ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનપીઠ પુરસ્કાર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનપીઠ પુરસ્કાર'''</span> : પ્રતિવર્ષ ભારતીય જ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = જ્ઞાનકોશ | |||
|next = જ્ઞાનપ્રક્રિયા | |||
}} |
Latest revision as of 09:55, 26 November 2021
જ્ઞાનપીઠ પુરસ્કાર : પ્રતિવર્ષ ભારતીય જ્ઞાનપીઠ દ્વારા ભારતીય લેખકને અપાતો અત્યંત મહત્ત્વનો પુરસ્કાર. ભારતીય જ્ઞાનપીઠ બનારસમાં ૧૯૪૪માં સંશોધનની અને સંસ્કૃતિની સંસ્થા તરીકે હયાતીમાં આવી. કલકત્તા ખાતે ૧૯૬૧માં પહેલીવાર અખિલભારતીય પુરસ્કારનો વિચાર સ્ફુર્યો અને ૧૯૬૩થી પુરસ્કાર અંગેની પ્રક્રિયા શરૂ થઈ. આ પુરસ્કાર પાછળનો હેતુ એ હતો કે ભારતીય સાહિત્યવારસો સમૃદ્ધ અને વિવિધ હોવા છતાં એમાં એક પ્રકારનું જે એકત્વ હતું એનો ખ્યાલ પુરસ્કૃત થઈ શકે. ઉદ્યોગપતિ શાંતિપ્રસાદ જૈનની પ્રેરણાથી ૧૯૬૫માં પહેલો પુરસ્કાર એક લાખ રૂપિયાનો એનાયત થયો, જે હવે વધીને બે લાખનો થયો છે. પુરસ્કાર સાથે અપાતી વાગ્દેવીની પ્રતીકપ્રતિમા ઉજ્જયિની નજીકના ધારનગરના સરસ્વતી મન્દિરમાંથી લેવાયેલી છે. આ પુરસ્કાર પ્રત્યેક વર્ષે ભારતીય બંધારણમાં માન્ય, અંગ્રેજી સિવાયની વિવિધ ૧૫ ભાષાઓ પૈકી અમુક ચોક્કસ ગાળાની ઉત્તમ સર્જનાત્મક કૃતિને પહેલાં અપાતો, પરંતુ હવે લેખકની સમસ્ત સર્જનપ્રવૃત્તિને લક્ષમાં રાખીને અપાય છે, અને જે ભાષામાં પુરસ્કાર અપાયો હોય એ ભાષામાં પછીનાં ત્રણ વર્ષ સુધી પુરસ્કાર ન અપાય એવી મર્યાદા પળાય છે. બધી ભારતીય ભાષામાંથી અમુક ગાળાના ઉત્તમ લેખકને કે એની કૃતિને પસંદ કરવાં એ કપરી કામગીરી છે. પરંતુ સંસ્થાએ એ અંગે ચોક્કસ વસ્તુલક્ષી માળખું ઊભું કર્યું છે. વિવિધ સાહિત્યસંસ્થાઓ, યુનિવર્સિટીના ભાષાવિભાગો, જાણીતા વિવેચકો, અન્ય મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ અને માધ્યમો પાસેથી સંસ્થા પ્રસ્તાવો મગાવે છે. સંસ્થાને મળેલા પ્રસ્તાવો પર પ્રત્યેક ભાષાની ત્રણ સભ્યોની બનેલી સલાહકાર સમિતિ વિચારણા કરે છે, પ્રસ્તાવનું પરીક્ષણ-મૂલ્યાંકન કરે છે અને પોતાની ભલામણ સાતથી ઓછા નહિ અને અગિયારથી વધુ નહિ એવા સભ્યોની બનેલી પસંદગીસમિતિને મોકલી આપે છે. પસંદગીસમિતિ સલાહકારસમિતિઓમાંથી આવેલી ભલામણો ઉપર ચર્ચા-વિચારણા કરીને તેમજ લેખકના સમગ્ર પ્રદાનને લક્ષમાં રાખીને પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરે છે. આ ઉપરાંત ભારતીય જ્ઞાનપીઠ અવારનવાર સાહિત્યિક પરિસંવાદો યોજે છે. તેમજ એણે મૂર્તિદેવીગ્રન્થમાલા, માણિકચન્દ્રગ્રન્થમાલા, કન્નડગ્રન્થમાલા, લોકોદયગ્રન્થમાલા, રાષ્ટ્રભારતીગ્રન્થમાલા જેવી મૂલ્યવાન પ્રકાશનશ્રેણીઓ પણ શરૂ કરી છે. