ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી જોડણીવિચાર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુજરાતી જોડણીવિચાર'''</span> : ૧૮૬૧માં નર્મદાશંક...") |
(No difference)
|
Revision as of 15:30, 23 November 2021
ગુજરાતી જોડણીવિચાર : ૧૮૬૧માં નર્મદાશંકરે કોશરચનાનું કામ શરૂ કર્યું. એમને એ માટે જોડણીના નિયમોની જરૂર વર્તાઈ ને એમણે જોડણીશાસ્ત્રની ચર્ચા શરૂ કરી. જોડણીના બીજારોપણનું આમ એ પ્રારંભવર્ષ બની રહ્યું. ૧૮૫૯માં શાળાઓમાં ચલાવવા ‘વાચનમાળા’ તૈયાર કરવાનો આરંભ થયો હતો. ગુજરાતી શબ્દોની જોડણી એકધારી બની રહે એ માટે કેળવણીખાતાના મુખ્ય અધિકારી હાઉવેર્ડે ‘જોડણી-પદ્ધતિનો નિર્ણય કરવા’ એક સમિતિ નીમી હતી. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, મોહનલાલ રણછોડદાસ, મહીપતરામ રૂપરામ, દલપતરામ ડાહ્યાભાઈ, મયારામ શંભુનાથ અને પ્રાણલાલ મથુરાદાસની સમિતિએ ૭૦૦૦ શબ્દોની જોડણી નક્કી કરી આપી હતી ! ‘હોપ વાચનમાળા’નું કામ સંભાળતા ટી.સી. હોપે એ શબ્દો સ્વીકાર્યા પણ હતા પણ જોડણીપદ્ધતિ અર્થાત્ જોડણીના નિયમોની કામગીરી તો નર્મદાશંકર દ્વારા જ થઈ. ૧૮૬૮ના ડિસેમ્બરના ‘શાળાપત્ર’ના અંકમાં આવા નિયમ છપાયા છે અને એ તૈયાર કરનારાઓનાં નામો આ પ્રમાણે છે : કવિ નર્મદાશંકર લાલશંકર, કવિ દલપતરામ ડાહ્યાભાઈ, શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસ, અને દુર્ગારામ મંછારામ. પણ ૧૮૬૫માં પ્રસિદ્ધ થયેલા ‘નર્મ વ્યાકરણ ભાગ ૧’માં નર્મદાશંકરે, ઘડેલા થોડાક નિયમો રજૂ થયા છે અને એને આધારે એમણે ‘બોલીએ તેવું લખીએ’ને જોડણીપદ્ધતિનો મુખ્ય મુદ્દો બનાવી આ નિયમોની ફેરવિચારણા કરી. તેમણે ૧૮૬૧થી ૧૮૬૬ દરમ્યાન કેટલાક ભાગોમાં ખંડશ : પ્રસિદ્ધ કરેલા પોતાના શબ્દકોશનું ૧૮૬૯માં નવસંસ્કરણ શરૂ કર્યું અને ૧૮૭૩માં ‘નર્મકોશ’ પૂર્ણરૂપે પ્રસિદ્ધ કર્યો ત્યારે પોતાની ‘જોડણીની સુધારેલી નિયમાવલી’ એ શબ્દકોશની પ્રસ્તાવનામાં વ્યવસ્થિત રજૂ કરી. નરસિંહરાવે નર્મદાશંકરના આ કાર્યને યોગ્ય રીતે જ મૂલવીને અભિપ્રાય આપ્યો છે કે ‘ધ્વનિશાસ્ત્રસંગત (ઉચ્ચારાનુસારી) જોડણીનો ખરો સિદ્ધાંત નર્મદાશંકરને હાથ લાગ્યો છે.’ ૧૮૭૧-’૭૨માં કેળવણીખાતાની પાઠ્યપુસ્તક સમિતિ તરફથી જોડણી માટેની એક નિયમાવલી ઘડાઈ હતી પણ એ નર્મદાશંકરે ઘડેલા નિયમો સાથે સરખાવીએ તો અપૂરતી લાગે છે. સંજોગની વિપરીતતા તો એ જોવા મળે છે કે આ નિયમોનું પાલન કેળવણીખાતાએ પ્રસિદ્ધ કરેલ પુસ્તકોમાં પણ થયું નહોતું. બારેજાના મહેતાજી પુરુષોત્તમ મુગટરામે ૧૮૭૨ના આરંભમાં પોતાના ડેપ્યુટી સાહેબની મારફતે ‘સાતમી ચોપડી’માં પરસ્પર વિરુદ્ધ જોડણીઓ ક્યાં ક્યાં છે તેનું પત્રક બનાવીને રજૂ કર્યું હતું અને અરજીમાં એ બાબતની સઘળી હરકતો રજૂ કરી હતી. એ ઉપરથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડો. બ્યૂલરે નવલરામ લક્ષ્મીરામ પંડ્યાને એ સઘળું તપાસી જઈ સાતમી ચોપડી ફરી પ્રસિદ્ધ કરવા હુકમ કર્યો હતો. નિયમો ચકાસતાં નવલરામને કેટલીક ગૂંચવણ જોવા મળેલી એ એમના ‘નવલગ્રન્થાવલિ’માંના ‘જોડણીના નિયમનું અર્થગ્રહણ’ (માર્ચ ૧૮૭૨) લખાણમાં ચર્ચા સહિત પ્રસિદ્ધ થયેલ છે. એ પછી એમણે નિયમો ઘડ્યા અને એક ધોરણ વહેતું કર્યું કે ‘ઈ એટલા દીર્ઘ અને ઉ એટલા હ્સ્વ.’ ત્યારપછી લગભગ સોળ વર્ષ જોડણી અંગે ખાસ કશી કામગીરી ન થઈ. પછી ૧૮૮૮માં પહેલાં એક પત્રિકાથી અને પછી ‘જોડણી’નામની પુસ્તિકાથી નરસિંહરાવ દિવેટિયાએ ‘ધ્વનિશાસ્ત્રાનુસારી (ઉચ્ચારાનુરૂપ), ભાષાશાસ્ત્રની અને ગુજરાતી ભાષાના વિકાસની ખરી સરણિને અનુસરતી, જોડણી’ માટે ઉગ્ર ઊહાપોહ મચાવ્યો. એમણે નીચેના ત્રણ મુદ્દા ઉપર વિશેષ ભાર મૂક્યો : ૧, જે શબ્દોમાં હ્ બોલાતી ભાષામાં શ્રુતિગોચર હતો અને વ્યુત્પત્તિ જોતાં ખરો હતો એવા બેન, નાનું, અમે, બેરો એમ હ્ વિના લખાતા શબ્દો બ્હેન, ન્હાનું, હમે, બ્હેરો એમ હ્ સાથે લખાણમાં સ્વીકારવા. ૨, એ અને ઓના વિવૃત ઉચ્ચારને સ્વીકારવા. ૩, આંખ્ય, આવ્ય એવા શબ્દોમાં લઘુપ્રયત્ન યકારનો સ્વીકાર કરવો. પોતાનાં મંતવ્યોનો સત્તાવાર સ્વીકાર થાય તે માટે તેમણે જાન્યુઆરી ૧૮૮૮માં કેળવણી ખાતાના મુખ્યઅધિકારીને આ પુસ્તિકા મોકલી આપીને આગ્રહ સેવ્યો કે આ વિષયની વ્યવહારુ વિચારણા થવી જોઈએ. કેટલોક વખત એની સાધક-બાધક ચર્ચાઓ ચાલ્યા કરી. ૧૮૯૩માં કાવસજી સંજાણા અને રુસ્તમજી શેઠના એક અંગ્રેજી-ગુજરાતીકોશ તૈયાર કરવા તત્પર થયા એટલે એમને ગુજરાતી શબ્દો નિયમસર લખાય એવી જરૂરિયાત ઊભી થઈ અને એ માટે એમણે નિયમો ઘડી આપવાની કામગીરી કેશવ હર્ષદ ધ્રુવને સોંપી. ધ્રુવે નિયમો ઘડ્યા અને એમાં નરસિંહરાવનાં કેટલાંક મંતવ્ય સ્વીકાર્યાં પણ ખરાં. એમણે વિવૃત એ-ઓનો સ્વીકાર કર્યો પણ હશ્રુતિ બાબતના નરસિંહરાવના મત અંગે મૌન સેવ્યું હતું. એ જ વર્ષમાં વડોદરાની ‘કલાભવન’ સંસ્થા તરફથી પણ જોડણીની નિયમાવલિ તૈયાર થવા પામી હતી જેમાં પણ નરસિંહરાવનાં કેટલાંક મંતવ્યોનો સ્વીકાર હતો ને યશ્રુતિ તથા હશ્રુતિનો ઉલ્લેખ જ ન હતો. આ નિયમોની સંખ્યા ૨૩ની હતી. ૧૮૯૬માં ગોવર્ધનરામ ત્રિપાઠી જોડણીની ચર્ચામાં જોડાયા. તેમણે એ વર્ષના છેલ્લા ત્રિમાસના ‘સમાલોચક’માં એક લાંબો લેખ લખી પોતાના તરફથી જોડણીના નિયમો રજૂ કર્યા. અલબત્ત, એમાં ચર્ચાનો સૂર વિશેષ હતો. નરસિંહરાવની હશ્રુતિની ચર્ચા બાબત ગોવર્ધનરામે આ પ્રમાણે જણાવ્યું હતું : ‘જે શબ્દોમાં હ સર્વત્ર બોલાતો હોય ત્યાં લખવો અને હ પહેલાંનો સ્વર ન બોલાતો હોય ત્યાં તે સ્વર ન લખવો. જેમકે મ્હેં, ત્હેં લખવું પણ અમારા-અમ્હારા એવા બે ઉચ્ચાર થાય છે ત્યાં એકલું અમારા લખવું’ ગોવર્ધનરામ ત્રિપાઠીની ચર્ચા ૧૮૯૬માં પ્રસિદ્ધ થઈ એ જ અરસામાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કશુંક નિશ્ચિત કરવાના હેતુથી આગળ આવી. ઓક્ટોબર-નવેમ્બર ૧૮૯૬ના સુમારમાં એ સોસાયટીએ રમણભાઈ નીલકંઠ, માધવલાલ હરિલાલ દેસાઈ અને લાલશંકર એ ત્રણની સમિતિ બનાવીને જોડણીના નિયમો ઘડી આપવાની કામગીરી સોંપી. આ સમિતિએ કેશવ હર્ષદ ધ્રુવ વગેરે કેટલાક એ વિષયના નિષ્ણાતની સલાહ લેવી એમ સૂચવ્યું હતું. આ પ્રવૃત્તિનું મૂળ એ હતું કે ડાયરેકટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રક્શને મૌખિક કહેલું કે ‘યોગ્ય લાગશે તો શાળાખાતાનાં પુસ્તકો આ જોડણી મુજબ પ્રસિદ્ધ કરાશે.’ સોસાયટીએ નીમેલી સમિતિનું પરિણામ શું આવ્યું તે જણાયું નથી, પણ સવા વર્ષ બાદ સોસાયટીએ શાળાખાતા સાથે જોડાઈને શાળાખાતાના બે (માધવલાલ હરિલાલ દેસાઈ તથા કમળાશંકર ત્રિવેદી) અને પોતાના બે (લાલશંકર તથા રમણભાઈ નીલકંઠ) એમ ચાર જણને આ કામગીરી ફરી સુપરત કરી. આ સમિતિએ પોતાની નક્કર કામગીરી શરૂ કરી અને અવારનવાર ‘બુદ્ધિપ્રકાશ’ જેવા સામયિકમાં તેમજ નરસિંહરાવ તથા છોટાલાલ નરભેરામ જેવા જાણકારોને પત્રથી પોતાનાં મંતવ્યો ચર્ચા માટે રજૂ કર્યાં અને એમ ચારેક વર્ષમાં કેટલીક સારી એવી નિયમાવલિ તૈયાર કરી. નરસિંહરાવે ‘સુદર્શન’ના ૧૮૯૯ના માર્ચથી ઓગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૦૦ સુધીના અંકોમાં આ અંગે ચર્ચા કરેલી છે. પાછાં ચારેક