ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મધ્યકાલીન કૃતિઓમાં કર્તૃત્વની સમસ્યાઓ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મધ્યકાલીન કૃતિઓમાં કર્તૃત્વની સમસ્યાઓ'''</span> : મધ્...") |
(No difference)
|
Revision as of 16:06, 28 November 2021
મધ્યકાલીન કૃતિઓમાં કર્તૃત્વની સમસ્યાઓ : મધ્યકાલીન સાહિત્યની કૃતિઓમાં બહુધા કૃતિને અંતે એના રચયિતાની નામછાપ અવશ્ય હોય છે. આ નામછાપ કર્તૃત્વનો નિર્દેશ કરે છે. બહુધા આવી નામછાપને અધિકૃત અથવા કર્તાના સમયની નજીકના સમયમાં જ નકલ કરાયેલી રચનાસંવત દર્શાવતી હોય તેવી પ્રાચીન હસ્તપ્રતોમાં જો નામછાપનો નિર્દેશ હોય તો જ એને અધિકૃત કર્તૃત્વ માનવાનું વલણ શાસ્ત્રીય પદ્ધતિમાં સ્વીકૃત કરવામાં આવેલું છે. ‘નરસૈ મહેતાકૃત પદો’ – સંપાદક કે. કા. શાસ્ત્રી – માં સૌથી વધુ જૂની ગણાતી હસ્તપ્રતના આધારે પદોને સંપાદિત કરાયાં છે. એમાં નરસિંહ મહેતાની નામછાપવાળી તત્ત્વદર્શી-જ્ઞાનમાર્ગી રચનાઓ સ્થાન પામી નથી. અર્થાત્ તત્ત્વદર્શી પદરચનાઓમાં નરસિંહની નામછાપ છે એથી એને નરસિંહનું કર્તૃત્વ માની લેવામાં શાસ્ત્રીય પદ્ધતિમાં સ્વીકૃતિ મળતી નથી. પાછળથી કોઈએ નરસિંહના નામછાપ-નિર્દેશવાળાં પદો રચેલાં હોવાની સંભાવના પૂરાં તાર્કિક કારણો સાથે કરવામાં આવે છે. ‘ભાલણનાં પદો’માં સંપાદક જેઠાલાલ ત્રિવેદીએ પોતે ભાલણના નામે રચીને એક પદ પ્રસ્તુત કરેલ છે. આ બાબત જેઠાલાલ ત્રિવેદીએ અન્યત્ર કરેલા ખુલાસાને કારણે પકડી શકાઈ. અન્યથા પદને અંતે ભાલણની નામછાપ હોવાને કારણે કૃતિનું કર્તૃત્વ ભાલણનું જ માનીને એને આધારે ભાલણની કવિપ્રતિભાનો પરિચય કરાવવામાં આવ્યો હોય એ સ્વાભાવિક છે.
લિખિત પરંપરાની રચનાઓની કર્તૃત્વની સમસ્યાઓ ઉપરાંત મૌખિક પરંપરાની રચનાઓની કર્તૃત્વની અનેક સમસ્યાઓ જોવા મળે છે. કોઈની કૃતિ કોઈ અન્યના નામે નિર્દેશ કરવાનું વલણ પણ વિશેષ પ્રમાણમાં દૃષ્ટિગોર થાય છે. મૂળદાસ, ભોજો, મોરારસાહેબ, દાસી જીવણ ઇત્યાદિની રચનાઓ કોઈ અન્યના નામે પ્રચલિત હોય એવાં ઘણાં ઉદાહરણો મળે છે. નામછાપ લુપ્ત થાય અને કૃતિ લોકગીતનું ઉદાહરણ બની ગઈ હોય એવાં ઉદાહરણો પણ ઘણાં છે. ગેમલજીનાં પદો લોકસાહિત્યના મણકામાં બરડાનાં લોકગીતો તરીકે ઉદાહૃત થયેલાં છે. કર્તૃત્વની બીજી એક સમસ્યા અજ્ઞાત કર્તૃત્વવાળી રચના કે લોકગીતની રચનાને કોઈ કર્તાનું નામ અપાયાની પણ પ્રચલિત છે.
