ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યશાસ્ત્ર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કાવ્યશાસ્ત્ર (Poetics)'''</span> : કાવ્ય કે સાહિત્યના મ...") |
(No difference)
|
Revision as of 12:33, 20 November 2021
કાવ્યશાસ્ત્ર (Poetics) : કાવ્ય કે સાહિત્યના મૂલ્યાંકન માટેનાં નિયમોનું પ્રતિપાદન અને નિરૂપણ કરી, એનું વિવેચન અને વિશ્લેષણ કરી આપનારું શાસ્ત્ર. બીજી રીતે કહીએ, તો કાવ્યસૌન્દર્યનું પરીક્ષણ કરી એના સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરનારું શાસ્ત્ર. સંસ્કૃતમાં એને માટે અલંકારશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર, સાહિત્યવિદ્યા, ક્રિયાકલ્પ વગેરે અનેક નામ પ્રચલિત છે. ભારતીય કાવ્યશાસ્ત્રની પરંપરા અત્યંત પ્રાચીન છે. અલબત્ત, ભારતીય કાવ્યશાસ્ત્રને સમાવતો અત્યારે ઉપલબ્ધ પ્રથમ ગ્રન્થ તો ભરતનું ‘નાટ્યશાસ્ત્ર’ છે પણ એનાં મૂળ છેક ‘ઋગ્વેદ’ સુધી પહોંચે છે. ઈ.સ. પૂર્વે બીજી સદીથી ઈ.સ. પછીની અઢારમી સદી સુધી વિસ્તરેલો ભરતથી પંડિત વિશ્વેશ્વર સુધીનો ભારતીય કાવ્યશાસ્ત્રનો ઇતિહાસ ચાર વિભાગમાં વહેંચાય છે : ભામહ સુધીનો પ્રારંભિકકાળ; ભામહથી આનંદવર્ધન સુધીનો રચનાકાળ; આનંદવર્ધનથી મમ્મટ સુધીનો નિર્ણયાત્મકકાળ અને મમ્મટથી પંડિત વિશ્વેશ્વર સુધીનો વ્યાખ્યાકાળ. ધ્વનિસિદ્ધાન્તને મુખ્ય આધાર ગણીને કેટલાક વિદ્વાન કાવ્યશાસ્ત્રના ઇતિહાસના ત્રણ વિભાગ કરે છે : આરંભથી આનંદવર્ધન પર્યંતનો પૂર્વધ્વનિકાળ; આનંદવર્ધનથી મમ્મટ પર્યંતનો ધ્વનિકાળ અને મમ્મટથી જગન્નાથ પર્યંતનો પશ્ચાત્ધ્વનિકાળ. કાવ્યશાસ્ત્રના ઇતિહાસમાં છ સંપ્રદાયો ઊપસી આવ્યા છે : રસસંપ્રદાય; અલંકારસંપ્રદાય; રીતિસંપ્રદાય; ધ્વનિસંપ્રદાય; વક્રોક્તિસંપ્રદાય અને ઔચિત્યસંપ્રદાય. સંસ્કૃત આલંકારિકોએ મુખ્યત્વે કાવ્યલક્ષણ, કાવ્યપ્રયોજન, કાવ્યહેતુ, શબ્દશક્તિ, કાવ્યગુણ, કાવ્યદોષ, કાવ્યવૃત્તિ, અલંકારભેદ વગેરે પર વિચાર કર્યો છે અને સમાજનિરપેક્ષ શુદ્ધ કૃતિત્વના ખ્યાલને તેમજ ભાષાવિશ્લેષણને તેઓ અનુસર્યા છે. પશ્ચિમમાં હોમર અને પિન્ડારના પરસ્પરના વિરુદ્ધ કાવ્યમતો મળે છે પરંતુ પૂર્વપરંપરાને વ્યવસ્થાતંત્રમાં ગોઠવી આપનાર એરિસ્ટોલ છે. એરિટોટલનું વર્ણનાત્મક કાવ્યશાસ્ત્ર હોરેસ સુધી પહોંચતાં આદેશાત્મક બને છે. સિદ્ધાન્તકારોના નિયમોથી સ્વતંત્ર કવિતા કેવી હોય અને પૂર્વનિર્ણીત સ્વરૂપમાં ગોઠવાવા માટેની કવિતા કેવી હોય – આ બે વિરુદ્ધ વિભાવનાઓ પર વિવેચનપ્રણાલિઓ આધારિત છે. એકબાજુ પ્રશિષ્ટ મૂલ્યાંકનલક્ષી વિવેચન આદેશાત્મક નિયમોથી કવિતાને મૂલવે; જ્યારે બીજીબાજુ સૌન્દર્યનિષ્ઠ રંગદર્શી વિવેચન બધાં જ સ્વરૂપ, વિષય કે સાહિત્યકાર્યને સૌન્દર્યનિષ્ઠ એકત્વના ધોરણે મૂલવે છે. પુનરુત્થાનકાળ પછી તત્ત્વવિજ્ઞાન તરીકે સૌન્દર્યશાસ્ત્રનો વિકાસ થતાં બોમગાર્ટન જેવાઓએ આદેશાત્મક ધોરણોને સ્થાને સૈદ્ધાન્તિક અને વસ્તુલક્ષી ધોરણો સ્થાપિત કર્યાં. ઓગણીસમી સદીમાં કાવ્યશાસ્ત્ર તત્ત્વવિચારક સૌન્દર્યશાસ્ત્રનો ભાગ બન્યું. કાવ્યશાસ્ત્રની સાંપ્રતકાલીન વિભાવનાઓ સમાજવિજ્ઞાનીય, નૃવંશવિજ્ઞાનીય કે મનોવિજ્ઞાનીય સિદ્ધાન્તોનો પણ આધાર લે છે. વિકસેલા નવા ભાષાકીય સિદ્ધાન્તોને આધારે સંરચનાપરક કે સંસર્જનાત્મક કાવ્યશાસ્ત્રના પ્રકલ્પો પણ વિચારાયા છે. કવિ પોતાની કવિતા વિશેના આદર્શને ધ્યાનમાં રાખી અને એને ધ્યેય તરીકે સ્વીકારી રચનાઓ કરે, એ અર્થમાં પણ કાવ્યશાસ્ત્રનો ઉલ્લેખ થાય છે. જેમકે માલાર્મે કે વાલેરીનું કાવ્યશાસ્ત્ર. કવિએ કરેલાં કેટલાંક ગદ્યવિધાનો અને એની રચનાઓને લક્ષમાં રાખી રચનાઓ તેમજ કવિના આદર્શ વચ્ચેના સંબંધને કે પરિણામને પણ તપાસવામાં આવે છે. ચં.ટો.