ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી રાસસાહિત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">ગુજરાતી રાસસાહિત્ય: લૌકિક ચરિત્રોને આધારે ર...")
(No difference)

Revision as of 09:34, 24 November 2021



ગુજરાતી રાસસાહિત્ય: લૌકિક ચરિત્રોને આધારે રચાયેલી રાસકૃતિઓ ભારતીય કથાસાહિત્યની સમૃદ્ધ પરંપરાનું ઉજ્જ્વળ અનુસન્ધાન છે. ઐતિહાસિક ચરિત્ર અને ધાર્મિક ચરિત્રોને આધારે કથાનું નિર્માણ અને એનાં કથાકથનની પ્રતિભાનો પરિચય પણ કેટલાક જૈન મુનિઓની રાસકૃતિઓ દ્વારા થાય છે. આ રાસકૃતિઓમાં મધ્યકાલીન ગુજરાતનાં ઐતિહાસિક વ્યાકરણની પણ વિપુલ સામગ્રી હોઈને એ દૃષ્ટિએ પણ એનું મહત્ત્વ છે. ૧૧૮૮માં શાલિભદ્રસૂરિ દ્વારા રચાયેલી ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ ભરત અને બાહુબલિના પ્રચલિત કથાનકની બળકટ અભિવ્યક્તિને કારણે અત્યંત મહત્ત્વની રાસકૃતિ છે. વિજયસેનસૂરિકૃત ‘રેવંતગિરિરાસ’ તથા ૧૩૫૦ માં રચાયેલી શાલિભદ્રસૂરિકૃત ‘પંચપાંડવચરિતરાસ’ અને વિનયપ્રભકૃત ‘ગૌતમસ્વામીરાસ’ પણ મહત્ત્વની રચનાઓ છે. આ સમય દરમિયાન ‘નલદવદંતીરાસ’, ‘સાગરદત્તરાસ’, ‘કુમારપાળચરિત’ અને ‘સમરારાસ’ જેવી ચરિત્રમૂલક તથા ‘જ્ઞાનપંચમીરાસ’ અને ‘શીલરાસ’ જેવી ધર્મ-સિદ્ધાંતોને આલેખતી કૃતિઓ પણ આલેખાયેલી છે. આ ઉપરાંત કથાનક સંદર્ભે અત્યંત મહત્ત્વની ‘હંસરાજ વચ્છરાજરાસ’ નામની લૌકિક ચરિત્રમૂલક રાસકૃતિ પણ આ ગાળા દરમિયાન રચાઈ છે. આમ ચૌદમી સદી સુધીમાં રાસ સ્વરૂપમાં વિવિધ વિષયોના નિરૂપણનો આરંભ થયેલો જોઈ શકાય છે. એ પ્રકારની પરંપરા આ સમયગાળા દરમ્યાન દૃઢ પણ બને છે. ૧૪૮૮માં રચાયેલી નરપતિકૃત ‘વિક્રમાદિત્યરાસ’ ૧૪૮૮માં રચાયેલી વચ્છકૃત ‘મૃગાંકલેખારાસ’ ઉપરાંત દર્શનસાગરકૃત ‘આદિનાથજીનો રાસ’, રામવિજયકૃત ‘શાંતિનાથ ભગવાનનો રાસ’, ‘વસ્તુપાલ તેજપાલનો રાસ’ અને લબ્ધિવિજયકૃત ‘હરિબલમચ્છીરાસ’, ‘વિદ્યાવિલાસ પવાડો’ જેવી ધર્મચરિત્ર, ઐતિહાસિક ચરિત્ર અને લૌકિક ચરિત્રને આલેખતી રાસકૃતિઓ પંદરમી સદીની અત્યંત મહત્ત્વની રચનાઓ છે. કેટલીક રાસકૃતિઓ એમાંની લૌકિક કથાપ્રકૃતિઓને કારણે, ‘રત્નચૂડરાસ’ એમાંનાં અનેક ઉપકથાનકોને કારણે, ‘વસ્તુપાલ તેજપાલનો રાસ’, ‘ભાવડરાસ’ અને ‘વિમલપ્રબંધ’ એમાંનાં ઇતિહાસ તથા દંતકથાઓને કારણે અત્યંત મહત્ત્વનું સ્થાન-માન પ્રાપ્ત કરનારી રચનાઓ પણ આ ગાળા દરમિયાન રચાયેલી