કર્તૃત્વની સમસ્યામાં અન્ય નિર્દેશને કર્તાનામ તરીકે નિર્દેશાયા હોવાનાં પણ ઘણાં ઉદાહરણો ઉપલબ્ધ છે. ઇન્દ્રાવતી એ પ્રણામી સંપ્રદાયની સાધનાની એક અવસ્થાના નિર્દેશ રૂપે રચનામાં પ્રયોજાયેલ સંજ્ઞાને સ્ત્રીકવિ તરીકેની નામછાપ તરીકે સ્વીકારવામાં આવેલી. હકીકતે એમાં પ્રાણનાથ સ્વામીનું કર્તૃત્વ છે, પણ એ આમ ઇન્દ્રાવતી નામની કવયિત્રીની રચના તરીકે સ્થાનમાન પામી.
કર્તૃત્વની સમસ્યામાં ધ્યાનમાં લેવા જેવું બીજું એક મહત્ત્વનું ઉદાહરણ એકસરખાં નામો અને આંશિક સામ્ય અંગેનું છે. વિષ્ણુદાસ નામધારી બે–ત્રણ કવિઓ હોવાને કારણે કોઈએક વિષ્ણુદાસનું કર્તૃત્વ અન્ય વિષ્ણુદાસના નામે ચડી ગયાનાં ઉદાહરણો છે. એવી જ રીતે દાસી જીવણ, જીવણસાહેબ, જીવણ અને જીવણદાસ એ ચારમાંથી પ્રથમ ત્રણ એક જ છે પણ અલગ કર્તા તરીકે અનેક સ્થાને એમનો નિર્દેશ કરાયો છે. જ્યારે જીવણદાસ તો અખાની પરંપરાના એક જુદા જ કવિ છે. પણ આંશિક સામ્યને કારણે એમની રચનાઓ દાસી જીવણ ને દાસી જીવણની રચનાઓ જીવણદાસના નામે ઉદાહૃત થતી રહી.
કર્તૃત્વની સમસ્યામાં કર્તાનામ મૂકવાની વિવિધ રીતિઓની જાણકારી અભાવે પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. મધ્યકાળમાં પંક્તિ અંતર્ગત ઢાળ, રાગ, છંદોબંધને અનુકૂળ રીતે કર્તાનામ મૂકવાનું વલણ હતું, એ રીતે ક્યારેક માત્ર ઋષભ હોય, ક્યારેક ઋષભજી હોય, ક્યારેક ઋષભદાસ કે દાસઋષભ એમ ઉલ્લેખ હોય પણ એ બધાને અલગ કર્તા માની લેવામાં આવ્યાનાં ઉદાહરણો મળે છે. આવી જ બીજી એક પરંપરા ગુરુનામને કર્તાનામ સાથે સાંકળવાના વલણની છે. આવાં ઉદાહરણોમાં કર્તાને વિષયસામગ્રી, ગુરુસ્થાનસંદર્ભ કારણભૂત હોય અન્યથા ગુરુનામને સાંકળીને કર્તા પોતાનો નામનિર્દેશ પણ કરે, જેમકે વીરવિજય અને ઉદ્યોતસાગર નામના કર્તાએ એમના ગુરુનામને ગૂંથી લઈને પણ નિર્દેશ કરીને જ્ઞાનઉદ્યોત કે શુભવીર નામથી કૃતિમાં નિર્દેશ કર્યો હોય તો એમને અલગ કર્તા માનવા ન જોઈએ પણ જ્ઞાનસાગર શિષ્ય ઉદ્યોતસાગર તથા શુભવિજય શિષ્ય વીરવિજય નામના કર્તાની જ ગુરુને સાંકળીને નામછાપનિર્દેશતી કૃતિ તરીકે એને સ્વીકારવી જોઈએ.
