ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાધારણીકરણ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાધારણીકરણ'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ક...")
(No difference)

Revision as of 12:43, 27 November 2021


સાધારણીકરણ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કાવ્યસ્વરૂપની પ્રક્રિયા સાથે સંકળાયેલો આ મહત્ત્વનો સિદ્ધાન્ત કાવ્યાસ્વાદના પ્રશ્નનું મનોવૈજ્ઞાનિક સમાધાન આપવા પ્રયત્ન કરે છે. આની પહેલી ચર્ચા ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પરની અભિનવગુપ્તની ટીકા ‘અભિનવભારતી’માં મળે છે. રસસૂત્રનાં વિવિધ અર્થઘટનો થયાં એમાં ભટ્ટ નાયકના ભુક્તિવાદનું નોંધપાત્ર પ્રદાન છે. લોલ્લટ અને શંકુક જેવા પૂર્વવર્તી આચાર્યોથી આગળ વધી નાયકે પહેલીવાર સહૃદયની આનન્દમયી અનુભૂતિનું સંતોષકારક વિશ્લેષણ કર્યું છે અને અભિનવગુપ્ત જેવા પરવર્તી આચાર્યના અભિવ્યક્તિવાદ માટેની સધ્ધર ભૂમિકા ઊભી કરી આપી છે. નાયકે રસનિષ્પત્તિ માટે ત્રણ વ્યાપાર સમજાવ્યા છે : અભિધા, ભાવના કે ભાવકત્વવ્યાપાર અને ભોગીકૃતિ. અભિધા જેવો વાચ્યાર્થનો બોધ અલૌકિક અનુભૂતિ આપી ન શકે આથી નાયકે સહૃદયની રસપ્રતીતિ પર પ્રધાનપણે લક્ષ ઠેરવી ભાવના કે ભાવકત્વવ્યાપાર જેવા વિલક્ષણ કવિવ્યાપારની કલ્પના કરી છે. ભાવકત્વવ્યાપાર એટલે સાધારણીકરણ. સાધારણીકરણ એટલે અસાધારણને સાધારણ બનાવવાની પ્રક્રિયા. વ્યાવહારિક જગતની બધી અનુભૂતિઓના મૂળમાં અહંતા કે આત્મકેન્દ્રિક વૃત્તિ હોય છે અને તે રસાનુભવ કરવામાં વિઘ્નરૂપ રહે છે. સાધારણીકરણ દ્વારા કવિએ વર્ણવેલો અર્થસમૂહ સહૃદયચિત્તમાં સ્વગત કે પરગત રહેતો નથી પણ સ્વ-પર-વિકલ્પને અતિક્રમીને સર્વસાધારણભાવે એના ચિત્તમાં ઉપસ્થિત થાય છે અને તેથી સહૃદયની સંકીર્ણ વ્યક્તિતા દૂર થાય છે. દોષના અભાવથી અને ગુણ તેમજ અલંકારસમૂહના યથોચિત સંનિવેશથી આ બધું શક્ય બને છે. આમ નાયકના મત પ્રમાણે ભાવકત્વવ્યાપાર દ્વારા વિભાવાદિ સ્વ-ત્વથી મુક્ત થાય છે અને સાધારણીકરણ સિદ્ધ થાય છે. અભિનવગુપ્તનો અભિપ્રાય એવો છે કે સાધારણીકરણ જેવા જુદા વ્યાપારની જરૂર નથી. એ ‘ભાવ’ના સ્વરૂપની અતંર્ગત જ છે. એટલેકે અભિનવગુપ્તાચાર્ય એક ડગ આગળ વધી વિભાવાદિનું નહીં પણ સ્થાયીભાવનું પણ સાધારણીકરણ સૂચવે છે. પણ સમગ્ર વ્યાપારને સંપ્રજ્ઞાતસ્તરે સ્વીકારતા નથી. ‘ભાવના’ને બદલે ‘વાસના’ સ્વીકારી તેઓ સંપ્રજ્ઞાત પ્રયત્ન વગર પોતાની મેળે જ વિભાવાદિનું સાધારણી સ્વરૂપ બંધાયું હોય છે, એવો અભિપ્રાય ધરાવે છે. આથી એમને ‘સાધારણીકરણ’ કરતાં સાધારણીભવન જેવી સંજ્ઞા વધુ અનુકૂળ છે એવું ડોલરરાય માંકડે ધ્યાન ખેંચ્યું છે. સાધારણી કરાયેલા નહીં પણ સાધારણી બનેલા કે બની ગયેલા વિભાવાદિના અભિવનગુપ્ત હિમાયતી છે. ટૂંકમાં, અભિનવગુપ્તના મતાનુસાર વિભાવાદિના સાધારણી-કરણના ફલસ્વરૂપે સ્થાયીભાવ દેશકાલબંધન અને વ્યક્તિ-સંસર્ગથી મુક્ત બને છે. ચં.ટો.