ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્યનું ઇતિહાસલેખન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુજરાતી સાહિત્યનું ઇતિહાસલેખન'''</span>: ગુજરાત...")
(No difference)

Revision as of 11:45, 24 November 2021



ગુજરાતી સાહિત્યનું ઇતિહાસલેખન: ગુજરાતી સાહિત્યના અનુસન્ધાનમાં જોઈ શકાય કે મધ્યકાળમાં સાહિત્ય રચાયું તેનો ઇતિહાસ તે યુગનાં ચારસો વર્ષ દરમિયાન કોઈએ લખ્યો નથી; એની સૂઝ કે સભાનતા એ જમાનાના કોઈ લેખકમાં નહોતી. અર્વાચીનયુગમાં નર્મદને સાહિત્યના ઇતિહાસનો ખ્યાલ આવેલો અને તેણે મધ્યયુગના કવિઓનાં ટૂંકાં ચરિત્ર ઇતિહાસલક્ષી દૃષ્ટિએ રચેલાં; પણ સમગ્ર દૃષ્ટિએ મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ લખવાની યોજના તેણે કરી નહોતી. દલપતરામે પણ પ્રેમાનંદ અને શામળનો પરિચય આપતા લેખો ‘બુદ્ધિપ્રકાશ’માં લખેલા. તેમાંય ઇતિહાસદૃષ્ટિ નહોતી. સાહિત્યિક ઇતિહાસ રચવાનો પ્રથમ પ્રયત્ન ગોવર્ધનરામે કરેલો. ૧૮૯૨માં તેમણે મુંબઈની વિલ્સન કૉલેજની સાહિત્યસભા સમક્ષ Classical poets of Gujarat and their influence on Society and morals’ એ વિષય પર વ્યાખ્યાન આપેલું. તે પુસ્તક રૂપે ૧૮૯૪માં પ્રસિદ્ધ થયું. પોતે મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ આપવા ધારે છે એવી સ્પષ્ટ સમજ સાથે તેઓ આ સુદીર્ઘ નિબંધમાં નરસિંહ, મીરાં, ભાલણ, ભીમ, વચ્છરાજ, તુલસી, પ્રેમાનંદ, શામળ, અખો, દયારામ વગેરેની કવિતાનો કાવ્યતત્ત્વ, કથ્ય, તેનાં પ્રેરકબળો અને સમકાલીન સમાજ એ ચારેના પારસ્પરિક સંબંધ દર્શાવતા જઈને, વિવેચનાત્મક આલેખ દોર્યો છે. પોતે સ્વીકારેલા મર્યાદિત ફલકમાં તેઓ વિવિધ કાવ્યપ્રકારોને આવરી શક્યા નથી. એ વખતે મધ્યકાલીન સાહિત્યનું સંશોધન શરૂ જ થયેલું એટલે જૈનકવિઓ, મધ્યકાલીન ગદ્ય વગેરેનો સ્પર્શ પણ તેમણે કર્યો નથી. પરંતુ મધ્યકાલીન કવિતાના મુખ્ય પ્રેરણાસ્રોત ભક્તિઆંદોલન વિશેની માહિતી અને ચર્ચા તેમાં છે તે મહત્ત્વની ગણાય. ગોવર્ધનરામ પછી ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરીએ આ પ્રકારનો પ્રયત્ન કર્યો છે. તેમણે ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ (૧૯૧૧) આપ્યું. તેમાં તેમણે ૧૮૪૪થી ૧૯૦૮ સુધીના ૬૦ વર્ષના ગાળાના સાહિત્યનું ઊડતું અવલોકન કર્યું છે. ઇતિહાસકાર તરીકે તેમણે બે બાબતો પર ભાર મૂક્યો છે. એક, સાઠીની સાહિત્યપ્રવૃત્તિનાં પ્રેરકબળો વિગતે નિરૂપ્યાં છે, જેમાં અંગ્રેજી કેળવણી અને અંગ્રેજોના સંપર્કથી ઉદ્ભવેલાં નવાં સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક આંદોલનો, સામયિકો વગેરેની મૂલ્યવાન માહિતી છે. બીજું, કવિતા, નાટક, નિબંધ, નવલકથા, હાસ્યસાહિત્ય