ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સૉનેટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુજરાતી સૉનેટ'''</span>: ગુજરાતીમાં સૉનેટ આવ્યાન...")
(No difference)

Revision as of 12:34, 24 November 2021



ગુજરાતી સૉનેટ: ગુજરાતીમાં સૉનેટ આવ્યાને સો વર્ષ ઉપરનો સમય વહી ગયો છે. જમશેદજી નસરવાનજી પીતીતે ચૌદ પંક્તિઓની કાવ્યરચનાઓ આપી હતી, પરંતુ તેમાં સૉનેટની આંતરિક વિશેષતાઓ કે લાક્ષણિકતાનો અભાવ હતો, વળી, કાન્તે પહેલું સૉનેટ આપ્યું કે બળવંતરાય ક. ઠાકોરે એ વિવાદને પણ હવે સ્થાન રહ્યું નથી. ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ૧૮૮૮માં સૉનેટ ‘ભણકારા’ રચ્યું હતું અને એ પૂર્ણ અર્થમાં સૉનેટ છે એ સર્વસ્વીકૃત બાબત છે. ઠાકોરે વિચારપ્રધાન કવિતાનો મહિમા કર્યો અને એ માટે સૉનેટ સૌથી વધુ અનુકૂળ સ્વરૂપ સિદ્ધ થયું. અન્ય દેશોમાં સૉનેટની પ્રાસરચના અને પંક્તિવિભાજન જે રીતે થયાં હતાં, એ જ પદ્ધતિ બ. ક. ઠાકોર સીધેસીધી અપનાવતા નથી બલકે સૉનેટના પ્રારંભથી જ તેઓ પ્રયોગશીલ રહ્યા. પૃથ્વી છંદનું અગેય રૂપ સિદ્ધ કરવાની સાથે ઠાકોરે ગુજરાતી સૉનેટને આગવી મુદ્રા આપી. એમણે ખરબચડી-અરૂઢ એવી શૈલીમાં લગભગ એકસોપંચોતેર જેટલાં સૉનેટ આપ્યાં છે. પ્રકૃતિ, પ્રણય, જીવનમહિમા, વાર્ધક્ય અને મૃત્યુ જેવા ઊર્મિસભર વિષયોને લઈને ઠાકોરે સફળ સૉનેટ રચનાઓ દ્વારા ગુજરાતી સૉનેટને ઘડ્યું, અનોખો ઘાટ આપ્યો. પરિણામે ગુજરાતીમાં સૉનેટ પ્રારંભથી જ આંતર્-બાહ્ય બંને રીતે ખાસ પ્રકારની પુખ્તતા ધારણ કરીને આવ્યું. એ સમયગાળામાં, ઠાકોર જ્યારે ઉપરાઉપરી સૉનેટ રચનાઓ આપ્યે જતા હતા ત્યારે, કાન્ત, ન્હાનાલાલ અને નરસિંહરાવ જેવા મોટા કવિઓ પાસેથી માત્ર એક જ સૉનેટ મળે છે એ આશ્ચર્યકારક બાબત છે. ગુજરાતીમાં ગાંધીયુગ જાણે કે સૉનેટયુગ છે. ભાગ્યે જ કોઈ કવિ એવો હશે કે જેણે સૉનેટરચના નહીં કરી હોય. એક તો નવી આબોહવા, ગાંધીયુગના પ્રભાવને લીધે કેન્દ્રમાં મનુષ્ય અને ઠાકોરે ઊભી કરેલી ખડકાળ બાનીની નવી પરિપાટી; આ બધું સૉનેટના સ્વરૂપને ઉપકારક નીવડ્યું. ચન્દ્રવદન મહેતાએ સૉનેટના સત્ત્વને આગવો નિખાર આપવાની સાથે પૃથ્વી છંદને