વર્ષ વિરામનાં વીત્યા ને ૧૯૦૪માં ‘વાચનમાળા’ના સંશોધનની યોજના શરૂ થઈ એટલે આ તૈયાર થયેલી નિયમાવલિ ફરી પાછી ચર્ચાની એરણ ઉપર આવી. એ અંગે જે વિગત જાણવા મળે છે તે એટલી જ છે કે સમિતિની બેઠક પચીસમી જુલાઈ ૧૯૦૪માં અમદાવાદમાં મળી હતી અને એણે ‘જોડણીના નિયમોનો કાચો ખરડો’ તૈયાર કરી કાઢ્યો હતો. આ ખરડો ‘બુદ્ધિપ્રકાશ’ના સપ્ટેમ્બર ૧૯૦૪ના અંકમાં પંદર નિયમો રૂપે પ્રસિદ્ધ થયો છે. આ નિયમો ઉપર શંભુપ્રસાદ શિવપ્રસાદ મહેતાએ ચર્ચાપત્ર દ્વારા ઓક્ટોબર, ૧૯૦૪ના ‘બુદ્ધિપ્રકાશ’માં કેટલીક શંકાઓ જણાવી છે. આ બધા તબક્કાઓ વટાવ્યા છતાંય જોડણીના નિયમોનું ચોક્કસ સ્વરૂપ પકડાતું ન હતું એટલે ગુજરાતી સાહિત્ય પરિષદ મંડળ આ અરસામાં ક્રિયાશીલ બનેલું જોવા મળે છે. જુલાઈ ૧૯૦૫માં અમદાવાદમાં પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદ મળી અને એમાં નરસિંહરાવે જોડણી સુધારાના વિષયને ચર્ચતો એક નિબંધ રજૂ કરતાં જોડણીના પ્રશ્નનું અન્વેષણ કરવા અને બીજી પરિષદ મળે ત્યારે દરખાસ્તો રજૂ કરવા એક સમિતિ નીમવામાં આવી. આ સમિતિ છ વર્ષ સુધી ખાસ કામ ન કરી શકી પણ ૧૯૧૨માં તેણે ચોથા અધિવેશન વખતે પોતાની ભલામણો રજૂ કરી. ત્યારબાદ સામયિકોમાં ઉગ્ર ચર્ચાઓ ચાલ્યા કરી. આનંદશંકર ધ્રુવ જેવા અત્યાર સુધી અળગા રહેલા વિદ્વાનો પણ એમાં પોતાનો મત આપતા થયા, પણ ઘણો સમય વીતવા છતાં નિયમો સર્વસંમત ન થઈ શક્યા. તારીખ પાંચમી જૂન ૧૯૨૯ના રોજ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના કાર્યાલયમાં સાહિત્ય પરિષદ, કેળવણીખાતું, અને ગૂજરાત વિદ્યાપીઠના નિષ્ણાતોને બોલાવીને વિચારણા શરૂ કરાઈ. આ સભાએ એક પેટાસમિતિ નીમી અને એને અંતિમ નિર્ણયની કામગીરી સોંપી. આ પેટાસમિતિ મળી શકી નહિ અને જે થયું હતું તે એળે ન જાય એવા ઉદ્દેશથી ૧૮ નિયમો રૂપે પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું. આ નિયમો ભાષાના સમગ્ર સ્વરૂપને આવરી લેતા હોય એવા છે. પરંતુ સર્વમાન્ય થવાનું સદ્ભાગ્ય આ નિયમોને ન સાંપડ્યાું. સર્વસ્વીકૃતિનું માન આ જ વર્ષમાં પ્રસિદ્ધ થયેલ ગૂજરાત વિદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ’માં પ્રસિદ્ધ થયેલ જોડણીના ૩૩ નિયમોને મળ્યું. એ નિયમો જનજાગૃતિ અને સ્વરાજના આંદોલનના રાષ્ટ્રિય વાતાવરણમાં તૈયાર થયા હતા. કાલેલકરે આ કોશની