ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આળવાર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આળવાર'''</span> : દક્ષિણ ભારતના તમિળભાષી વિસ્તારમ...") |
(No difference)
|
Revision as of 09:35, 18 November 2021
આળવાર : દક્ષિણ ભારતના તમિળભાષી વિસ્તારમાં છઠ્ઠીથી નવમી સદી સુધીમાં થઈ ગયેલા ૧૨ વૈષ્ણવ કવિઓ. આળવારનો અર્થ થાય છે ભગવાનમાં નિમજ્જિત. આળ ધાતુનો અર્થ છે ડૂબકી મારવી, ડૂબવું, ઊંડે જવું. બીજો અર્થ છે ભગવાનની ભક્તિમાં નિમજ્જિત રહી સ્વયં ભગવાન પર શાસન કરનાર. ‘ભક્તિ દ્રાવિડ ઉપજી’ ઉક્તિને ચરિતાર્થ કરતું, હિન્દુધર્મના એક મોટા વળાંકરૂપ આ ભક્તિઆંદોલન છઠ્ઠી-સાતમી સદીમાં તમિળભાષી પ્રદેશમાં શરૂ થાય છે. સંસ્કૃતધર્મપરંપરા અને તમિળભૂમિની રાજા અને નારી વિષયક વિભાવનાના મિલનમાંથી ભક્તિનો પ્રાદુર્ભાવ થયાનું કહેવાય છે. ભારતમાં પહેલીવાર હિન્દુધર્મ સંસ્કૃત સિવાયની ભાષામાં કાવ્ય અને સંગીતના સંમિલન દ્વારા રજૂ થાય છે. આ ભક્તિઆંદોલનમાં તિરુનાલ-વિષ્ણુના ઉપાસક વૈષ્ણવ કવિઓ અને શિવઉપાસક શૈવ કવિઓ અનુક્રમે આળવારો-નયનમારો થઈ ગયા. તેઓએ તે વખતે મંદિરે મંદિરે ફરી પોતાના ઇષ્ટદેવતાને અનુલક્ષીને રચેલાં હૃદયસ્પર્શી પદો મધુર સંગીતમાં ગાઈ, રાજાથી માંડી રંક સુધી પ્રચંડ લોકપ્રિયતા અજિર્ત કરી. એટલું જ નહિ પણ વૈરાગ્ય અને શુષ્ક સાધનાપ્રધાન જૈનધર્મ અને બૌદ્ધધર્મનો પ્રભાવ ખાળવામાં ફાળો આપ્યો. આળવારો અને નયનમારોએ સંગીત, નૃત્ય અને નાટક જેવી લલિતકળાઓનો ભક્તિના પ્રસાર માટે ઉપયોગ કર્યો અને એ રીતે દક્ષિણનાં મંદિરો લલિતકળાઓના ઉત્કર્ષનાં કેન્દ્ર પણ બન્યાં. આળવાર શબ્દ પહેલાં વૈષ્ણવભક્ત કવિઓના વ્યાપક અર્થમાં પ્રયોજાતો તે પછી માત્ર બાર મુખ્ય આળવાર માટે સીમિત થયો. આ બાર આળવારોમાં મુનિત્રય તરીકે ઓળખાતા. પહેલા ત્રણ : પોયગૈ આળવાર, ભૂતત્તામવાર અને ખેયાળનાર છઠ્ઠી સદીમાં થયાનું મનાય છે. બાકીના સાતમી, આઠમી અને નવમી સદીમાં થયા. તેમનાં નામ છે : તિરુમરિલૈ, નામળવાર, મધુર કવિ, કુળશેખર, તોણ્ડરડિપ્પો (ભક્તાંધ્રિરેણુ), તિરુપ્પાણ, તિરુંમંગૈ, પેરિયાળવાર અને આણ્ડાળ. આળવારો નવધા ભક્તિમાં અને તેમાંય મધુરભાવમાં વિશેષ માને છે. આ મધુરભાવ તે ભગવાન-ભક્ત વચ્ચે પ્રિયતમપ્રિયતમાનો સંબંધ છે. ૧૨ આળવારોનાં મંદિરે મંદિરે ગવાતાં આ બધાં પદો લગભગ દસમી સદી(?)