પોતાની રીતે પ્રયોજ્યો. ‘સુન્દરમ્’-ઉમાશંકરે એમનાં સૉનેટોમાં ગાંધીયુગની સંવેદના ઉપરાંત સર્જનની કળા અને સૌન્દર્યતત્ત્વનો આવિષ્કાર થતાં સૉનેટ જાણે ગુજરાતની ભૂમિનું જ કાવ્ય હોય એટલું સહજ બની આવ્યું. ‘સુન્દરમ્’ના ‘કાવ્યમંગલા’, ‘વસુધા’ અને ‘યાત્રા’ કાવ્યસંગ્રહમાં અન્ય રચનાઓની સરખામણીએ સૉનેટ પણ ઠીક પ્રમાણમાં મળે છે. એમણે મુખ્યત્વે ઇટાલિયન અને અંગ્રેજી સૉનેટનું સ્વરૂપ અપનાવ્યું છે પણ પંક્તિવિભાજન અને પ્રાસરચના સંદર્ભે તેઓ ભાવ-સંવેદનની તીવ્રતાને વશવર્તીને ચાલ્યા છે, અને એ રીતે ‘સુન્દરમ્’નાં સૉનેટોને પોતીકી મુદ્રા સાંપડી છે. ઉમાશંકર જોશી ગાંધીયુગની ચેતનાની સાથોસાથ જીવન વિશેનું ચિંતન અને વિશ્વના કેન્દ્રમાં રહેલા મનુષ્યના હૃદયમાંનું સંવેદન લઈ આવે છે. માનવમનની સૂક્ષ્મ સમજ, ઊંડી સંવેદનશીલતા અને કાવ્યનું સૌન્દર્ય આ ત્રણેયનો આવિષ્કાર ઉમાશંકરનાં સૉનેટને સમૃદ્ધ બનાવે છે. અલબત્ત, ‘સુન્દરમ્’ની તુલનાએ ઉમાશંકરમાં વિચાર-ચિંતનનું પ્રાધાન્ય છે જ પણ ક્યારેક અગંભીર શૈલીમાં લખાયેલી કેટલીક રચનાઓ જીવનના હળવા પાસાને હળવી રીતે રજૂ કરે છે. સૉનેટને સ્વરૂપ વિશેષ તરીકે સ્થિર કરવામાં અન્ય કવિઓની સૉનેટરચનાઓએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેમાંના કેટલાક કવિઓ તો અસાધારણ શક્તિઓ પ્રગટાવી શક્યા છે તેમાં સ્નેહરશ્મિ, રામપ્રસાદ શુક્લ, કૃષ્ણલાલ શ્રીધરાણી, મનસુખલાલ ઝવેરી, પ્રજારામ રાવળ, પ્રહ્લાદ પારેખ, પૂજાલાલ અને હરિશ્ચન્દ્ર ભટ્ટનાં નામો મુખ્ય ગણી શકાય. ‘સુન્દરમ્’-ઉમાશંકર પછી રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત પાસેથી ભાવનિરૂપણની સૂક્ષ્મતા, અનોખી સૌન્દર્યદૃષ્ટિ, ભારતીય પરંપરા અને આધુનિકતાનો અજબ સુમેળ તથા જીવન વિશેની પોતીકી વિચારણા ગુજરાતી સૉનેટને થોડા ડગલાં આગળ લઈ જાય છે. પાંચ સૉનેટનું ગુચ્છ ‘આયુષ્યના અવશેષે’, ‘સુધામય રાગિણી’, ‘યામિનીને કિનારે’ વગેરે રચનાઓ આ સંદર્ભે જાણીતી છે. નિરંજન ભગતે રાજેન્દ્ર શાહને મુકાબલે ઓછાં સૉનેટ આપ્યાં, પરંતુ તેઓ સામ્પ્રત નગરજીવનની સંવેદના, કૃત્રિમતા અને સંકુલતા એકસાથે કળાત્મક રીતે પ્રગટાવે છે. ગુજરાતી સૉનેટની આંતરરિદ્ધિની રીતે