ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર'''</span> : ભાર...") |
(No difference)
|
Revision as of 12:58, 28 November 2021
ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર : ભારતીય કાવ્યશાસ્ત્ર એટલે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એમ અભિપ્રેત છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં ભરતમુનિનો ‘નાટ્યશાસ્ત્ર’ ગ્રન્થ અત્યારે ઉપલબ્ધ પ્રાચીનમાં પ્રાચીન ગ્રન્થ છે. એ મોડામાં મોડો બીજી સદી સુધીમાં રચાઈ ગયો હતો એમ મનાય છે. યુરોપીય કાવ્યશાસ્ત્રમાં એરિસ્ટોટલનો ‘પોએટિક્સ’ પ્રાચીનમાં પ્રાચીન ગ્રન્થ છે. એ ઈ.પૂ. ચોથી શતાબ્દીમાં રચાયો છે. આમ ભારત અને યુરોપમાં કાવ્યશાસ્ત્રની ચર્ચા ઈસ્વીસનના પ્રારંભ પૂર્વે શરૂ થઈ ગયેલી એમ સ્વીકારવામાં બાધ નથી. સંસ્કૃતમાં છેક સત્તરમી સદીમાં રચાયેલા જગન્નાથના ‘રસગંગાધર’ની વચ્ચે અનેક કાવ્યશાસ્ત્રના મૌલિક સિદ્ધાન્તોના પ્રતિપાદનવાળા ગ્રન્થો રચાયા છે. સત્તરમી સદી પછી કાવ્યચર્ચાના ગ્રન્થો રચાયા તો છે, પરંતુ એમાં મૌલિક વિચારો ખાસ નથી. સંસ્કૃત અને ભારતીય ભાષાઓના સાહિત્યમાં મૌલિક કાવ્યચિંતનની પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ તેની પાછળ રાજકીય-સાંસ્કૃતિક સ્થિતિ કારણભૂત હતી. યુરોપમાં ગ્રીક-રોમન સમયમાં થયેલી કાવ્યવિચારણા મૌલિક ને ધ્યાનાર્હ છે પરંતુ મધ્યયુગીન યુરોપમાં થયેલી કાવ્યવિચારણામાં ખાસ વૈશિષ્ટ્ય નથી. છેક પંદરમી સદી પછી યુરોપમાં ધ્યાનાર્હ કાવ્યચિંતન ફરી શરૂ થયું, જે આજપર્યન્ત અનેક દિશાઓમાં વિસ્તર્યું છે અને અર્વાચીન ભારતીય કાવ્યચિંતનને એણે ઘણું પ્રભાવિત કર્યું છે. પ્લેટો-એરિસ્ટોટલથી ‘અનુકરણસિદ્ધાન્ત’ની ચર્ચા નિમિત્તે કાવ્યની સૃષ્ટિ અને વ્યવહારની સૃષ્ટિ વચ્ચે કેવો અને કેટલો સંબંધ છે તથા કાવ્યસર્જનની પ્રવૃત્તિનું મનુષ્યજીવનમાં શું મહત્ત્વ છે એની ચર્ચા યુરોપીય કાવ્યવિવેચનમાં ભિન્નભિન્ન સંદર્ભે પણ વારંવાર થતી રહી છે. વખતોવખત કાવ્યમીમાંસકોને કાવ્યસર્જનની ઉપયોગિતા સિદ્ધ કરવાની મથામણ કરવી પડી છે. ભારતીય કાવ્યચિંતને ‘નાટ્યશાસ્ત્ર’ના સમયથી કાવ્યની સૃષ્ટિ વ્યવહારની સૃષ્ટિથી ભિન્ન છે એ સમજણ સ્વીકારી લીધી છે. એ બે વચ્ચેના સંબંધની તપાસ એમાં ક્યારેય કેન્દ્રવર્તી બની