માં કોઈ નાથમુનિએ વેદોની જેમ સંકલિત કરી ગાવાની એક શાસ્ત્રીય વ્યવસ્થા ઊભી કરી. એ સંકલનનું નામ ‘નાલારિય દિવ્યપ્રબંધમ્’ – ચાર હજાર. દિવ્યપ્રબંધ એક એક હજારના એવા ચાર વિભાગમાં વહેંચાયેલ છે. જે સંક્ષેપમાં નાલારિય કે દિવ્યપ્રબંધને નામે ઓળખાય છે. નાલારિયને દક્ષિણના વૈષ્ણવો ચાર વેદ સાથે સરખાવે છે. સંસ્કૃત પરંપરા અને તમિળ પરંપરાનો આ ભક્તિકવિતામાં સુભગ સમન્વય છે. એ રીતે સૌપહેલી ભક્તિકવિતાની ભાષા તરીકે તમિળ માન મેળવી જાય છે. જેમાં સૌથી પહેલી રચનાઓમાં તિરુનાલ(વિષ્ણુ-કૃષ્ણ) અને મુરુગનની ભક્તિ છે. ભક્તિની આ દ્રવિડ પરંપરાથી ભાગવત અનુપ્રાણિત છે. પછી રામાનુજાચાર્ય દ્વારા (૧૨૬૮-૧૩૬૯)માં આ પરંપરા ઉત્તર ભારતમાં પહોંચે છે અને સોળમી સદીમાં થયેલા ચૈતન્યદેવ સુધી વિસ્તરે છે. ભક્તિકવિતાના વિષય છે ભગવાનની લીલા, વિશેષે કૃષ્ણાવતારની બાળલીલા, પ્રિયતમ-પ્રિયતમા સંબંધનો મધુભાવ, પ્રણતિભાવ વગેરે. બાર આળવારોમાં સૌથી મોટા નામળવર ગણાય છે. તેઓ જાતિએ ખેડૂત(વેઠ્યાળ) હતા. તેમનાં પદોમાં કવિતા અને દર્શનનો દુગ્ધશર્કરાયોગ છે. આ પદો સીધાં હૃદયમાંથી નીકળી હૃદયને પ્રભાવિત કરે છે. તેમાં વિવિધ ભાવ છે, જેમાં વિષાદનો ભાવ પણ છે. નામળવરનો અર્થ થાય છે ‘અમારા પોતાના આળવાર!’ તેમનો પ્રસિદ્ધ ગ્રન્થ છે ‘તિરુવાયમોલિ’ અર્થાત્ શ્રીમુખેથી પ્રકટેલી વાણી. તે ‘શૂદ્ર કવિ દ્વારા રચિત તમિળવેદ’નું અભિધાન પામેલ છે. બીજા મહત્ત્વના આળવાર કવિ છે પેરિયાળવર. તેમણે શ્રીકૃષ્ણ(કણ્ણન)ની બાળલીલાઓ, હાલરડાં આદિ ગાવાનો પ્રારંભ કર્યો. તેમણે રામ અને કૃષ્ણનો અભેદ પણ દર્શાવ્યો છે. આળવારોમાં એકમાત્ર કવયિત્રી પેરિયાળવરનાં પાલકપુત્રી આણ્ડાળ થઈ ગયાં. કૌદે-ગોદા તરીકે તેઓ જાણીતાં છે. આપણા દેશની ભક્ત કવયિત્રીઓમાં આણ્ડાળ સૌથી પ્રથમ છે. તેમની પ્રસિદ્ધ રચના ‘તિરુપ્પાલૈ’ છે. બીજો ગ્રન્થ છે ‘નારિળવાર તિરુમોળિ’ તેમાં ભગવાનની દિવ્યલીલાઓનું મધુર ગાન છે. તેઓ પોતાને શ્રીકૃષ્ણની ગોપી જ માનતાં. આળવાર પરંપરા પ્રમાણે આણ્ડાળનાં લગ્ન રંગનાથના મંદિરમાં વિધિપૂર્વક ભગવાન શ્રીતિરુનાલ (કૃષ્ણ) સાથે થયેલાં. મીરાંની જેમ એ પણ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયાંનું કહેવાય છે. આળવાર કવિઓએ સમાજમાં પણ એક ક્રાન્તિ આણી, કેમ કે સમગ્ર ભક્તિઆંદોલન જાણે જનતાનું આંદોલન હતું. જેમાં ઊંચનીચના ભેદભાવને સ્થાન નહોતું. ઈશ્વર આગળ સૌ એક સમાન છે અને તે એક જ ઉપાસ્ય છે – એ ભાવના વડે આ ભક્તિકવિતાએ દક્ષિણની પ્રજાને એક ઉન્નત જીવનદૃષ્ટિ પણ આપી છે. આપણા દેશની વૈષ્ણવભક્તિ કવિતાના ઇતિહાસમાં આળવાર ભક્તોનું સ્થાન અગ્રિમ પંક્તિમાં છે. ભો.પ.