અભિમન્યુ આખ્યાન/કડવું ૨૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૭|}} {{Poem2Open}} {{Color|Blue|[આ આખ્યાનમાં આછાપાતળા નિષ્પન્ન થતા ક...")
(No difference)

Revision as of 12:34, 11 November 2021

કડવું ૨૭

[આ આખ્યાનમાં આછાપાતળા નિષ્પન્ન થતા કરુણનું એક આલંબન જો સુભદ્રા છે, તો બીજું છે ઉત્તરા. નિદ્રામાંથી જાગી જઈને એ દુઃસ્વપ્નની વાત રજૂ કરે છે. લગભગ આખું કડવું ઉત્તરાના વ્યથાસભર ઉદ્ગાર આલેખાયું હોઈ એની વેધકતા જળવાય છે.

કડવાના અંતમાં, રાયકો ત્યાં પહોંચીને ઉત્તરાના આણાની તૈયારી કરવા કહે છે.]

રાગ સોરઠી

સ્વપ્ન મુને લાધ્યું રે, રુદિયા દાઝ્યું રે.
તેણે કાળજ ખાધું રે, સ્વપ્ન તો મુને લાધ્યું રે. સ્વપ્ન૦ ૧

સાંભળો, સુદેષ્ણા માતા રે, મેં દીઠી કૌતુક વાત રે;
સ્વપ્નમાં મેં એવું દીઠું, કાંઈ થાશે મહાઉત્પાત રે. સ્વપ્ન૦ ૨

શું કહું મારી માવડી? મુને હૈયે લાગ્યો ચોળો રે;
જન્મ તો એળે ગયો રે, કાંઈ નવ પહોતો સોળો રે. સ્વપ્ન૦ ૩

ધિક ધિક મારાં કરમડાં, દેખું હું અતિ કઠોર રે;
જોવનિયું મારું એળે ગયું, જ્યમ વગડામાંનું બોર રે. સ્વપ્ન૦ ૪

અતિ આદરે ઉછેરે માળી, પાણી સીંચી વેલી રે;
જ્યારે કળી પ્રગટી પુષ્પની, ત્યારે ભોગી ચાલ્યો મેલી રે. સ્વપ્ન૦ ૫

કાજળ વિનાની આંખડી, કેશ વિના કાંઈ માથ રે;
નિલવટ નહિ મારે ચાંદલો, મારા ચૂડલા વો’ણા હાથ રે. સ્વપ્ન૦ ૬

લોઢાનું પાત્ર ને ખીરનું ભોજન, માંહે તેલની ધાર રે;
સુભદ્રાનો જાયો જમતો દીઠો, કોટે કરેણનો હાર રે. સ્વપ્ન૦ ૭

ઊંટ ઉપર બેસીને ચાલ્યાં, હું ને મારો કંથ રે;
શ્યામ વસ્ત્ર એકેકું ઓઢ્યું, ચાલ્યાં દક્ષિણ પંથ રે. સ્વપ્ન૦ ૮

પૃથ્વી પડ્યો મારો ચાંદલો રે, ખાંડો દીઠો મેં સૂર રે;
સરોવરિયાં લોહીએ ભરિયાં, દીઠું સૂકું સાગર-પૂર રે. સ્વપ્ન૦ ૯

તે શું હશે, મારી માવડી? એવાં કૌતુક દીઠાં ક્રોડ રે;
ત્યારે સુદેષ્ણાજી બોલિયાં, ‘કાંઈ જમાઈજીને ખોડ રે.’ સ્વપ્ન૦ ૧૦

એવી વાત કહે છે જેટલે, આણું આવ્યું બહાર રે;
રાયકો કહે રાણીજીને, ‘મોકલો રાજકુમારી રે. સ્વપ્ન૦ ૧૧

ચક્રવ્યૂહ રચી રહ્યા છે, કૌરવ પ્રાણી માત્ર રે;
અર્જુન ગયા સંશપ્તક સાથે, ગઢ લેશે તમારો જામાત્ર રે. સ્વપ્ન૦ ૧૨

વલણ
જામાત્ર ચઢશે જુદ્ધને માટે, મોકલ્યો મુને મહારાજ રે;
પાછલી રાતે પહોંચવું કરો સાસરવાસાનો સાજ રે. સ્વપ્ન૦ ૧૩