ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી ચરિત્રસાહિત્ય: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુજરાતી ચરિત્રસાહિત્ય'''</span> : ચરિત્રાત્મક સા...") |
(No difference)
|
Revision as of 15:27, 23 November 2021
ગુજરાતી ચરિત્રસાહિત્ય : ચરિત્રાત્મક સાહિત્ય વ્યક્તિ અને તદન્વયે સમાજની વિકાસયાત્રાનો અરીસો છે. ચરિત્રાત્મક સાહિત્યની બે મુખ્ય ધારા છે. આત્મકથા અને જીવનચરિત્ર. એક આત્મલક્ષી, બીજી પરલક્ષી. પત્ર, રોજનીશી, રેખાચિત્ર, ચરિત્રનિબંધ ઇત્યાદિને ચરિત્રાત્મક સાહિત્યની ધારામાં સમાવી શકાય. અલબત્ત એ જીવનચરિત્રના લેખનની સંદર્ભસામગ્રીરૂપે ખપ લાગે. એમાં ક્યાંક આત્મલક્ષિતા તો ક્યાંક ઉભયનું સંમિશ્રણ જોવા મળે છે. ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા નર્મદકૃત ‘મારી હકીકત’(૧૮૬૬). કૃતિમાં લેખકના જીવનનાં ત્રીસેક વર્ષોનો હેવાલ પ્રાપ્ત થાય છે. આ આત્મચરિત્રનું મોટાભાગનું લખાણ ટાંચણ રૂપે રહ્યું છે, છતાં ક્યાંક ક્યાંક નર્મદની ઝમકદાર ગદ્યશૈલીનો પરિચય કરાવે છે. ‘મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત’(૧૮૮૭) લખાયા પછી બાણું વર્ષ પછી છેક ૧૯૭૯માં ધીરુભાઈ ઠાકર દ્વારા પ્રકાશિત થાય છે. આ આત્મચરિત્રમાં લેખકે પોતાનાં જાતીય સ્ખલનોને નિખાલસતાપૂર્વક વ્યક્ત કર્યાં છે. ઉપર્યુક્ત બે મહત્ત્વનાં આત્મચરિત્રો પછી નારાયણ હેમચંદ્રનું ‘હું પોતે’(૧૯૦૦), ગણપતરામ ભટ્ટનું ‘મારો વૃત્તાંત’(૧૯૦૭), ‘મોહનલાલ રણછોડદાસ ઝવેરીનું આત્મકથન’(૧૮૭૧), ભાઈશંકર ના. ભટ્ટનું ‘મારા અનુભવની નોંધ’(૧૯૧૨), ‘વાડીલાલ મો. શાહની આત્મકથા’(૧૯૨૧), વગેરે કૃતિઓ સાંપડે છે, પણ ગુજરાતી આત્મચરિત્ર સાહિત્યની સીમાસ્તંભરૂપ કૃતિ પ્રાપ્ત થાય છે ગાંધીજીકૃત ‘સત્યના પ્રયોગો’(૧૯૨૭). ગાંધીજીના જીવનવિકાસનાં સોપાનો અને તે ચડતાં તેમણે કરેલાં સ્ખલનોનું સત્યકથન આ આત્મકથામાં મહદ્ અંશે આધ્યાત્મિક અભિગમથી થયેલું દૃષ્ટિગોચર થાય છે. એમના વ્યક્તિત્વમાંથી પ્રગટેલી સાદી, સરળ, લાઘવપૂર્ણ, બલિષ્ઠ અને સચોટ ભાષાશૈલી આ નમૂનેદાર આત્મકથાનું સુઘડ કલાવિધાન કરે છે. કવિ ન્હાનાલાલકૃત ‘અર્ધ શતાબ્દીના અનુભવબોલ’(૧૯૨૭) ગોવિંદભાઈ દેસાઈનું ‘વડોદરામાં ચાલીસ વર્ષ’(૧૯૨૯) તથા કમળાશંકર ત્રિવેદીરચિત ‘અનુભવ વિનોદ’(૧૯૩૩), પછી સાહિત્યિક ઉન્મેષની દૃષ્ટિએ નોંધપાત્ર આત્મકથા સાંપડે છે. કાકાસાહેબ કાલેલકરની ‘સ્મરણયાત્રા’(૧૯૩૪). લેખકનાં આ સંસ્મરણોમાં તેમનાં શૈશવ અને કૈશોર્યનું એક સુરેખ ચિત્ર ખડું થાય છે. કાકાસાહેબની આત્મકથાનો પ્રભાવ હરિપ્રસાદ દેસાઈકૃત ‘નાના હતા ત્યારે’(૧૯૪૬) તથા શૈશવનાં સંસ્મરણો આલેખતી સંખ્યાબંધ આત્મકથાઓ પર જોઈ શકાય છે. સ્ત્રી લેખકો પાસેથી મળેલાં ગણયાંગાંઠ્યાં આત્મચરિત્રોમાં શારદા મહેતાકૃત ‘જીવનસંભારણાં’(૧૯૩૮) ઉલ્લેખનીય છે. ક. મા. મુનશીની આ ‘અડધે રસ્તે’, ‘સીધાં ચઢાણ’, ‘મધ્વરણ્ય’, અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ (૧૯૪૨થી’૫૩) એમ ચાર ભાગમાં આલેખાયેલી બૃહદ આત્મકથાઓને નવલકથાકાર મુનશીની કથારસ જવાબદારી શૈલીનો લાભ મળ્યો છે. સત્યકથનમાં ઊણી ઊતરતી હોવા છતાં તેની સરળતા અને કલામયતાને કારણે અવિસ્મરણીય બની શકી છે. રાવજીભાઈ પટેલરચિત ‘જીવનનાં ઝરણાં’ ભા. ૧-૨ (૧૯૪૧-૬૦) ધનસુખલાલ મહેતાકૃત ‘આથમતે અજવાળે’ (૧૯૪૪), તનસુખ ભટ્ટકૃત ‘મેં પાંખો ફફડાવી’(૧૯૪૬), પ્રભુદાસ ગાંધીકૃત ‘જીવનનું પરોઢ’(૧૯૪૮), આ સમયગાળાની ઉલ્લેખનીય આત્મકથાઓ છે. ધૂમકેતુએ ‘જીવનપથ’(૧૯૪૯) અને ‘જીવનરંગ’(૧૯૫૬)માં અને રમણલાલ વ. દેસાઈએ, ‘ગઈકાલ’(૧૯૫૦) અને ‘મધ્યાહ્નનાં મૃગજળ’(૧૯૫૬)માં આત્મચરિત્રલેખનના પ્રયાસ કર્યા છે. ચંદ્રવદન ચી. મહેતાની આત્મકથાત્મક ‘ગઠરિયાં’(૧૯૫૪થી ’૯૦)નાં ‘છોડ ગઠરિયાં’, ‘સફર ગઠરિયાં’ ‘રંગ ગઠરિયાં’ વગેરે બારેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. કોઈ નિશ્ચિત ચોકઠામાં ન ગોઠવાતી આ શ્રેણી જીવંત ગદ્યથી સપ્રાણિત છે. નાનાભાઈ ભટ્ટની આત્મકથા ‘ઘડતર અને ચણતર’(૧૯૫૪) ચરિત્રનાયકની સાદગીપૂર્ણ અનાસક્ત છબિને સફળતાપૂર્વક ઉપસાવી આપે છે. ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૯૫૫થી’૭૩ દરમ્યાન છ ભાષામાં પ્રસિદ્ધ થયેલ બૃહદ ‘આત્મકથા’ ગાંધીજીની આત્મકથાની જોડાજોડ બેસી શકે એવી સક્ષમ છે. શૈશવનાં સ્મરણો સાથે વતનપ્રેમની માધુરીનો સુભગ સમન્વય સાધતી જયંત પાઠકની સંવેદનકથા ‘વનાંચલ’(૧૯૬૭) પંચમહાલની અલ્લડ પ્રકૃતિમાં શ્વસેલા અને નગરની અક્કડ અડાબીડમાં વસેલા નાયક અને લેખક વચ્ચેનો સંવેદનસંઘર્ષ રસપ્રદ રીતે રજૂ કરે છે. કવિ-શિક્ષણશાસ્ત્રી ‘સ્નેહરશ્મિ’ની આત્મકથાના ચાર ભાગ ‘મારી દુનિયા’(૧૯૭૦), ‘સાફલ્યટાણું’(૧૯૮૩), ‘ઊઘડે નવી ક્ષિતિજ’(૧૯૮૬), અને ‘વળી નવાં આ શૃંગ’(૧૯૯૦) લેખકમાં સતત વહેતા રહેલા જીવનરસની સાક્ષી પૂરે છે. પન્નાલાલ પટેલના ‘અલપ-ઝલપ’(૧૯૭૩)માં કાકાસાહેબની પદ્ધતિએ દોરાયેલું સ્મરણચિત્ર છે. અમૃત જાનીકૃત ‘અભિનય પંથે’(૧૯૭૩) અને જયશંકર ‘સુંદરી’ રચિત ‘થોડાં આંસુ, થોડાં ફૂલ’(૧૯૭૬) આત્મચરિત્રો છે. રસિક ઝવેરીની કૃતિ ‘અલગારી રખડપટ્ટી’ (૧૯૬૯), ગુલાબદાસ બ્રોકરની કૃતિઓ ‘અમૃતદીક્ષા’(૧૯૭૬) અને ‘સ્મરણોનો દેશ’(૧૯૮૭) ફાધર વાલેસની કૃતિ ‘આત્મકથાના ટુકડા’(૧૯૮૯), પંડિત સુખલાલજીરચિત ‘મારું જીવનવૃત્ત’(૧૯૮૦) પણ ઉલ્લેખનીય છે. ‘સ્નેહરશ્મિ’ આત્મકથા નિમિત્તે ત્રીજા-ચોથા ભાગમાં સંસ્થાકથા આપે છે. તો ‘દર્શક’ ‘સદ્ભિ : સંગ :’(૧૯૮૯)માં સંસ્થાકથાના સ્વાંગમાં આત્મકથા આપે છે. ૧૯૮૨માં બબલભાઈ મહેતાની આત્મકથા ‘મારી જીવનયાત્રા’ સંપાદિત સ્વરૂપમાં ઉપલબ્ધ થાય છે. ૧૯૮૯માં ‘બક્ષીનામા’નાં ૮૧૦ પૃષ્ઠમાં વિસ્તરતા ત્રણ ભાગ દ્વારા ચંદ્રકાંત બક્ષી એક નવલકથાસમ રસપ્રદ આત્મકથાનું ઉમેરણ કરે છે તો સ્વામી સચ્ચિદાનંદરચિત ‘મારા અનુભવો’(૧૯૮૬) પણ ઘણી રસપ્રદ છે. ‘સદ્માતાનો ખાંચો’(૧૯૮૮)ને ‘ઉશનસે’ વતનની સ્મૃતિકથા તરીકે ઓળખાવ્યું છે. શૈશવનાં સંસ્મરણો ચંદ્રકાંત શેઠ રચિત ‘ધૂળમાંની પગલીઓ’(૧૯૮૪), સ્વામી આનંદકૃત ‘બચપણનાં બાર વરસ’(૧૯૮૨)માં પ્રાપ્ત થાય છે. ધીરુભાઈ ઠાકરની સ્વાનુભવોની કથાનું ‘સ્મરણમાધુરી’ (૧૯૯૧) રૂપે આત્મકથન થયું છે. દસમા દાયકામાં આપણને બે હાસ્યલેખકો પાસેથી આત્મકથનાત્મક પુસ્તક મળે છે. નાગજીભાઈ દેસાઈએ ‘મારી કરમકથની’ (૧૯૯૪)માં પોતાની આપવીતી અને ઘડતરકથા આલેખી છે. વિનોદ ભટ્ટ ‘એવા રે અમે એવા’ (૧૯૯૪)માં નિખાલસપણે જાતને વ્યક્ત કરે છે. તેમના મિત્રોના ચિત્રો, લગ્નત્રિકોણ તથા કુળકથા સ્મરણીય છે. વિનોદ ભટ્ટના સ્વભાવનાં બધાં વિશેષો અને મર્યાદાઓ રસળતી કલમે અહીં પ્રગટે છે. તારક મહેતાની ‘એક્શન રિપ્લે’ ૧-૨ (૧૯૯૬) સચ્ચાઈ અને સમસંવેદનને કારણે સ્પર્શી જાય તેવી બની છે. ગુણવંત શાહની આત્મકથા ‘બિલ્લો ટિલ્લો ટચ’ (૧૯૯૭) અતીતરાગ અને અભિવ્યક્તિની વિલક્ષણતાને કારણે જાણીતી બની છે પરંતુ આલેખન આત્મકથા કરતાંય વધુ તો સ્મરણકથાનું છે. હરિવલ્લભ ભાયાણીએ ‘તે હિ નો દિવસાઃ’ (૧૯૯૮)માં જીવનમાં તેમનો નોંધપાત્ર લાગેલાં સ્મરણો મમળાવ્યાં છે. હિમાંશી શેલત અને વિનોદ મેઘાણીએ ઝવેરચંદ મેઘાણીના વિરાટ આત્મકથનાત્મક ગદ્યરાશિને સંકલિત કરીને આપેલ આત્મવૃત્તાંત ‘આંતરછબિ’ (૧૯૯૮) આત્મચરિત્રની દૃષ્ટિએ આગવો ગ્રંથ છે. એકવીસમી સદીના પ્રથમ દાયકામાં જશીબહેન નાયકે ‘સ્મરણયાત્રા’ (૨૦૦૧), દીપક બારડોલીકરે ‘ઉછાળા ખાય છે પાણી’ (૨૦૦૪), ચિન્મય જાનીએ ‘ન્યાયની કેડીએ’ (૨૦૦૪), કમલા પરીખે ‘શૈશવથી સંધ્યા સુધી’ (૨૦૦૬), દેવયાની દવેએ ‘હવે સ્પર્શનું સ્મરણ હું છું’ (૨૦૦૯) વગેરે આત્મચરિત્રો આપ્યાં છે. તેમાં વિશેષ નોંધપાત્ર લોકસાહિત્યના સંશોધક ભગવાનદાસ પટેલનું આત્મવૃત્તાંત ‘મારી લોકયાત્રા’ (૨૦૦૬) છે. તેમાં બાળપણ અને યુવાનીનાં વર્ષોમાં ભાવાત્મક વિકાસ કેમ થયો, લોકસાહિત્યના સંશોધનને કેમ વર્યા, તેમાં કેવું કેવું કાર્ય કર્યું તેની હેતુનિષ્ઠ પણ પૂરા સંયમ અને તાટસ્થ્યથી યાત્રા આલેખી છે. ફાધર વર્ગીસ પોલે ‘યાદગાર અનુભવો’ (૨૦૦૬)માં સળંગ કથાને બદલે અનુભવકથારૂપે આત્મવૃત્તાંત આપ્યું છે. આત્મચરિત્રની જેમ જીવનચરિત્રના આરંભકર્તા તરીકે પણ નર્મદનું નામ આવે છે. તેણે ૧૮૬૫માં લખેલ ‘કવિચરિત્ર’ અને ૧૮૭૦માં લખેલ ‘મહાપુરુષોનાં ચરિત્ર’ આ સ્વરૂપની આરંભિક રચનાઓ છે. નર્મદના જીવન વિશે લખાયેલ અનેક જીવનચરિત્રો પૈકી વિશ્વનાથ ભટ્ટ લિખિત ચરિત્ર ‘વીર નર્મદ’(૧૯૩૩) પ્રાસાદિક શિષ્ટ ભાષાશૈલી, ચિત્રાત્મક વર્ણનશક્તિ અને સક્ષમ અભિવ્યક્તિને કારણે સાહિત્યિક કલાકૃતિ બન્યું છે. કનૈયાલાલ મુનશીએ પણ ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’(૧૯૩૯)માં નર્મદચરિત્ર આપ્યું છે. મુનશીએ લખેલું બીજું જીવનચરિત્ર ‘નરસૈયો : ભક્ત હરિનો’(૧૯૩૩) વિશેષ નોંધપાત્ર છે. મહાદેવભાઈ દેસાઈએ ‘વીર વલ્લભભાઈ’(૧૯૨૮), ‘સંત ફ્રાન્સિસ’(૧૯૩૩) તથા ‘બે ખુદાઈ ખિદમતગારો’(૧૯૩૬) એમ ત્રણ જીવનચરિત્રો લખ્યાં છે. કવિ ન્હાનાલાલે પોતાના પિતાનું વિસ્તૃત જીવનચરિત્ર ચાર પુસ્તકમાં અને ત્રણ ભાગમાં ‘કવીશ્વર દલપતરામ’(૧૯૩૩-’૪૧) શીર્ષક નીચે લખ્યું છે. ગુણવંતરાય આચાર્યે ‘નવજુવાન સુભાષ’(૧૯૩૮) અને ‘શ્રી સુભાષચંદ્ર બોઝ’(૧૯૪૬) નામક બે કૃતિઓમાં નેતાજીના જીવનનો આલેખ દોર્યો છે. વિજયરાય વૈદ્યે ‘શુક્રતારક’(૧૯૪૪) નામક જીવનચરિત્રમાં નવલરામ પંડ્યાના જીવન અને જીવનકાર્યનું મૂલ્યાંકન કર્યું છે. રવિશંકર મહારાજના પૂર્વ અને ઉત્તર જીવનને વર્ણવતાં, બબલભાઈ મહેતાએ લખેલાં બે જીવનચરિત્રો ‘મહારાજ થયા પહેલાં’(૧૯૪૩) અને ‘રવિશંકર મહારાજ’ (૧૯૪૪) વાસ્તવમાં તો એક કૃતિના બે ભાગ જેવાં જ છે. ‘મહાદેવભાઈનું પૂર્વચરિત’(૧૯૫૦) લખનાર નરહરિ પરીખે બે ભાગમાં લગભગ ૧,૦૦૦ પૃષ્ઠમાં લખેલ સરદારનું જીવનચરિત્ર ‘સરદાર વલ્લભભાઈ’(૧૯૫૦-’૫૨) નોંધપાત્ર છે. તેમણે લખેલું મશરૂવાળાનું ચરિત્ર ‘શ્રેયાર્થીની સાધના’(૧૯૫૩) પર્યાપ્ત સામગ્રી હોવા છતાં પૂરતું સંતર્પક બની શક્યું નથી. મણિલાલનાં બે જીવનચરિત્રો આપણને સાંપડ્યાં છે : અંબાલાલ પુરાણીલિખિત ‘મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવનચરિત્ર’(૧૯૫૧) અને ધીરુભાઈ ઠાકરકૃત ‘મણિલાલ નભુભાઈ : ‘જીવનરંગ’(૧૯૫૭). અન્ય ઉલ્લેખનીય જીવનચરિત્રો આ મુજબ છે : ‘સુન્દરમ્’રચિત ‘મહાયોગી અરવિંદ’ (૧૯૫૦), અંબાલાલ પુરાણીકૃત ‘અરવિંદજીવન’(૧૯૫૭’૬૬), પાંડુરંગ દેશપાંડેકૃત ‘રાષ્ટ્રીય જાગૃતિનાજનક લોકમાન્ય ટિળક’(૧૯૫૬), ઈશ્વર પેટલીકરકૃત ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’ (૧૯૬૪), મોહનભાઈ શં. પટેલકૃત ‘આલ્બર્ટ સ્વાઇત્ઝર’ (૧૯૬૪) તથા ધીરુભાઈ ઠાકરકૃત કસ્તુરભાઈ લાલભાઈનું જીવનચરિત્ર ‘પરંપરા અને પ્રગતિ’(૧૯૮૦). નવમા દાયકાનાં ઉલ્લેખનીય જીવનચરિત્રોમાં જ્યોતિ થાનકીકૃત ભગિની નિવેદિતાનું ચરિત્ર ‘પૂર્વવાહિની’(૧૯૮૧) તથા કાકાસાહેબનું ચરિત્ર ‘પરિવ્રાજકનું પાથેય’(૧૯૮૧), મોહન દાંડીકરરચિત ‘નાનાભાઈનું જીવનદર્શન’(૧૯૮૪), મુકુન્દરાય પારાશર્યકૃત ‘પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન’(૧૯૮૩), રણધીર ઉપાધ્યાયકૃત ‘મા આનંદમયીની આનંદયાત્રા’(૧૯૮૫), પટેલ બબાભાઈકૃત ‘જે. કૃષ્ણમૂર્તિ : જીવન અને દર્શન’ (૧૯૮૭), કપિલભાઈ ઠક્કર લિખિત ‘ઝવેરચંદ મેઘાણી’ (૧૯૮૧), પુષ્કરભાઈ ગોકાણીકૃત ‘કર્મયોગી ગુર્જિએફ’ (૧૯૮૬), મનુ પંડિતકૃત ‘સ્વાતંત્ર્ય સેનાની ગંગાબહેન ઝવેરી’(૧૯૮૩), પુષ્કર ચંદરવાકર લિખિત ‘શ્રેયાર્થી દાદાસાહેબ માવળંકર’(૧૯૮૪), ભોગીભાઈ અને સુભદ્રા ગાંધી લિખિત ‘મહર્ષિ તોલસ્તોય જીવનરંગ’(૧૯૮૩), ‘મહામાનવ રોમારોલા’(૧૯૮૭) વગેરે ગણાવી શકાય. ‘પ્રકાશનો પડછાયો’(૧૯૮૮) દિનકર જોષીએ હરિલાલ ગાંધીના અને ‘પિંજરની આરપાર’(૧૯૯૦) માધવ રામાનુજે લખેલ રૂબિન ડેવિડના જીવન પર આધારિત જીવનકથાત્મક, નવલકથાઓ છે. ‘થોડાં નોખાં જીવ’(૧૯૮૫) વાડીલાલ ડગલીકૃત ચરિત્રનિબંધોનો સંગ્રહ છે. ડગલીનું ‘પુરુષાર્થનાં પગલાં’(૧૯૮૯) વ્યક્તિચિત્રોનું પુસ્તક છે. ‘હૃદયમાં પડેલી છબીઓ’(૧૯૭૭) પછી ઉમાશંકર જોશી પાસેથી વ્યક્તિચિત્રોનો બીજો એક સમૃદ્ધ સંગ્રહ ‘ઇસામુશિદા અને અન્ય’ (૧૯૮૬) પ્રાપ્ત થાય છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટરચિત રેખાચિત્રોના સંચય ‘નામરૂપ’(૧૯૮૧), જોસેફ મેકવાનકૃત ‘વ્યથાનાં વીતક’ (૧૯૮૫) અને અમૃતલાલ યાજ્ઞિકકૃત ‘કુટુંબજીવનનાં રેખાચિત્રો’ (૧૯૮૪) પણ ઉલ્લેખવાં પડે. નારાયણ દેસાઈએ પિતા મહાદેવભાઈ દેસાઈ વિશે લખેલું જીવનચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ (૧૯૯૨) એ ચરિત્રસાહિત્યમાં નવી દિશા ચીંધી. તેમાં મહાદેવભાઈ દેસાઈની જીવનકથાની સમાન્તરે દેશના સ્વાતંત્ર્યની લડતની અનેક ઘટનાઓ ગુંથાઈ છે એટલે આ ચરિત્રનું