જોઈએ તો નિરંજન ભગત પાસેથી આધુનિક મનુષ્ય, એની ચેતનાને પ્રગટાવતાં જે સૉનેટો મળે છે તે અન્ય કવિઓને માટે પણ એક નવી દિશા ખોલી આપે છે. ‘મુંબઈ નગરી’, ‘આધુનિક અરણ્ય’, ‘કોલાબા પર સૂર્યાસ્ત’, ‘ભીડ’ અને ‘એપોલો પર ચન્દ્રોદય’ જેવાં સૉનેટોને ગુજરાતી કવિતાની સિદ્ધિરૂપ લેખવામાં આવે છે. નિરંજનનાં સૉનેટો ચુસ્તબંધ અને રચનાવિધાનની રીતે વધુ સમૃદ્ધ છે. રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત આ બંને કવિઓએ પરંપરાપ્રાપ્ત સંસ્કૃત વૃત્તોને વિવિધ છટાઓ-ભંગિમાઓમાં ઢાળ્યાં છે ને એ રીતે છંદને નવું રૂપ આપી એની શક્યતાને તાગવાનો પ્રયત્ન કર્યો છે. એ પછી બીજા બે કવિઓ ‘ઉશનસ્’ અને જયન્ત પાઠક પણ વિપુલ સંખ્યામાં સૉનેટરચનાઓ આપે છે. ‘ઉશનસ્’ શિખરિણી છંદને નવા આરોહ-અવરોહ સાથે પ્રયોજે છે. ઠાકોરે જેનો પુરસ્કાર કરેલો તે ખડકાળ બાની, રાજેન્દ્ર-નિરંજનમાં જોવા મળતી જીવન-સૌન્દર્યદૃષ્ટિ અને આધુનિકતા આ બધું ‘ઉશનસ્’માં સંયોજિત થાય છે. પ્રકૃતિનું નિરૂપણ કરતી કેટલીક રચનાઓ એક્સ્ટસી સૉનેટ રચનાઓ નવાં પરિમાણોને કારણે અલગ તરી આવે છે. ‘ઉશનસે’ સૉનેટો જ નહીં, સૉનેટમાળા પણ આપી છે. જયન્ત પાઠકમાં વગડાની અનુભૂતિ, આદિમ ભાવોનું નિરૂપણ થયેલું જોવા મળે છે. સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો, ‘ઉશનસ્’ સૉનેટમાં પ્રમાણમાં મુક્ત રીતે વ્યક્ત થાય છે, જ્યારે જયન્ત પાઠકનાં સૉનેટ વધુ ચુસ્ત, સફાઈદાર અને નકશીદાર જોવા મળે છે. આ ઉપરાંત બાલમુકુંદ દવે, વેણીભાઈ પુરોહિત, મકરન્દ દવે, પ્રિયકાન્ત મણિયાર, હસમુખ પાઠક, નલિન રાવળ, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ તથા ભાનુપ્રસાદ પંડ્યા વગેરેએ પણ પોતાની રીતે સૉનેટરચનાઓ આપી છે. આ બધા કવિઓમાં બ. ક. ઠાકોર પછીના કવિઓમાં ઉમાશંકર-‘સુન્દરમ્’, રાજેન્દ્ર-નિરંજનની પરંપરા ઘૂંટાયેલી અને વધુ સમૃદ્ધ થયેલી જોવા મળે છે. આધુનિકતાના પ્રવાહ પછી, ગીત-ગઝલનું સર્જન વિશેષ પ્રમાણમાં થયું હોવા છતાં કેટલાક કવિઓએ ગઝલના છંદ-માપમાં સૉનેટ રચવાનો પ્રયત્ન કર્યો છે પણ ગુજરાતી સૉનેટને સંસ્કૃત વૃત્તો વધુ અનુકૂળ આવ્યા છે ને એણે બાનીની વિવિધ છટાઓ પ્રગટ કરી આપી છે. હ.અ.ત્રિ.