પ્રસ્તાવનામાં એનો ટૂંકો ઇતિહાસ આપ્યો છે. ગુજરાતી ભાષા હજુ બહુજન માન્ય જોડણી મેળવી શકતી નથી એ વાત યરોડાના જેલવાસ દરમ્યાન મહાત્મા ગાંધીજીને ખટકી અને એમણે જાહેર કર્યું કે આ દુર્દશા દૂર થવી જ જોઈએ. જેલમાંથી બહાર આવતાં જ એ માટે એમણે ત્રણ જણને એ કામ સોંપ્યું અને શાસ્ત્રીય શુદ્ધિ અને રૂઢિ બંનેનો સમન્વય સધાય એવી રીતે જોડણીના નિયમોનો સંગ્રહ કરી તે પ્રમાણેનો એક જોડણીકોશ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રગટ કરવા સૂચના આપી. આ ત્રણ જણે નિયમો કર્યા તે રામનારાયણ વિ. પાઠક, છોટાલાલ પુરાણી, કાળિદાસ દવે અને નરહરિ પરીખની સમિતિએ ચકાસીને સ્વીકારી લીધા. કોશના બાકીના કામમાં તો મગનભાઈ દેસાઈએ સંભાળેલી મુખ્ય કામગીરીને વિશ્વનાથ ભટ્ટ, ચંદ્રશંકર શુક્લ, મોહનભાઈ શં. પટેલ ઇત્યાદિ ઘણાની મદદ મળી હતી. ૧૯૩૬માં ગાંધીજીના પ્રમુખસ્થાને અમદાવાદમાં ભરાયેલી બારમી ગુજરાતી સાહિત્ય પરિષદે એક ઠરાવથી ગૂજરાત વિદ્યાપીઠના ૧૯૨૯માં ઘડાયેલા જોડણીના નિયમોનો સમાદર કર્યો. ૧૯૪૦માં એ વખતના (સંયુક્ત) મુંબઈ રાજ્યે આ જોડણી મુજબનાં પાઠ્યાપુસ્તકોને જ માન્યતા આપવા આદેશ બહાર પાડ્યો. ધીમે ધીમે અન્ય પ્રકાશનોમાં પણ આ નિયમો મુજબની જોડણી અમલમાં આવી અને કોશના ઊઘડતા પાને જ ગાંધીજીએ ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી’ એમ કહેલું એ વચન લગભગ બધે સ્વીકારાયું. જોડણીના આ ઇતિહાસ સાથે કે. કા. શાસ્ત્રીને પણ યાદ કરવા જોઈએ. જોડણીક્ષેત્રે એમણે ઘણી વિચારણા કરેલી છે. ૧૯૨૯માં ‘બુદ્ધિપ્રકાશ’માં એમનો ‘મૂર્ધન્યતર ડ-ઢ અને જિહ્વામૂલીય ળ’ લેખ છપાયો તેની પ્રશંસા નરસિંહરાવ દિવેટિયા અને બ. ક. ઠાકોર દ્વારા વળતા જ અંકમાં કરાઈ હતી. ૧૯૩૬ની બારમી ગુજરાતી સાહિત્ય પરિષદની વિષયવિચારિણીમાં વિદ્યાપીઠની જોડણીને માન્ય કરતો ઠરાવ કનૈયાલાલ મુનશીએ મૂક્યો ત્યારે કે. કા. શાસ્ત્રીએ એમાંની કેટલીક બાબતો અંગે પોતાની શંકાઓ વ્યક્ત કરી હતી. પછી તો વ્યાકરણ અને કોશ અંગે ઘણાં પ્રકાશન તેમના હાથે થયાં છે અને આ નિયમોની વિગતે વારંવાર ચર્ચા પણ તેમણે કરી છે. ૨૮ જોડણીનિયમોનો એક સ્વતંત્ર ખરડો પણ તેમના હાથે થયો છે અને વિદ્યાપીઠના ૩૩ નિયમોની નિયમવાર આલોચના પણ તેમના દ્વારા થવા પામી છે. તેમણે સૂચવ્યું છે કે લેખન અને ઉચ્ચારણમાં એકરૂપતા જ્યાં ક્યાંય પણ ન હોય તેનો