ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુકરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અનુકરણ(Mimesis, Imitation)'''</span> : આ સંજ્ઞાનો એક અર્થ નકલ ક...")
(No difference)

Revision as of 16:11, 16 November 2021


અનુકરણ(Mimesis, Imitation) : આ સંજ્ઞાનો એક અર્થ નકલ કે ચોરી થાય છે; બીજો અર્થ અન્ય લેખકોની શૈલી તેમજ એમનાં વલણવૃત્તિને અપનાવી કરાતું પુન :સર્જન થાય છે, જેમાં પ્રતિમાન તરીકે કાર્ય કરતી એક સાહિત્યકૃતિનો અન્ય સાહિત્યકૃતિ સાથેનો સંબંધ તપાસાય છે તો ત્રીજો અર્થ સાહિત્યના વિવેચનક્ષેત્રે પ્રતિનિધાન સિદ્ધાન્ત સાથે સંકળાયેલો છે. પ્લેટો-એરિસ્ટોટલથી ચાલી આવેલી આજ સુધીની સાહિત્યમીમાંસામાં આ સંજ્ઞા વિવિધ સંદર્ભો અને સંપ્રદાયોમાં સંકુલ થતી ગઈ છે. અનુકરણ સાપેક્ષ સંજ્ઞા છે. બે વસ્તુને અને બે વસ્તુ વચ્ચેના સંબંધને એ સૂચવે છે. પ્લેટો ગણિતશાસ્ત્રી હોવાથી અમૂર્તથી મૂર્તની વિચારણા દ્વારા એવું તારવે છે કે જગત અને સાહિત્ય વચ્ચેનો સંબંધ સત્યથી બે પેઢી વેગળો છે. પ્રકૃતિ સામે દર્પણ રાખવાની એ ક્રિયામાત્ર છે. વળી, મૂળ વિચારનું કલા અનુકરણ કરે છે, જ્યારે સાહિત્યકાર તો અનુકરણનું અનુકરણ કરે છે. અને તેથી એનું કૃત્ય મૂલ્યહીન, નિંદ્ય છે. અલબત્ત, પ્લેટોએ સાહિત્ય અને સત્યના પ્રશ્નને પહેલી વાર છેડ્યો પરંતુ એના સંબંધની મીમાંસા પોતાના આદર્શ રાજ્ય માટે રાજકીય અને નૈતિક રીતે જ કરી. સાહિત્યના સત્ય પર પહેલી વાર આંગળી મૂકવાનું શ્રેય એરિસ્ટોટલને ફાળે જાય છે. જીવશાસ્ત્રી એરિસ્ટોટલે કરુણાન્તિકાઓના અભ્યાસને અંતે મૂર્તથી અમૂર્તની વિચારણા દ્વારા કરુણાન્તિકાની વ્યાખ્યા કરતાં કરતાં ‘અનુકરણ’નો નવેસરથી અર્થ કર્યો અને એની પુનર્વ્યાખ્યા કરી. ‘અનુકરણ’ને સાહિત્યના સારભૂતતત્ત્વ તરીકે ઓળખાવી અનુકરણ કરાયેલું વસ્તુ, અનુકરણનું માધ્યમ અને અનુકરણની રીતિને વર્ણવ્યાં અને તારવ્યું કે સાહિત્ય સ્થૂળ ભૌતિક પ્રકૃતિનું અનુકરણ નહીં, પણ પ્રકૃતિના આંતરિક નિયમોનું અનુકરણ કરે છે અને પ્રકૃતિના અધૂરા કાર્યને પૂરું કરે છે તેમજ વસ્તુનું સાર્વજનીન પ્રતિનિધાન કરે છે. આમ, એરિસ્ટોટલે અનુકરણને કલ્પનાપૂર્ણ પુન :સર્જન તરીકે ઓળખાવ્યું અને સાહિત્યના સત્યની મૂલ્યપ્રતિષ્ઠા કરી; સાહિત્યના જગત સાથેના વિશિષ્ટ અને મહત્ત્વના સંબંધની મીમાંસા કરી. વાસ્તવનો આભાસ ઊભો કરતી અથવા વાસ્તવનું વૈશ્વિક અર્થઘટન કરતી રચનાવિધાનની પ્રક્રિયા રૂપે અનુકરણનો સ્વીકાર થયો. આ પછી રોમનકાળમાં, મધ્યકાળમાં કે પુનરુત્થાનકાળમાં અનુકરણ ચૌર્યકૃત્ય કે ઊતરતા સ્તરનું કાર્ય ગણાયું નથી. પરંતુ નવપ્રશિષ્ટકાળ જેવો રોમેન્ટિકયુગમાં પલટાયો કે અનુકરણનો નકારાત્મક અર્થ પ્રધાન બન્યો. રોમેન્ટિક સિદ્ધાન્તમાં કવિતા કવિની લાગણી કે એની કલ્પનાની અભિવ્યક્તિ બની. કલા અનુકરણ નહીં પણ નવીકરણ છે એમ સ્વીકારાયું અને અનુકરણ સાહિત્ય સિદ્ધાન્તના કેન્દ્રસ્થાનેથી ખસી ગયું. પ્રકૃતિવાદ(Naturalism) અને વાસ્તવવાદ(Realism)ના ગાળામાં અનુકરણ ફરી કેન્દ્રમાં આવ્યું અને એની નવેસરથી વ્યાખ્યા થઈ. પરંતુ એની સામે પ્રતીકવાદથી માંડી રશિયન સ્વરૂપવાદ, સંરચનાવાદ અને અનુસંરચનાવાદની પ્રવૃત્તિઓએ સંકેતકરણ(semiosis)ને માર્ગ આપી સાહિત્યને અનુકરણના નિરાંતવા સ્વીકારમાંથી બહાર આણ્યું. અનુકરણને સ્થાને આવેલા સંકેતકરણમાં ભાષા નિર્દેશાત્મકતાથી દૂર હટે છે. અનિયમિતતાઓ, વિચલનો અને અવ્યાકરણિકતાઓથી વાચકને આઘાત આપી એનો અપેક્ષાભંગ કરે છે અને જગત તરફથી હટીને કૃતિ પરત્વે ધ્યાન કેન્દ્રિત થાય એ માટે મથે છે. હવે અનુઆધુનિકતાવાદે નિર્દેશને ફરી વધાવ્યો છે. આધુનિકતાએ સંકેતકરણનો જે આગ્રહ રાખ્યો હતો એની સામે એણે અનુકરણનો આગ્રહ રાખ્યો છે. સંકેતકરણની સ્વનિર્દેશક મહત્તાને સ્થાને ફરી અનુકરણપરક અન્યનિર્દેશક મહત્તા પ્રતિષ્ઠા પામી છે. શિકાગો વિવેચકજૂથના પ્રયત્નો પણ આ દિશામાં નોંધપાત્ર છે. માર્ક્સવાદી વિવેચકોએ પણ સામાજિક વાસ્તવવાદમાં પ્રતિબિંબિત વર્ગસંઘર્ષને અગ્રેસર કરીને અનુકરણના સંપ્રત્યયને સતત ખપમાં લીધો છે. આ રીતે સાહિત્ય અને જગત વચ્ચેના સંબંધની મીમાંસામાં અનુકરણની વિભાવના સતત પરિવર્તનશીલ રહી છે, તે રસપ્રદ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પણ કાવ્યસર્જનના મૂળમાં અનુકરણનો સ્વીકાર થયો છે. ભટ્ટ તૌતે કાવ્યમાં ઉદ્યાન, કાન્તા અને ચન્દ્ર પ્રત્યક્ષવત્ સ્ફુટ થાય છે એ દર્શાવ્યું છે તેમજ તદ્વેદનવેદત્વમ્ – જ્ઞાનના જ્ઞાન – તરીકે અનુવ્યવસાયનો ઉલ્લેખ કર્યો છે. અહીં અનુવ્યવસાય અનુકરણવિચારનો પર્યાય છે. ચં.ટો.