અભિમન્યુ આખ્યાન/કડવું ૪૧: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪૧|}} {{Poem2Open}} {{Color|Blue|[આડત્રીસમા કડવાથી માંડીને લગભગ આખ્યા...") |
(No difference)
|
Revision as of 08:41, 12 November 2021
રાગ સામેરી
ધસ્યો સૌભદ્રે દ્રોણને મુખે, કરીને સિંહનાદ;
ઋષિ કહે, ‘તું આવ્યને ઓરો, ઉતારું ઉન્માદ. ૧
વિકટ વ્યૂહ છે અમો તણો, ઇન્દ્રે કળ્યો ન જાય;
બાળક, તારો કાળ પહોતો, જીવતો નવ જાય. ૨
ચક્રાવાના ચક્ર આગળ, વિષ્ણુ આવે વાજ;
એવું જાણી વળ તું પાછો, અમ આગળથી આજ. ૩
ધનુર્વિદ્યાના મંત્રમાં ગઢ લેવો છે કાઠો;
લેવો કપરો જાણીને તારો પિતા અર્જુન નાઠો.’ ૪
કુંવર કહે, ‘રે ગુરુજી, તમે તેને ભણાવ્યો;
વિદ્યારહિત ગુરુનો શીખવ્યો, માટે તે નહિ આવ્યો. ૫
હું ભણાવ્યો ભૂધરે, અને ગર્ગાચાર્ય;
તે માટે તૃણવંત લેખવું તમ જીત્યાનું કાર્ય. ૬
એવું કહીને ઊલટ્યો, પહેલાં બાણ મૂક્યાં ત્રણ;
એકે ભેદ્યું હૃદે ઋષિનું, યુગ્મ પડિયાં ચરણ. ૭
તે પૂઠેથી તેર મૂક્યાં, મુનિ કીધા વિરથ;
કર્ણને પંચવીશ માર્યાં, કોપ્યો પુત્ર-પારથ. ૮
દશે દુઃશાસન ભેદ્યો, સાતે દુર્યોધન;
અગિયાર માર્યાં અશ્વત્થામાને, સત્તાવીશ શકુન્ય. ૯
મૂર્છા પમાડ્યો શલ્યને, ભાગ્યો ભૂરિશ્રવા;
કૌરવને કિરીટી-કુંવર, લાગ્યો છે અતિ કષ્ટવા. ૧૦
ભીમે દળ પાડ્યું ધરણ, સાત્યકિએ વાળ્યો સંહાર;
દ્વિજરાજ ઊઠ્યા સજ્જ થઈ, જ્યારે ન સહેવાયો માર. ૧૧
આરૂઢ થયા અન્ય રથે, હતા તેમના તેમ;
સૌભદ્રે લીધો લટપટી, સોમને રાહુ જેમ. ૧૨
વ્યાકુલ કીધો જોતાં માંહે, ઢાંક્યો શરની જાળ;
ભીડ પડી જ્યારે ભત્રીજાને, ત્યારે ધાયા ધર્મ ભૂપાળ. ૧૩
ધર્મ કહે, ‘હો મુનિ, તમે છો સમદૃષ્ટિ;
આંખ બન્ને પોતાની, એકને ન કીજે કષ્ટિ. ૧૪
એ કૌરવ ને અમો પાંડવ, તમ કૃપાએ થોભ્યા;
અભિમન્યુ સામા ગુરુજી, તમો યુદ્ધ કરતાં નવ શોભ્યા.’ ૧૫
કુંવર કહે. ‘રે, કાલાવાલા, કાં કરો છો કાકા?
બીક કશી હૃદે મા ધરશો, થોડામાં શું થાક્યા? ૧૬
જુઓ તમાશો તાતજી, મારા સમ જો થાઓ મતિયા;
એ કૃપ, દ્રોણ ને અશ્વત્થામા, શું કરે કણવટિયા. ૧૭
અર્જુન લાજે ઓસરે, હું નમાવ્યો નહિ નમું;’
એવું કહીને દ્રોણનું બાણે કાપ્યું કાગમું. ૧૮
સાત બાણે પડ્યો પૃથ્વી, મુનિ મૂર્ચ્છાગત કીધો;
અભિમન્યુ પેઠો ચક્રવ્યૂહમાં, પહેલો કોઠો લીધો. ૧૯
વલણ
લીધો કોઠો ને દ્રોણ હાર્યા, પાંડવ-સાથ પૂંઠે ગયો રે;
નાઠી સેના દુર્યોધનની, બીજે ગુલ્મે જઈ રહ્યો રે. ૨૦