વિચાર કરી બિનજરૂરી અપવાદોને આપણે દૂર કરવા જોઈએ. યશ્રુતિ ઉચ્ચરિત હોય તેવા કરિયે, છિયે, ફરિયે જેવાં ક્રિયાપદોનાં રૂપોમાં ચાલુ રહેવી જોઈએ. વશ્રુતિ બાબત પણ ‘ધુએ-ધુઓ, જુએ-જુઓ’ની પેઠે (સૂએ-સૂઓ, મૂઓ નહિ પણ) સુએ-સુઓ, મુઓ કરી લેવું જોઈએ. હશ્રુતિ (મહાપ્રાણિત સ્વરોચ્ચારણ) માટે સ્વર પછી વિસર્ગનું ચિહ્ન યોજવું જોઈએ. સંયુક્ત વ્યંજનોમાં અલ્પપ્રાણ વત્તા મહાપ્રાણ જ યોગ્ય છે, મહાપ્રાણ વત્તા મહાપ્રાણ નહિ; તેથી પત્થર, ચોક્ખું અશુદ્ધ ન કહેવાય. ઇ-ઉ વિશે પણ એમ જ છે : ‘કબૂલવું’ ઉપરથી ‘કબુલાવવું’ કર્યું તો ‘ખરીદવું’ ઉપરથી ‘ખરીદાવવું’ ન સ્વીકારાય, ‘જીવવું’નું ‘જિવાડવું’ કરી લેવાય તો ‘દીપવું’ ‘પીડવું’નાં ‘દીપાવવું’, ‘પીડાય’ શા માટે થાય? આ નિયમો સાથે નાનાલાલ, બળવંતરાય, બચુભાઈ રાવત, સ્વામી આનંદ જેવા કેટલાકે ક્યાંક નાનીનાની અસંમતિઓ બતાવી છે. હરિવલ્લભ ભાયાણીએ વ્યુત્પત્તિઓ તપાસતાં ક્યારેક આ નિયમોને પણ ચર્ચામાં લીધા છે; પણ તેમણે (વ્યુત્પત્તિના વિગતે નિયમો સહિત) ‘ગુજરાતી ભાષાનો લઘુ વ્યુત્પત્તિકોશ’ આપી જોડણીના ક્ષેત્રને (નરસિંહરાવની જેમજ) કેટલીક આડકતરી મદદ કરી છે. ટી. એન. દવે, પ્રબોધ પંડિત, યોગેન્દ્ર વ્યાસ, જયંત કોઠારી, ભારતી મોદી, શાંતિભાઈ આચાર્ય, અરવિંદ ભંડારી, દયાશંકર જોષી, ઊર્મિ દેસાઈ ઇત્યાદિએ પણ ભાષાવિજ્ઞાનની નવી હવાના સંદર્ભમાં જોડણીવિચારની આકરી પરીક્ષા લીધી છે. લિપિ, ઉચ્ચાર, જોડણીનિયમ બધામાં એમણે અનેક સુધારા સૂચવ્યા છે. મહેન્દ્ર મેઘાણી જેવા લિપિમાં નવા સુધારા માટે મથે છે તો મુનિ હિતવિજયજી જેવા જોડાક્ષરની જૂની પ્રથાને વળગી રહેવા હિમાયત કરે છે. કાંતિલાલ સૂતરિયા, વિઠ્ઠલભાઈ મથુરભાઈ પટેલ, રતિલાલ સાં. નાયક, યશવંત દોશી, રામજીભાઈ પટેલ, સી. કે. આક્રૂવાલા, ઉમાકાન્ત રાજ્યગુરુ જેવા કેટલાકે નાની નાની પુસ્તિકાઓ દ્વારા જોડણી નિયમોને ગતિશીલતા બક્ષી છે. ‘સુન્દરમે’ ‘અનુસ્વારઅષ્ટક’ લખ્યું છે ને મોહનભાઈ શં. પટેલ તથા ચંદ્રકાંત શેઠે ‘વિરામચિહ્નો’ પુસ્તક આપ્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતરાજ્ય ભાષાનિયામકની કચેરી, ગુજરાતરાજ્ય શાળા પાઠ્યાપુસ્તકમંડળ, યુનિવર્સિટી ગ્રન્થનિર્માણ બોર્ડ જેવી સંસ્થાઓએ પણ એમનાં ભાષાવિષયક ઘણાં પ્રકાશનો દ્વારા જોડણીના નિયમો અંગે ચર્ચાનો દોર ચાલુ રાખ્યો છે. ર. ના.