અભિમન્યુ આખ્યાન/કડવું ૩૭: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩૭|}} {{Poem2Open}} {{Color|Blue|[અભિમન્યુની આ સલાહ ઉત્તરોને દૃઢ બનાવ...") |
(No difference)
|
Revision as of 08:23, 12 November 2021
રાગ સામેરી
ઉત્તરાનાં વાયક સાંભળી, અભિમન્યુ તે બોલ્યો વળી;
‘મારા સમ જો આંસું ભરો, કાં આંખલડી રાતી કરો? ૧
નારી તમો છો ક્ષત્રાણી, તો નવ ઘટે દીન વાણી;
રણ થકી જો ઓસરવું, મહિલા, તે પેં ભલું મરવું. ૨
તમે આજ્ઞા કરો,’ એવું જાણી, પછે બોલ્યાં ઉત્તરારાણી :
‘સ્વામી, મન છે તો પધારો, જઈ શત્રુને સંહારો. ૩
તમારી માતાને ભાગ્યે ઊગરજો, તે શત્રુનાં શીશ તમો હરજો;
તમે યુદ્ધ કરવાને જજો સ્વામી, થવાયે તેવા થાજો. ૪
કંથજી, કુળને દીપાવજો, યશ ઉપજાવી ઘેર આવજો;’
એવું કહીને પાગે લાગી, અભિમન ચાલ્યો આજ્ઞા માગી. ૫
પ્રેમદા ફરી ફરી પાછું જોતી, ખરે આંસુડાં નિર્મળ મોતી;
વ્હાલાજીનો વાંસો નવ ખમાય, વળી જુએ તો વારુ થાય. ૬
વલવલાટ ઘણુંએક કરી, રોતી મંદિરભણી પરવરી;
નયણે આંસુ મૂક્યાં રેડી, સખી ગયાં ઘરમાંહે તેડી. ૭
મળ્યાં સુભદ્રા ને પાંચાલી, પાયે લાગી મત્સ્યની બાળી;
જ્યારે અભિમન્યુ રણ ચાલ્યો, રથપ્રહારે મહીધર હાલ્યો. ૮
પેલી સેના રહી આથડી, સામાસામાં રહ્યાં દળ ચઢી;
દુંદુભિ-નાદ બહુ ગડગડે, મેહ અષાઢો જેમ ધડધડે. ૯
વલણ
ધડધડે સેના મેઘની પેરે; ઘોષ જઈ લાગ્યો ગગન રે;
કૌરવને કંપાવતો રણ આવિયો અભિમંન રે. ૧૦