ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રગતિશીલ સાહિત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રગતિશીલ સાહિત્ય (Progressive Literature)'''</span> : વિશ્વના પ્રગતિ...")
(No difference)

Revision as of 08:47, 27 November 2021



પ્રગતિશીલ સાહિત્ય (Progressive Literature) : વિશ્વના પ્રગતિશીલ સાહિત્ય સંઘનું પ્રથમ સંમેલન ૧૯૩૫માં જાણીતા નવલકથાકાર ઇ.એમ. ફોર્સ્ટરના પ્રમુખપદે પેરિસમાં મળ્યું. ભારતમાં સરોજિની નાયડુના પ્રમુખપદે ૧૯૩૫માં જ ફૈજપુર કોંગ્રેસ વખતે એનું એક સંમેલન થયું. ત્યારબાદ ૧૯૩૬માં લખનૌ ખાતે પ્રેમચંદજીના પ્રમુખપદે અને ૧૯૩૯માં કલકત્તા ખાતે રવીન્દ્રનાથ ટાગોરના પ્રમુખપદે સંમેલન થયાં. આ પછી મંડળની શાખાઓ પણ બધા પ્રાન્તોમાં સ્થપાયેલી. ત્રીજા દાયકાથી પાંચમા દાયકા સુધી ઓછેવત્તે અંશે આ સામ્યવાદી – પ્રગતિવાદી આબોહવા રહી. આ દરમ્યાન ભિન્ન ભિન્ન રીતે પ્રગતિશીલ સાહિત્યની વ્યાખ્યાઓ થઈ. ‘પ્રગતિ’ એ સ્થિતિ નથી પણ ‘પ્રક્રિયા’ છે એ સદાય ગતિશીલ જ હોય – હોવી જોઈએ એવું સ્વીકારવામાં આવ્યું. ‘પ્રગતિશીલ’ને ‘પ્રત્યાઘાતી’ની સંજ્ઞામાં એટલેકે નકારાત્મક અભિગમ દ્વારા વિશેષ રીતે અર્થઘટિત કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની ભાવનાનું વિરોધી કે સામ્રાજ્યવાદને પોષક સાહિત્ય, ધર્મો વચ્ચે ઉચ્ચનીચતા અને કલહ જન્માવનાર તેમજ ગુરુશાહી પોષતું સાહિત્ય, એક સમૂહ બીજા સમૂહનું શોષણ કરી શકે એવા આર્થિક વ્યવહારને માન્ય કરનાર સાહિત્ય, સ્ત્રીપુરુષની સમાનતાને માન્ય ન કરનાર, કોમી વાડાઓને ઉત્તેજનાર કે સમાજના કુરિવાજોને ઉત્તેજતું સાહિત્ય – આવું સાહિત્ય પ્રત્યાઘાતી ગણાયું, જે પ્રગતિશીલ સાહિત્યથી વિરુદ્ધનું હોઈ શકે. એક બાજુ સાહિત્યને સાહિત્યેતર દૃષ્ટિથી ન મૂલવનારો પક્ષ છે, તો બીજી બાજુ જીવનદૃષ્ટિએ સાહિત્યની કસોટી કરનારો પક્ષ છે. આ બે પક્ષથી પ્રગતિશીલ વિચારણા જુદી પડે છે. અને કોઈપણ લખાણ ‘સાહિત્ય’ હોવા ઉપરાંત જીવનવિઘાતક નહીં પણ જીવનવિધાયક રહસ્યવાળું હોવું જોઈએ એના પર ભાર મૂકે છે. એની સામે એનો પણ સ્વીકાર કરે છે કે ગમે એટલો પ્રગતિશીલ વિચાર પણ જો કલાતત્ત્વરહિત હશે તો તે ‘સાહિત્ય’ નહીં જ બની શકે. ૧૯૩૬ના જુલાઈની ૫મી તારીખે ગુજરાત યુવક પરિષદની બેઠકના દિવસોમાં અમદાવાદમાં પ્રગતિશીલ સાહિત્ય અંગેનું પહેલું સંમેલન મળ્યું અને એમાં ‘પ્રગતિશીલ સાહિત્યકારોનો સંકલ્પ’ પસાર થયો. આ મંડળે જાહેરસભાઓ, સંમેલનો, સામયિકોમાં ચર્ચા તથા લેખો અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા પ્રગતિશીલ સાહિત્ય અંગે સજગતા ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. ગુજરાતી પ્રગતિશીલ સાહિત્યમંડળ તરફથી ‘સાહિત્ય અને પ્રગતિ’ના ગ્રન્થ-૧ (૧૯૪૦) અને ગ્રન્થ-૨ (૧૯૪૫) પ્રકાશિત થયા છે; જેમાં એ વખતની પ્રગતિશીલ વિચારણાના પ્રભાવ હેઠળ સર્જનચિંતન થયાં એનો કેટલોક આલેખ મળે છે. ચં.ટો.