હોય એ જોવા મળતું નથી. કાવ્યપ્રયોજન નિમિત્તે એણે સર્જકભાવકની દૃષ્ટિએ કાવ્યસર્જનના મહત્ત્વની તપાસ કરી છે પણ એ દિશામાંય કાવ્યનું મહત્ત્વ વ્યવહારજીવનમાં સ્થાપવાની મથામણ એને વખતોવખત કરવી પડી હોય એવું ખાસ જોવા મળતું નથી. સંસ્કૃત કાવ્યમીમાંસાનું બધું ધ્યાન મુખ્યત્વે કાવ્ય પર, અર્થાત્ કાવ્યના અંતરંગ પર કેન્દ્રિત થયું છે. કાવ્ય એ શબ્દનો વ્યાપાર છે. શબ્દની કઈ શક્તિઓ કાવ્યમાં ક્રિયાશીલ બની એને કાવ્યત્વ અર્પે છે એનો વિચાર તેણે ખૂબ કર્યો છે. અલંકાર, ગુણ, રીતિ, ધ્વનિ, વક્રોક્તિ, ઔચિત્ય એ કાવ્યમીમાંસાના બધા સિદ્ધાન્તો આ મથામણમાંથી ઉદ્ભવ્યા છે. પોતાના સમયના સાહિત્યના સંદર્ભમાં થયેલી હોવા છતાં આ વિચારણા એટલી શાસ્ત્રીય, તલસ્પર્શી ને વ્યાપક છે કે કોઈપણ સમયના, કોઈપણ ભાષાના સાહિત્યને મૂલવવા માટે એ ઉપયોગી બને એટલું એનું મૂલ્ય છે. પાશ્ચાત્ય કાવ્યમીમાંસાએ કાવ્યના અંતરંગની ચર્ચા તરફ પ્રારંભકાળથી લક્ષ્ય નથી આપ્યું એમ નહીં, પરંતુ અંતરંગની ચર્ચાને મુકાબલે ક્રમશ : કાવ્યબાહ્ય સંબંધોની તપાસ તરફ એનું ધ્યાન વધારે રહ્યું છે. એટલે કર્તાનાં જીવન, સમય, એ સમયમાં સાંસ્કૃતિક મૂલ્યો ઇત્યાદિનો કાવ્ય સાથે શું સંબંધ એ દૃષ્ટિએ કાવ્યની તપાસ એણે વિશેષ કરી છે. અલબત્ત, વીસમી સદીમાં યુરોપમાં રશિયન સ્વરૂપવાદ, પ્રાહજૂથ, નવ્યવિવેચન, સંરચનાવાદ ઇત્યાદિ સાથે સંકળાયેલી વિચારણાઓ, કાવ્યને એક સ્વાયત્ત પદાર્થ ગણી એના અંતરંગની ચર્ચા તરફ એણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને ઘણી નવી દિશાએથી કાવ્યને કાવ્યની ભાષાને તપાસે છે. યુરોપીય કાવ્યમીમાંસામાં માર્ક્સવાદી વિવેચન સામાજિક ભૂમિકાએથી સમગ્ર કાવ્યપ્રવૃત્તિને તપાસે છે. આ અર્થનિયંત્રિત સમાજમાં પ્રભુત્વ ધરાવનાર એક વર્ગની વિચારધારા, એનાં મૂલ્યો આખા સમાજને પ્રભાવિત કરે છે ને તેને અંકુશમાં રાખે છે. આ અંકુશને ફગાવી દેવા શ્રમજીવીઓનો બીજો વર્ગ સતત પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિની વિચારધારા, એનાં મૂલ્યો સાથે સંઘર્ષમાં રહે છે. કોઈપણ સમાજમાં આવાં પ્રભુત્વ ધરાવનારાં ને તેની સામે વિરોધ કરતાં વિરોધી કે પ્રગતિશીલ બળો વચ્ચે અવિરત સંઘર્ષ ચાલ્યા કરે છે. આ સંઘર્ષશીલ બળોને પારખવા, નવા સમાજ તરફ લઈ જતાં બળો પુરસ્કારાય એ પ્રકારની