ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કુમાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુમાર''' : ગુજરાતની ઊગતી પેઢીના સંસ્કારઘડતર...")
(No difference)

Revision as of 11:08, 22 November 2021



કુમાર : ગુજરાતની ઊગતી પેઢીના સંસ્કારઘડતર માટે કલાગુરુ રવિશંકર રાવળે, બચુભાઈ રાવતના સહયોગથી ૧૯૨૪માં અમદાવાદથી પ્રકાશિત કરેલું ચિત્રમય માસિક. રવિશંકર રાવળની નિવૃત્તિ પછી ૧૯૪૫થી બચુભાઈ તંત્રી. એમના અવસાન પછી ૧૯૮૦માં સહાયક સંપાદક બિહારીલાલ ટાંક તંત્રી. ૧૯૮૭માં પ્રકાશન સ્થગિત થયા પછી ૧૯૯૦માં ધીરુ પરીખના તંત્રીપદ તથા બિહારીલાલ ટાંકના સંપાદનમાં પુન : પ્રકાશન. ૨૦૨૧થી પ્રફુલ્લ રાવલ તંત્રીપદ સંભાળે છે. કવિતા, મજલિસ, જીવનચરિત્ર, કાવ્યાસ્વાદ, ગયે મહિને, આ મહિને, આ માસ ઇતિહાસમાં, માધુકરી, પુસ્તકપરિચય, આકાશદર્શન, આલો-પાલો-મરીમસાલો, તવારીખ, લીલો મેવો, ચવાણું, બાળકો લખે છે અને મારી નજરે – જેવા અનેકવિધ વિભાગો દ્વારા સાહિત્ય, સંગીત, શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર-છબીકલા, અભિનય, વ્યાયામ, પ્રવાસ, તરણ અને સ્કાઉટિંગ જેવી યુવાપ્રવૃત્તિઓ; વિજ્ઞાન, પર્યાવરણ, હુન્નરઉદ્યોગ, ઇતિહાસ-ભૂગોળ અને તત્ત્વજ્ઞાન જેવા માનવજિજ્ઞાસાને સંકોરતા અને રસરુચિ જગવતા અનેક વિષયોમાં વિપુલ-રોચક સામગ્રી પીરસતું ‘કુમાર’, એક રુચિસમ્પન્ન સામયિક પ્રજાનું કેવું ઉદાત્ત અને ઉન્નત સંસ્કારઘડતર કરી શકે તેનું સુભગ અને વિરલ દૃષ્ટાંત છે. ‘આવતી કાલનાં નાગરિકો માટેનું સામયિક’ એ સંકલ્પ ચરિતાર્થ થયો છે. કિશોરકથા ‘કિરીટ’, સાગરકથા ‘દેવો ધાધલ’ તથા કાકાસાહેબની ‘સ્મરણયાત્રા’ જેવી ક્રમશ : પ્રગટ થયેલી રચનાઓ તેમજ ગુજરાતી સાહિત્યની ચાર પેઢીના કવિ, વાર્તાકાર, નાટ્યલેખક અને નિબંધકારોની અસંખ્ય કૃતિઓને વાચક સુધી પહોંચાડી આપનાર ‘કુમાર’ બોધક નહીં, પ્રેરક સાહિત્યનું સામયિક બની રહ્યું એ તેની મહત્તા છે. ર.ર.દ.