વગેરે સાહિત્યપ્રકારોનો વિકાસ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. વળી, અહીં ‘સાહિત્ય’ શબ્દનો ‘વાઙ્મય’ અર્થ કરીને તે સમયમાં પણ પિંગળ વગેરે તો ઠીક પણ ઇતિહાસ, ભૂગોળ અને વિજ્ઞાનનાં પુસ્તકોનો પણ વિષયવાર પરિચય આપ્યો છે. લેખકો અને તેમની સાહિત્યસેવા વિશે તેમાં વ્યવસ્થિત ઇતિહાસક્રમમાં માહિતી મળતી નથી. પણ અહીં મૂકેલી માહિતીનું દસ્તાવેજી મૂલ્ય છે. કૃષ્ણલાલ મો. ઝવેરીએ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ નિરૂપતાં ત્રણ પુસ્તકો આપ્યાં છે: Milestones of Gujarati literature (૧૯૧૪), Further milestones of Gujarati literature (૧૯૨૪) અને Present state of Gujarati Literature (૧૯૩૪). પહેલાં બે પુસ્તકોનો અનુવાદ ‘ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો’(૧૯૩૦) અને ‘ગુજરાતી સાહિત્યનાં વધુ માર્ગસૂચક સ્તંભો’(૧૯૩૦) એવા શીર્ષકથી લેખકે પોતે કરેલો છે. ત્રીજાનું સંપાદન ‘દિ.બ.કૃ. મો. ઝવેરી લેખસંગ્રહ’ શીર્ષકથી (૧૯૫૧) મંજુલાલ ર. મજમુદારે કરેલું છે. પ્રથમ ગ્રન્થમાં મધ્યકાલીન સાહિત્યનો, બીજામાં સાક્ષરયુગથી ગાંધીયુગના આરંભ સુધીના સાહિત્યનો અને ત્રીજામાં ગાંધીયુગમાં પ્રગટ થયેલાં મહત્ત્વનાં પુસ્તકોનો પરિચય મળે છે. પ્રથમ ગ્રન્થમાં ગુજરાતીની ઐતિહાસિક અને ભાષાકીય ભૂમિકા બાંધીને સૈકાવાર કવિઓનાં જીવન અને કવનની પિછાન કરાવી છે, જે આજે પ્રાપ્ય માહિતીને મુકાબલે અછડતી લાગે. બીજા ગ્રન્થમાં પ્રેરકબળો, પદ્ય, ગદ્ય, નાટક, વાર્તાનું સાહિત્ય અને કિરકોળ – એ શીર્ષકો બાંધીને વિવિધ લેખકો અને સ્વરૂપો વિશે માહિતીપ્રદ ચર્ચા કરેલી છે. ત્રીજામાં તેમના સમકાલીન સાહિત્યનો ગ્રન્થાવલોકનરૂપ પરિચય છે. લેખકે લગભગ ચાર દાયકા સુધી ‘મોડર્ન રિવ્યૂ’ માસિકમાં ગુજરાતી સાહિત્ય વિશે લખેલા લેખોનું આ સંકલન છે. તેમાં સાહિત્યિક તત્ત્વને ઉપસાવવાનું ભાગ્યે જ બની શક્યું છે. ઇતિહાસમાં આવશ્યક કાલક્રમ અને સાતત્યદૃષ્ટિ પણ પૂરતાં સચવાયાં નથી. છતાં આ પુસ્તકો વર્ષો સુધી ગુજરાતી સાહિત્યના ઇતિહાસ રૂપે વંચાતાં રહ્યાં છે. હિંમતલાલ ગણેશજી અંજારિયાકૃત ‘સાહિત્ય પ્રવેશિકા’ (૧૯૨૨)માં મધ્યકાલીન અને અર્વાચીન બંને તબક્કાનાં સાહિત્યનો પરિચય સમાવ્યો છે. તેમાં તેમણે લેખકોનો મુખ્યગૌણવિવેક દર્શાવીને જે યુગવિભાજન કર્યું છે, તેની સાથે આજનો અભ્યાસી ભાગ્યે જ સહમત થાય. તેમ છતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એ બે તત્ત્વોનો પ્રવેશ હિંમતલાલે કરાવ્યો એમ કહી શકાય. સરળ અને સંક્ષિપ્ત નિરૂપણરીતિને કારણે ગુજરાતી સાહિત્યનો પ્રાથમિક પરિચય લેવા ઇચ્છનાર માટે એ જમાનામાં આ પુસ્તક ઉપયોગી