ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી વ્યાકરણલેખન: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુજરાતી વ્યાકરણલેખન'''</span>: વ્યાકરણલેખનનું ત...") |
(No difference)
|
Revision as of 10:28, 24 November 2021
ગુજરાતી વ્યાકરણલેખન: વ્યાકરણલેખનનું તો ૧૧૧૨માં હેમચંદ્રાચાર્ય-લિખિત ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ (પ્રાકૃતના વ્યાકરણગ્રન્થ)નું હાથીની અંબાડીએ ચઢાવી ગુજરાતે જાહેર સન્માન કર્યું છે. ગુજરાતીનાં એમાં મૂળિયાં હતાં પણ એ ગુજરાતી ભાષાનું વ્યાકરણ નહોતું. ૧૮૧૮માં ‘ધ નેટિવ સ્કૂલ બુક ઍન્ડ સ્કૂલ સોસાયટી’ મુંબઈ ઇલાકાની ‘દેશી ભાષામાં શિક્ષણ’ની પ્રવૃત્તિના એક ભાગ રૂપે હયાતીમાં આવી. એના દ્વારા ૧૮૨૧માં શિલાછાપમાં મરે નામના લેખકના અંગ્રેજી ‘ગ્રામર’નું ભાષાંતર પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ૧૮૫૯માં ટી.સી.હોપનું ‘ગ્રામર ઑફ ગુજરાતી લૅન્ગ્વેઝ’ પ્રસિદ્ધ થયું. ગુજરાતી વ્યાકરણનાં અંગોનો પરિચય એમાં અંગ્રેજી ભાષા દ્વારા અપાયો હતો. ૧૮૮૯માં ડી. ડી. દલાલનું આવું પણ અતિ સામાન્ય કક્ષાનું ‘મૅન્યુઅલ ઑફ ગુજરાતી ગ્રામર’ પ્રસિદ્ધ થયું. એમ તો અગાઉ ૧૮૦૮માં રોબર્ટ ડ્રમન્ડનું ‘ઇલસ્ટ્રેશન્સ ઑફ ગ્રામેટિકલ પાર્ટ્સ ઑફ ધી ગુજરાતી, મરાઠી, ઇંગ્લિશ, લેંન્ગ્વિજિઝ’ પ્રસિદ્ધ થયું હતું પણ એ પૂરું વ્યાકરણ નહોતું. વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રીનાં ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ’(૧૮૬૬) અને ‘ઉત્સર્ગમાળા’(૧૮૬૬) તરફ તે વખતના ભાષાપ્રેમી પાદરી રેવ. જોસેફ વૉન સોમરેન ટેલરનું ધ્યાન ગયું ને તેમની જરૂરી મદદ લઈ ટેલરે ૧૮૯૩માં અંગ્રેજી માધ્યમથી ‘ધી સ્ટુડન્ટ્સ ગુજરાતી ગ્રામર’ લખી પ્રગટ કર્યું જે ખરા અર્થમાં ગુજરાતી ભાષા માટેનું પ્રથમ વ્યાકરણ નીવડી રહ્યું. ટેલરના આ વ્યાકરણની પ્રસિદ્ધિના એક વર્ષ અગાઉ કલેઅર ટિસ્ડેલનું ‘સિમ્પલીફાઈડ ગ્રામર ઑફ ગુજરાતી’ લખાયેલું પણ તે અતિ સામાન્ય કક્ષાનું હોઈ ચલણમાંથી નીકળી ગયું ને ટેલરનું વ્યાકરણ શાળાઓમાં તેમજ સામાન્ય વ્યવહારમાં ચલણી બન્યું. આવી જ દશા રૂસ્તમજી સોરાબજીના ‘ગ્રામર ઑફ ગુજરાતી લેન્ગ્વિજ’(૧૮૪૫), એદલજી સાપુરજીના ‘ગ્રામર ઑફ ગુજરાતી લેન્ગ્વિજ’(૧૮૬૬) અને મંચેરજી પાલનજી કૈકોબાદના ‘ધી પ્રિન્સિપલ ઑફ ગુજરાતી ગ્રામર ઇન ઇંગ્લિશ’(૧૮૯૦)ની થવા પામી. ટેલરના વ્યાકરણની માંડણી અંગ્રેજી પરિપાટી અનુસાર થઈ છે તેમ છતાં તેમાં વ્યાકરણનું કાઠું બાંધવાનો સારો પરિશ્રમ દેખાય છે. એકલા અંગ્રેજી ભાષાના વ્યાકરણનો આધાર લેવાયો હતો તે ખૂંચવાથી સાથોસાથ સંસ્કૃત વ્યાકરણનો પણ ઉપયોગ કરીને ૧૮૮૬માં હરગોવિંદદાસ કાંટાવાળાએ પ્રાથમિક શાળા માટે ‘લઘુ વ્યાકરણ’ અને માધ્યમિક શાળા માટે ‘મધ્યમ વ્યાકરણ’ પ્રસિદ્ધ કર્યાં. ૧૮૬૭માં ‘નર્મકોશ’ની પ્રસ્તાવનામાં નર્મદે અને ૧૮૭૨થી ૧૮૮૮ દરમ્યાનના ‘શાળાપત્ર’ના અંકોમાં નવલરામ પંડ્યાએ ‘ગુજરાત માટે ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ની જરૂરિયાત પ્રબળ બનાવી હતી, તેને જ કાંટાવાળાએ મૂર્ત રૂપ આપવાનો પ્રયત્ન કર્યો હતો. ૧૯૧૯માં કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી નામના સંસ્કૃત ભાષાના અભ્યાસી વિદ્વાને ‘ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ’ તૈયાર કર્યું જે સાચા અર્થમાં ગુજરાતીનું એક સમૃદ્ધ વ્યાકરણ બની ખૂબ આવકાર પામ્યું. અગાઉ ‘ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ’ અને ‘ગુજરાતી ભાષાનું મધ્યમ વ્યાકરણ’ તેમણે લખેલાં. તેના જ વિશેષ રૂપે તેમનું આ ‘બૃહદ્ વ્યાકરણ’ તૈયાર થયું છે. આમાં તેમણે ગુજરાતી ભાષાનો ઇતિહાસ, ગુજરાતી શબ્દોની વ્યુત્પત્તિ, જોડણી, વર્ણ-પદ-વાક્યવિચાર, શબ્દસિદ્ધિ, પદવિન્યાસ, વાક્યપૃથક્કરણ, વિરામચિહ્ન, પ્રબંધ–પ્રકાર, કાવ્યવિચાર, વૃત્તવિચાર એમ ઘણીબધી સામગ્રી મૂકી છે. પાછળથી તેમના પુત્ર અતિસુખશંકર ક. ત્રિવેદીએ આ વ્યાકરણને ‘પાઠ્ય બૃહદ વ્યાકરણ’ નામથી સુધારી સંક્ષિપ્ત કરી ચાલુ રાખ્યું હતું. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનાં ‘ગુજરાતી લેન્ગ્વિજ ઍન્ડ લિટરેચર’ ભાગ ૧ (૧૯૨૧) અને ભાગ-૨ (૧૯૩૨) પ્રસિદ્ધ થયાં એમાં ગુજરાતી ભાષાના ઇતહાસ અને શબ્દોની વ્યુત્પત્તિ વિશે ઘણી ચર્ચા-વિચારણા થવા પામી. ૧૯૩૨માં કવિ ન્હાનાલાલે ‘વ્યવહારુ ગુજરાતી વ્યાકરણ’ પ્રસિદ્ધ કર્યું જેમાં તેમનો સંસ્કૃત અને પર્શિયન ભાષાનો અભ્યાસ અમુક અંશે ઉપયોગી થયેલો છે. પોતાના સમયમાં બોલાતી ‘ગુજરાતી’ને તેમણે લક્ષ્યમાં લઈ આ નાનકડા રસાળ વ્યાકરણની રચના કરી છે. દરમ્યાન ગુજરાતી ભાષાના વિકાસની ચર્ચા થતી રહી છે. કેટલાક વિદ્વાનોએ એમાં શબ્દસામગ્રી અંગે ચોક્કસ ચર્ચા ચલાવી છે, જેમાં ભોગીલાલ જ. સાંડેસરાનું ‘શબ્દ અને અર્થ’ (૧૯૫૪) નોંધપાત્ર બની રહે છે. દરમ્યાન કેશવરામ કા. શાસ્ત્રી જૂની ગુજરાતી ભાષાના વ્યાપક અભ્યાસ પછી વિવિધ વ્યાકરણગ્રન્થ આપે છે: ‘ગુજરાતી ક્રમિક વ્યાકરણ ભાગ-ત્રીજો’ (૧૯૪૬), ‘ગુજરાતી ભાષાલેખન’ (૧૯૪૭), ‘ગુજરાતી ભાષાશાસ્ત્ર’ ખંડ: બીજો’ (૧૯૬૦), ‘ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર’ (૧૯૬૩) અને ‘ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ’(૧૯૬૯) આ વ્યાકરણગ્રન્થો દ્વારા તેઓ બોલાતી ગુજરાતી ભાષાની ખાસિયતોને ઘણે