ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનમાર્ગી કવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''જ્ઞાનમાર્ગી કવિતા'''</span> : મધ્યકાલીન ગુજરાતીસાહિત...")
(No difference)

Revision as of 16:03, 25 November 2021



જ્ઞાનમાર્ગી કવિતા : મધ્યકાલીન ગુજરાતીસાહિત્યમાં પ્રેમલક્ષણા ભક્તિપ્રવાહની સમાન્તરે તત્ત્વદર્શનમૂલક જ્ઞાનમાર્ગી કાવ્યપ્રવાહ પણ વહેતો રહ્યો છે. એમાં વેદાન્તી તત્ત્વદર્શન, રહસ્યવાદી વિચારધારા અને યોગદર્શન કેન્દ્રસ્થાને રહેલાં દૃષ્ટિગોચર થાય છે. જયશેખરસૂરિકૃત ‘ત્રિભુવનદીપકપ્રબંધ’માં રૂપકાત્મક રીતે માયાના સંસર્ગથી કેવાં દુષ્પરિણામો આવે એની કથા છે. રૂપકાત્મક કથામૂલક અભિવ્યક્તિમાં જ્ઞાનમાર્ગની વિષયસામગ્રી નરસિંહ દ્વારા જુદી રીતે પ્રસ્તુત થઈ છે, ‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં’ અને એવી જ બીજી અનેક પદરચનાઓ દ્વારા ભારતીય વેદાન્તી તત્ત્વદર્શન પ્રસ્તુત થયું છે, તે મહત્ત્વનું છે. માંડણ બંધારાએ ‘પ્રબોધબત્રીસી’માં નામસ્મરણના મહિમાને તાત્ત્વિક ભૂમિકાએ સમજાવ્યો છે. ભીમકૃત ‘પ્રબોધપ્રકાશ’ પણ ‘ત્રિભુવનદીપકપ્રબંધ’શૈલીની જ્ઞાનમાર્ગી રચના છે. માયામાંથી મુક્ત થઈને હરિસ્મરણમાં લીન થઈ રહેવાનો ભાવ અભિવ્યક્ત કરતી મીરાંની રચનાઓ પણ જ્ઞાનમાર્ગી કવિતાનું મહત્ત્વનું ઉદાહરણ છે. સત્તરમી સદીથી નરહરિ, ગોપાલદાસ અને ભાણદાસ દ્વારા વેદાન્ત જ્ઞાનવાદી પરંપરા વધુ રૂઢ અને તીવ્ર રીતે અભિવ્યકિત પામી જણાય છે. નરહરિકૃત ‘હરિલીલામૃત’માંથી ભિન્ન અવતારો પાછળ ચૈતન્યતત્ત્વ તો એક પરબ્રહ્મ છે, એ વીગત અને ‘જ્ઞાનગીતા’માંથી અદ્વૈતમાર્ગના સિદ્ધાંતો, આત્મતત્ત્વનું સ્વરૂપ તથા બ્રહ્મ અને માયાનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. ‘ગોપાલગીતા’માં મનમાયાનું સૂક્ષ્મ સ્વરૂપ ચર્ચીને, જે મનની સંસારાભિમુખ પ્રવૃત્તિને પાછી વાળી ઉન્મન અવસ્થામાં પહોંચી સમગ્ર જગતને બ્રહ્મસ્વરૂપમાં જુએ એ જ સાચો અવધૂત એવી વીગતો ગોપાલદાસે કેન્દ્રમાં રાખી જણાય છે. ભાણદાસની ‘હસ્તામલક’ રચના પણ રૂપકાત્મક શૈલીએ વેદાન્ત તત્ત્વજ્ઞાન અભિવ્યક્ત કરતી મહત્ત્વની રચના છે. આ સમય દરમિયાન પ્રાણનાથ સ્વામીએ ઇન્દ્રાવતી નામછાપથી પ્રણામી સંપ્રદાયની વેદાન્તી અનુપ્રાણિત જ્ઞાનમીમાંસા અનેક કૃતિઓમાં આલેખી છે. એ રચનાઓ પણ જ્ઞાનમાર્ગીધારાને દૃઢ બનાવે છે. શુદ્ધાદ્વૈત, કૈવલાદ્વૈતનાં