નીવડેલું. સાહિત્યના ઇતિહાસને અનેક પાસાં હોવાથી પ્રત્યેક પાસા વિશે તેના નિષ્ણાત દ્વારા લખાણ તૈયાર કરાવીને ઇતિહાસરૂપે એ બધાંનું સંકલન થાય એ પદ્ધતિએ મુંબઈની સાહિત્યસંસદે આયોજન કરીને ‘મધ્યકાળનો સાહિત્યપ્રવાહ’નું પ્રકાશન કરેલું (૧૯૨૯). એમાંની સંશોધિત સામગ્રી તેમજ વ્યવસ્થિત નિરૂપણને કારણે તે ગ્રન્થ એ વિષયમાં આજે પણ આધારભૂત ગણાય છે. તેમાં ગુજરાતની તત્કાલીન રાજકીય પરિસ્થિતિ, સંસ્કૃતસાહિત્યનાં આંદોલનો, જૈનસાહિત્ય, લોકવાર્તાની પરંપરા અને ગુજરાતની લોકવાર્તા, ભક્તિઆંદોલન અને ભક્તિસાહિત્ય એમ વિવિધ વિભાગો પાડીને દરેકનો મધ્યકાલીન સાહિત્ય સાથેનો સંદર્ભ જે તે લેખકે જોડી આપ્યો છે. કનૈયાલાલ મુનશીનું Gujarat and it’s literature (૧૯૩૫) ગુજરાતના સાહિત્યિક ઇતિહાસમાં સીમાસ્તંભરૂપ છે. અંગ્રેજીભાષી વાચકોને ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવવાના ઉદ્દેશથી તેમણે ગુજરાતી સાહિત્યની સુસંકલિત કથા રૂપે ઇતિહાસ લખ્યો છે. તેમાંના મધ્યકાલીનખંડની સંવર્ધિત આવૃત્તિ ૧૯૫૫માં ભારતીય વિદ્યાભવન તરફથી પ્રગટ થઈ હતી. આ ગ્રન્થમાં મુનશીએ આર્યસંસ્કૃતિના ઉદ્ભવ અને વિકાસની રૂપરેખા દોરીને તેનો ગુજરાતની સંસ્કૃતિ સાથેનો અનુબંધ દર્શાવ્યો છે. વળી, પૂર્વકાલીન પરંપરાઓનો સિલસિલો તેમણે પ્રત્યેક તબક્કે પ્રગટ થતાં બળોને ઉપસાવતાં જઈને સમજાવ્યો છે. અહીં સાહિત્યિક ઇતિહાસના લેખનની શિસ્ત સૌપ્રથમ ચરિતાર્થ થતી જોવા મળે છે. મધ્યકાલીન સાહિત્યની સામગ્રીને ઇતિહાસ રૂપે ગોઠવવામાં મુખ્યગૌણવિવેક અને સમગ્ર પટ પર નવા ઉન્મેશો ઉપસાવી આપે તેવી સમર્થ સંયોજનદૃષ્ટિ ધ્યાન ખેંચે છે. અર્વાચીન સાહિત્યના તેમણે પાડેલા સમયખંડો પછી પણ સ્વીકાર પામ્યા છે. સંસ્કૃતસાહિત્ય અને આર્યસંસ્કૃતિના પુનરુત્થાન(renaissance)ને તેમણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો મુખ્ય પ્રેરણાસ્રોત ગણાવ્યો છે તે એમની વિશિષ્ટતા છે. આ ઇતિહાસ ૧૯૩૨થી આગળ વધતો નથી. મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસને માટે શુદ્ધ અને માતબર સામગ્રી કેશવરામ કા. શાસ્ત્રીનાં ‘આપણા કવિઓ’ ખંડ-૧ (૧૯૪૨) અને ‘કવિચરિત’ ભાગ ૧-૨ એ પુસ્તકો પૂરી પાડે છે. સંખ્યાબંધ જૈન અને જૈનેતર મધ્યકાલીન કવિઓને શાસ્ત્રી પ્રકાશમાં લાવે છે. કવિઓની કૃતિઓની હસ્તપ્રતો પરથી ભાષા, નિરૂપણરીતિ, સ્વરૂપ અને વિષયવસ્તુ પરત્વે આધારભૂત સામગ્રી તેમણે તારવી આપી છે. વ્યાકરણદૃષ્ટિએ ભાષામાં થતા ફેરફારો પણ તેમાં નોંધાયા છે. કે. કા. શાસ્ત્રીએ ‘ગુજરાતી સાહિત્યનું રેખાદર્શનખંડ-૧’(૧૯૫૧)માં મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ આલેખ્યો છે. તેમણે હેમયુગ, રાસયુગ, આદિભક્તિયુગ અને આખ્યાનયુગ એમ ચાર યુગમાં સાહિત્યને વિભક્ત કરીને દરેક યુગની ભાષાકીય અને પદ્યબંધની વિશિષ્ટતાઓ અનેક દૃષ્ટાંતો આપીને સમજાવી છે. અનંતરાય રાવળે પણ ‘ગુજરાતી સાહિત્ય: મધ્યકાલીન’ (૧૯૫૪)માં આપેલ છે. તેમણે પ્રથમ ગુજરાતી ભાષાનું અવતરણ સમજાવીને સાંસ્કૃતિક ભૂમિકા બાંધી છે. પછી મધ્યકાલીન સાહિત્યની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ તારવીને સાહિત્યસ્વરૂપોનો ખ્યાલ આપ્યો છે. તે પછી કાળક્રમે આવતાં કવિઓ અને કૃતિઓનો સમતોલ અને રસપૂર્ણ શૈલીમાં પરિચય આપ્યો છે. પ્રમોદકુમાર પટેલ અનુસાર “ધીરુભાઈ ઠાકરે મધ્યકાલીન અને અર્વાચીન બંને સમયખંડોને આવરી લેતા ઇતિહાસો લખ્યા છે: ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ભા. ૧ મધ્યકાલીન (૧૯૫૪) અને ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ભા. ૨. (૧૯૫૬)... તેમનું વિશેષ કાર્ય અર્વાચીન સાહિત્યના ઇતિહાસમાં જોવા મળે છે. એમાં સતત-અધ્યયન-સંશોધન સંવર્ધન કરતા રહીને તેઓ તેને આજની તારીખ સુધી ખેંચી લાવવા પ્રવૃત્ત થયા છે... દરેક યુગની લેખનપ્રવૃત્તિમાં પ્રેરક-ઉદ્ભાવકબળો અને સંયોગોની પશ્ચાદ્ભૂમિકા રચી તેને અનુલક્ષી સમયના ક્રમમાં મુખ્ય અને ગૌણ લેખકોની સર્જનપ્રવૃત્તિનો વ્યવસ્થિત પરિચય આપતા જાય છે. કર્તાઓ અને કૃતિઓ વિશે પ્રૌઢદૃષ્ટિએ વિવેચનો પણ આપતા જાય છે..કર્તા કે કૃતિને વાદ, વિચારધારા કે સાંસ્કૃતિક પ્રવાહનું નિદર્શન માત્ર ન લેખવતાં તેની સાહિત્યિક વિશેષતા ઉપસાવવાનો તેમનો સંનિષ્ઠ પ્રયત્ન રહ્યો છે.” ધીરુભાઈ ઠાકર ઇતિહાસવિદ છે. ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’ શીર્ષક હેઠળ ગુજરાતી સાહિત્યનો વિસ્તૃત અને અભ્યાસપૂર્ણ આલેખ તેમની પાસેથી મળ્યો છે. રમેશ ત્રિવેદીએ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (પ્ર.આ. ૧૯૯૪) આપ્યો છે. આ ઇતિહાસમાં યુગ પ્રમાણે સમગ્ર ગુજરાતી સાહિત્યને વર્ગીકૃત કરીને તપાસવાનો ઉપક્રમ છે. આ ઉપરાંત અહીં સાહિત્યિક પ્રવૃત્તિઓ, પ્રકાશનક્ષેત્રે થતી સંપાદનપ્રવૃત્તિ, સાહિત્યિક પત્રકારત્વઃ દૈનિક પત્રો અને સામયિકો, સાહિત્યિક પારિતોષિકો, પુરસ્કારો વગેરે વિષયક માહિતી, સાહિત્યકારોની સાલવારી અને તેમનાં તખલ્લુસો/કવિ નામની અકારાદિક્રમમાં વિગતો આપવામાં આવી છે. ગુજરાતી સાહિત્ય પરિષદને ઉપક્રમે ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ચાર ગ્રન્થો તૈયાર થયા છે (૧૯૭૩-’૭૬-’૭૮’૮૧) (સંપાદકો: ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ અને યશવંત શુક્લ, સહસંપાદક ચિમનલાલ ત્રિવેદી) તેમાં આરંભકાળથી શરૂ કરીને ઝવેરચંદ મેઘાણી સુધીનો સમયગાળો આવરી લેવાયો છે. મધ્યકાલીન