કૃતિઓ સર્જવી એવી પ્રતિબદ્ધતા માર્ક્સવાદી સર્જનને ચોક્કસ પ્રવાહબદ્ધ બનાવી દે એવી દહેશત છે, પરંતુ પોતે જે સમાજમાં જીવે છે, એ સમાજ પ્રત્યેની એની પ્રતિબદ્ધતા માર્ક્સવાદી ચિંતક સ્વીકારે છે. એટલું જ નહિ, કોઈપણ સર્જક પોતાના યુગનાં મૂલ્યો, એની ધારણાઓ ને અપેક્ષાઓથી ઉપર ઊઠી શકતો નથી. એ પણ માર્ક્સવાદી ચિંતનની બીજી મહત્ત્વની ભૂમિકા છે. કાવ્યપ્રભેદોની ચર્ચા સંસ્કૃત ને યુરોપીય બન્ને કાવ્યમીમાંસામાં થયેલી જોવા મળે છે, પરંતુ યુરોપીય કાવ્ય-વિવેચન વ્યાપક પ્રકારોથી વધારે સૂક્ષ્મતામાં ઊતરતું નથી. એને મુકાબલે કાવ્યના અંતરંગ પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્કૃત કાવ્યમીમાંસાએ વિવિધ દૃષ્ટિએ કાવ્યના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભેદો પાડ્યા છે. ભાવક દૃષ્ટિએ નાટકના સંદર્ભે થયેલી રસવિચારણા સંસ્કૃત કાવ્યમીમાંસાનું ઉજ્જ્વળ પ્રકરણ છે. કઈ પ્રક્રિયાથી કાવ્યાનુભવ રસાનુભવ બને છે, ભાવકને થતા એ અનુભવ વખતે ભાવકચિત્તનું કેવું સ્વરૂપાન્તર થાય છે એની સમર્થ ચર્ચા સંસ્કૃત કાવ્યમીમાંસામાં થઈ છે. એરિસ્ટોટલના ‘પોએટીક્સ’માં કેથાર્સિસનો ખ્યાલ ભાવકલક્ષી છે પરંતુ એની કોઈ તાત્ત્વિક ચર્ચા એરિસ્ટોટલે કરી નથી. એટલે એનો અર્થ અનુમાનપ્રેરિત છે અને તે પણ સંસ્કૃત કાવ્યમીમાંસાના રસાનુભવના ખ્યાલથી ઘણો ભિન્ન છે. અનુઆધુનિક યુરોપીય કાવ્યમીમાંસામાં ભિન્ન રીતે ભાવક દ્વારા થતા અર્થગ્રહણના પ્રશ્નને વિચારે છે.સંસ્કૃત કાવ્યમીમાંસાએ ભાવમય અર્થને કાવ્યનું પ્રાણભૂત તત્ત્વ સ્વીકાર્યું છે તે ખ્યાલ યુરોપીય કાવ્યમીમાંસામાં નથી. કાવ્યસર્જનના હેતુઓની ચર્ચા કાવ્યમીમાંસામાં થઈ છે. સંસ્કૃત કાવ્યમીમાંસાઓ પ્રતિભાને કાવ્યસર્જનનો મુખ્ય હેતુ માને છે, પરંતુ અભ્યાસનિપુણતાનું મૂલ્ય એટલું જ આંક્યું છે અને કેટલાક આલંકારિકોએ તો અભ્યાસનિપુણતાથી પણ કાવ્યસર્જન શક્ય છે એવી વાત સ્વીકારી છે. યુરોપીય કાવ્યમીમાંસામાં કલ્પનાનો સિદ્ધાન્ત પ્રતિભાના ખ્યાલની ઠીકઠીક નજીક છે, પરંતુ એ સિવાય કવિનો યુગ એ પણ કાવ્યનિર્માણમાં પ્રભાવક તત્ત્વ છે, એ વાત યુરોપીય કાવ્યમીમાંસામાં સ્વીકારાઈ છે. સંસ્કૃત કાવ્યમીમાંસામાં એની વાત નથી. અભ્યાસનિપુણતાનો સ્વીકાર તો યુરોપીય કાવ્યમીમાંસાએ પણ એક યા બીજા રૂપે કર્યો છે. જ.ગા.