કર્તૃત્વની સમસ્યાઓ મધ્યકાલીન કૃતિઓમાં વિશેષ છે. અર્વાચીન કૃતિઓમાં પણ કર્તૃત્વની સમસ્યાઓ બે-ત્રણ સંદર્ભે ધ્યાનમાં આવી છે. છદ્મનામને કારણે જે સમસ્યા ઉપસ્થિત થાય છે તે અત્યંત મહત્ત્વની છે. સુરેશ દલાલ પોતાના સામયિકમાં ‘કિરાત વકીલ’ જેવા ઉપજાવી કાઢેલા છદ્મનામથી રચના પ્રકાશિત કરે અને છદ્મનામને કર્તા તરીકે સ્વીકારવામાં આવ્યાનાં ઉદાહરણો છે. બટુભાઈ ઉમરવાડિયાએ ‘કિશોરીલાલ શર્મા’, ‘સુંદરરામ ત્રિપાઠી’ જેવાં છદ્મનામથી નાટકો રચેલાં. બટુભાઈનાં બીજાંય ઘણાં છદ્મનામો હશે. એ કારણે મૂળ કર્તાની કૃતિઓનો ખરો અંદાજ ન આવે અને છદ્મનામ કર્તા તરીકે પ્રચલિત બને. ‘કવિતા’માં હરિવલ્લભ ભાયાણીનાં કાવ્યો ‘ડોલરદેવ’, ‘શુકદેવ’ જેવા છદ્મનામથી પ્રકાશિત થતાં કે રાજેન્દ્ર શાહની ગઝલરચનાઓ ‘રામવૃન્દાવની’ના છદ્મનામથી ‘કવિલોક’ માં પ્રકાશિત થઈ ત્યારે મૂળ કર્તાનો ખ્યાલ ન આવે, ગ્રન્થસ્થ થાય ત્યારે ખ્યાલ આવે કે આ ‘ડોલરદેવ’ અને ‘રામવૃંદાવની’ તો હરિવલ્લભ ભાયાણી અને રાજેન્દ્ર શાહ હતા. પણ ત્યાં સુધી તો પ્રવાહદર્શનમાં ઉદાહરણ રૂપે છદ્મનામો પ્રચલિત થઈ ગયાં હોય.
તખલ્લુસ સંદર્ભે પણ કર્તૃત્વની સમસ્યાનાં અર્વાચીન સાહિત્યમાં અનેક ઉદાહરણો મળે છે. ‘એક ગ્રેજ્યુટ’ તખલ્લુસ મોહનલાલ દલીચંદ દેસાઈનું હતું અને ‘લલિતાદુઃખદર્શક’ નાટકનું આવા તખલ્લુસથી ‘સમાલોચક’માં અવલોકન થયેલું એ કારણે એને ડૉ. ધીરુભાઈ ઠાકરે મોહનલાલ દલીચંદ દેસાઈને નામે ઉદાહૃત કર્યું. પછી જયંત કોઠારીને ખ્યાલ આવ્યો કે મોહનલાલ દલીચંદનું તખલ્લુસ ‘એક ગ્રેજ્યુએટ’ હતું. પણ આવા પ્રકારનાં લખાણો એમણે કર્યાનો કોઈ આધાર નથી. એટલે જન્મવર્ષને આધારે મોહનલાલ દલીચંદ દેસાઈનું ગ્રેજ્યુએટ થયાનું વર્ષ અને અવલોકન છપાયાનું વર્ષ મેળવતાં ખ્યાલ આવ્યો કે મોહનલાલ દલીચંદ દેસાઈ એ વર્ષે ગ્રેજ્યુએટ થયા ન હતા. આમ અન્ય તખલ્લુસધારી કર્તાની કૃતિ એવા જ તખલ્લુસવાળા અન્યકર્તાના નામે ઉલ્લેખ પામી.
‘જયવિજય’ તખલ્લુસથી છપાયેલાં નવલરામ પંડયાનાં કાવ્યો ઉમાશંકર જોશીએ બાલાશંકર કંથારિયાના નામે ‘કલાન્ત કવિ’ મૂકી દીધેલાં. ‘ભારતભૂષણ’ તખલ્લુસથી છપાયેલી કાન્તની રચના પણ ઉમાશંકર જોશીએ ‘કલાન્ત કવિ’માં મૂકી દીધેલી. હકીકતે એ રચના ‘અદ્વૈત’ શીર્ષકથી ‘પૂર્વાલાપ’માં પ્રકાશિત થઈ હતી. આમ તખલ્લુસ સંદર્ભે કર્તૃત્વની સમસ્યાનાં ઉદાહરણો અર્વાચીન સાહિત્યમાં પણ મળે છે.
બ.જા.