છે. સોળમી શતાબ્દીમાં રચાયેલ ઉદયભાનુકૃત ‘વિક્રમચરિત્રરાસ’ એમાંના લૌકિક કથામૂલક પ્રસંગનિરૂપણને કારણે સમગ્ર પરંપરામાં મહત્ત્વનો છે. ઉપરાંત જૈનકથાસાહિત્યની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની રચનાઓમાં અગ્રસ્થાને અંબદેવસૂરિકૃત ‘સમરારાસ’, જયવંતસૂરિકૃત ‘ઋષિદત્તારાસ’ અને મંગલમાણિક્ય કૃત ‘અંબડવિદ્યાધરાસ’ મૂકી શકાય. સત્તરમી શતાબ્દી દરમ્યાન રચાયેલ રાસમાંના સમયસુંદરકૃત ‘સાંબપ્રદ્યુમ્નરાસ’, ‘સીતારામચોપાઈ’ અને ‘દ્રૌપદીચોપાઈ’ છે. કનકસુંદરકૃત ‘હરિશ્ચંદતારાલોચનીરાસ’ જૈન મહાભારતકથાને કેન્દ્રમાં રાખીને રચાયેલી હોવાને કારણે તથા અભિવ્યક્તિના આગવા સ્વરૂપને કારણે મહત્ત્વની છે. અકબરપ્રબોધક હીરવિજયસૂરિના ચરિત્રને કેન્દ્રમાં રાખીને રચાયેલો ‘હીરવિજયસૂરિાસ’ પણ મહત્ત્વનો છે. જૈન ચરિત્રોને આલેખતી સમયસુંદરકૃત ‘મૃગાવતીચરિત ચોપાઈ’, ‘ઋષભદાસકૃત ‘કુમારપાળરાસ’, ગુહાવિજયકૃત ‘ઘન્નાશાલિભદ્ ચોપાઈ’, જયરંગકૃત ‘કવયન્ના શાહનો રાસ’, યશોવિજયકૃત, ‘જંબુસ્વામીરાસ’, લબ્ધોદયગણિકૃત ‘પદ્ધિનીચરિતચોપાઈ’ વિનયચંદ્રકૃત ‘ઉત્તમકુમાર ચરિતરાસ’ તથા ઋષભદાસકૃત ‘ભરતબાહુબલિરાસ’ કૃતિઓ પણ ઉલ્લેખનીય રચનાઓ છે. જૈન ક્રિયાકાંડો, મૂલ્યોને વિષય બનાવીને રચાયેલી ઋષભદાસકૃત ‘હીતશિક્ષારાસ’, નેમવિજયકૃત ‘શીલવતીરાસ’ દીપવિજયકૃત ‘મંગલકલશરાસ’ પણ રાસસાહિત્યની પરંપરામાં વિષયસામગ્રીની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. અઢારમી શતાબ્દી દરમ્યાન રચાયેલ જ્ઞાનવિમલકૃત ‘ચંદ્ર કેવલીનો રાસ’, ‘અશોકચંદ્રરોહિણીરાસ’, ગંગવિજયકૃત ‘કુસુમશ્રીરાસ’, મોહનવિજયકૃત ‘ચંદરાજાનો રાસ’, ‘જિનવિજયકૃત ‘ધન્નાશાલીભદ્રરાસ’, લબ્ધિવિજયકૃત ‘હરિવલમચ્છરાસ’, રામવિજયકૃત ‘શાંતિનાથ ભગવાનનો રાસ’ અને દર્શનસાગરકૃત ‘આદિનાથજીનો રાસ’ તથા વીરવિજયકૃત ‘ધમ્મિલકુમારાસ’ મહત્ત્વની રાસકૃતિઓ છે. રાસા, પ્રબંધ, પવાડા અને પદ્યવાર્તા એમ બહુધા ચાર જેટલા સ્વરૂપમાં જૈન કથાસાહિત્ય સમાવિષ્ટ છે. ૧૫૦૦ જેટલા મધ્યકાલીન જૈનકર્તાઓએ પોતાની રીતે સર્જન કરીને જૈનકથાસાહિત્યને સમૃદ્ધ બનાવેલું છે. મોહનલાલ દલીચંદ દેસાઈએ કહ્યું છે તેમ જૈનધર્મ ચરિતાનુયોગી હોઈ એમાં ચરિત્રને ઉપસાવતું સાહિત્ય સવિશેષ છે. હિન્દના કોઈ સંપ્રદાયમાં ચરિત્રવિષયક આટલું વિપુલ સાહિત્ય સર્જાયેલું નથી. આ ચરિત્રાત્મક સાહિત્યમાં સૌથી વધુ સર્જાયેલું છે, રાસસાહિત્ય. પ્રારંભે