દસ્તાવેજી મૂલ્ય છે. ત્યારબાદ તેમણે ગાંધીજી વિશે ‘મારું જીવન એ જ મારી વાણી’ (૨૦૦૩) આપ્યું છે. ચાર ભાગમાં લખાયેલું આ બૃહદ જીવનચરિત્ર એમનાં જીવનભરનાં કાર્યોની પ્રસ્તુતિ છે. ઉમાશંકર જોશી પાસેથી પણ ‘ગાંધીકથા’ (૧૯૯૭)માં ગાંધીજી વિશેનું ચરિત્ર મળે છે. કાંતિભાઈ શાહે હરિશ્ચંદ્રબહેનો હરવિલાસ શાહ અને કાંતાબહેન શાહ વિશે લખેલું જીવનચરિત્ર ‘એકત્વની આરાધના’ (૧૯૯૩) નોંધપાત્ર બની રહે છે. કનુભાઈ જાની કૃત ‘મેઘાણી છવિ’ (૧૯૯૬) અને ‘મેઘાણી-ચરિત’ (૨૦૦૨)માં મેઘાણીની જીવનકથા આલેખાઈ છે. જયંત કોઠારીએ ‘કલાપીઃ સ્મરણમૂર્તિ’ (૧૯૯૮)માં ઔચિત્યદૃષ્ટિ, તરતમવિવેક અને અભ્યાસની સજ્જતાથી આલેખન કર્યું છે. યોગેશ જોષીએ ‘મોટી બા’ (૧૯૯૮)માં દાદીમાનું સરસ આલેખન કર્યું છે. મીરાંબહેન ભટ્ટે ભાવનગરની સેવાપ્રવૃત્તિના વડલારૂપ માનભાઈ ભટ્ટનું ચરિત્ર ‘હાથે લોઢું, હૈયે મીણ’ (૧૯૯૯) નામે, પુરુરાજ જોશીએ સાવલીના સ્વામીના જીવનનું આલેખન કરતું ‘જિજ્ઞાસુની ડાયરી’ (૧૯૯૯) લખ્યું છે. લાભશંકર ઠાકરે ‘મારી બા’ (૧૯૮૯) અને ‘બાપા વિશે’ (૧૯૯૩)માં ચરિત્રકથાની રૂઢ વિભાવનાથી જુદી જ રીતે આલેખન કરેલું છે. મહેશ દવેએ ‘કવિતાનો સૂર્યઃ રવીન્દ્રચરિત’ (૨૦૦૪)માં રવીન્દ્રનાથ ટાગોરના જીવન-કાર્ય-સર્જનનો સમગ્રદર્શી મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. ઉર્વીશ કોઠારી કૃત ‘સરદાર-સાચો માણસ, સાચી વાત’ (૨૦૦૫)માં સરદારનું નોંધપાત્ર ચિત્રણ છે. કૃષ્ણકાન્ત કડકિયાએ ‘ભર્યું ભર્યું અસ્તિત્વ’ (૨૦૦૭)માં કે. કા. શાસ્ત્રીજીનું જીવનચરિત આલેખ્યું છે. મણિલાલ હ. પટેલ કૃત ‘તરસ્યા મલકનો મેઘ’ (૨૦૦૭) પન્નાલાલ પટેલનું ચરિત્ર છે. રઘુવીર ચૌધરીએ ‘માનસથી લોકમાનસ’ (૨૦૦૮)માં મોરારિબાપુની જીવનકથા રજૂ કરી છે. કુમારપાળ દેસાઈએ લખેલું ચરિત્ર ‘જીવતરની વાટે દીવો’ (૨૦૧૪)માં જયભિખ્ખુના જીવનનાં વિવિધ પાસાં રજૂ થયાં છે. આ સમયનાં વધુ મહત્ત્વનાં ચરિત્રો છેઃ ગંભીરસિંહ ગોહિલ લિખિત ‘પ્રજાવત્સલ રાજવી’ (૨૦૧૨) તથા વીરચંદ ધરમશી લિખિત ‘ભગવાનલાલ ઇન્દ્રજી’ (૨૦૧૨) પ્ર.બ્ર., પ્ર.રા.