ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિચર્યા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કવિચર્યા'''</span> : રાજશેખરે ‘કાવ્યમીમાંસા’ના દ...") |
(No difference)
|
Revision as of 10:49, 20 November 2021
કવિચર્યા : રાજશેખરે ‘કાવ્યમીમાંસા’ના દશમા અધ્યાયમાં કવિઓની રહેણીકરણી અને એમના દૈનિક વ્યવહાર સંબંધે નાનીનાની વીગતો સાથે વિવરણ કર્યું છે જે વાત્સ્યાયનના ‘કામસૂત્ર’માં વર્ણવેલા નાગરિકવૃત્ત અને અર્થશાસ્ત્રમાં વર્ણવેલા રાજવૃત્તની નજીકનું છે. વાસ્તવિક રીતે એમાંથી તત્કાલીન સામાજિક જીવનનો પરિચય મળી રહે છે પરંતુ એ સાથે કેટલાંક એવાં સત્ય છે જે આજે પણ કવિપ્રતિભાની માવજતમાં કે કવિપ્રવૃત્તિમાં ખપ લાગે તેવાં છે. કાવ્યવિદ્યાઓ, ઉપવિદ્યાઓ તેમજ ચોસઠ કલાના અધ્યયન સાથે કવિની દેશવાર્તા, વિદગ્ધવાદ, લોકયાત્રા, વિદ્વદ્ગોષ્ઠિ સાથેની નિસ્બત પણ આવશ્યક ગણી છે. દિનરાતના ચાર ચાર વિભાગ કરી કવિના આચરણવ્યવહારને વીગતે વર્ણવ્યાં છે. એમાં બીજા પ્રહરમાં કાવ્યરચના કર્યા પછી ચોથા પ્રહરમાં એકલા કે મિત્રો સાથે એ કાવ્યરચનાનું પુન : પરીક્ષણ મહત્ત્વનું ગણ્યું છે કારણ કે એમાં રસાવેશથી થયેલી રચનાને પછીથી તટસ્થ નિરીક્ષણ સાંપડે છે. કવિ અધિકને ત્યજે છે, ન્યૂનને પૂરે છે, અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરે છે. પોતાની અધૂરી રચના અન્યને ન બતાવવાનો, પોતાની રચનાની અધિક પ્રશંસા ન કરવાનો એમાં નિર્દેશ છે, એટલું જ નહિ, લોકસંમત અને પોતાને અભિમત એમ ઉભયસંમત કાર્યને જ હાથમાં લેવાનો એમાં અનુરોધ છે. આમ, કવિચર્યામાંની કેટલીક સ્થૂલ વીગતોને બાદ કરીએ તો પણ ઘણી વીગતો આજે પણ સંગત બની શકે તેવી છે. ચં.ટો.