સાહિત્યે બે ગ્રન્થ રોક્યા છે. મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસનું આયોજન ભાષા અને સાહિત્યની પૂર્વપરંપરાથી શરૂ કરીને સમગ્ર સાહિત્યનું સ્વરૂપ અને કથ્યની દૃષ્ટિએ વિગતે મૂલ્યાંકન થાય તે રીતે થયું છે. અર્વાચીન સાહિત્યનું નિરૂપણ સાંસ્કૃતિક ભૂમિકા, વૈચારિક આંદોલન, કર્તા અને તેના જીવન-કવનનો પરિચય એ ક્રમે થયેલું છે. તેમાં શુદ્ધ અને પ્રમાણભૂત સામગ્રી આપવાનો ઉપક્રમ દેખાઈ આવે છે. ચારેય ગ્રન્થોમાં વિવિધ લેખકોનાં લખાણો હોવાથી આયોજન કે નિરૂપણની એકરૂપતા સચવાઈ નથી. આ ઇતિહાસના સંકલનમાં સમગ્ર સમયખંડની સાહિત્યિક વિશિષ્ટતાઓ ઊપસતી આવે એવું સાતત્યદર્શન ખૂટતું લાગે છે. આમ છતાં તે ગુજરાતી સાહિત્યનો વિગતવાર ઇતિહાસ છે તે દૃષ્ટિએ ખૂબ અગત્યનું ગણાય. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના આ ચારેય ભાગોની શોધિત-વર્ધિત આવૃત્તિઓ (અનુક્રમે ૨૦૦૧, ૨૦૦૩, ૨૦૦૪ અને ૨૦૦૫માં) રમણ સોનીના સંપાદનમાં અને ચિમનલાલ ત્રિવેદીના પરામર્શનમાં તૈયાર થઈ છે. એ પછીના ભાગ ૫થી ૮ (અનુક્રમે ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૧૫ અને ૨૦૧૮માં) રમેશ ર. દવે અને પારુલ કંદર્પ દેસાઈના સંપાદનમાં તથા ચિમનલાલ ત્રિવેદી અને રઘુવીર ચૌધરીના પરામર્શનમાં પ્રગટ થયા છે ને એમાં ઈ. ૧૯૫૦ સુધીમાં જન્મેલા લેખકોનાં કાર્ય-પ્રદાનનો ઇતિહાસ નોંધાયો છે. આ ઉપરાંત મધ્યકાલીન કે અર્વાચીન કે બંને કાળખંડોને આવરી લેતા બીજા ઇતિહાસ લખાયા છે ને વિવિધ પ્રયોજનોથી લખાતા જાય છે. તેમાં મનસુખલાલ ઝવેરીનો સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પ્રકાશિત ‘History of Gujarati Literature’, ઈશ્વરલાલ દવેકૃત ‘ગુજરાતી સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’, બિપિન ઝવેરી અને રામપ્રસાદ શુક્લ કૃત ‘આપણું સાહિત્ય’ વગેરેને ગણાવી શકાય. મધ્યકાલીન સાહિત્યમાં કેવળ જૈનસાહિત્યને સમાવતો મોહનલાલ દલીચંદ દેસાઈનો ‘જૈન ગૂર્જર કવિઓ’ (ગ્રન્થ ૧-૬) છે, જેની જયંત કોઠારી દ્વારા સંશોધિત આઠખંડીય આવૃત્તિ ૧૯૯૧માં બહાર પડેલી છે. અર્વાચીન સાહિત્યમાં કેવળ અર્વાચીન કવિતાને લગતા બે ગ્રન્થો ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ (રા. વિ. પાઠક) અને ‘અર્વાચીન કવિતા’(‘સુન્દરમ્’)નો ઉલ્લેખ કરવો જોઈએ. ‘ગુજરાતી નાટકનો ઉદ્ભવ અને વિકાસ’ (મહેશ ચોકસી) વગેરે અન્ય સાહિત્યસ્વરૂપોના ઇતિહાસ પણ રચાયા છે. પણ તેમાં સ્વરૂપવિધાનની ચર્ચા પણ આવે છે. કર્તા, કૃતિ, પ્રવાહ, સ્વરૂપ અને પ્રભાવક બળો એમ તમામ પાસાંઓને એકસાથે પ્રમાણસર ઉપસાવી આપતો ગુજરાતી સાહિત્યનો અદ્યતન સમય સુધીનો સંપૂર્ણ ઇતિહાસ લખાવો હજુ બાકી છે. ધી.ઠા.