામ રે.
જાતાં જાતાં વાટ રે, સાહામા મળિયા ભાટ રે.          ૪

પ્રધાનને જોઈ રે, આવ્યા છે સર્વ કોઈ રે,
વાણી એવી બોલે રે : ‘નથી કો તવ સુતને તોલે રે!’          ૫

પછે પુરોહિત એમ પૂછે રે : ‘વખાણો તે કારણે શું છે રે?
ક્યાં થકી તમો આવ્યા રે ? ધન ક્યાં થકી ભીખી લાવ્યા રે?’          ૬

બોલિયા બહુ બંદીજન રે : ‘રાજા, તુંને છે ધન્ય ધન્ય રે.
મદન તમારો અંશ રે, તેણે દીપાવ્યો કુળવંશ રે.          ૭

ધાન તેણે આપ્યાં રે, દારિધ્ર અમારાં કાપ્યાં રે;
ભિક્ષુક સર્વ કોય રે, ભૂપતિ સરખા હોય રે.          ૮

મદન મનશું થોભ્યો રે, વિવાહ સુંદર શોભ્યો રે.
તમે જોયું સત્પાત્ર રે, ચંદ્રહાસ સરખો જામાત્ર રે.          ૯

ધન્ય તમારી કમાઈ રે, જે આવો મોકલ્યો જમાઈ રે,
રૂપે ને જાય વરણિયો રે, તે વિષયાને પરણિયો રે.’          ૧૦

એવી સાંભલી વાત કર્ણે રે, પાપી પડિયો તત્ક્ષણ ધર્ણે રે,
મૂર્ચ્છા તેણે ખાધી રે, વચને આંતરડી દાધી રે.          ૧૧

ઘણું થયો મન દુઃખી રે, એટલે ગાલવ ઋખિ રે;
ઋખિને મનમાં આહ્‌લાદ રે, દેતા આવ્યા આર્શીવાદ રે.          ૧૨


‘પુરોહિત, તમને ધન્ય રે, જે આવો તમારો તંન રે.
જે વિષયા કુમારી રે, તે તો પુત્રી તમારી રે.          ૧૩

જેને ઘટે જેવો રે, તેને મળિયો તેવો રે,
તમો મોકલ્યો તે આવ્યો રે, એક પત્ર તમારું લાવ્યો રે.          ૧૪

તે તો સર્વને મન ભાવ્યો રે, તેને મદને લેઈ પરણાવ્યો રે,
એ તો કર્યું શ્રેય કાર્ય રે, ઋષિ ગાલવ થયા આચાર્ય રે.v ૧૫

એવે આવ્યા ગાંધર્વ ગુણવાન રે, કરતા સંગીત-ગાન રે,
તેહ દેખી લોચન રે હૃદે લાગ્યો હુતાશન રે.          ૧૬

ચટકો લાગ્યો બહુ શીશ રે, ત્યારે ચઢી છે બહુ રીસ રે.
વાટમાં આવી રહેતો રે, ‘ધન્ય ધન્ય’ મુખે કહેતો રે.          ૧૭

જાચકને કાંઈ મન રે : ‘પુરોહિત આપશે ધન રે.’
વડું તેણે માંડ્યું વખાણ રે, તવ લાગ્યાં કારી બાણ રે.          ૧૮

સેવકને કીધી સાન રે : ‘આપો પાટુ મુષ્ટિ-દાન રે.’
ગાંધર્વનાં મૃદંગ ફોડ્યં રે, આંતરડાં તાણીને ત્રોડ્યાં રે.          ૧૯

ભાંગી ભેર ને નફેરી રે, તાલ કાંસી નાખ્યાં વેરી રે,
ભાટને દીધી શિક્ષા રે, ભટ્ટોને મંગાવી ભિક્ષા રે.          ૨૦

વેદ પુસ્તક તરભાણી રે, તેનાં ઝોળિયાં લીધાં તાણી રે.
ઋષિ વેદિયા બહુ મોટા રે, તેના માથામાં માર્યા સોટા રે.          ૨૧


ભાટ બ્રાહ્મણ નાઠા જાય રે, અખડાઈ પડે ને બેઠા થાય રે.
ઋષિ કહે : ‘દુષ્ટ થયો તુષ્ટમાન રે, વધામણાંમાં બુહટનાં દાન રે!’          ૨૨

કેટલા સાહી બંધન કીધા રે, આગળ દોરીને લીધા રે,
પછે, કુલિંદ મૂક્યો છોડી રે, પાપી બોલ્યો કર જોડી રે.          ૨૩

સુણો, કુલિંદ રાજાય રે, એ તો મારો છે અન્યાય રે;
પાછા ફરી ઘેર જાઓ રે, તમો વળી રાજા થાઓ રે.          ૨૪

જે ચંદ્રહાસ તમારો રે, તે તો પૂજ્ય થયો છે મારો રે,
મેં તમને દુઃખ દીધું રે, તમારું નગ્ર લૂંટીને લીધું રે.           ૨૫

તેહ સહી કેમ રહેશો રે, પણ પુત્રનેકંઈ ના કહેશો રે.
જો જાણશે મુજને પાપી રે, મારું મસ્તક નાખશે કાપી રે.          ૨૬

મુને આપજો પ્રાણનું દાન રે, ક્ષમા કરી રહેજો રાજાન રે.
જે કુંવર છે તમારો કાલો રે, તે મદનપેં અદકો વહાલો રે.          ૨૭

હું વિષયાને સાથે લાવીશ રે, એને કાલે બોલાવીને આવીશ રે.’
સાંભળી ઉપન્યો આનંદ રે, બોલ્યો રાજા કુલિંદ રે :           ૨૮

‘જો પુત્રી તમો આપી રે, તો એવાં અમો નથી પાપી રે.
દુઃખ સઘળું સમાવી રહેશું રે, પણ પુત્રને કંઈ નહીં કહેશું રે.’          ૨૯

પછે નર-નારી પાછાં વળિયાં રે, પુત્રના દુઃખથી ટળવળિયાં રે.          ૩૦

વલણ
દુઃખ ટળ્યું, કુંવર કુશલો, કુલિંદ તે સુખિયો થયો;
પછે પાપીએ શું કીધું, જે પોતાને મંદિર ગયો. ૩૧