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર લેખકો આ પ્રમાણે છે : જી. શંકર કુરુપ્પ(૧૯૬૫, મળયાળમ); તારાશંકર બેનર્જી(૧૯૬૬, બંગાળી); કે. વી. પુટપ્પા અને ઉમાશંકર જોશી(૧૯૬૭, કન્નડ, ગુજરાતી); સુમિત્રાનંદન પંત(૧૯૬૮, હિન્દી); ફિરાક ગોરખપુરી (૧૯૬૯, ઉર્દૂ); વિ. સત્યનારાયણ(૧૯૭૦, તેલુગુ); વિષ્ણુ દે (૧૯૭૧, બંગાળી); રામધારીસિંહ ‘દિનકર’(૧૯૭૨, હિન્દી); ડી. આર. બેન્દ્રે(૧૯૭૩, કન્નડ); ગોપીનાથ મોહન્તી(૧૯૭૩ ઉડિયા); વી. એસ. ખાંડેકર(૧૯૭૪, મરાઠી); પી. વી. અખિલાંડમ્ ‘અખિલન્’(૧૯૭૫, તમિળ); આશાપૂર્ણાદેવી (૧૯૭૬, બંગાળી); કે. શિવરામ કારંથ(૧૯૭૭, કન્નડ); સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન ‘અજ્ઞેય’(૧૯૭૮, હિન્દી); વી. કે. ભટ્ટાચાર્ય(૧૯૭૯, અસામી); એસ. કે. પોટ્ટેકાટ(૧૯૮૦, મળયાળમ); અમૃતા પ્રીતમ(૧૯૮૧, પંજાબી); મહાદેવી વર્મા (૧૯૮૨, હિન્દી); માસ્તિ વેંકટેશ અય્યંગાર(૧૯૮૩, કન્નડ); તકષિ શિવશંકર પિળ્ળા(૧૯૮૪, મળયાળમ); પન્નાલાલ પટેલ (૧૯૮૫, ગુજરાતી); સચ્ચિદાનંદ રાઉતરામ(૧૯૮૬, ઉડિયા); વિષ્ણુ વામન શિરવાડકર(૧૯૮૭, મરાઠી); સી. નારાયણ રેડ્ડી (૧૯૮૮, તેલુગુ); કુર્રતલ-એન-હૈદર(૧૯૮૯ ઉર્દૂ); વિનાયક કૃષ્ણ ગોકાક (૧૯૯૦, કન્નડ); સુભાષ મુખોપાધ્યાય(૧૯૯૧, બંગાળી); નરેશ મહેતા(૧૯૯૨, હિન્દી); સીતાકાન્ત મહાપાત્ર (૧૯૯૩, ઓડિયા); યુ. આર. અનન્તમૂર્તિ(૧૯૯૪, કન્નડ), એમ. ટી. વાસુદેવન નાયર(૧૯૯૫, મળયાળમ), મહેશ્વેતા દેવી (૧૯૯૬, બંગાળી), અલી, સરદાર જાફરી (૧૯૯૭, ઉર્દૂ), ગિરીશ કર્નાડ (૧૯૯૮, કન્નડ), નિર્મલ વર્મા (૧૯૯૯, હિન્દી), ગુરુદયાલસિંહ (૧૯૯૯, પંજાબી), મોમિન રસમ ગોસ્વામી (૨૦૦૦, આસામી), રાજેન્દ્ર શાહ (૨૦૦૧, ગુજરાતી), જયાકથન (૨૦૦૨, તામિલ), વિંદા કરદીંકર (૨૦૦૩, મરાઠી), રહેમાન રાહી (૨૦૦૪, કાશ્મિરી), કુંવાર નારાયણ (૨૦૦૫, હિન્દી), રવીન્દ્ર કેળકરે (૨૦૦૬, કોંકણી), સત્ય વ્રત શાસ્ત્રી (૨૦૦૬, સંસ્કૃત), ઓ.એન.વી. કુરુપ (૨૦૦૭, મલયાલમ), અખલાક મોહમ્મદખાન ‘શહરયાર’ (૨૦૦૮, ઉર્દૂ), અમરકાન્ત (૨૦૦૯, હિન્દી), શ્રી લાલ શુક્લ (૨૦૦૯, હિન્દી), ચંદ્રશેકર કંબારા (૨૦૧૦, કન્નડ), પ્રતિભા રાય (૨૦૧૧, ઓડિયા), રાવુરી ભરદ્વાજ (૨૦૧૨, તેલુગુ), કેદારનાથ સિંહ (૨૦૧૩, હિન્દી), ભાલચંદ્ર નેમાડે(૨૦૧૪, મરાઠી), રઘુવીર ચૌધરી (૨૦૧૫, ગુજરાતી), શંખ ઘોષ (૨૦૧૬, બંગાળી), કૃષ્ણા સોબતી (૨૦૧૭, હિન્દી), અમિતાવ ઘોષ (૨૦૧૮, અંગ્રેજી). ચં.ટો., ઈ.કુ.