અભિમન્યુ આખ્યાન/કડવું ૩૩: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩૩|}} {{Poem2Open}} {{Color|Blue|[પ્રેમાનંદે પોતાનાં અન્ય ઉત્તમ આખ્યા...") |
(No difference)
|
Revision as of 15:58, 11 November 2021
[પ્રેમાનંદે પોતાનાં અન્ય ઉત્તમ આખ્યાનોમાં ખીલવ્યો છે એવો હાસ્યરસ પ્રસ્તુત આખ્યાનમાં ખીલવવાની તક નહિવત્ હોવા છતાં એવી તક ક્વચિત ઝડપી છે ખરી. આ કડવામાં યુદ્ધપ્રસ્થાન કરતી આખી ય સેના, ઉત્તરા સામી મળતાં, ક્ષણાર્ધ તો મોહવિવશ બની જતી આલેખાઈ છે. ‘નળાખ્યાન’ના દમયંતીસ્વયંવર-પ્રસંગમાં દમયંતીને જોઈ વિવશ બનતા રાજાઓ અને દેવોની ચેષ્ટા દ્વારા નિષ્પન્ન કરેલા હાસ્યરસની આરંભદશા અહીં દેખી શકાય છે.
કડવાના ઉત્તરાર્ધમાં ઉત્તરા-અભિમન્યુની ‘મળી દૃષ્ટોદૃષ્ટ’નું શૃંગારરસિક આલેખન છે. બન્ને પરસ્પરને જોતાં સ્નેહાકર્ષણ અનુભવે છે.]
રાગ નટની ચાલ
મળી મહિલા મારગ માંહે, વાહન વિના પાળી;
સર્વ સેનાને જાતી જુદ્ધે મૃગાક્ષી રહી ભાળી. ૧
વીર માત્ર વિસ્મે થયા, નારી-રૂપ અપાર;
ચળ્યાં ચિત્ત ને ચાબક પડિયા, ચિત્ર-લખ્યા અસવાર. ૨
રથી સાન કરે સારથિને, ‘હય હાંકો પ્રેમદા પાસ.’
મોહ્યા સારથિ, સૂધ નહિ, તેહનાં પડ્યાં પરોણા રાશ. ૩
વિપરીત ધજા ગ્રહી સેવકે, જેષ્ટિકા ઊંચી કીધી;
હય હસ્તી ભટક્યા સેનામાંહે, ઉત્તરાકુંવરી બીધી. ૪
ખચકી સેના મોહ પામી, ને મારગનો થયો રોધ;
સેનાપતિ ને સાત્યકિ જાદવ, આવ્યા બેઉ જોધ. ૫
સેના સર્વ ચાલતી કીધી, ઓળખી મત્સ્યકુમારી;
સાત્યકિએ જઈ કહ્યું ધરમને, ‘આવી વધૂ તમારી.’ ૬
અભિમન્યુએ ઉત્તરા દીઠી, ઉત્તરાએ અભિમન્ય;
નરનારી બેઉ રૂપ વખાણે, ‘બ્રહ્મા તુંને ધન્ય.’ ૭
અન્યોન્ય મીટ મળી, ઓળખે નહિ કો કોને;
જોતાં જોતાં તૃપ્તિ ન પામે, ચંદ્રકળા દ્યુતિ બેઉને. ૮
ુઉત્તરાએ અભિમન્યુ નીરખી નયણે ભરિયાં આંસુ;
‘આવા નાથનો હાથ ન ઝાલ્યો અવતાર ખોયો ફાંસુ! ૯
હરિ હર બ્રહ્માએ મળીને એ પુરુષને ઘડિયો;
ચંપકવર્ણ વપુ છે એનો, કનકની ખોલે મઢિયો. ૧૦
ધન રે માતા તાત તેહનાં, ધન્ય કુટુંબ પરિવાર;
ધન્ય નારી વ્રત કરનારી, જેને આવો હશે ભરથાર. ૧૧
‘મેં સુક્રિત કાંઈ કીધું નથી, તો ક્યાંથી આવો સ્વામી?’
અભિમન્યુ વિચારે મનમાં, રથ રાખ્યો મોહ પામી : ૧૨
‘બ્રહ્માએ નિરમી એ નારી, વળી સૃષ્ટિમાં હદ્દ;
એના રૂપથી ચળે જોગી શંકર સરખા સિદ્ધ. ૧૩
રતિ, તિલોત્તમા ને રંભા, એહ સ્વરૂપથી હારે;
કોની કુંવરી, ક્યાંથી આવી, ચરણ ધરણ કેમ ચાલે?’ ૧૪
વલણ
ચરણ ધરણ કેમ પ્રેમદા, આંહીં આવી કોણ કાજ રે?
અભિમન પૂછે ધરમને, મૂકી મનની લાજ રે. ૧૫