ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નક્ષત્ર ટ્રસ્ટ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નક્ષત્ર ટ્રસ્ટ'''</span> : વિવિધ ભાષા, પ્રદેશ અને સ...")
(No difference)

Revision as of 13:30, 26 November 2021


નક્ષત્ર ટ્રસ્ટ : વિવિધ ભાષા, પ્રદેશ અને સંસ્કૃતિ ધરાવતા ભારતવર્ષનું સાહિત્ય સૂચિત વૈવિધ્ય છતાં મૂલગત સંસ્કારથી ભારતીય સાહિત્ય જ છે – એવી પ્રતીતિના વ્યાપક અને સઘન પ્રસારના આશયથી ૧૯૭૭માં હરિવલ્લભ ભાયાણી, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ વગેરે સાહિત્યકારો દ્વારા અમદાવાદમાં સ્થપાયેલી સાહિત્યિક-સાંસ્કૃતિક સંસ્થા. વિભિન્ન ભારતીય ભાષાઓમાં સાહિત્યસર્જન અને વિવેચનસંશોધન કરી રહેલા સર્જકો-વિવેચકોનાં વક્તવ્યો નિમિત્તે ગુજરાતી ભાષા-સાહિત્યના ભાવકો તેમના પ્રત્યક્ષ પરિચય દ્વારા ભગિની ભાષાઓ તથા તેના સાહિત્યના સંપર્કમાં મુકાય અને રુચિ કેળવાય એ હેતુથી નક્ષત્ર ટ્રસ્ટે હિન્દી ભાષાના મૂર્ધન્ય સર્જક સચ્ચિદાનંદ હ. વાત્સાયન ‘અજ્ઞેય’, કવિ રામદરશ મિશ્ર, મરાઠી ભાષાના નાટ્યલેખક વિજય તેન્ડુલકર, પ્રયોગધર્મી નાટ્યકાર સતીશ આળેકર તથા કૃષ્ણા સોબતી અને લક્ષ્મીનારાયણ લાલ જેવા વિવિધ સાહિત્યસ્વરૂપ અને ભાષાઓમાં કામ કરતા સર્જકોનાં વ્યાખ્યાનો યોજ્યાં છે. પાંગરતી પ્રતિભાને ભાવકવર્ગ મળી રહે એ ઉદ્દેશથી આ સંસ્થા સર્જકની પ્રથમકૃતિનું પ્રકાશન ‘શ્રી ઠાકોરભાઈ મિસ્ત્રી ગ્રન્થશ્રેણી’ અર્ન્તગત કરે છે, તો નગીનદાસ પારેખની કાવ્યશાસ્ત્ર વિષયક અભ્યાસ-સંશોધન-સંપાદન-અનુવાદ-પ્રવૃત્તિને અનુલક્ષીને કાવ્યસિદ્ધાન્ત વિશે નગીનદાસ પારેખ વાર્ષિક વ્યાખ્યાનમાળા પણ યોજે છે. ર.ર.દ.