રાસાઓ અભિનયમૂલક અને પ્રસ્તુતીકરણ માટે જ હતા. પરંતુ પછી એમાં પરિવર્તન આવતું ગયું અને રાસ ગાન તથા પઠન માટે પણ સર્જાતા થયા. એટલે પછીની રચનાઓ વર્ણનાત્મક-કથનાત્મક અને પાઠ્ય બનતી ગઈ. એની અભિનયક્ષમતા ઘટતી ગઈ. પણ તેમ છતાં આ સ્વરૂપ પ્રસ્તુતિમૂલક કળાની નજીક રહ્યું જ. અલગ જૂથમાં સમૂહ સમક્ષ ઉત્સવ પ્રસંગે જિનાલયમાં કથા રૂપે એની રજૂઆત થતી રહેલી. એ રીતે એનું વર્ચસ્ તો છેક સુધી ટકી રહ્યું ગણાય. વિષયસામગ્રીની દૃષ્ટિએ આ વિપુલ રાસસાહિત્યનું નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ક. ૧, લૌકિકકથાત્મક રાસાઓ ૨, ધાર્મિકકથાત્મક રાસાઓ ૩, વ્રતકથામૂલક રાસાઓ. ખ ૧, ઐતિહાસિકચરિત્રાત્મક રાસાઓ, ૨, પૌરાણિક ચરિત્રાત્મક રાસાઓ. ગ ૧, રૂપકાત્મકરાસાઓ ૨, બોધાત્મકરાસાઓ ૩, સાંપ્રદાયિક વિધિવિધાનને આલેખતા રાસાઓ.

આવી વિપુલ અને સત્ત્વશીલ એવી મધ્યકાલીન જૈનકથાસાહિત્યની ધારામાં ઐતિહાસિક કે પૌરાણિક એમ બન્ને પ્રકારના રાસમાં પ્રાસ, અનુપ્રાસ, અન્ય અલંકારો અને છંદવિનિયોગ તથા કથાનકને રસપ્રદ રીતે વિભાજિત કરીને ક્રમશ: રજૂઆત તો હોય જ. પરંતુ પૌરાણિક ચરિત્રો પર આધારિત જે રાસકૃતિઓ રચાઈ છે એમાં કલ્પનાતત્ત્વનું નિરૂપણ નહિવત્ છે. જ્યારે ઐતિહાસિક ચરિત્રો પર આધારિત જે રાસકૃતિઓ છે એમાં કર્તાના કલ્પનાતત્ત્વના ઉમેરણને સારો એવો અવકાશ મળી રહે છે. ચરિત્ર સાથે સંકળાયેલ નગર, યુદ્ધ કે અન્ય ચરિત્રો અને પ્રસંગોનું વર્ણન તે પોતાની રીતે કરે છે. કેટલાંક ઉદાહરણોમાં મુખ્ય ચરિત્ર માનવભાવોયુક્ત પ્રસંગોને કારણે વિશેષ સ્પર્શક્ષમ બનેલું દૃષ્ટિગોચર થાય છે. આમ, અહીં રાસસર્જનમાં રાસકર્તાને એની સર્જકપ્રતિભાનો પરિચય કરાવવાની ભરપૂર તક મળી રહે છે. કેટલાક રાસકર્તાઓએ આ તકને સરસ રીતે ઝડપેલી છે.

હજારેક વર્ષના લાંબા પટ પર ફેલાયેલ આ સ્વરૂપ વિકસતું ગયું હોય અને એમાં ફેરફારો થતા રહ્યા હોય એટલે પર્યાય રૂપે જુદીજુદી સંજ્ઞાઓ અસ્તિત્વમાં આવી હોય એ સ્વાભાવિક છે. રાસસંજ્ઞાનો ઉલ્લેખ તત્કાલીન બે-ચાર આખ્યાનકારોએ પોતાનાં આખ્યાનમાં ક્યાંક કર્યો હોય, તથા બે-ચાર રાસમાં આખ્યાનસંજ્ઞા પ્રયોજાઈ હોય એ કારણે આપણે ત્યાં કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, અનંતરાય રાવળે આખ્યાન અને રાસ એક જ પ્રકારનાં સ્વરૂપ છે, બન્ને અભિન્ન છે એવા ભાવનાં વિધાનો કર્યાં છે, તે ઉચિત નથી. બ.જા.