અંશે વિચારણામાં મૂકી શક્યા છે. કાન્તિલાલ બળદેવરામ વ્યાસનું ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને શુદ્ધલેખન’ (માધ્યમિક કક્ષા માટે) અને ‘ભાષા, વૃત્ત અને કાવ્યાલંકાર’ (કૉલેજ-કક્ષા માટે ૧૯૪૫), સાકરલાલ અમૃતલાલ દવેનું ‘વ્યાકરણના સહેલા પાઠો: ૧, ૨, ૩, (૧૯૪૫), રણછોડજી દેસાઈ અને જયંતિલાલ મહેતાનું ‘ગુજરાતી વ્યાકરણ અને લેખનરચના’(૧૯૪૫), કાન્તિલાલ સુતરિયા, રમેશચંદ્ર આચાર્ય, મણિલાલ પંડિતનું ‘ભાષાવિહાર’ (૧૯૪૯), ગોકળદાસ ધ. પટેલનું ‘ગુજરાતી વ્યાકરણલેખન’ (અન્ય સાથે, ૧૯૬૫), ભૂપેન્દ્ર વકીલનું ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’(૧૯૭૦), ‘જોઈએ છીએ ત્યારે’ (૧૯૪૬)મા પ્રસિદ્ધ થયેલાં મનસુખલાલ ઝવેરીના ‘ગુજરાતી ભાષા: વ્યાકરણ અને લેખન’ની વિશેષ નોંધ લેવી જ રહી. ઝવેરીએ સંસ્કૃત અને અંગ્રેજી બંને પરિપાટી અનુસાર તેમના પુસ્તકની રચના કરી છે. એ પછી ભગવદાચાર્યજી મહારાજનું ‘ગુર્જર શબ્દાનુશાસન’, જે. સી. દવેનું ‘ગુજરાતી નામક સમાસો’(૧૯૭૭), અરવિંદ ભંડારીનું ‘વિભક્તિવિચાર’(૧૯૭૫),જેવાં પ્રકાશનો થયાં પણ એમાં સમગ્ર વ્યાકરણની ચર્ચા નથી. ૧૯૭૦ પછી ગુજરાતરાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે હરિવલ્લભ ચૂ. ભાયાણીનું માર્ગદર્શન લઈ જયંત કોઠારી, નટુભાઈ રાજપરા, સુભાષ દવે, યોગેન્દ્ર વ્યાસ વગેરે દ્વારા શાળાકીય ‘ગુજરાતી વ્યાકરણ અને લેખન’ પ્રસિદ્ધ કરાવ્યું અને તરત જયંત કોઠારીનું ‘ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’ યુનિવર્સિટી ગ્રન્થનિર્માણ બૉર્ડ દ્વારા ૧૯૭૩માં અને યોગેન્દ્ર વ્યાસનું ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૧૯૭૭માં પ્રગટ થાય છે. પ્રબોધ પંડિત અને હરિવલ્લભ ભાયાણી દ્વારા છૂટક લેખો અને ભાષાવિષયક પુસ્તકો દ્વારા પશ્ચિમમાં વ્યાકરણવિષયક જે નવો વિભાગ આવેલો તે આપણે ત્યાં દાખલ થાય છે. ગુજરાતી વ્યાકરણની પરિભાષા તો બદલાય છે પણ એ સાથે ગુજરાતી ભાષાના વ્યવહારુ માળખાને તપાસી વ્યાકરણનું સ્થાન બદલાય છે. વ્યાકરણ એટલે શબ્દાનુશાસન હતું તે હવે ભાષાનુશાસન બને છે. વર્ણનાત્મક, ઐતિહાસિક અને તુલનાત્મક એમ ત્રિવિધ રીતે ભાષાવિજ્ઞાન વ્યાકરણલેખનનું અંગ બને છે. વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તો હરિવલ્લભ ભાયાણીને ગુજરાતી મૌલિક વ્યાકરણની નવેસર રચના માટે કામગીરી પણ સોંપે છે જે હજુ કારગત નથી થઈ. ભાયાણીનાં ‘વાગ્વ્યાપાર’, ‘થોડોક વ્યાકરણવિચાર’(૧૯૬૯), ‘અનુશીલનો’(૧૯૬૫), ‘ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ’(૧૯૮૮) પ્રગટ થાય છે. એ બધાંમાં વ્યાકરણવિષયક અનેક પ્રશ્નોની ચર્ચા છે, પણ જયંત