અનુભવમૂલક અર્થઘટનને બળકટ રીતે અભિવ્યક્ત કરનારો અખો ગુજરાતી જ્ઞાનમાર્ગીધારાનો અત્યંત મહત્ત્વનો કવિ છે. ‘પંચીકરણ’, ‘ગુરુશિષ્યસંવાદ’, ‘ચિત્તવિચારસંવાદ’ ‘કૈવલ્યગીતા’, ‘અખેગીતા’ અને ‘અનુભવબિન્દુ’ એની મહત્ત્વની જ્ઞાનમાર્ગી રચનાઓ છે. બ્રહ્મ, જીવ અને જગતનું સ્વરૂપ સમજાવીને જ્ઞાનની ઉપાસના દ્વારા એણે બ્રહ્મજ્ઞાનનો મહિમા ગાયો છે. વેદાન્તી જ્ઞાનમાર્ગી પરંપરાને સ્પષ્ટ કરવામાં બુટો, અનુભવાનંદ, વસ્તો વિશ્વંભર, જીવણદાસ, લાલદાસ, કૃષ્ણજી, હરિકૃષ્ણજી, માતાજી રામબાઈ, જિતામુનિનારાયણ, ગવરીબાઈ અને કેવલપુરીની જ્ઞાનમાર્ગી રચનાઓનો ઘણો ફાળો છે. આ તમામ જ્ઞાનમાર્ગી કવિઓએ વેદાન્તી તત્ત્વદર્શનને પોતાની રીતે વિવિધ કાવ્યસ્વરૂપોના માધ્યમથી અપરોક્ષાનુભૂતિથી અભિવ્યક્ત કર્યું છે. કબીરની શિષ્યપરંપરામાં ભાણસાહેબે કબીર તત્ત્વદર્શનને પોતાની રીતે અનુભવમૂલક અર્થઘટન અને ઉમેરણરૂપે ભજન-રચનાઓ દ્વારા અભિવ્યક્ત કરીને બૃહદ જનસમુદાય ઉપર ઘેરો પ્રભાવ પાડ્યો. ભાણસાહેબ પછી એમના પુત્ર (બુંદશિષ્ય) ખીમસાહેબની શિષ્યપરંપરા તથા નાદશિષ્ય રવિસાહેબની શિષ્યપરંપરા દ્વારા જ્ઞાનમાર્ગી વિચારધારા પુરજોશમાં વહી છે. રવિસાહેબની ‘બોધચિંતામણી’, ‘ભાણગીતા’ ‘મન :સંયમ’ જ્ઞાનમાર્ગી રચનાઓ છે. રવિસાહેબની શિષ્યપરંપરામાં મોરારસાહેબ અને હોથીનું પ્રદાન પણ મહત્ત્વનું છે. ખીમસાહેબકૃત ‘ચિંતામણી’ કાફી ભજનોમાં જ્ઞાનવૈરાગ્યબોધ અને ગુરુમહિમાનું નિરૂપણ દૃષ્ટિગોચર થાય છે. ત્રિકમસાહેબ, ભીમસાહેબની અને દાસીજીવણની જ્ઞાનમાર્ગી ભજનવાણી પણ મહત્ત્વની છે. જ્ઞાનમાર્ગી પદ-ભજનરચનાઓ દ્વારા વેદાન્તી જ્ઞાન, રહસ્યવાદી વિચારધારા અને યોગમાર્ગનું દર્શન કરાવનારા પ્રીતમદાસ, મૂળદાસ, નરભેરામ, ધીરો, નિરાંત, રણછોડ, લોયણ, તોરલ અને ગંગાસતીને મહત્ત્વના જ્ઞાનમાર્ગી કવિઓ તરીકે ઓળખાવી શકાય એવું એમનું પ્રદાન છે. બાપુસાહેબ ગાયકવાડ, ભોજો, મીઠો ઢાઢી, મામદસા, સાંઈવલી, ડુંગરપુરી, વગેરેને પણ એ જ ધારાના મહત્ત્વના કવિઓ તરીકે ઉલ્લેખવા પડે એવું એમનું પણ પ્રદાન છે. દયારામે ગુજરાતી જ્ઞાનમાર્ગી ધારાના કવિ તરીકે આખ્યાનસ્વરૂપમાં સામેરી રાગમાં ‘રસિકવલ્લભ’ નામની રચનામાં અખાસ્થાપિત શાંકરવેદાન્તનું ખંડન અને પુષ્ટિમાર્ગનું ખૂબજ તાર્કિક રીતે મંડન કર્યું. સ્વામીનારાયણ સંપ્રદાયની જ્ઞાનમાર્ગી વિચારધારાને અભિવ્યક્ત કરતા બ્રહ્માનંદ, પ્રેમાનંદ પણ મહત્ત્વના કવિઓ છે. બ.જા.