ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દશરૂપક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દશરૂપક'''</span> : સંભવત : ૯૭૪-૯૯૬ દરમ્યાન રચાયેલો...")
(No difference)

Revision as of 06:20, 26 November 2021


દશરૂપક : સંભવત : ૯૭૪-૯૯૬ દરમ્યાન રચાયેલો ધનંજયકૃત નાટ્યશાસ્ત્રનો ગ્રન્થ. ચાર પ્રકાશ અને ૩૦૦ કારિકાઓમાં વિભક્ત આ ગ્રન્થના પહેલા પ્રકાશમાં નૃત્ય અને નૃત્ત વચ્ચેનો ભેદ, રૂપકના ૧૦ અને નૃત્યના ૭ પ્રભેદનો ઉલ્લેખ તથા વસ્તુ, નેતા અને રસ પર આધારિત રૂપકના ભેદોની સમજૂતી છે. એ પ્રકાશમાં વસ્તુ અને વિવિધ પ્રભેદોની ચર્ચા પણ છે. બીજા પ્રકાશમાં નાયક-નાયિકાભેદ, તેમના મિત્રો તથા વૃત્તિઓની વાત છે. ત્રીજા પ્રકાશમાં રૂપકના દસે પ્રકારોની લાક્ષણિકતાઓ બતાવી ચોથા પ્રકાશમાં રસની ચર્ચા કરી છે. ભરતના નાટ્યશાસ્ત્રમાં નાટ્યનિર્માણની સાથે કંઈક ગૂંચવાઈને પડેલી નાટ્યશાસ્ત્રવિષયક ચર્ચાને જુદી તારવી સુબોધ અને શાસ્ત્રીય શૈલીમાં મૂકી આપવાનું મહત્ત્વનું કાર્ય ધનંજયે આ ગ્રન્થમાં કર્યું છે. ઘણી જગ્યાએ એમણે કેટલીક નવી વાત કરી છે અને ભરત પછી થયેલી રસવિચારણાના સંદર્ભે પોતાનો મૌલિક અભિગમ પણ પ્રગટ કર્યો છે. નાયિકાભેદો કે શૃંગારના પ્રભેદોની એમણે કરેલી ચર્ચા નવી છે. ધનંજય ધ્વનિવિરોધી આચાર્ય છે. એટલે વ્યંગ્યાર્થને તાત્પર્યથી પામી શકાય એમ માને છે. તેથી વિભાવાદિ અને રસ વચ્ચે તેઓ ભાવ્યભાવક સંબંધ સ્વીકારે છે. એમના આ વિચારો ભટ્ટનાયકના વિચારોની નજીક છે. શાંત રસનો અભિનય ન થઈ શકે એમ કહી આઠ રસની પરંપરાને સ્વીકારે છે. સાત્ત્વિક ભાવોને અનુભાવોની કોટિમાં મૂકી તેઓ અનાહાર્ય હોવાને લીધે આહાર્ય અનુભાવોથી ભિન્ન છે એમ તેમણે કહ્યું. ‘દશરૂપક’ પર ઘણી ટીકાઓ લખાઈ છે, તેમાં ધનિકની ‘અવલોક’ ટીકા વિશેષ જાણીતી છે. ધનંજય માલવરાજ મુંજના આશ્રિત અને તેમની વિદ્વદમંડળીના એક કવિ હતા. તેમના પિતાનું નામ વિષ્ણુ હતું. જ.ગા.