કોઠારી કે યોગેન્દ્ર વ્યાસનાં વ્યાકરણોમાં જે એક જ સ્થાને ગુજરાતી વ્યાકરણની બધી સામગ્રી ઉપલબ્ધ થઈ છે એવું શક્ય નથી થયું. પ્રબોધ પંડિતનું ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’(૧૯૬૬) ગુજરાતી ભાષાની સ્વરૂપગત ચર્ચા અંગે પશ્ચિમમાં ઉદ્ભવેલી નવી વિચારણા અનુસાર, મૂલ્યવાન સામગ્રી રજૂ કરે છે. તત્પશ્ચાત્ દયાશંકર જોષી દ્વારા સંપાદિત પ્રબોધ પંડિતનું: ‘વ્યાકરણ: અર્થ અને આકાર’(૧૯૭૮) પણ વ્યાકરણનાં કેટલાંક અંગોની ભાષાવિજ્ઞાનના નવા વિભાવ મુજબ સારી પર્યેષણારૂપ પ્રકાશન બને છે. યોગેન્દ્ર વ્યાસનું ‘ભાષાસજ્જતા અને લેખનકૌશલ’(૧૯૮૫), ચંદ્રિકા પટેલનું ‘ગુજરાતી ભાષાસજ્જતા અને લેખનકૌશલ’(૧૯૮૬), મુનિ હિતવિજયજીનું ‘જોડાક્ષર વિચાર’ (૧૯૯૩), અનંત વા. જાનીનું ‘કાવ્યમય વ્યાકરણ’ (૧૯૯૦), રતિલાલ નાયકનાં ‘વિશેષ વ્યાકરણ ૫-૬-૭’ અને ‘સરળ વ્યાકરણ’ (૧૯૯૪)માં પ્રગટ થયાં છે પણ એ બધાં નાનાં ને પરંપરાગત છે. જેમ અગાઉ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાંથી લાલશંકર ત્રવાડી, પ્રેમચંદ ક. શાહ, મૂળજીભાઈ ચોકસી ને મુંબઈના ખાનગી પ્રકાશકો તરફથી ભાનુશંકર વ્યાસ, સોમાભાઈ પટેલ વગેરેનાં પ્રાથમિક કક્ષાનાં પ્રકાશનો થયાં એવાં જ આ કોઈ ને કોઈ શ્રેણી માટેના ઉદ્દેશથી લખાયેલાં છે. એમાં યોગેન્દ્ર વ્યાસનું ‘ભાષાસજ્જતા અને લેખનકૌશલ’ વિશેષપણે ઉલ્લેખનીય છે. ભાયાણીએ ઊભી કરેલી વ્યાકરણ-વિષયક નવી આબોહવાનો લાભ લઈ ઊર્મિ દેસાઈ ‘ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો’ (૧૯૭૨) અને પછી ‘વ્યાકરણવિમર્શ’ (૧૯૯૨) એ પુસ્તકો આપે છે જેમાંનું બીજું પુસ્તક વ્યાકરણને ભાષાવિજ્ઞાન સ્વરૂપે જોવાના નવા અભિગમમાં એક નોંધનીય ઉમેરારૂપ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ‘ભાષાવિમર્શ’ સામયિક દ્વારા કે ગુજરાત રાજ્યના ભાષાનિયામકની કચેરીના ‘રાજભાષા’ ત્રિમાસિક’ દસ્તાવેજી આલેખ આપતું ‘ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ’ પુસ્તકમાં તેમણે ઈ.સ. ૧૮૦૮થી ઈ.સ. ૨૦૦૬ સુધી લખાયેલાં ગુજરાતી વ્યાકરણોનો અભ્યાસ અને ફેરતપાસ કર્યાં છે. અરવિંદ ભંડારી ‘ગુજરાતી વ્યાવહારિક વ્યાકરણ’ (૨૦૧૦)માં વ્યાકરણના ઉપયોગ વિભાવોની સરળ સમજ મળે છે. નામ, ધાતુ, વિશેષણ વગેરે જેવી વ્યાકરણની સંજ્ઞાઓ સાથે સમાસપ્રક્રિયા વિશેની ચર્ચા અહીં પરંપરાગત વ્યાકરણથી જુદા પરિપ્રેક્ષ્યમાં થઈ છે. પ્રાચ્ય વિદ્યામંદિર વડોદરાના ‘સ્વાધ્યાય’ અને ફાર્બસ ગુજરાતી સભાના ‘ફાર્બસ ત્રૈમાસિક’ દ્વારા પણ વ્યાકરણલેખનને ઉપયોગી લેખસામગ્રી પ્રગટ થયા કરી છે. નવી પેઢીનાં પિંકી પંડ્યાના ગુજરાતી વ્યાકરણવિષયક ગ્રંથો પ્રગટ થયા છે. ર.ના.